7. અજાણી જગ્યાએ ઉતરાણ
અરે? આ શું? નીચે તો અફાટ સાગર લહેરાય છે! તો હું ક્યાં આવી ગયો? ચોક્કસપણે ઉત્તરને બદલે દક્ષિણે.
થોડી વાર એમ ને એમ ઉડ્યા જ કર્યું. નીચે ભરો સમુદ્ર, ઉપર અહીં તો ભૂરું આકાશ. ખબર જ ન પડે કે ક્ષિતિજ ક્યાં છે. અમે કઈ તરફ જઈ રહ્યાં છીએ એનો પણ ખ્યાલ ન આવે. ઘણો સમય ઊડ્યા પછી.. હાશ! નીચે જમીનનો ટુકડો દેખાયો. અહીં ઉતરી જાઉં. છૂટકો નથી.
મેં કોઈ અજાણી જગ્યાએ ઇમર્જન્સી લેન્ડિંગ કરી રહ્યાનું એનાઉન્સ કર્યું અને.. એ તો મારૂં કૌશલ્ય જ કરી શકે. ગમે તેવી સાંકડી પટ્ટી- મેંગ્લોર હોય કે પોર્ટ બ્લેર કે હવાઈ ટાપુ, મેં વિમાન ઉતાર્યું જ છે. ભલે એકદમ સાંકડી પટ્ટી અને મર્યાદિત રનવે હોય.
નીચે જમીન જેવું જોઈ હળવેથી, ઉતારુઓ માત્ર સહેજ ઉછળે એમ, એક મોટી કેડી જેવી પટ્ટી પર, આસપાસ ખૂબ નજીક ગીચ જંગલ વચ્ચે મેં હળવેથી લેન્ડિંગ કરી વિમાન ઉતાર્યું. વિમાનની વિશાલ પાંખો જંગલનાં વૃક્ષો ચીરતી ગઈ. પહેલાં જે ભૂરા ગોળામાં ફસાયેલા લાગતા હતા એ હવે જાણે લીલા ગોળામાં. ચારે બાજુ નજર પહોંચે ત્યાં સુધી ગાઢ જંગલ હતું. થોડે જ દૂર દરિયો હતો. થોડો ઉજાસ કોઈ તરફથી આવતાં એ બાજુ જોયું તો હવે સૂર્ય મારી ડાબે હતો. એટલે હવે હું દક્ષિણ તરફ જતો રહ્યો હતો. કદાચ વિષુવવૃત્ત ઉપર થઈને દક્ષિણ ગોળાર્ધમાં.
તો આ દક્ષિણ ગોળાર્ધમાં હું ક્યાં હતો? ન્યૂઝીલેન્ડ તરફ, ઓસ્ટ્રેલિયા નજીક કે પછી કોઈ અલગ જ જગ્યાએ? જંગલો હતાં એટલે દક્ષિણ ધ્રુવ નજીક તો ન હતો.
મેં પ્રાચીન સમયના નાવિકોની જેમ આકાશનું નિરીક્ષણ કર્યું. અહીં મધ્યાન્હ નજીક હશે એટલે સૂર્ય માથે આવી પશ્ચિમ તરફ જવાની તૈયારીમાં હતો. એટલે હું બેંગકોકથી પણ પુર્વમાં હતો. નીચે કદાચ ઓસ્ટ્રેલિયાની જમણી બાજુ.
બહુ હળવેથી લેન્ડિંગ કર્યું. થોડું ઉછળ્યું, આમ થી તેમ ડોલ્યું પણ ઊભું રહી ગયું. પ્લેનને નુકસાન થયું હશે જ. પણ અમે તો બચ્યા! જાન બચી તો લખો પાયે.
આજે કહું છું, કોઈ માને નહીં પણ આવાં ઉતરાણ સાથે એ વખતે તો અમારા બધા જ 239 ઉતારુઓ સલામત ઉતરેલા. કોઈ અજાણી જગ્યાએ.
પ્લેનમાંથી ખૂબ નીચે જમીન જોઈ. હતી તો કઠણ. ઉતરવા માટે અમે નીચે લગેજ કેમ્પાર્ટમેન્ટ માં રાખેલ દોરડાંઓ કાઢી એની મદદથી નીચે ઉતર્યા. પહેલાં ખાલી ક્રૂ . અત્યાર પૂરતું ઉતારુઓને અંદર જ રહેવા કહ્યું. ત્યાં તો ગીચ ઝાડીમાંથી ઝેરી તીરોની વર્ષા થઈ. મેં શરણાગતિ દર્શાવવા સફેદ કપડું હલાવ્યું. નજીકમાં આદિવાસીઓ હશે. એ લોકોએ વિમાનને નુકસાન પહોંચે એમ, એકાદ તીર ફ્યુએલ ટેન્ક પર જ માર્યું. હજુ થોડું સદ્ભાગ્ય બચ્યું હશે એટલે એ તીર ખાલી ટેન્ક પર વાગ્યું. મેં અને કો-પાઇલોટે ફરી હાથ ઊંચા કર્યા અને કપડું ફરકાવ્યું. ફરી તીરવર્ષા. એ લોકો કપડું ફરકાવવું એટલે શાંતિ કે શરણાગતિ એવું સમજતા ન હતા એમ લાગ્યું.
કોઈ પ્રતિકાર જરૂરી હતો. મેં એર હોસ્ટેસને પૂછ્યું કે કોઈ લાંબી ચીજ છે? કોઈ લાકડી કે પાઇપ જેવી? કોઈ ન હતી. તો પણ હાજર સો હથિયાર. એણે કોઈ પેસેન્જરની ખાધેલી ડીશ આપી જેનો મેં ઘા કર્યો. એને એ લોકો હથિયાર માની બેઠા. એર હોસ્ટેસે જ કોઈ પેસેન્જરની વોકિંગ સ્ટિક પર સળગાવેલું કપડું વીંટી અગ્નિ પેલા હુમલાખોરોને બતાવ્યો. કિચનમાંથી બટેટા અને એવી ચીજો બહાર ફેંકવી શરુ કરી. અહીં પથરાઓ નજીક હશે નહીં. એ લોકો ચિચિયારીઓ પાડતા તીક્ષ્ણ ચીજો અમારી તરફ ફેંકતા ઝાડીમાં દોડી ગયા. વિમાનના વ્હીલ પર જ તીર વાગેલું. બંને પાંખોને નુકસાન થયેલું.
હવે આ વિમાન ઉડવા માટે નકામું.
ક્રમશ: