નિશ્ચલ માટે ‘બારી’ એક ધબકતા વિશ્વ જેવી હતી. જીવનનો ધબકાર ઝીલતી આ બારીની બહારનું વિશ્વ એ જોઈ શકતો નહીં, પણ તેમાંથી આવતા અવાજો તેને ચેતનવંત હોવાનું મહેસુસ કરાવતા. ક્યારેક ખિલખિલ કરીને રમતાં બાળકોનો અવાજ સંભળાતો, તો ક્યારેક લોકોના વાર્તાલાપનાં કંઈક અંશોમાંથી તેમના જીવનનું વર્તમાન ચિત્ર ઊપસી આવતું. કોઈ વૃક્ષ ઉપર બેસેલા પંખીના મધુર કલરવમાં ભળી જતો વાહનોનો કર્કશ ધ્વનિ! કે દૂર કોઈના ઘરે વાગતી લાંબી કુકરની સીટી તેને ટૂંક સમય માટે ઘરમાં ખેંચી લાવતી.."આજે જમવામાં શું મળશે?"...નિશ્ચલ પોતાના પથારીમાંથી આ બધું અનુભવ્યા કરતો. એ પથારી, જે ઘણા સમયથી તેની આખી દુનિયા બની ગઈ હતી. તે પોતાનાં જ શરીરમાં કેદ હતો, ચાલવામાં તથા બોલવામાં અસમર્થ, સંપૂર્ણપણે પરિવાર પર અવલંબિત. ફક્ત તેના વિચારો જ પોતાની માલિકીના હતા, બાકી તો બધું સમયાનુસાર જ થઈ રહ્યું હતું. કંઈ કહેવાનું કે પૂછવાનું હતું નહીં અને આ અંતિમ દિવસોમાં, તેના વિચારો વારે ઘડીએ તેને જીવનની કરામતો અને ગૂઢ યોજનાઓ તરફ વાળી જતાં.
તેના મનમાં એકસાથે ઈચ્છાઓ ઉભરાઈ આવતી કે કાશ, તે પણ ઠાકર દંપતીની જેમ સાંજે પોતાના પ્રિય પાત્રો સાથે ટહેલવા નીકળી શકે, કાશ, તે પણ બહાર જઈ સૂર્યનાં કિરણોની હૂંફ અને હળવા પવનનો સ્પર્શ અનુભવી શકે, ભાજીવાળા પાસે જઈ બસ, "મિસિસે આ લિસ્ટ લાવવા કીધું છે, આપો તો જરા.." બોલી ‘રસોડાનું બહુ મોટું કામ કર્યું’ એમ સમજી કોલર ઊંચો રાખી શકે.. આવી તો કઈ કેટલી ઈચ્છઓ તેના મનમાં ઝળહળી ઉઠે પણ... હવે બધું વ્યર્થ હતું.
અચાનક અજાણ્યા ખૂણેથી શાંતિ ચીરીને થોડાક શબ્દો તેના કાને પડયા "તમે ઘણું બધું કરવા માંગો છો, નહીં?" નિશ્ચલ તેના પથારી પાસે એક આકાર અનુભવી રહ્યો હતો. એક એવી હાજરી, જે જાણે તેની આસપાસ હંમેશાથી હતી, પણ તેણે આ પહેલા કયારેય અનુભવી નહતી. "બીજાની સ્વતંત્રતા જોઈ, તમને ઈર્ષ્યા થાય છે?!"તેનો મૃદુ અવાજ સાંભળી, નિશ્ચલ ભાવવિભોર થઈ માત્ર આંખોથી જ જવાબ આપી શક્યો. જાણે કોઈ મૌન સહમતી!
"આપણું જીવન, આપણે પોતે પસંદ કરેલા રંગોથી કે પસંદગીઓથી ભરીએ છીએ, નહીં?" તે હળવેથી પથારીના કિનારે બેસી ગયો, જાણે તે જગ્યા તેના માટે જ બની હોય. "તમે લીધેલો દરેક નિર્ણય એક તાંતણા જેવો છે, આ બધા તાંતણા મળી તમે તમારું એક અલગ વિશ્વ બનાવો છો". તે એટલી સરળતાથી બોલી રહ્યો હતો જાણે અમારી સદીઓથી ઓળખાણ હોય.
