Kantali Tekri thi Saad - 8 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંટાળી ટેકરીથી સાદ - 8

Featured Books
Categories
Share

કાંટાળી ટેકરીથી સાદ - 8

8.

એ ઝનૂન પર આવી  ચારે તરફ તલવાર વીંઝી રહ્યો. થોડી ક્ષણો અગાઉ એ સ્ત્રી વીંઝતી હતી એ રીતે. ગોળ ફરતો, તલવાર કે પટ્ટી પૂરી તાકાતથી ઘુમાવતો તેમને  ઘેરી રહેલા લોકોનો પ્રતિકાર કરી રહ્યો. 

એને ખ્યાલ ન આવ્યો, અત્યારે તો એને વિચાર પણ આવતો ન હતો કે આવી શક્તિ એનામાં ક્યાંથી આવી.

અત્યારે એને તલવાર આપી સ્ત્રી એક તરફ ખસી ગયેલી અને નજર ખોડી આ યુદ્ધ જોઈ રહી હતી. દર્શકને એની સામું જોવાની પણ ફુરસદ ન હતી. એની આસપાસ ઊંચા માનવ ઓળાઓ એને ઘેરી રહ્યા હતા અને એ પેલી સ્ત્રીએ કહ્યા મુજબ લડી રહ્યો હતો.

સામેથી કોઈ યોદ્ધો એને પકડવા માગતો હોય એમ કૂદ્યો. એ સાથે દર્શકે તલવાર ગોળ ફેરવી. તલવાટમાંથી ઓચિંતી જ્વાળાઓ પ્રકાશી રહી. જેને તલવાર વાગે એ એક ચીસ સાથે ધૂમાડો અને રાખનો ઢગલો બની રહ્યો.

ઓચિંતો, કદાચ હવામાં ગતિ કરતો પેલો સાધુ ઓળો આવી ચડ્યો. એણે  નજીકનાં ઝરણાં માંથી અંજલિ ભરી દર્શક અને સ્ત્રી વચ્ચે ફેંકવા પ્રયત્ન કર્યો. જાણે  એ બે વચ્ચે અદૃશ્ય દીવાલ કરવા માગતો હોય.  એ સાથે એણે દીપશિખાનો વાટકો ઉગામ્યો. ભડકા જેવી મોટી જ્યોત થઈ. એ આખી દીપશિખાનો દર્શક પર ઘા કરે ત્યાં માત્ર અંત:પ્રેરણાથી દર્શકે તલવાર એ જ્યોત વીંધતી આગળ વીંઝી જે સાધુની છાતી ચીરતી વીંધતી ગઈ.  લોહીનો ફુવારો ઊડ્યો. સાધુ મોટેથી ઓમકાર જેવો મંત્ર બોલતો ઢળી પડ્યો.

અંજલિ માંથી છાંટેલું પાણી એની ઉપર તલવારની જ્યોત આવતાં જ જાણે ફાયર વોલ બની રહ્યું. એની અને સ્ત્રીની વચ્ચે. એ પહેલાં સ્ત્રી બાજુમાંથી ઠેકી દર્શક તરફ આવી ગઈ.

બાકીના ઓળાઓ દર્શક પર ચારે બાજુથી તૂટી પડ્યા પણ દર્શક માત્ર તેમનો પ્રતિકાર નહોતો કરતો,  જીવ સટોસટની બાજી લગાવતો હતો અને જીતતો હતો.

સ્ત્રીએ કહ્યું "કોઈને ફાવવા દેતો નહીં. આપણા જીવન મરણ નો સવાલ છે."

આખરે છેલ્લો માણસ એ તલવારના દાયરામાં આવી દર્શકના પગ પાસે જ ઢળી પડતાં બોલ્યો “મેં થાય એટલી કોશિશ કરી પણ..” અને એ મૃત્યુ પામ્યો.

જંગલમાં ફરીથી બિહામણી શાંતિ પ્રસરી રહી. પવન પણ પડી ગયો.  કાંટાળાં  વૃક્ષો જાણે નમીને તેને સલામ કરી રહ્યાં.

દર્શક અનેક ઘાઓમાંથી લોહી ટપકતો, હાંફતો પણ જીવતો ઊભો રહ્યો. તલવાર પોતાની મેળે એક વખત જોરદાર છટપટી અને શાંત થઈ ગઈ.

સ્ત્રી તેની નજીક આવી તેને ગાઢ આલિંગન આપી રહી.

“તું જીત્યો. મારા વતી જીત્યો. મને હતું જ કે આ તલવારનો સાચો હક્કદાર આવી પહોંચ્યો છે.  જો તું હાર્યો હોત તો આ જંગલનું એક વૃક્ષ કે એક પાષાણ ખડક બની જાત. પણ તું જીત્યો. આ તલવાર તારે જ લાયક હતી અને છે.

તને ખબર છે? એક તલવાર ઉપરાંત હવે ઘણી વસ્તુઓનો તું સ્વામી બની ગયો. મારો પણ અને આ સામ્રાજ્યનો પણ. તું હતો જ, નિયતિએ તને દૂર કરેલો. હું કેટલાંય વર્ષો, કદાચ સદીથી તારી પ્રતીક્ષા કરતી હતી.”

“તો હું હવે કોણ છું?” દર્શકે એક હાથે વિજયમુદ્રામાં તલવાર ઊંચી કરેલી રાખી ગાઢ  આલિંગનમાં રહેલી સ્ત્રીને વધુ નજીક ખેંચી એની હડપચી ઊંચી કરતાં પૂછ્યું 

તેણીએ આકાશના ટમટમતા તારાઓ તરફ આંગળી ચીંધી. 

“અંતિમ રાજા. આ અફાટ ભૂમિનો રક્ષક, આ જળરાશિની પેલે પારની છેક જંગલોના અંતે બીજી મોટી નદી આવે ત્યાં સુધીની ભૂમિનો સ્વામી અને સામે દેખાય એ આપણા માયાવી આરસપહાણના મહેલનો  માલિક.”

દર્શકે યાદ કર્યું, એની કારનો જેક ક્યાંક પડી ગયેલો. પોતે આ તલવાર ઉગામી  ટેકરીની ટોચે ઊભેલો. એણે નીચે જોયું. ક્ષિતિજે પ્રભાતનો ટશીઓ  ફૂટ્યો.

નવો દિવસ ઊગી રહ્યો હતો.

દર્શકને એના કાનમાં સંભળાયું “મારા બત્રીસલક્ષણા સ્વામી, યુગોથી તારી પ્રતીક્ષામાં હતી.  આખરે તું મને મળ્યો ખરો. કોઈ તને છોડાવી શક્યું નહીં. આ જ આપણી નિયતી છે.

હવે તું ક્યાંય જશે નહીં.”

તેને પોતાનું શરીર પીંછાંથી પણ હળવું લાગ્યું. 

(સમાપ્ત)