ગ્રામ પંચાયતમાં હકડેઠઠ મેદની ભરાઈ હતી. ઘણા સમય પછી આજે ગ્રામસભા મળી હતી. સ્કીમમાં છેતરાયેલા લોકો રૂપિયા પાછા મળવાની આશા લઈને આવ્યા હતા.
સ્ટેજ પર તખુભા, ભાભા, વજુશેઠ, પોચા સાહેબ અને ડોકટર લાભુ રામાણી બિરાજ્યા હતા. તખુભા ક્યારેય નહીં ને આજે જોટાળી બંધુક લઈને કેમ આવ્યા હશે એ કોઈને સમજાયું નહીં. રાતે આઠ વાગ્યે મિટિંગની શરૂઆત કરતા ડોકટરે ઊભા થઈ માઈક સંભાળ્યું.
"ભાઈઓ આજે મિટિંગ બોલાવવા પાછળ એક જ હેતુ છે. હેતુ એ છે કે આપણા ગામમાં જ નહીં પણ લગભગ આખા જિલ્લામાં કાર ફેક્ટરીની જે સ્કીમ ચાલી રહી હતી એમાં આપણે સૌએ સમજ્યા વિચાર્યા વગર બીજાના ભરોસે આપણી મહેનતના રૂપિયા લગાવ્યા.
ભગો આપણને દગો દઈને ભાગી ગયો. આપણે સૌ લૂંટાઈ ગયા. હું સમજુ છું કે તમારા બધાની હાલત શું થઈ રહી છે. પણ રાંડ્યા પછી ડાપણ કરવાનો કંઈ અર્થ નથી દોસ્તો. આ આઘાતમાંથી કેવી રીતે બહાર આવવું એની સમજણ આપણા મહાન પુરાણી અને અનેક શાસ્ત્રોના જાણકાર, મહાજ્ઞાની અને તપસ્વી અને પંડિત શિરોમણી એવા શ્રી ત્રિભુવન શાસ્ત્રીજી આપણને સૌને સમજાવશે..."
ભાભાના પ્રશસ્તીગાનથી વજુશેઠ અકળાયા. બાજુમાં બેઠેલા પોચા સાહેબના કાન તરફ મોં લઈ જઈ એમણે હળવેથી કહ્યું, "આ દાક્તર સાલો ગોરના વધુ પડતા ગુણગાન નથી ગાઈ રહ્યો? તભોગોર એવો કોઈ મોટો પંડિત ફંડીત છે ખરો? એનેય સ્કીમમાં બે લાખ રોકવા'તા. ખરા બપોરે મારા ઘરે રૂપિયા લેવા આવેલો. પણ હું જમવા બેઠો'તો ને ઈ વખતે કોઈ ભામણ ભૂખ્યો આવે તો જમાડવો પડે કે નહીં? મારી પાસે તો રૂપિયા નો'તા નકર આજ ગોરને ભાષણ સુજેત નહિ. આપણી જેમ એનેય રોવાનો જ વારો આવત."
"તમે બધા મુરખા ઠર્યા. મને તો આવી સ્કીમોની ખબર જ હતી. એટલે મેં પાંચના દસ થયા કે તરત ઉપાડી લીધા. શરૂઆતમાં સ્કીમ જમાવવા ભગલો આવી રીતે રૂપિયા ઉપાડવા દેતો. મેં વધુ લોભ રાખ્યા વગર પાંચના દસ કરીને સંતોષ માન્યો. દાગતરને વખાણ કરવાની ટેવ છે. ડોકટર ગોરને પંડિત કહે છે એમાં તમને પેટમાં કેમ બળે છે? તમારો વારો આવશે એટલે તમારાય એવા વખાણ કરશે કે તમને પોતાને જ નવાઈ લાગશે કે હું ખરેખર આટલો મહાન છું?" દાગતરને એવી ટેવ છે." કહી પોચા સાહેબ હસી પડ્યા.
ગુસપુસ કરતા એ બેઉ જણ પર એક નજર નાંખીને ભાભાએ માઈક પકડ્યું.
"વહાલા ગ્રામજનો..ડોકટરે મને થોડોક ચણાના ઝાડવે ચડાવી દીધો છે. હું પંડિત ખરો પણ પંડિત શિરોમણી નથી. હા, અનેક શાસ્ત્રો મને કંઠસ્થ છે, શાસ્ત્રોનું મને જ્ઞાન પણ છે છતાં તમારા બધા જેવો જ હું પણ એક સામાન્ય માણસ છું. હું પણ તમારી જેમ આ સ્કીમમાં રૂપિયા રોકવા તૈયાર થઈ ગયો હતો. પણ મારો પુત્ર કે જે સાક્ષાત..."
આગળ બોલતા પહેલા જ ભાભાને યાદ આવ્યું કે બાબાએ સત્યનારાયણનો અવતાર હોવાનું કહેવાની ચોખ્ખી ના પાડી હતી. એટલે આગળના શબ્દો ગળી જઈને પ્રવચન આગળ ધપાવતા ભાભા બોલ્યા, "બાબો પણ હવે શાસ્ત્રી છે. આ સ્કીમ એક મોટો ગોટાળો સાબિત થવાનો છે એની બાબાને ખબર હતી. મારુ મન નબળું પડશે એની પણ ખબર હતી એટલે રૂપિયા બેંકમાં મૂકી આવેલો. હું આખો દિવસ દોડ્યો પણ મને ગામમાંથી કોઈએ રૂપિયા આપ્યા નહિ. એ પ્રભુનો એક સંકેત હતો. હું એ સંકેત સમજ્યો એટલે બચી ગયો..."
આટલું સાંભળીને સભામાંથી એકજણ ઊભો થઈને બરાડ્યો,
"તો ગામને તમારે કે'વુ જોવે. અમથા તો ઝોળી લયન આખા ગામમાં આંટા મારો સો. ગામ ખાડામાં જાતુ'તું ઈ વખતે તમારું ગનાન ચ્યાં વયુ જયુ'તું. બાબલાભયને ખબર્ય હતી તો ગામને ચીમ નો કીધું. તમે તમારા રૂપિયા બસાવી લીધા..અમને હલવાડી દીધા. હરામખોર હુકમાએ હલાલ કરી નાયખા. જેલમાંથી સુટીને ગામમાં આવે એટલી વાર સે. ઊંઘે ગધાડે બેહાડીને ગામમાં ફેરવવાનો સે."
એનું જોઈ તરત બીજો ઉઠ્યો, "ખાલી ગધેડે નય..મોઢા ઉપર્ય મેશ સોંપડવાની સે. ને ખાહડાનો હાર શોતે પેરાવવાનો સે.."
ત્યાં ત્રીજો ઊભો થઈ બોલ્યો, "હંધાય પાણકા ગોતી રાખજો. હુકમાનો વરઘોડો નીકળે એટલે પાણકા મરવાના સે. ભલે હાળો મરી જાતો. ભૂંડા મોતે મરવો જોવે હુકમો.. બોલો ભાયો..બરોબર સે ને?"
"હા હા..એકદમ બરોબર સે. હુકમાને કાગડા કુતર્યાના મોતે મારવો સે. ભલે આખા ગામને જેલમાં પૂરે.. અમથાય હવે રોટલાનો મેળ રિયો નથી..સરકારના રોટલા ખાસુ હવે.."
સભામાં દેકારો મચ્યો. લોકો ઊભા થઈને રાડો પાડવા લાગ્યા, "હુકમો હાય હાય..હાય હાય હુકમો.." એવા દેકારા સાથે બધાએ છાતી પીટવાનું શરૂ કરી દીધું.
"ભાઈઓ શાંતિ રાખો...બેસી જાવ.. બેસી જાવ બધા..આવું આપણને નો શોભે..ભાઈઓ શાંતિ રાખો.." ભાભાએ સભાને શાંત કરવા માઈકમાંથી બુમો પાડી. પણ ટોળું આવેગમાં આવી ગયું હતું.
ભાભાએ તખુભા સામે જોયું. તખુભા સમજી ગયા કે હવે મામલો એમણે જ હાથમાં લેવો પડશે. આવું કંઈક બનશે એવી શંકા એમને હતી જ. એટલે વર્ષોથી ઓશરીમાં ખીંટીએ ટીંગાઈ રહેતી બેનાળી બંધુક લઈને આવ્યા હતા.
તખુભા બંધુક ઉપાડીને ઊભા થયા. કોઈ કંઈ સમજે એ પહેલાં એમણે હવામાં ધડાકો કર્યો. એ ધડાકાની ધારી અસર સભામાં મચેલા દેકરા પર થઈ. બે મિનિટ માટે હુકમચંદના હાયકારા સાથે છાતી પીટતા લોકો થંભી ગયા. સભામાં સોપો પડી ગયો. પણ વળતી મિનિટે જ એકજણ આગળ આવ્યો..
"ઈમ હવામાં ભડાકા કરીન અમને બીવડાવોમાં..હિંમત હોય તો અમારી સાતી માથે કરો ભડાકો..તખુભા તમે ને હુકમો મળેલા સવો ઈ હવે ખબર્ય પડી.."
"હા હા દઈ દયો અમને ભડાકે. ઈ હાટુ જ બંધુક લયને આયા સો તમે. હુકમાએ બાકી રાખ્યું સે ઈ તમે પૂરું કરો...હાલો ભાયો ઊભા થય જાવ ને મરવા તીયાર થય જાવ.."
આવો દેકારો કરતા સાત આઠ જણ સ્ટેજ તરફ દોડ્યા. એ લોકો પાછળ બીજા પણ છાતી કાઢીને સ્ટેજ તરફ આગળ વધ્યા.
તખુભાની બંધુકે શાંતિને બદલે અશાંતિની આગમાં ઘી નાખવાનું કામ કર્યું. સ્ટેજ પર બેઠેલા મહાનુભાવો પણ ગભરાયા. વજુશેઠ તો સ્ટેજ પરથી ઉતરીને ઘરે જવા ભાગ્યા.
સભામાં મચેલો ગોકીરો જોઈ બાબો એકદમ સ્ટેજ પર ધસ્યો. ભાભાના હાથમાંથી માઈક લઈને ઘાંટો પાડ્યો.
"ખબરદાર..જો કોઈ આગળ વધ્યું છે તો..અલ્યા અમે કોઈ તમારા દુશ્મન નથી. દેકારો કર્યા વગર શાંતિથી બેસીને વાત સાંભળો. હુકમચંદનું તમેં કે'શો એવું જ કરશું. પણ અત્યારે મહેરબાની કરીને હેઠા બેસો. આપડે સ્કીમમાંથી રૂપિયા કેવી રીતે પાછા લાવવા એની વાત કરવાની છે. જો બે મિનિટમાં બધા શાંતિથી બેસી નહિ જાવ તો કોઈ દિવસ રૂપિયા પાછા નહિ આવે. હું અત્યારે જ મિટિંગ વીખેરી નાંખીશ."
રૂપિયા પાછા મેળવવાની વાતની સભા પર ધારી અસર થઈ. ટોળું તરત જ શાંત થયું. એકબીજા સામે જોતા જતા ગુસ્સે ભરાયેલા લોકો શાંત થઈ નીચે બેસવા લાગ્યા. બે મિનિટ પછી સભામાં શાંતિ છવાઈ એટલે બાબાએ ટેમુને કહ્યું, "ટેમુ હવે જે વચ્ચે ઊભો થાય એનો ફોટો પાડી લેજે. સ્કીમના રૂપિયા પાછા લાવવા માટે આપણે જે યોજના બનાવી છે
એમાંથી એનું નામ કાઢી નાખવામાં આવશે."
તખુભા હજી બંધુક લઈને ઊભા હતા. બાબાએ એમની તરફ જોઈ ઉમેર્યું, "તખુભા બંધુક મૂકીને બેસી જાવ. ભડાકા કરવાથી હવે કંઈ થવાનું નથી."
તખુભા તરત ખુરશી નીચે બંધુક મૂકીને બેસી ગયા. બાબાએ ભાભાને માઈક આપતા કહ્યું, "પિતાજી તમારી વાત લોકોને સમજાવો. એ પછી હું સમજાવીશ."
