4.
હવે એ સ્ત્રી કારમાં ટટ્ટાર થઈને બેઠી. એણે સહેજ ઝૂકીને આગળના કાચમાંથી રસ્તા તરફ ખૂબ દૂર જોતી હોય એમ એક દૃષ્ટિ કરી. દર્શકે તેને કાંટાળી ઝાડીમાં ઉપાડી હતી ત્યારે તેનો ચહેરો એકદમ ફિક્કો લાગતો હતો પણ હવે કારના ઝાંખા પ્રકાશમાં જાણે એની ત્વચા ચમકતી હતી. એનો સુડોળ ચહેરો તો કોઈનું પણ ધ્યાન ચોંટાડી રાખે એવો હતો અને દર્શકે એની સામે મીટ માંડી પણ એ સાથે દર્શકનાં શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. એની આંખો ગજબની ચમકતી હતી. એક પણ પલકારો માર્યા વગર.
દર્શકના હાથ સ્ટીયરીંગ પર જોરથી ભીંસાયા. એણે સહેજ ધ્રુજતા અવાજે પૂછ્યું “તું કોણ છે? એ લોકો જે તારી પાછળ પડેલા એ કોણ હતા અને તેં ચીસ કેમ પાડી?”
એણે દર્શકની સામે નજર નોંધી. હવે એની આંખોમાં ભાવ ડોકાયો. ઉદાસીનો.
એણે એકદમ ધીમા અવાજે કહ્યું “ એ તો મને પણ યાદ નથી કે હું કોણ છું. યાદ છે માત્ર પીડા. હા, હું દોડતી હતી, એકદમ ઝડપથી દોડતી હતી. મારી આજુબાજુ અનેક અવાજો હતા. અજબ અવાજો. અને હા, પીડા. અનેક કાંટાઓની શૂળ મારાં શરીરમાં ખૂંચવાની પીડા.” કહેતાં એણે પોતાના ખભે હાથ મૂક્યો અને બ્લાઉઝ થોડું નીચું કર્યું.
હા, કોઈ લોહી જેવો લાલ ઊઝરડો દેખાયો. દર્શક ત્યાં સ્પર્શ કરવા ગયો પણ અટકી ગયો.
“અત્યાર સુધી હું કોણ છું એ ભૂલી ગયેલી. યાદ રાખીને પણ શું? હું અહીંની છું જ નહીં હવે. આ રીતે તો હું અહીં ન જ હોવી જોઉં.” એણે કહ્યું.
દર્શકને સમજાયું નહીં કે આ સ્ત્રીને શું જવાબ આપવો. એ ચીસ સાંભળી કોઈ અબળાને બચાવવા અંધારાં જંગલમાં ઉતરીને એ ખાબોચિયાં જેવાં તળાવ સુધી કાંટાઓ પરથી થઈને ગયેલો પણ હવે એણે એ રીતે દોડી જવા બદલ ને આને કારમાં સુવાડી આગળ જવા બદલ પસ્તાવો થવા લાગ્યો.
એની અડોઅડ માત્ર વચ્ચે એક સીટનો રેસ્ટ આવે એમ બેઠેલી આ વ્યક્તિ શું કોઈ અપાર્થિવ છે?
છતાં હજી સુધી એ કોઈ મેલી વિદ્યા અજમાવવા કે એને નુકસાન કરવા માગતી હોય એવું લાગ્યું ન હતું.
તો પછી એણે એમ કેમ કહ્યું કે પેલા માનવ ઓળાઓ દર્શકોનું રક્ષણ કરવા આવતા હતા?
એકાએક પોતાની મેળે કારનાં ડેશબોર્ડની લાઈટો પ્રકાશી ઊઠી અને એન્જિનનો ઘુરકાટ પણ સંભળાયો
“ઓ બાપ રે, નહીં, પ્લીઝ નહીં..” દર્શકથી બુમ પડાઈ ગઇ.
તરત જ કાર થોડું ચાલી રસ્તાની સાઇડ પર આપોઆપ જ પાર્ક થઈ ગઈ. હવે સંપૂર્ણ બંધ પડી ગઈ. રસ્તાની ધાર પર જ કાર હતી અને સામે જ ખીણ, ભયાનક લાગતાં વૃક્ષો અને ઘોર અંધારું.
બહાર હવે જંગલની ઝાડીઓ એટલી બધી નજીક હતી કે તેની ડાળીઓ કારને અડવા આવી. પવનની ગતિ તેજ બની હુ.. હુ.. કરતા ઘૂઘવાટા સંભળાવા લાગ્યા. સાથે બીજો પણ કોઈ અવાજ દૂરથી નજીક આવતો લાગ્યો. દર્શક કારની બહાર નીકળ્યો. હજી એ દરવાજો ખોલે ત્યાં અવાજ ફરીથી સંભળાયો.
અત્યારે કોઈ ચીસ ન હતી, ન કોઈના વાતો કરવાના અવાજો. કોઈ ગૂઢ મંત્ર સશક્ત અવાજે ચોક્કસ ભાર મૂકી બોલાતો હતો.
મંત્ર સમજાય એમ ન હતો. કદાચ શાબરી મંત્ર કે કોઈ તાંત્રિક મંત્ર જપાતો લાગ્યો.
દર્શકને પાછળ કોઈ હળવો ફફડાટ સંભળાયો. તેણે પાછળ ફરી જોયું તો પેલી સ્ત્રી કારની બહાર નીકળી ગઈ હતી. તે ઓચિંતી કારની સામે, રસ્તા વચ્ચે ઊભી ગઈ. એ ઉઘાડા પગે હતી. પવન એટલો ન હતો છતાં એનાં વસ્ત્રો ઘૂંટણ સુધી ઊડતાં હતાં. તે જાણે જમીનમાંથી કોઈ અવાજ પકડવા મથતી હોય એમ ઘૂંટણીએ પડી રસ્તા પર ડોક નીચી કરી કાન ધરી રહી.
“મારે તને નુકસાન નહોતું થવા દેવું પણ સોરી, એ લોકોને આપણી, તારી ભાળ મળી ગઈ છે.” તેણે કહ્યું અને ઊભી થઈ ગઈ.
ક્રમશ: