પ્રકરણ 2
"હેય ગુડ મોર્નિંગ રુદ્ર" અવિનાશે રૂમમાં પ્રવેશતા કહ્યું,તે સ્નાન કરીને અત્યારે જ રૂમમાં પ્રવેશ્યો હતો.
"ગુડ મોર્નિંગ અવિ" રુદ્રએ જે બૂક વાંચી રહ્યો હતો તેમાંથી નજર ઉંચી કરી કહ્યું.તે નાહી ધોહીને ક્યારનો તૈયાર થઈ ગયો હતો.
"શુ કેમેસ્ટ્રી વાચી રહ્યો છું?" અવિનાશે તેના કપડાં પહેરતા કહ્યું.
"અરે નહિ નહિ! આટલી સવારમાં જો હું કેમેસ્ટ્રી વાંચીશ તો મારા મગજમાં કેમિકલ લોચા થઈ જશે,તેના અણવીય,સંયોજક અને ધાત્વિય બોન્ડ વચ્ચે મારા બોન્ડ બગડી જશે અને તેના મિથેન,ઈથેન,પ્રોપેન,બ્યુટેન,પેન્ટનના કાર્બન હાઇડ્રોજન યાદ કરવામાં મારુ ગણિત ગોટે ચડી જશે" રુદ્રએ એકશ્વાસે કહ્યું.
"અરે અરે બસ બસ તું સાચે જ સાઇન્સ થી પરેશાન લાગે છે પણ તારે વાંચવું તો પડશેને આજે પેલો બુસો આખું ફીનોલ પૂછવાનો છે" અવિએ કહ્યું.
"હા હા પણ એ તો હું બપોર પહેલા જોઈ લઈશ" રુદ્રએ કહ્યું.
"તું વાંચી શુ રહ્યો છે એ તો કીધું નહીં" અવિએ કહ્યું.
રુદ્રએ તે બુક ઉંચી કરી અને અવિનાશ સામે કરી.તેના પર લખેલું હતું 'એન ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર- બેંઝામીન ગ્રહામ'. "ઓહ હો તું અત્યારે પણ શેર માર્કેટમાં જ ઉલજેલો છું યાર હવે બે વર્ષ માટે મૂકી દે પછી આખી જિંદગી પડી છે આ બધી વસ્તુઓ માટે" અવિએ કહ્યું.
"અરે પણ આ ક્યાં ટાઈમ ટેકિંગ છે આને તો મજા આવે એ સમયે કરી શકો લાઈક અત્યારે હું કરું છું" રુદ્રએ કહ્યું.
"તું સાચો છું પણ જ્યારે પૈસા ડૂબી જાય ત્યારે આઘાતમાંથી બહાર આવતા પંદર દિવસ થશે તેનું શું?" અવિએ કહ્યું.
રુદ્રને તેની વાત સાંભળીને હસવું આવી ગયું તે તેના છેલ્લા મહિનાની બધી પોકેટમની ગુમાવી ચૂકયો હતો છતાં તેને પોતાનામાં કોઈ ખાસ બદલાવ કે સેલ્ફ રિગ્રેટનો ભાવ આવ્યો નહોતો.તેને અવિનાશ સાથે ખોટી દલીલમાં ઉતરવામાં તેને કોઈ રસ નહોતો.આથી તે બોલ્યો "તારી વાત સાચી છે બટ મને આમા રસ છે સો થોડું થોડું જાણવામાં કોઈ બાધા નથી,ચલ મારી વાત જવા દે તારો શુ પ્લાન છે?" રુદ્રએ પૂછ્યું.
"અરે મારી તો તને ખબર જ છે ને એઇમ્સમાં એડમિશન લેવું અને જો ના પણ મળે તો એમ.બી.બી.એસમાં એડમિશન લઈને મહિનાનો બે ચાર લાખ પગાર તો થઈ જશે બસ લાઈફ સેટ છે" અવિનાશે કહ્યું.
"અરે મારા રાજા બેટા હું તને તારા લાઈફ ગોલનું નથી પૂછતો તે જગજાહેર છે તે તારું આખું ટેબલ તેનાથી ચીતરી નાખ્યું છે હું તને આજ આખા દિવસનો કઈ પ્લાન છે કે નહિ એનું પૂછું છું" રુદ્રએ પૂછ્યું.
"અચ્છા એમ,ના એમાં પ્લાન શુ હોય? બપોર સુધી કેમેસ્ટ્રી વાંચીશ અને બપોરે સ્કૂલ" અવિનાશે કહ્યું.
"અચ્છા અચ્છા પણ તે આ બે ચાર લાખ પગારની વાત કરી તો એના કરતાં તું કોઈ ગામડે દવાખાનું નાખ તો એ લોકોના પણ જીવન સુધરે હા પૈસા થોડા ઓછા મળશે પણ તેના બદલામાં ખુશી અને આશીર્વાદ બન્ને મળશે" રુદ્રએ કહ્યું.
"આર યુ મેડ યાર..ગામડે ફક્ત પૈસા ઓછા નહીં પણ ત્યાં રહેવું પણ પડે,ત્યાં જઈએ એટલે પાણી,રસ્તા,ખાનપાન,પાર્ટીઝ બધા સાથે કોમ્પરોમાઇસ કરવું પડે અને હું કાંઈ કોમ્પરોમાઇસ કરવા માટે તો આ આટલા પૈસા ભરીને સાઇન્સ અને ભવિષ્યમાં એમ.બી.બી.એસ નથી કરવાનોને હું તો વિચારું છું કે મુંબઈ અથવા યુ.કે શિફ્ટ થઈ જાવ" અવિએ જવાબ આપ્યો.
તેનો જવાબ રુદ્રને ખરેખર ગમ્યો નહોતો પણ તેને હમેશાની જેમ દલીલથી દુર રહેવાનું નક્કી કરી,અવિનાશને કોઈ જવાબ આપ્યા વગર ફરી વાંચવા લાગ્યો અને અવિનાશ પણ પોતાના વાંચન કાર્યમાં જોતરાયો.
રુદ્રએ લગભગ દોઢેક કલાક તે બુક વાંચી હશે ત્યારે દિયાનો કોલ આવ્યો.રુદ્રને એમ પણ હવે આંખ દુઃખવા આવી હતી તે નાના બ્રેક માટે વિચારતો જ હતો,ત્યાં જ દિયાનો કોલ આવ્યો હતો.
"હા બોલ દિયા શુ થયું?" રુદ્રએ પૂછ્યું.
"અરે તું જે કાલે કહી રહ્યો હતો એ ચાર્ટ પેટર્ન અત્યારે ચાર્ટ પર બની રહી છે" દિયાએ કહ્યું.
"દિયા હવે એનો કોઈ મતલબ નથી,ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસા જ નથી" રુદ્રએ કહ્યું.
"ઓકે,બટ ખાલી સ્ટડી તો કર ભવિષ્યમાં કામ આવશે" દિયાએ કહ્યું.
"હા એ તો હું કરીશ જ અને હા આજે નહિ તો કાલે પૈસા તો આવશે જ " રુદ્રએ કહ્યું.
"ઓહ કમોન તું આખો દિવસ રાત પૈસા વિશે જ વિચારે છે?" દિયાએ પૂછ્યું.
"હા વિચારવું જ પડશે ને હું વિચારું છું કે ત્રીસની ઉંમર બાદ હું કામ નહીં કરું,ફાઇનાન્સિયલ ફ્રીડમ"રુદ્રએ કહ્યું.
"હા એના માટે તો અત્યારથી જ વિચારવું પડે તું મહેનત કર્યા કર કદાચ તેથી વહેલો પણ એ સ્ટેજે પહોંચી જા" દિયાએ કહ્યું.
"કોને ખબર એક મહિનામાં પણ પહોંચી જાવ"રુદ્રએ હસતાં હસતાં કહ્યું.