"નિશ્ચલ! તમારું જીવન એ તમારી પસંદગીઓ, તમે લીધેલા અને ન લીધેલા રસ્તાઓ, આ બધાનો સરવાળો છે". નિશ્ચલની આંખોમાં એક તીવ્ર વેદનાની ઝલક દેખાઈ. જીવનની ઢળતી સંધ્યાએ તેને કેટલાક પસ્તાવાઓ સતાવી રહ્યા હતા. ભૌતિક સફળતાની શોધમાં બાળકોની સાથે કેટકેટલી ક્ષણો તે વિતાવી શક્યો નહીં તેનો હવે ખેદ થતો હતો. તેના લીધે તેની પત્નીએ આપેલા બલિદાનોની તો ગણતરી જ નહોતી.
"નિશ્ચલ, દોષ અને પસ્તાવો પડછાયા જેવાં છે, તેઓ આપણો પીછો કરે છે, આપણને ન લીધેલા રસ્તાઓ અને ચૂકી ગયેલી તકોની યાદ અપાવે છે" તેણે શાંતિથી આગળ ઉમેર્યું, "જોકે, અંતે તમારે તમારી પસંદગીઓ સ્વીકારવી જ પડે છે, કારણ કે તેમને સ્વીકારીને, તમે પોતે જીવેલાં જીવનનો સ્વીકાર કરો છો."
નિશ્ચલનાં મુખ પર વસવસો સ્પષ્ટ નજરે પડતો હતો. "કદાચ, એક સમાંતર બ્રહ્માંડમાં, તમારો એક બીજો અવતાર અલગ રસ્તાઓ લઈ, અલગ પસંદગીઓ કરી રહયો હોય! કદાચ તે બ્રહ્માંડમાં, તમે હમણાં તમારું રિટાયરમેન્ટ માણી રહ્યા હોવ! તમે વિશાળ દરિયાકિનારે ટહેલતા હોવ અને તમારા અંગૂઠા વચ્ચે રેતી અને તમારા ચહેરા પર દરિયાનાં પાણીનાં છાંટા અનુભવી રહ્યા હોવ!"
નિશ્ચલની આંખોમાં આશ્ચર્ય દેખાયું,
"નિશ્ચલ, બ્રહ્માંડ સંભાવનાઓનું એક જટિલ જાળું છે" તેણે આગળ સમજાવતા કહ્યું, "તમારી દરેક પસંદગી, તમે પસંદ કરેલા દરેક રસ્તાઓ, એક નવી આશા, એક અલગ વાસ્તવિકતા નિર્માણ કરે છે".
નિશ્ચલના મનમાં એક પ્રશ્ન ઉદ્દભવી ઉઠ્યો..
"તો, શું હું જે જીવ્યો, એ મેં પોતે પસંદ કરેલો રસ્તો છે?!"
"ચાલો માનીએ, કે તું જ્યારે નોકરી માટે શહેર ગયો અને તારા બાળકો સાથેનો એ સમય તેં ગુમાવ્યો. એ સમયે એક બીજો નિશ્ચલ પણ હતો, જે નોકરી છોડીને પરિવાર સાથે રહ્યો. એ જીવનમાં કદાચ તું આજે પણ તંદુરસ્ત હોવ અને કદાચ તારી પાસે પૈસા ઓછા હોય. દરેક પસંદગી, એક નવી દિશા અને વાર્તા સર્જે છે."
નિશ્ચલ થોડું અસ્વસ્થ જણાયો, તે જોરથી બોલવા પ્રયાસ કરવા લાગ્યો "તો પછી, પસ્તાવો કેમ થાય છે? કંઈક ખોટું કર્યું હોય, તેવું કેમ અનુભવું છું?"
" એ તો માનવ સ્વભાવ છે. પણ એ સમજવું જરૂરી છે કે, દરેક પસંદગીનું પોતાનું મૂલ્ય છે. તમેં જે કર્યુ, એ તમારા માટે એ સમયે યોગ્ય લાગ્યું એટલે કર્યું. જીવનમાં બધું પૂર્વનિર્ધારિત છે એવું પણ નથી, અને સંપૂર્ણપણે સ્વતંત્ર છે એવું પણ નથી. તે તો વચ્ચેના એક અદૃશ્ય તંતુ જેવું છે."
નિશ્ચલની આંખોમાં અશ્રુ આવી ગયા, "મારા બાળકો માટે હું હાજર રહી શક્યો હોત તો..."
"નિશ્ચલ, સંબંધો અને સમય, બંનેને આપણે ક્યારેય સંપૂર્ણ રીતે આપણાં બનાવી શકાતાં નથી! તમે જેટલો પણ પ્રેમ આપ્યો, જે ભાવથી આપ્યો, તમારા પ્રમાણે એ જ સાચો હતો ને? તો હવે, તેને સ્વીકારવાનો સમય છે."
તે પથારીમાં મારી હજી નજીક સરકયો, તેનો અવાજ વધું નરમ બન્યો. "પણ યાદ રાખો, ભલે દરેક સંભવિત પસંદગી ક્યાંક અસ્તિત્વમાં હોય, પણ અહીં, આ વાસ્તવિકતામાં, તમે લીધેલા નિર્ણયોનું મહત્વ તેનાથી ઓછું નથી થઈ જતું. આ તમારી વાર્તા છે નિશ્ચલ! અને તમે તેના લેખક છો!"
નિશ્ચલને અચાનક અહેસાસ થયો જાણે શાંતિ આવીને ભેટી પડી હોય! પરિસ્થિતિઓને સ્વીકારવાથી મળતી શાંતિ. ભૌતિક દુનિયા, પોતાની ઈચ્છાઓ અને વસ્તુઓ તરફનો લગાવ, આ બધું હવે મહત્વહીન લાગવા લાગ્યું. તેને સમજાયું કે સાચી સંપત્તિ, સંપત્તિમાં નહીં, પણ શીખેલા પાઠમાં, વહેંચાયેલા પ્રેમમાં અને જીવનની જટિલ યાત્રાને સ્વીકારવામાં છે.
હવે નિશ્ચલની પાંપણો ભારે થવા લાગી અને શ્વાસ ધીમો થવા લાગ્યો, "મને એવું કેમ લાગે છે કે મેં આ પહેલાં પણ સાંભળ્યું છે?" નિશ્ચલનો અવાજ માંડ માંડ બહાર આવી રહ્યો હતો "જાણે કે ... દિવસના અંતે, આપણે બધા એક મોટી વાર્તાનો અંશ છીએ."
તે એકદમ સમીપ આવી રહસ્યમય બની બોલ્યો "હા, નિશ્ચલ, આપણે બધાં વાર્તાઓ છીએ."
નિશ્ચલને હૂંફનો સ્પર્શ થયો. એક એવો સ્પર્શ, જે તેની રોમ રોમમાં ઊંડે ઉતરી ગયો. "એક છેલ્લી વાર્તા" નિશ્ચલ જાણે વિનવણી કરી રહ્યો હોય, "મને એક છેલ્લી વાર્તા કહો. એક એવી વાર્તા, જે ક્યારેય પૂરી ન થાય..."
બાજુમાંથી આવતો અવાજ હવે એક હળવી ધૂન જેવો લાગવા લાગ્યો, જાણે બ્રહ્માંડના લય સાથે ભળી જતો અનાહત નાદ "તો તમે તૈયાર છો! આ તમારી પ્રિય વાર્તા છે. પણ તેને પૂરી થતાં નવ મહિના લાગશે, અને તે પછી, તમને તેના વિશે કંઈ પણ યાદ નહીં રહે."
નિશ્ચલ પોતાને વહી જતો અનુભવી રહ્યો હતો.. જાણે દુનિયા વિલીન થઈ રહી હતી.
"તો ચાલો, ફરીથી શરૂઆત કરીએ…" નિશ્ચલને ‘સમય’નો અવાજ તેના અસ્તિત્વના ઊંડાણમાંથી પડઘાઈ રહેલો સંભળાઈ રહ્યો... "ફરી એકવાર, એક નાનું બાળક હતું, જેનું નામ નિશ્ચલ હતું...."
નિશ્ચલના મોઢા પર એક મંદ સ્મિત અંકાઈ ગયું.
અંતે, આપણે બધા એક વાર્તા બની જઈએ છીએ. સમય દ્વારા કહેવાયેલી વાર્તા! એક વાર્તા, જે શરૂ થાય છે, સમાપ્ત થાય છે અને ફરીથી શરૂ થાય છે....