9. આશાનું એક કિરણ?
અમારે થોડું અજવાળું કરવાની જરૂર હતી. આસપાસથી જે મળે એ લઈ થોડી વધુ ડાળીઓ કાપી અગ્નિ તો પ્રગટાવ્યો. ઘોર અંધારામાં થોડી રાહત પણ થઈ, પવનોથી લાગતી ઠંડીમાં પણ રાહત થઈ. અમે વિમાનની ટાંકી પાસે કોઈ સૂકી ડાળખી ધરી. એ તો એર ફ્યુએલ હતું. થોડાં ટીપાં માં સારી એવી આગ સળગી. એનાથી મચ્છરો જેવાં જંતુઓ પણ દૂર જતાં રહ્યાં એમ લાગ્યું.
પાસપાસે એકબીજાની શારીરિક માનસિક હૂંફમાં બેઠેલા પ્રવાસીઓને મેં અંગ્રેજીમાં સૂચન કર્યું કે અહીં જ કેમ્પફાયર જેવું કરીએ.
શરૂઆતમાં મેં જ મોટા અવાજે કોઈ હિન્દી ફિલ્મ સોંગ ગાવું શરૂ કર્યું. મારી સાથે તેઓએ પણ પોતપોતાની ભાષામાં ચીસો પાડતા હોય તેમ કૈંક ને કૈંક લલકાર્યા કર્યું. બે ત્રણ સ્ત્રીઓએ હાથ પગના અંગમરોડ કરી નૃત્ય કર્યું. કોઈ બે ચાર પુરુષ સ્ત્રીઓ કોઈ પ્રોગ્રામમાં પરફોર્મ કરવા હોંગકોંગ જતા હશે. એમણે રશીયન નૃત્યમાં પુરુષો સ્ત્રીઓને બોલ કે ઢીંગલીની જેમ ઉછાળી ફેંકે અને હવામાં જ ગોળ ફેરવી ઊંચકે તેવું નૃત્ય પણ કર્યું.
દરમ્યાન ઉપરથી એક બે વિમાનો પસાર પણ થયાં. આ ટાપુ કોઈ ચોક્કસ હવાઈ માર્ગ પર પણ નહીં હોય. જો હોય તો મને અને કો પાઇલોટને ખ્યાલ હોય જ. અને તો વિમાનો પણ દર કલાકે પસાર થાય. આ વિમાનો ચોક્કસપણે અમને ગોતવા માટેનાં જ હતાં. અમારી આગ એમને દેખાઈ નહીં. જળમાર્ગે કોઈ આવે તો ખબર પડે એટલા માટે કોઈએ વગર કુહાડીએ મહા મહેનતે ઊંચી, લાંબી ડાળી તોડી એની ઉપર કોઈ કપડું ફરકાવ્યું અને અમે સહુ કાલે અને આગળના દિવસોમાં બચવા શું કરવું એનો વિચાર કરવા લાગ્યા. એમને એમ રાત્રી પુરી થવા આવી હોય એમ લાગ્યું. તેઓ થોડી ઊંઘ લેવા પથ્થર, ઘાસ કે જ્યાં જગ્યા મળે ત્યાં સુતા. મેં તેમને બને તેટલા નજીક અને સંપર્ક થઇ શકે તેમ રહેવા કહ્યું.
બધાં ભયમાં તો હતાં, સહુને ડર હતો પણ થાક્યાંપાક્યાં સહુ નમતી રાતે નિંદ્રાધીન થઈ ગયાં. અમે બે ત્રણ લોકો જાગતા રહ્યા.
એમને એમ કરતાં પ્રભાતનો તાજો પવન ફૂંકાયો. અમને દેખાયાં નહીં પણ ક્યાંક પક્ષીઓ બોલ્યાં. એટલે અમે સાંજી ગયા કે હવે સવાર પડી.
હવે બહારથી કોઈ મદદ આવે ત્યાં સુધીમાં ટાપુ પર રહેવા પુરુષોએ બે ટુકડી બનાવી. તેઓ જંગલમાં મળતી કોઈ પણ હાથવગી ચીજ લઈ ઝાડ, ડાળખીઓ, ઘાસ, કાંટા પથરા દુર કરતાં કરતાં કેડી બનાવતા ગયા. અમારા સાથીઓ જે મળ્યું તે ખોરાક, હથિયાર વગેરે મેળવવા અલગ અલગ દિશાઓમાં ગયા.
આજે તો વિમાનમાં વધેલો ખોરાક હતો. પછીના દિવસોમાં ખોરાક રાંધવાની વ્યવસ્થા કરવાનું બહેનોએ નક્કી કર્યું. જે મળે એમાંથી.
થોડા ઉતારુઓ ઊંચી જગ્યાએ ચડી કોઈનું ધ્યાન ખેંચવામાં પડયા.
હું અને કો પાયલોટ આજુબાજુની જમીન કેવી છે, પેલા આદિવાસીઓ આવેલા તે કેટલે દૂર છે વગેરે જોવા નીકળ્યા. રસ્તો ભૂલી ન જવાય એટલે અમે થોડા થોડા અંતરે કોઈ વૃક્ષનાં મોટાં પાંદડાં ઊભાં ખોસી અમારો રસ્તો અને અમે ક્યાંથી આવેલા, ક્યાં વળ્યા એની નિશાનીઓ મૂકતા રહ્યા.
મધ્યાહ્ને અમારા ટેકરી ઉપરના કોઈ સાથીએ દૂરથી એક ટપકું જોયું. એણે મને જ બૂમ પાડી બોલાવ્યો.
ટેકરી પરથી હાથનું નેજવું કરી મેં જોયું તો દરિયામાંથી આમારી જ દિશામાં એક વહાણ આવતું જોયું પણ ખરું. અમે મોં આડે હાથો રાખી એની સામે બૂમો પાડી પાડીને અવાજો કર્યા અને કપડાં ફરકાવ્યાં.
અમે ટેકરી પરથી જોયું કે તેઓ નજીક આવ્યા પણ ખરા. અમે બૂમો પાડતા જલ્દીથી, લગભગ ગબડતા નીચે ઉતર્યા. સ્ત્રીઓએ તેમનાં કપડાં બદલવા કે દૈનિક ક્રિયાઓ માટે કિનારાથી થોડે જ દૂર કોઈ નારિયેળીનાં સુકાં પાન ની આડશ કરેલી ત્યાંથી તેઓમાં ની અમુક સ્ત્રીઓ સંતાયેલી તેઓ પણ એકદમ ઝડપથી બહાર દોડતી આવી. અમને થયું, કદાચ અમારે માટેની બચાવ ટુકડી ધાર્યા કરતાં ઘણી જલ્દીથી આવી ગઈ.
ક્રમશ: