પ્રેમની અશ્રુભીની અભિવ્યક્તિ સાથે પરોવાઇ મારાં માઁબાબાને સંપૂર્ણ સમર્પિત...
ત્રેતા યુગમાં જન્મેલા ભગવાન રામે પૃથ્વી પર અવતાર સ્વરૂપ જન્મ લીધો એમની જીવનલીલામાં જયારે સીતાહરણ થાય છે ત્યારે તેઓ સીતાજીની શોધમાં વન વન ભટકે છે.. પીડાથી.. વિરહની વેદનાથી રુદન કરે છે.. સીતે... સીતે... નું રટણ કરે છે ત્યારે એમનો વિરહ સીતાજીથી હોય છે પરંતુ એ સમયકાળની વર્તમાનની.. લીલામાં..પણ...
દ્વાપર યુગમાં લેવાનાં કૃષ્ણનાં જન્મની લીલાં સમયે વૃંદાવન છોડી રાધાજીને એકલાં મૂકી મથુરા જાય છે તે સમયે થનાર વિરહની પણ વેદના "સીતે... સીતે...માં" પરોવાયેલી છે જાણે..હે..રાધે.. હે સીતે... સ્મરણમાં હશે...રટણમાં હોય..
પરંતુ......
કૃષ્ણઅવતારમાં રાધાનો ત્યાગ કરી મથુરા જાય છે વિરહની પીડા રાધાજીથી બિલકુલ સહેવાયું નહોતું...
સીતાનું અપહરણ... રાધાનો ત્યાગ નિ:સહાય સ્થિતિમાં થયો પણ વિરહની પીડા તો સરખી જ... પ્રેમનો વિરહ... એની પીડા વેદના દરેક જન્મમાં સરખી હોય છે..
પ્રેમ.. જન્મો... યુગો.. આવતારોમાં પણ એજ વિરહની વેદના આપે છે એ ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ એ વર્તમાનમાં પણ અનુભવાય છે...
પ્રેમ એક એવી શક્તિ... એવી પાત્રતા હોય છે કે પ્રેમને જન્મો.. યુગો.. બદલી નથી શકતાં.. નથી પ્રેમમાં એનાં ચરિત્રમાં ઊંચનીચ નથી થતી. પ્રેમ એક એવી શક્તિ એવી પાત્રતા છે કે એમાં લાગણી.. કાળજી.. કરુણા સમાયેલાં હોય છે. પ્રેમ માત્ર પાત્રતા જુએ છે નહીં પૈસો જાત ન્યાત ઉંમર.. કોઈ બીજી ક્ષુલ્લક વાત.. એનો ગુરુર જ કંઈક અનોખો હોય છે.. ના ફરિયાદ, અપેક્ષા ના કોઈ માંગ.. સામાન્ય કક્ષાનાં કચ કકળાટ કંકાસ કદી નથી હોતા...
અપેક્ષા રાખનાર અને ઘમંડી પાત્રો પાસે બસ ફરિયાદ અને કંકાસ હોય છે..પ્રેમમાં પ્રેમ સામે પ્રેમની જ અપેક્ષા હોય છે... સ્થિતિ સંજોગો પ્રમાણે કે પ્રારબ્ધવશ વિરહ મળે તો એની પીડા કાળજે દાબી આંસુ સારી લે છે વેદના આંખની બહાર નથી આવવા દેતાં. શબ્દોની શું વિસાત???..
શબ્દ પ્રેમમાં ઉદબોધન માટે ચોક્કસ વપરાય છે ક્યારેક પીડા વિદનાનો આધાર બને છે... શબ્દો ઘણી મદદ કરે છે.. પ્રેમમાં બાવરો પ્રેમી શબ્દોનું મંથન કરી એમાંથી અર્થનું અર્ક અમૃત રૂપે કાઢે છે જે શાતા શીતળતા આપે છે... જયારે શબ્દ... નિશબ્દ બને.. ત્યારે પ્રેમ મૌન થઈ જાય છે અને મૌનમાં પણ ઘણું સમજાય જાય છે...
પ્રેમ સાચો હોય આત્મીય હોય ત્યારે મૌન શબ્દો પણ સમજાય છે.. મૌનને હોઠ.. આંખ.. તથા અંગવિભંગ પણ મદદ કરે છે..સામુહિક ઇન્દ્રિયોની ઉત્તેજના શબ્દ બની પ્રગટ થાય છે..
આજ... પ્રેમની ઊંચાઈ... પ્રેમની પરાકાષ્ઠા છે...
જે કહેવાતી.. સમજાવાતી નથી.. માત્ર અનુભવાય છે.
પ્રેમ.. પ્રેમની યાદ સ્થાપત્યમાં સર્જન થાય ...સાહિત્યમાં પણ ચીરકાળ છપાય..
પ્રેમ એક એવું મીઠું મનમોહક તત્વ જે ઈશ્વર જેવું છે જાણે એનો જ સાક્ષાત્કાર.. પ્રેમમાં પરોવાયા પછી "જે" "તે" ની યાદમાં કોઈ મહેલ બંધાય કે વાવ.. કોઈને કોઈ સ્થાપત્ય સર્જાય અને વર્ષો યુગો સુધી એની ગરિમા લાલીમાં સચવાય.. યાદ રખાય..
આપણાં ગુજરાતમાં પાટણની રાજા ભીમદેવની યાદમાં રાણીએ બંધાવેલી કળાના મહાસાગર જેવી વાવ. અનોખું ભાંધકામ જે આજેય અજેય છે જગપ્રસિધ્ધિએ ચઢેલું છે. પ્રેમ એક એવી છાપ છે જે ક્યારેય ભૂંસાય નહીં એની અસર આછી થાય નહીં..આવાં દુનિયામાં કેટલાંય બાંધકામ છે.
પ્રેમ ઉપર ગીતો, કાવ્ય, ગઝલ, વાર્તા, નવલકથા મુક્તક અરે.. પ્રશંશાની પ્રસ્તીતિ લખાય.. ગવાય.. ગદ્ય પદ્ય ગ્રંથ લખાય..
પ્રેમમાં પ્રિયતમને વાહલાને ઉદ્દેશી ગરબા લખાય ગવાય.. ગીત ગરબા થકી મનની દિલની વાત કહી દેવાય. ફરિયાદ.. ટકોર.. કટાક્ષ કરી દેવાય સાહિત્યનો આખો સાગર ઉલેચી દેવાય.. એમાં આંખો કોરી થઈ જાય અથવા અશ્રુઓનો સાગર પણ છલકાઈ જાય.
પિયુને સંદેશ આપી ગમતી વસ્તુ માંગી લેવાય. પરદેશી પ્રિયતમને વાર તારીખ ઘડી તહેવાર યાદ કરાવી લેવાય..
ગરબામાં એક અનેરો ગરબો ખૂબ પ્રખ્યાત પ્રચલિત લોકજીભે ચઢેલો છે ખૂબ ખૂબ લોકપ્રિય છે...
છેલાંજી.. રે.. મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો રે.. આવી આવી સુંદર મધુર રચનાઓ જે દિલની વાત હોઠ પર લઇ આવે... છતાં છડેચોક કહી શકાય ગાઈ શકાય.. પ્રેમની કેવી ભાત... કેવી છાપ.. કેવી કેવી અમર રચના..
બધું જીવનમાં નશ્વર છે આપણું બસ એક પ્રેમ અમર છે. જીવન, શરીર, સુખ દુઃખ, ઉપલબ્ધી, પ્રશંશા, નિંદા, વિવેચન, કટાક્ષ, ઈર્ષા જે કંઈ અનુભવ છે બધું નશ્વર આજે ગમ્યું કાલે છોડ્યું... પ્રેમ જ એક એવું તત્વ છે સદાય આપણી સાથે રહે છે જે સદાય સાથમાં રહે છે સંબંધ અને સાથ નિભાવે છે અરે પ્રેમનો પડછા્યો રાત્રીના અંધકારમાં કે દિવસના ઉજાસમાં સાથ નથી છોડતો એટલું નિભાવે છે સાચવે છે... બસ... પ્રેમ સાચો સમજદાર વફાદાર અડગ હોય...
ઈશ્વર સર્વત્ર છે સર્વમાં સ્થિતિમાન છે હાજર છે પ્રવર્તમાન છે સમાયેલો છે. એની ઈશ્વરીયતા અસર કરે છે અનુભવાય છે જયારે યાદ કરો છો એને પામવાની તાલાવેલી લાગે છે ત્યારે પ્રાપ્ત થાય છે. પ્રેમ એક પવિત્ર અનુભવ છે એક અનોખી પાત્રતાની ઉપલબ્ધી છે.એક સગપણ પોતાનાપણાંનો અનુભવ પામી સ્વર્ગીય સુખની અનુભૂતિ છે. જે પામવી છે અનુભવવી છે ચીરકાળ સુધી યાદ રહે છે જે આ ક્ષણ ભંગુર જીવનમાં પણ અમર થઈ જાય છે. પ્રેમ અમર છે અનંત છે. "દિલ" જીવમાં સંગ્રહાય છે સચવાય છે...
દક્ષેશ ઇનામદાર. "દિલ"..