"બસ હવે ખયાલી પુલાવ પકવવાના બંધ કર અને મને એ કે ફાઇનાન્સિયલ ફ્રી થઈને તું કરીશ શુ?"દિયાએ કહ્યું.
"ઘણા પ્લાન છે બટ મેજરલી હું એક એન.જી.ઓ ખોલવા માગું છું આખો પ્લાન પછી ક્યારેક ફુરસદમાં કહીશ." રુદ્રએ કહ્યું.
"તો ચાલ બેસ્ટ ઓફ લક એન્ડ મળીયે કલાસમાં" દિયાએ કહ્યું અને ફોન મુક્યો.
આ બધી વાત અવિનાશ સાંભળી રહ્યો હતો તેને કહ્યું " રુદ્ર આ ફાઇનાન્સિયલ ફ્રીડમ શુ છે?"
"અરે યાર સિમ્પલ છે જે સ્ટેજ પછી તમેં પૈસા માટે કામ ન કરો પણ પૈસા તમારા માટે કામ કરે એ સ્ટેજ,ઈનફેક્ટ તમારા મહિનાનો ખર્ચો કોઈ કામ કર્યા વગર પણ નીકળી જાય તે" રુદ્રએ કહ્યું.
"શુ કાઈ પણ બોલે છે,એવું થોડું થાય અને જો એટલા પૈસા આવી જાય તો માણસ કામ શુ કામ કરે?" અવિનાશે કઈક ગુંચવાતા કહ્યું.
"જે લોકો કામ છોડવા માટે જ ફાયનસીયલી ફ્રી થવા માંગે છે તે એમ પણ નથી થઈ શકતા" રુદ્રએ કહ્યું.
"અરે પણ તે જ કહ્યુંને કે પૈસા માટે કામ ન કરવું પડે" અવિનાશે દલીલ કરી.
"અરે બધા કામો પૈસા માટે જ નથી હોતા દોસ્ત" રુદ્રએ કહ્યું.
"ફોર એક્ઝામ્પલ તું એન.જી.ઓનું કહેતો હતો એ? હાહાહા સાયન્સનો સ્ટુડન્ટ એક સમાજસેવક બનશે" અવિનાશે જોર જોરથી હસીને કહ્યું.
"હા તો એમાં હસવા જેવું શુ છે?" રુદ્રએ સહેજ તીખી નજરે જોતા કહ્યું.
"ના પણ એના માટે તો તારે સાવ સાદી જિંદગી જીવવી પડશે, તું ટેંશન ન લે ભવિષ્યમાં કોઈ પણ ફાયનાસીયલ હેલ્પની જરૂર હોય મને કહેજે,એકાદ લાખની સહાય તો હું જ કરી દઈશ" અવિનાશે હસતા હસતા કહ્યું.
રુદ્રને તેની સાથે વાત કરીને ગુસ્સો ચડી રહ્યો હતો તે મનોમન જ બબડયો " એક દિવસ તારા વર્ષની ઇન્કમ કરતા મારા ટેક્સની રકમ વધી જશે " પણ તે સવાર સવારમાં ગુસ્સે થવા માંગતો નહીં એટલે તેને ફક્ત થેન્ક્સ કહી બુક લઈ એક બીજા રૂમમાં ચાલ્યો ગયો.
****
"ઑય રવિ કેમ છો ગુડ મોર્નિંગ" રુદ્રએ રૂમમાં પ્રવેશતા જ કહ્યું. રવિ રૂમમાં એકલો રહેતો.હકીકતમાં તેના થોડા ડેલીકેટ સ્વભાવને કારણે તેને કોઈ સાથે ફાવતું નહીં.તે નાનીથી નાની વાત તેના મગજ પર અસર કરી જતી.તે એક અસાધારણ કેટેગરીનો સ્ટુડન્ટ હતો તે કલાસમાં ત્રીજા ચોથા ક્રમે રહેતો,આથી તે રુદ્રની હરોળનો વિદ્યાર્થી હતો એમ કહી શકાય.તે કોઈ સાથે ખોટી દલિલમાં માનતો નહી.આથી જ રુદ્રને તેનો આ સ્વભાવ ગમતો.તે ઘણીવાર રવિ સાથે બેસતો.