"હવે શું સમજાવે! અલ્યા આવી રીતે દેકારો કરવાથી કંઈ વળવાનું નથી. સૌથી પહેલા તો આપણે બધાએ આપણી અંદર ડોકિયું કરવાની જરૂર છે. વગર મહેનતનું મેળવી લેવાની જે લાલચ ને લોભ આપણી માલિપા ખદબદે છે એને નાથવાની જરૂર છે. કોઈએ માસીના સમ દઈને સ્કીમમાં રૂપિયા નો'તા રોકાવડાવ્યા. આપણી જ મૂર્ખાઈ આપણને નડી છે. સ્કીમમાં રૂપિયા ડબલ થતા'તા ઈ વખતે અમે તમે રોક્યા હોત તો તમે સમજેત? સામું અમને જ મુરખા ગણવામાં આવત. એટલે ઈ બધી વાતો જવા દો. હું એટલું જ કહેવા માંગુ છું કે હવે આ બધું ભૂલીને ધંધો કરવા માંડો. બાબાએ ને ટેમુએ સ્કીમના રૂપિયા પાછા લાવવાની કોઈ યોજના બનાવી હોય તો ભલે, પણ આશા રાખવી નકામી છે. મને નથી લાગતું કે ભગો હવે હાથમાં આવે. અલ્યા જે માણસ કરોડોનું કરી ગયો હોય એ અમુક લાખ આપીને છૂટી જશે. આ દેશમાં કોઈ દૂધે ધોયેલો નથી ઈ વાત હમજી લેજો. જેણે રૂપિયા ગુમાવ્યા છે એની પોતાની ભૂલે જ ગુમાવ્યા છે. છતાં આપણે મહેનત કરી જોઈએ. ભાગ્યમાં હોય તો થોડુંઘણું હાથમાં આવે પણ ખરું. પણ આખરે ખોટ તો ખાવાની જ રહેશે એ નક્કી જાણજો. બસ, મારે એટલું જ કહેવું છે કે થનાર હતું તે થયું..હવે રડ્યા કરવાથી પરિસ્થિતિ બદલવાની નથી. રહી વાત સરપંચ હુકમચંદની, તો એના કર્મની સજા એ ભોગવશે જ. આપણે કાયદો હાથમાં લેવાની જરૂર નથી. આ ગામમાં હવે હુકમચંદને રહેવું ભારે પડશે. હુકમચંદની બુદ્ધિ વિનાશ કાળે વિપરીત થઈ. એ તો ડૂબ્યો પણ સાથે ગામને પણ ડૂબાડતો
ગયો છે. પણ એમાં એનો એકલાનો વાંક નથી, આપણી લાલચ આપણને નડી છે. બસ, જય સીતારામ." કહી ભાભા બેસી ગયા.
ટેમુ સ્ટેજના એક ખૂણે મોબાઈલનો કેમેરો ચાલુ કરીને ઊભો હતો. એ જોઈ સભા શાંત રહી. કોઈ કશું બોલ્યું નહિ. ડોક્ટરને પણ હવે શું કહેવું એ સુજતું નહોતું. બાબાએ રૂપિયા પાછા મેળવવાની કોઈ યોજના બનાવી હોવાનું કહી સભાના હોઠ તો સીવી લીધા હતા પણ એવી કોઈ યોજના બાબા પાસે હતી કે નહીં એ ડોકટર પણ જાણતા નહોતા.
"ભાઈઓ ભાભાએ સાચું કહ્યું. હવે આપણે બાબાશંકરને જ વિનંતી કરીએ કે એમની પાસે શું યોજના છે. પણ મિત્રો ભાભાની વાત સમજજો. અહીંથી કોઈ ગેરેન્ટી આપવામાં આવતી નથી, માત્ર પ્રયત્ન કરવાનો થશે. પછી તો આપણા નસીબ. જાણી જોઈને સળગતું હાથમાં લઈએ તો દાઝી જ જઈએ પછી બીજાને દોષ દેવાનો કોઈ અર્થ નથી. તો આવો ભાઈ બાબાશંકર, ગામલોકો તમારી તરફ આશાભરી મીટ માંડીને બેઠા છે." એમ કહી ડોકટરે બાબાને માઈક સોંપ્યું.
બાબાએ માઈક લઈને સભામાં નજર ફેરવી. દરેક જણ ઉત્સુકતાથી બાબાની વાત સાંભળવા આતુર હતું. બાબાએ સ્ટેજ પર બેઠેલા વડીલો તરફ બીજી નજર કરી. એ બધાની આંખોમાં પણ એ જ આતુરતા હતી. ભગાલાલની સ્કીમમાંથી રૂપિયા પરત લાવવા શક્ય નહોતા એ સૌ જાણતું હતું. બાબો હવે કયો બોંબ ફોડે છે એ જોવાનું હતું.
બાબાએ ગળું ખોંખાર્યું. કોઈ યોજના તો હતી નહિ, સભામાં જે રીતે દંગલ મચ્યું હતું એને શાંત કરવા જ બાબાએ આ ગાજર લટકાવ્યું હતું. હવે ગામ એ યોજના જાણવા માંગતું હતું!
"જુઓ ભાઈઓ તમે બધા લૂંટાયા છો એટલે ગુસ્સે ભરાયા છો એ હું સમજુ છું. પણ હવે ભાભાએ કહ્યું એમ કાયદો હાથમાં લેવાથી બગડેલી બાજી સુધરવાની નથી. સ્કીમમાં રૂપિયા ગુમાવવાનો જે આઘાત લાગ્યો છે એમાંથી બહાર નીકળીને ધંધો કરવા માંડો. મેં અને ટેમુએ એક યોજના બનાવી છે પણ જાહેરમાં એની ચર્ચા કરી ન શકાય. કારણ કે ભગાલાલના જાસુસો જાણી જાય તો મહેનત ફોગટ જાય. ભગાલાલ એક મહઠગ છે; એની ઓળખાણો ઠેઠ સુધી છે. મેં એની આખી કુંડળી કાઢેલી છે. રાજકારણીઓ ને અધિકારીઓ એના ખિસ્સામાં જ છે.
તમે જ વિચાર કરો, હુકમચંદ જેવાને એણે એક જ દિવસમાં પોતાનું પ્યાદુ બનાવી દીધું. ક્યા ગામમાં કોને એજન્ટ બનાવવો એ બધું એણે બહુ પહેલા સર્વે કરી લીધું હતું. નહિતર એ ક્યાં હુકમચંદને ઓળખતો હતો.
કયા ગામમાં કેવી રીતે એન્ટ્રી લેવી એની પણ એને ખબર હતી. ક્યાં સુધી સ્કીમ ચલાવવી અને ક્યારે ને કેવી રીતેબંધ કરવી, બંધ કર્યા પછી ક્યાં ગાયબ થઈ જવું એ બધું જ એણે આગોતરું આયોજન કરેલું છે.
છતાં માણસ કોઈક તો ભૂલ કરતો જ હોય છે. ક્યાંક તો છીડું રહી જ જતું હોય છે. હું કોઈ ખાતરી નથી આપતો કે તમારા રૂપિયા પાછા લાવી આપીશ પણ મેં અને ટેમુએ કંઈક વિચાર્યું તો છે જ. મને તો પહેલેથી જ શંકા હતી એટલે મેં બધું ધ્યાન રાખ્યું છે; આશા અમર છે એટલે આપણે આશા રાખીએ કે હું ને ટેમુ ક્યાંકને ક્યાંક ભગા સુધી પહોંચીએ ને કમ સે કમ આપણા ગામના રૂપિયા છોડાવીએ. એક વાત હું તમને બધાને કહી રાખું છું કે કોઈએ અમને આ બાબતે ક્યારેય કંઈ પૂછવાનું નથી. અમે અમારી રીતે મહેનત કરીશું. બીજું કે હું કે ટેમુ તમને લોકોને કોઈ જવાબ આપવા બંધાયેલા નથી. તમારા નસીબ હશે તો સફળતા મળશે. બસ, વિશ્વાસ રાખજો. હવે મારે કંઈ વધુ કહેવાનું નથી." કહી બાબો માઈક છોડીને પાછળની હરોળમાં બેસી ગયો.
