બેભાનીની અવસ્થામાંથી શિવાંગ બહાર ખેંચાઈ આવ્યો...તે પોતાની જગ્યા ઉપરથી સફાળો ઉભો થઇ ગયો અને માધુરીના ગાલને સ્પર્શ કરવા લાગ્યો અને તેને કહેવા લાગ્યો, "ક્યાં ચાલી ગઈ હતી તું મને છોડીને... હવે અમને છોડીને ક્યાંય ન જતી અને આ જો..આ જો..આ તારી દીકરી છે..પરી તે ચોવીસ વર્ષની થઈ ગઈ છે...જો તે બિલકુલ તારા જેવી જ લાગે છે..તારો જ અંશ..."
શિવાંગ જાણે પાગલની માફક માધુરીની સૂઝ બૂજને ઢંઢોળી રહ્યો હતો...તેને માટે તો આ તેની તપશ્વર્યાનો અંત હતો.. તેની વર્ષો જૂની ખેવના આજે પૂર્ણ વિરામના મુકામે પહોંચી હતી...તેની ખુશી આજે આકાશને આંબી ગયો હોય તેટલી હદે પહોંચી ગઈ હતી...શું કરવું અને શું ન કરવું તે તેની સમજની બહાર હતું...આજે તે કોલેજમાં ભણતો યુવાન અને માધુરીનો પ્રેમી બની ગયો હતો...
પરંતુ માધુરી કોઈ પ્રતિક્રિયા નહોતી આપી રહી...
અને એટલામાં દરવાજા ઉપર કોઈ આવીને ઉભું રહ્યું હતું જે આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત પણ હતું અને ખૂબ ખુશ પણ હતું....
તેની પરીના આ પાગલપનને જોવાની ઝંખના જાણે આજે તૃપ્ત થઈ હતી...
તેનું એ સમજવું મુશ્કેલ હતું કે આ સ્વપ્ન છે કે હકીકત..?તે દોડીને પોતાના શિવાંગ અને પરીની પાસે પહોંચી ગઈ...અને ભાવવિભોર થઈને બંનેને વળગી પડી...પરીએ અને શિવાંગે બંનેએ એકસાથે તેની સામે જોયું અને શિવાંગ આશ્ચર્ય સાથે બોલી ઉઠ્યો કે, "ક્રીશા તું.. અહીંયા..??"
"હા, મને મારી લાડલી પરીનો જ ફોન આવ્યો હતો અને તેણે મને તમે વધારે પડતો સ્ટ્રેસ ન લો માટે જ અહીંયા આવવા કહ્યું હતું..."
શિવાંગે અત્યંત ખુશી વ્યક્ત કરતાં ક્રીશાને કહ્યું કે, "ક્રીશા જો આપણી માધુરી ભાનમાં આવી ગઈ છે.. આજે પરીની ઈચ્છા અને મારી તપશ્વર્યાનો અંત આવ્યો છે.. અને કદાચ પરીની અતિ તીવ્ર ઈચ્છા જ માધુરીને આપણી પાસે પાછી લાવી શકી હશે.. એવું હું માનું છું.. તને શું લાગે છે..?"
"હા તમારી વાત સાચી છે શિવાંગ.. હું પરીની મા જ છું પરંતુ તેને મેં મારી કૂખેથી જન્મ નથી આપ્યો, તેને જન્મ આપનારી તેની મા તો માધુરી જ કહેવાય ને..?"
આટલું બોલતાં બોલતાં તો પરી ક્રીશાને ચોંટી પડી અને તેની આંખમાં પાણી ઉભરાઈ આવ્યા અને તે ક્રીશાને કહેવા લાગી કે, "મોમ, મારા માટે તો તમે બંને સરખા જ છો એકે મને જન્મ આપ્યો છે બીજી મારી મા એ મારી પરવરીશ કરીને મને મોટી કરી છે.. મને આંગળી પકડીને ચાલતાં તમે શીખવાડ્યું છે મોમ, હું જ્યારે પહેલી વખત મા શબ્દ બોલી હોઈશ ત્યારે તમે જ મને ગળે વળગાડી હશે... પળે પળે મને ખુશ જોઈને મોમ તમે જ ખુશ થયા હશો...અને કદાચ તમે મને ખોળે ન લીધી હોત તો હું ક્યાંક કોઈ આશ્રમમાં હોત.. મને મા બાપની છત્રછાયા ન સાંપડી હોત.. અને હું આજે જે છું એ કદાચ ન બની શકી હોત..મારે માટે તો તમે જ મારી પહેલી મોમ છો..."
અને ક્રીશાએ પણ પોતાની પરીને ચૂમી લીધી અને તેને શાંત કરવા લાગી..
અમૂલ્ય પ્રેમનું એક સુંદર ત્રિકોણ રચાઈ ચૂક્યું હતું...
એટલામાં આ ત્રણેયને શાંત પાડવા માટે ત્યાં ડોક્ટર નિકેત આવી પહોંચ્યા..
માધુરીને ભાનમાં આવેલી જોઈને તે પણ ખૂબ ખુશ થઈ ગયા...તેમણે ત્રણેયને શાંત રહેવા સમજાવ્યું અને તે માધુરીને ચેક કરવા લાગ્યા..
પરી તેમની બાજુમાં જ ઉભી હતી અને પોતાની મોમની પ્રતિક્રિયા વિશે ડોક્ટર નિકેતને જણાવવા લાગી અને તેમને પૂછવા લાગી કે, "મોમ કંઈ બોલી કેમ નથી રહી..?"
ડોક્ટર નિકેત તેને ચોવીસ કલાક રાહ જોવા માટે સમજાવવા લાગ્યા...
ક્રીશાએ કવિશાને ફોન કરીને જણાવી દીધું અને થોડી વારમાં કવિશા પણ નાનીમાને લઈને હોસ્પિટલમાં આવી પહોંચી...
નાનીમા પોતાની માધુરીને ભાનમાં જોઈને તૃપ્ત થઈ ગયા પરી તેમની વ્હીલચેર પોતાની મોમ માધુરી પાસે લઈ ગઈ અને નાનીમા પોતાની લાડલી માધુરીને વ્હાલપૂર્વક પંપાળવા લાગ્યા...
માધુરી એકીટશે આ બધું જોઈ રહી હતી પરંતુ તેની કોઈ પ્રતિક્રિયા નહોતી...
સૌ અચંબામાં હતાં કે માધુરી શું વિચારી રહી છે અને વારાફરતી બધાની સામે કેમ જોઈ રહી છે...??
કદાચ માધુરી પાસે શબ્દો નહોતા કે પછી તે પોતાના માણસોને ઓળખવાની શક્તિ ગુમાવી બેઠી હતી કે પછી તે કોઈ બીજા વિચારોમાં ખોવાઈ ગઈ હતી..??
હવે એ તો માધુરી પોતાના મોંમાંથી કંઈક બોલે તો જ ખબર પડે..??ક્રમશઃ ~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ
18/7/25