"આવ આવ રુદ્ર બેસ" રવિએ કહ્યું. રુદ્ર તેની બાજુમાં બેઠો અને કહ્યું. "કહે કેવી ચાલે છે સ્ટડી?
"યાર શુ કહું બહુજ સ્ટ્રેસ છે મમ્મી પપ્પા તો કહે છે કે તારાથી જેટલું થાય એટલું કરજે પણ મને લાગે છે મારી આટલી મહેનેતે મને એઇમ્સ નહિ મળે" રવિએ કહ્યું.
"અરે યાર ડોન્ટ વરી મળી જશે તું શું કામ ચિંતા કરે છે આટલી બધી, બધું સારું જ થશે"રુદ્રએ તેને સાંત્વના આપી અને પછી બન્ને પોતપોતાની બુકો વાંચવા લાગ્યા.રવિ વધારે વાતો કરતો નહિ,રુદ્રને પણ વાતોમાં સમય બગાડવો ગમતો નહિ,દરેક લોકો પોતપોતાના સ્વભાવને આધીન હોય છે જે એક અવિચલિત,અચલિત અને સંપૂર્ણ અનઈચ્છનીય વલણ ધરાવે છે,વ્યક્તિ પ્રત્યક્ષ રીતે તેનું ભાન રહેતું નથી જો તેને ખૂબ વધારે અવલોકિત કરવામાં આવે તો જ પોતાના મૂળ સ્વભાવને સમજી શકે છે.
******
રુદ્ર અને દિયા કલાસમાં સાથે બેઠા હતા એટલી જ વારમાં બિપિન સર કલાસમાં પ્રવેશ્યા ,જેમને કોઈ બિપિન સરના નામથી ઓળખતું નહિ બધા 'બુસાસર' જ કહેતા.ઘણા લોકો સરનું માનવચક વિશેષણ પણ હટાવી લેતા.તેમની ઉંચાઈ લગભગ સાડાપાંચ ફૂટની હતી અને તેમનો લગભગ આખું મોઢું દાઢી અને મૂછથી ઢંકાયેલું રહેતું.તે લગભગ પાંત્રીસેક વર્ષના હતા પણ કદાચ જીવનના થપેડા વધારે ખાવાથી પાંચ-દસ વર્ષ મોટા જ લાગતા.
તેમને પ્રશ્ન પુછવાના શરૂ કર્યા.લગભગ બધા વિદ્યાર્થીઓએ ઠીકઠાક જવાબ આપ્યા એટલે સંતુષ્ટ થયા હોય એમ ભણાવવનું શરૂ કર્યું.તેમને ભણવા પહેલા બોર્ડ પર કરિયર ગાઈડન્સનું લેબલ માર્યું,અને બોલવાનું શરૂ કર્યું "સો સ્ટુડન્ટસ આજે પ્રિન્સિપલના કહેવા મુજબ દરેક લોકો તમને કરિયર ગાઈડન્સ આપશે જેમકે જરૂરી નથી કે બી ગ્રુપ લીધું છે તો તમે ડોકટર જ બની શકો.જેમ કે મારા ભાગમાં કરીયર ઓપશનનો ટોપિક આવ્યો છે તો હું તમને એ વિશે કહું. જો આમતો નીટમાં બાયોલોજીનું વેઈટેજ વધુ છે આથી તમે એ જ વધારે તૈયાર કરતા હશો.તેના પરથી તમે એગ્રિકલ્ચર,ફાર્મસી, ફિશરીશ,બાયોટેક જેવી વિવિધ શાખાઓ છે એ ઉપરાંત આપડા કેમેસ્ટ્રીમાં તમે કોઈ સાયન્ટિસ્ટ બની શકો છો એ સિવાય તમે ફિઝિકસ ભણી એસ્ટ્રેનોડ બની શકો છો ઉપરાંત...." આમ બુસા સરનું ભાષણ લગભગ અડધી કલાક ચાલ્યું,બધા ધ્યાનથી સાંભળી રહયા હતા તેમને ટાઈમપાસ થઈ રહ્યો હતો.કેમકે ઘરેથી મેડિકલ ફિલ્ડ મળ્યા વગર તેઓને ડોક્ટરથી સંબોધવાનું શરૂ કરું દીધું હતું.આથી બીજું કઈક કરવાનો તો સવાલ જ નહોતો.બુસા સર અટક્યા અને ફરી બોલ્યા "સો હું જાણવા માંગુ છું કે તમે લોકો શુ બનવા માંગો છો? ચલો અહીંથી શરૂઆત કરો"
વારાફરતી બધા ઉભા થયા તેમાંથી મોટાભાગના લોકો ડોકટર જ કહી રહ્યા હતા.તો કોઈ ગાયનેકોલોજિસ્ટ, ઓર્થોપેડિક, ન્યુરોસર્જન જેવી વિવિધ સ્પેશિયાલીટી સાથે કહી રહ્યાં હતાં.જ્યારે દિયાનો નમ્બર આવ્યો ત્યારે તેને કહ્યું "સર મારે તો પોતાનો બિઝનેસ કરવો છે,હજી કઈ ખાસ વિચાર્યું નથી પણ બનવું તો મારે બિઝનેસવુમન જ છે" દિયા સ્ટોકમાર્કેટ કહેવાના મૂડમાં હતી પણ તે તેમ ન બોલી તેની પાછળનું કારણ હતું.એક ટિપિકલ સાયન્સ ટીચરને એ સમજાવવું મુશ્કેલ હતું.
"બેટા તો તારે કોમર્સ કરવું જોઈએ ને?" બુસા સર બોલ્યા.
"યા રાઈટ પણ પેરેન્ટ્સ તો માનવા જોઈને!"
" એ તો જગજાહેર સમસ્યા છે.એની વે બેસ્ટ ઓફ લક ફોર ધ ફ્યુચર ચાલો નેકસ્ટ કોણ છે?"
રુદ્ર ઉભો થયો અને બોલ્યો "સર મારે તો સ્ટોકમાર્કેટમાં જ ફ્યુચર બનાવવું છે"
રુદ્રની વાત સાંભળી લગભગ આખો કલાસ હસ્યો,અને પાછળથી ઘણા સ્ટુડન્ટે જુગારીની બૂમ પણ પાડી.રુદ્રને તેનાથી કોઈ ખાસ ફર્ક ન પડ્યો. "અહીંયા મજાક થઈ રહી છે,અહીં કરિયરની વાત ચાલે છે,સટ્ટો જુગાર એ બધી વસ્તુ અલગ છે" બુસાસરે કડક અવાજમાં કહ્યું.
"બટ સર સ્ટોકમાર્કેટમાં ફ્યુચર કેમ ન હોય શકે? ઘણા લોકો સક્સેસ થયા છે?" રુદ્રએ કહ્યું
"જો બેટા જુગાર એક એવી વસ્તુ છે જે કોઈને કોઈ દિવસ સફળ થવા દેતી નથી,જે સક્સેસ થયા છે તે તેમનું નસીબ છે. સો બેટર છે કે તું કોઈ સારો ડોકટર બને તારા માર્ક્સ સારા છે થોડી મહેનત કરે તો ગવર્મેન્ટ કોલેજ મળવી કોઈ મુશ્કેલ નથી"
"બટ સર..."રુદ્રને અડધે અટકાવી બુસાસર બોલ્યા "બસ હવે આ ટોપિક પર ચર્ચા નહિ ચાલો નેક્સ્ટ કોનો ટર્ન છે"
***