ડોકટરે ફરી માઈક સંભાળતા કહ્યું, "ભાઈઓ બાબાલાલે બરાબર કહ્યું છે. આપણી યોજના જાહેર ન જ કરાય. કારણ કે આમા કોઈ જાસૂસ હોય તો એના ચહેરા પર લખેલું ના હોય. મેં ભગાલાલની સ્કીમ વિશે તપાસ કરી તો તરત એને ખબર પડી ગઈ હતી. હુકમચંદના માણસો મને ઉપાડી પણ ગયા હતા. મારો ફોન પણ લઈ લેવામાં આવ્યો હતો. બાબો અને ટેમુ જ મને છોડાવી લાવ્યા હતા. હુકમચંદે મને પણ એજન્ટ બનાવવાની કોશિશ કરી હતી. પણ એક ભણેલગણેલ અને ડોકટર કક્ષાની વ્યક્તિ આવા કૌભાંડમાં સામેલ કેવી રીતે થાય? મને જાણ થઈ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. તમે બધા સ્કીમમાં સામેલ થઈ ચૂક્યા હતા. હજી પણ ઊંડા ઉતરી ગયા હોત જો અમે લોકોએ ફરિયાદ ન કરી હોત તો. અમે જાણીને ચૂપ નથી બેઠા. જીવના જોખમે અમે આ બોગસ સ્કીમ બંધ કરાવી છે. ભગાલાલના ગુંડાઓ ગામેગામ ફરી રહ્યા છે. કદાચ આ સભામાં પણ એક બે બેઠા જ હશે. અત્યારે આપણે આ ચર્ચા કરીએ છીએ એની જાણ પણ કદાચ ભગાલાલને થઈ ગઈ હશે. પણ અમે ડરતા નથી, તમારા સૌની પરસેવાની કમાણી લૂંટાઈ છે. એ પાછી લાવવા હું પણ બાબા અને ટેમુ સાથે જાનની બાજી લગાવી દઈશ. જિંદગી ઘણી જીવ્યા..હવે કોઈ સારા કામ માટે જીવ દેવો પડે તો ભલે દેવો પડે."
ડોક્ટરની વાતથી સભામાં તાળીઓ ગુંજી ઉઠી.
"તો હવે આ સભા પુરી થાય છે. આપ સૌ પોતપોતાના ઘરે જઈ કામે વળગી જાવ. ગયું એ ભલે ગયું પણ હવે જે બચ્યું છે એ બગડે નહિ એ આપણે સૌએ જોવું રહ્યું." આમ કહી ડોકટરે માઈક બંધ કર્યું.
સ્ટેજ પર બેઠેલા મહાનુભાવો બેસી રહ્યા. સભા ધીમેધીમે વિખેરાઈ ગઈ એટલે વજુશેઠે ડોક્ટરને કહ્યું,
"અલ્યા ડોકટર અમને તો જણાવો,
બાબો શું કરવાનો છે? અમારી મદદ જોઈએ તો કેજો. સાલું મને તો બાપા ના પાડતા'તા પણ હું હુકમાની વાતોમાં આવી ગયો."
"બધાને હુકમચંદ જ ભોળવી ગયો છે. હવે બાબો ને ટેમુ આ ડોકટર સાથે મળીને કાંક કરે તો સારું. મારું બેટુ લૂંટાઈ ગ્યા હો." તખુભા પણ બોલ્યા.
"હવે જે થયું તે થયું. યોજના શું છે એ બાબો આપણને તો કહેશે ને. આપણે ક્યાં કોઈ ભગાલાલના જાસૂસ છીએ." પોચા સાહેબે કહ્યું.
બાબો તરત ઊભો થઈને બોલ્યો,
"યોજના કાંઈ છે જ નહીં. આ તો સભામાં જે દેકારો થયો એ શાંત કરવા માટે હું બોલ્યો હતો. તખુભાએ બધુંકનો ભડાકો કર્યો એટલે મારે પણ ભડાકો કરવો પડ્યો. નકામી બબાલ ન થાય એટલે. બાકી હવે, આમાં કંઈ થાય એમ નથી. બધા ઘરે જઈને આરામ કરો ને રામને ભજો. ચાલો પિતાજી.."
"ચાલો ત્યારે જય શિવ શંકર. બધાને જે શ્રી કૃષ્ણ." કહી ભાભા ઉઠ્યા.
સ્કીમનું ચેપટર પત્યું. હવે હુકમચંદ છૂટીને આવે પછી કંઈક નવું થશે એવી આશા લઈ સૌ છુટા પડ્યા.
(ક્રમશ:)