ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
એ માનસિક રીતે ભયંકર અસ્વસ્થ હતો. જીવનમાં એ ક્યારેય એટલો મૂંઝાયો ન હતો. એનું જીવન સરળ ન હતું. પણ આટલી અસ્વસ્થતા એણે ક્યારેય અનુભવી ન હતી. સાવ નાનપણથી ખુરાફાતી દિમાગ વાળા બાપ સાથે ક્યારેય એને જામ્યું ન હતું. એમાં માંડ 3-4 વર્ષનો હતો ત્યાં માં મરી ગઈ અને બાપે બીજા લગ્ન કર્યા. અને નવી માં એ એના પર જુલ્મ ચાલુ કર્યા. હંમેશા એનો બાપ એના પર સરમુખત્યારની જેમ હુકમ ચલાવતો હતો નવી માના જુલ્મો એમાં ભળ્યા. અને વાત વાતમાં અકકલ વગરના બુડથલ એવા સંબોધનથી નવાજતો રહેતો હતો. અને છેવટે એક દિવસ એના મોટા બાપુ કે જેની સાથે એનો બાપ કામ કરતો હતો એની મહેરબાનીથી એક શહેરની હોસ્ટેલમાં રહેવાનું અને શાંતિથી ભણવાનું પ્રાપ્ત થયું હતું. ક્વચિતએ હોસ્ટેલમાંથી વેકેશનમાં આવે તો એને માનો સ્નેહ એના ભાભુ પાસેથી મળતો અભ્યાસ પૂર્ણ થયો ને એણે માન્યું કે છેવટે સુખનો સૂરજ ઉગ્યો હતો. એના બાપૂ એ એના મોટા બાપુને ત્યાં એની નોકરી જોઈન્ટ કરાવી હતી. અને એના ભાભુએ એના પર માનો સ્નેહ વરસાવવાનું જારી રાખ્યું હતું. એમાં મોટા બાપુના દીકરાએ વિદેશથી આવી એને પોતાનો આસિસ્ટન્ટ બનાવ્યો હતો. સારા પગારની નોકરી, બાપ બીઝી રહેતો હોવાથી એની ઓછી કચકચ અને ભાભુને ત્યાં વારંવાર જવાનું થતું હોવાથી માંની મમતાની વર્ષા. સુખ જાણે ડોકિયાં કરી રહ્યું હતું કે એક દિવસ અચાનક...
"ડોબા, હવે આપણા દિવસો ફરવાના છે. મોટો તો ગયો ભગવાન પાસે અને એના છોકરામાં વેતો નથી. આપણે હવે અબજોપતિ બનવાના છીએ. તું તારું દિમાગ ચલાવ્યા વગર હું કહું એમ કરીશ તો એક વર્ષમાં કંપની આપણી અને ઉપરાંત, પોલી તારા ભાઈની દીવાની થયેલ માં- બા વગરની કરોડપતિ છોકરી તારી, પત્ની બની જશે. બસ તું હું કહું એમ કર્યા કર ફટાફટ."
"પણ બાપુ, કંપનીના એકાઉન્ટમાં ભયંકર ગરબડ છે. તે દિવસે હું.."
"ચૂપ, તારે તારા મને ઉઘાડો કરવો છે? હું તને અબજોપતિ બનાવવા માંગુ છું અને તું મને જેલમાં ધકેલવા માંગતો હતો? ખબરદાર જો આજ પછી એકાઉન્ટની કોઈ વાત કોઈની હાજરીમાં કરી છે તો. ચામડી ઉતરડી નાખીશ તારી. ને શું આખો દિવસ ભાભુ, ભાભુ કરતો એની હા એ હા કરતો ફરે છે. આપણે એ ઘર સાથે વધુ સંબંધ રાખવાની જરૂર નથી. મારો પ્લાન સફળ થશે તો ચાર છ મહિનામાં તારો ભાઈ જેલમાં જશે. કોઈકના ખૂનના આરોપમાં."
"પણ આમ કોઈનું ખૂનની વાત ક્યાં આવી?"
"એ આખો મારો પ્લાન છે. જોયું નહિ કાલે એણે શું કહ્યું હતું કે એ કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે."
"હા બાપુ પણ એથી શું?"
"એ છોકરીની સગાઈ થઈ ગઈ છે. હવે મેં એને ઉશ્કેર્યો છે કે એના થનારા વરને ખતમ કરાવી નાખ, જેવો એ ખતમ થઈ કે તરત જ આપણે બધા સબૂત પોલીસમાં જમા કરાવી દેશું એટલે એને પાકી જન્મટીપની સજા થશે. આમેય એ મૂર્ખ છે. આવી રાજકુમારી જેવીને પૈસા વાળી છોકરીને મૂકીને એક સાવ મધ્યમ વર્ગની છોકરીમાં શું જોઈ ગયો છે. અને ધાર કે એ છોકરી સગાઈ તોડીને એને પરણી જાય તોય એમાં તારો ફાયદો જ છે. ઓલી કરોડપતિ રાજકુમારીને તારી સાથે પરણાવવાનું કામ હું તારી ભાભુને સોંપી દઈશ તારો તો ફાયદો જ ફાયદો છે. એટલે કંપનીના ઘપલા દેખાડીને ભાઈ પાસે વ્હાલાં થવાનું વિચરતો નહિ અને મને સાથ આપીશ તો જલ્દી કરોડપતિ થઈ જઈશ. સમજાયું તને?" અને એને બરાબર સમજાઈ ગયું. લાલચ એને ઘેરી વળી જે બાપ અત્યાર સુધી એને શેતાન લાગતો હતો એ બાપ દેવતા થઈ ગયો. એણે બાપને સાથ આપવાનું શરૂ કર્યું. ભાઈને ઉશ્કેર્યો છોકરીને બ્લેકમેલ કરી, મળવા બોલાવી, છોકરીના બાપને કિડનેપ કર્યો. છોકરીની જેની સાથે સગાઈ થી હતી એને ખતમ કરવાની સોપારી આપી. અને પોતે એક આજ્ઞાકારી ભત્રીજાની જેમ ભાભુને સાથ દેવા એની સાથે જ રહેવાનું નક્કી કર્યું. પણ... આજે સાંજે એની માંથી વિશેષ એને વ્હાલ કરનાર ભાભુની આંખોમાંથી વહેતા આસુએ એની આખો પરનો લાલચનો પડદો હટાવી દીધો. અને બાપના ગુના એણે ભાભુ સમક્ષ અને ભાઈ સમક્ષ કબૂલી લીધા હતા. પોતાના કારણે ભાઈ એક ખૂનના ગુનામાં ફસાતા માંડ બચ્યો હતો. એનો અફસોસ એને સતત થઈ રહ્યો હતો. ભાભુના આંસુએ એને ફરીથી રાક્ષસ માંથી માણસ બનાવ્યો હતો. પસ્તાવાનું વિપુલ ઝરણું એના હૃદયમાં વહેવા માંડ્યું હતું. ભાઈએ એને ટૂંકમાં બધું સમજાવ્યું હતું કે શા માટે એ પોતાની બાળપણની પ્રીત ઠુકરાવીને એક અજાણી છોકરીને પરણવાની જીદ કરી હતી, એ વસ્તુ હતી, શ્રીનાથજી નો ખજાનો. એને સલામત રાખવા માટે એને એક એવી વ્યક્તિની જરૂર હતી જે શેરાને વચ્ચે નાખ્યા વગર આ આખું કામ પાર પાડે. અને બાપની વિરુદ્ધમાં સબૂત આપવા એ હવે મુંબઈ જઈ રહ્યો હતો. પણ એ અસ્વસ્થ હતો એને રહી રહીને થતું હતું કે હું મુંબઈ જય ને શુ કરીશ. મારે અહીં રહીને એ લોકોની મદદ કરવી જોઈએ કે જે શ્રીનાથજીનો ખજાનો ફરીથી મંદિરે પહોંચાડવા માટે જીવની બાજી લગાવીને બેઠા છે. એણે મનોમન નિર્ણય લીધો હું જઈશ, એ ઉભો થયો. અને ચાલવા માંડ્યો એજ વખતે ફરીથી એનાઉન્સમેન્ટ થયું. "ધીસ ઇઝ ધ ફાઇનલ કોલ ફોર મિસ્ટર રાજીવ ચૌહાણ. પ્લીઝ પ્રોસીડ ટુ ગેટ નંબર 5, ડોર કેન બી ક્લોઝડ ઈન 2 મિનિટ."
xxx
"શું કહ્યું અબ્બુએ?" અઝહર નાઝને પૂછી રહ્યો હતો.
"એમણે કહ્યું કે આપણે સાડા દશ વાગ્યે એમને ઝીલવાડામાં મળવા કહ્યું છે." નાઝ સહેજ મુશ્કુરાતા બોલી. અઝહર અને શાહિદ બન્ને ને મળીને એની ભાંગેલી હિંમત પછી આવી હતી. જીવનમાં એ અનેક વાર મુસીબતમાં ફસાઈ હતી પણ આ જીતુભા નામની મુસીબત કૈક અજીબ હતી. માંડ અઢી મહિનામાં એને 3જી વાર પોતાનું મિશન અધૂરું મૂકીને ભાગવું પડ્યું હતું. એ મનોમન ધૂંધવાઈ રહી હતી. જીતુભાને એ એવો પાઠ ભણાવવા માંગતી હતી કે જિંદગી આખી યાદ રહી જાય. એટલેજ અઝહર અને શાહિદ એને મળ્યા એ જ ક્ષણે એણે એક નિર્ણય લઇ લીધો હતો. પોતાના મામુ અને ચાચુ હની -ઈરાની ને (અઝહર અને શાહિદના અબ્બુ.) મળવા જવાને હજી 5 કલાકની વાર હતી. શાહિદ અને અઝહર એની આંખોની ચમક જોઈને સમજી ગયા હતું કે નાઝના ખતરનાક દિમાગમાં કૈક ચાલી રહ્યું છે. બન્ને એ એક સાથે કહ્યું. "ડાર્લિંગ ખુલીને વાત કર કે શું નવું વિચાર્યું છે?"
xxx
ખાટલીમાં બંધાયેલી પૂજા જાણે તોફાનમાં ફસાયેલ નાવડી જેવી છટપટાઈ રહી હતી. લાકડાની ટુકડા અને કાથી ખટખટ કરતી, છૂટવા માટે એના હાથ-પગ બેફામ ફંટાઈ રહ્યા હતા. પણ તૂટેલી ખાટલીના કાથીમાં એના બંધનને વધારે જ ગૂંચવી રહ્યા હતા.
સજ્જનસિંહને ભાગતો જોઈને પૃથ્વી ધીમે ધીમે આગળ વધ્યો હતો. એ સાવ સચેત હતો. મનમાં એણે હિસાબ કર્યો – કુલ આઠ જણ હતા… એકને ગોળી વાગી, એકનો પગ કુહાડીથી લગભગ કપાઈ ગયો, છૂટાછવાયા ફાયરિંગમાં ત્રણ-ચાર ની ચીસ સાંભળી… એટલે કદાચ બે જણ હજી મુકાબલા લાયક હશે. એમાંથી એક ભાગ્યો હતો. બાકી કોણ ક્યાં છે? પૃથ્વીની નજર અંધારામાં ચપળતાથી ફેરવીને ખીસામાંથી નાની ટોર્ચ જેવો પટ્ટો કાઢીને કપાળ પર બાંધ્યો. પ્રકાશના કિરણ ખાટલી પર પડ્યા, ત્યાં એક યુવતી છટપટાઈ રહી હતી. હાથ બાંધેલા, મોઢા પર કપડા ની પટ્ટી.
પૃથ્વીએ તુરંત ખિસ્સામાંથી સ્વિસ નાઈફ કાઢે ને લાકડાની કાથી કાપતા કાપતા પૂછ્યું.
“કોણ છો તમે? કોણ હતા આ લોકો? અને આમ તને ક્યાં લઈ જતાં હતા?”
પૂજા મોંમાં પટ્ટી હોવાને કારણે અસ્પષ્ટ અવાજ કંઈક બોલી. પણ પૃથ્વીને કઈ સમજાયું નહિ. પણ એની આંખોમાં ડર, વ્યથા અને વિનંતિ એક સાથે જોઈને એણે ચાકુથી મોં પરની પટ્ટી કાપી નાખી.
પૂજાએ ઊંડો શ્વાસ લીધો, “થેંક્યુ…” પૃથ્વીએ એના હાથના બંધન કાપતા કાપતા એના ચહેરાને નીરખ્યો એની આંખોમાં આશ્ચર્ય ઉદભવ્યું એ મોટેથી બોલ્યો. "પૂજા તું. અહીં આ હાલમાં?
પૂજાએ પણ પૃથ્વીને ઓળખ્યો.. એ પૃથ્વીને વળગી પડી રડવા માંડી.
“થેન્ક ગોડ… તું ન હોત તો…” એની આંખોમાંથી અવિરત આંસુ વહેતા હતા. એ ધ્રુસકે ધ્રુસકે બોલી, “મારું જીવન… મારી ઇજ્જત… તે બચાવ્યા. પૃથ્વીની છાતીમાં પોતાનું મોં છુપાવી ને એ અવિરત રડતી રહી, પૃથ્વી એક મોટોભાઈ વ્હાલથી નાની બહેનને સાંત્વના આપે એમ એના વાંસામાં હાથ પ્રસરાવી રહ્યો હતો.
પૂજા એના જીવનમાં કદી આવી કઠિન સ્થિતિમાં નહોતી ફસાઈ. બાળપણથી જ એ રાજકુમારીની જેમ એન માં બાપે ઉછેરી હતી. કોઈએ ઉંચા અવાજે પણ કદી વાત કરી ન હતી. માં-બાપ ના અચાનક અવસાન પછી સુમતિ ચૌહાણે એને પોતાની દીકરી સમજી વહાલ કર્યું હતું પૂજાને કોઈ દિવસ માં બાપની યાદ આવે તો સુમતિ આંટી એને નજરથી અળગી ન થવા દેતા, એ મેચ્યોર તો હતી જ. ધીરે ધીરે એ આઘાતમાંથી બહાર આવી હતી અને પોતાનો બિઝનેસ માં મન પરોવ્યું હતું.
એણે નાની ઉંમરથી જ વિક્રમને પોતાના જીવનસાથી તરીકે માની લીધો હતો. ઉચ્ચ અભ્યાસ માટે કેટલાય શહેરો-દેશમાં રહી, પણ મન હંમેશા વિક્રમ સાથે જ જોડાયેલું. રહેતું અને વિક્રમ પણ એના પર ઓળઘોળ હતો, પરંતુ મહેન્દ્ર આંકલના અવસાન પછી એને લાગ્યું કે વિક્રમમાં બદલાવ આવવા લાગ્યો.છે. ત્રણ મહિના પહેલા ગામના આગેવાનો સુમતિબેન ને વિક્રમ-પૂજાના લગ્નની વાત કરી એ દિવસે વિક્રમે કહ્યું કે હમણાં મારે લગ્ન નથી કરવા. આ સાંભળીને જાણે એનું હૃદય બેસી ગયું હતું. વિક્રમ સતત બદલાતો જતો હતો. વળી થોડા દિવસ એણે કહ્યું કે એને સોનલ સાથે લગ્ન કરવા છે એ સાંભળીને પૂજા સાવ જ ભાંગી પડી હતી. પણ સુમતિ આંટીએ એને કહ્યું હતું કે વિક્રમ અસ્વસ્થ છે. એને થોડો સમય આપ. એટલે એ સુમતિ આંટીને કંપની આપવા માટે એમની સાથે વિદેશ ટુર પર જવા તૈયાર થઈ હતી. પણ ટુર પરથી પાછા ફરવાના 2-4 દિવસ પહેલા એને ખબર પડી કે વિક્રમ સોનલના વર પર હુમલો કરાવવાનો છે. જોકે સુમતિ આંટીને આ કઈ ખબર ન હતી. પૂજાને ફટાફટ ભારત પાછું આવવું હતું. અને પોતાના બિઝનેસમાં મન પરોવવું હતું. પણ દુબઈમાં અચાનક સુમતિ આન્ટીની તબિયત બગડી અને એ વખતે દેવદૂતની જેમ પૃથ્વીએ ત્યાં પૂજાની સહાય કરી હતી.
વિક્રમે દુબઇ આવીને પોતે પૂજાને પરણવા રાજી ખુશી તૈયાર છે એમ કહ્યું એ વખતે આ દુનિયામાં પોતાના જેવું કોઈ ખુશ નસીબ નથી એમ માનવ માંડેલી પૂજાને જયારે ખબર પડી કે પોતાને એક મામો છે અને એ જ વિક્રમ અને ખાસ તો સુમતિ આંટીના જીવનમાં ઝંઝાવત લાવવા માંગે છે. પૂજાનું મગજ છટક્યું અને એ ફ્રેશ હવા લેવા આઈબીના સેફ હાઉસના બગીચામાં ટહેલી રહી હતી કે અચાનક એના માથામાં કોઈકે કંઈક વજનદાર વસ્તુ મારીને એને બેહોશ કરી નાખી જયારે એને હોશ આવ્યા ત્યારે એ બંધન અવસ્થામાં હતી અને બે લોકો તેને ઊંચકી રહ્યા હતા અને એક ફિલ્મી ગુંડા જેવો કોઈ કહી રહ્યો હતો કે 'હું તારો મામો છું અને વિક્રમને બરબાદ કરી નાખીશ' અને એના સાથીઓ એને હવસ ભરી નજરે જોઈ રહ્યા હતા છતાં કંસ મામા એ એમને રોક્યા ન હતા. એની સામે જ ઓલા બે કેવી ગંદી વાતો કરી રહ્યાં હતા. પણ પોતે ભગવાનને કરેલ પ્રાર્થના સાંભળીને ભગવાને પોતાને બચાવવા પૃથ્વીને મોકલ્યો. હતો. પણ...
જંગલની મધ્યમાં અત્યંત ગભરાયેલી પૂજાને સાંત્વના આપી રહેલ પૃથ્વીને કાને કંઈક અવાજ પડ્યો, અને એ ચમક્યો હતો એની છઠ્ઠી ઇન્દ્રિય જાગ્રત થઈ હતી આવનાર ખતરાના એંધાણ એને આવી ગયા હતા.
ક્રમશઃ
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.