અમારા સોમનાથ પાસેના ભાલકા તીર્થ પાસે એક સમયે એ જગવિખ્યાત, ગીતાનો ગાનાર, ધર્મ, કર્મ, જ્ઞાન અને ભક્તિનો ઉપદેશક એવો સ્થિતપ્રજ્ઞ કાનુડો, ઘાયલ થઈને પડ્યો હતો. પગમાં તીર વાગ્યું હતું અને રક્તધારા ધરા પર ફેલાઈ ગઈ હતી. વાગેલા તીરનું ઝેર ઝડપથી તેમના શરીરમાં પ્રસરી રહ્યું હતું, પણ તેમનું શરીર તો ક્યાં ઝેરને લીધે શ્યામ પડવાનું હતું! એ તો એમ જ શ્યામ હતા! પરંતુ પગની પાંસળી પણ હવે શ્યામ થવા લાગી હતી અને તેમના શ્વાસ તેમને ક્ષીર સાગર તરફ ખેંચી રહ્યા હતા — જાણે કહી રહ્યા હોય:
“ચાલો જગન્નાથ, આપનું ધરતી પરનું કાર્ય સમાપ્ત થયું, ક્ષીર સાગરમાં મહાલક્ષ્મીજી આપની રાહ જોઈ રહી છે!”
પરંતુ આજે કૃષ્ણને ક્ષીર સાગરમાં જવાની કોઈ ઉતાવળ ન હતી. એમને મહાલક્ષ્મી કરતા પણ વધુ વહાલું એવું કોઈક ધરતી પર પોતાના થી વિખૂટું પડી જતું હોય એવું લાગતું હતું. તેમના સ્મૃતિપટલ પર ભૂતકાળના તેઓ માણેલા વૃંદાવનના દૃશ્યો એક પછી એક આવી રહ્યા હતા. ક્યારેક કણસી ઉઠતા, ક્યારેક કોઈ ક્ષણને યાદ કરીને વેદના સાથે આછું સ્મિત રેલાવીને તેઓ ઉંહકારો કરી ઉઠતા હતા — “રાધા…”
બાજુમાં ઊભેલા ઉદ્ધવજી કૃષ્ણની વેદના અને વ્યથા દુઃખપૂર્વક જોઈ રહ્યા હતા. જ્ઞાની એવા તેઓ જાણતા હતા કે કૃષ્ણની લીલા પૂર્ણ થઈ છે અને હવે તેમનો સ્વધામ ગમન સમય આવી ચૂક્યો છે. પરંતુ તેમના મનમાં એક પ્રશ્ન હતો — કૃષ્ણ, ઈશ્વર થઈને આમ સામાન્ય માનવ જેવું વર્તન શા માટે કરે છે! શરીર નશ્વર છે, આત્મા અમર છે, એ વાત તેઓ સારી રીતે જાણે છે. પોતે જ સર્વાત્માધિકારી છે, તો શરીર છોડવામાં આટલી બાલિશતા શા માટે દર્શાવે છે!
શોકાતુર અને વિચારમગ્ન ઊભેલા ઉદ્ધવજીના કાને ઉંહકારા સાથેના આદેશાત્મક શબ્દો અથડાયા:
“ઉદ્ધવ! તું વિના વિલંબ બરસાના જઈને રાધાને લઈ આવ. કહેજે કે કૃષ્ણ તેમના છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે અને રાધાને આંખોમાં સમાવી, સ્વધામ જવાની તેમની અંતિમ ઈચ્છા છે.”
ઉદ્ધવજી ઉતાવળા પગલે બરસાના ગયા અને રાધાજીને કૃષ્ણે કહેલો સંદેશ સંભળાવ્યો. પ્રત્યુત્તરમાં રાધાજીએ અટ્ટહાસ્ય કર્યું. ઉદ્ધવજી તો આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયા. તેમને સમજાયું જ નહીં કે રાધાજી કૃષ્ણની અંતિમ પળોનો સંદેશ સાંભળીને શોકમગ્ન થવાને બદલે હસે છે શા માટે! તેમના મોંમાંથી માત્ર એક જ શબ્દ નીકળ્યો — “રાધાજી…?”
રાધાજીએ હસવું રોકીને કહ્યું:
“ઉદ્ધવજી મહાજ્ઞાની! અજોડ તત્વચિંતક એવો મારો શ્યામ આજે જતા જતા પણ મારી પરીક્ષા કરવા બેઠો કે શું? એ શું એમની રાધાને પ્રેમની કાચી ખેલાડી સમજે છે? એમને મારા ઉપર નિઃશંક વિશ્વાસ છે જ, તો શું એ અંતિમ પળોમાં પણ ઉપહાસના ભાવમાં છે? જાઓ, હું નથી આવતી!”
“પણ રાધાજી…!”
“પણ શું! એ જાણે જ છે કે રાધા નથી આવવાની. એ તો માત્ર ટીખળ કરે છે. એને ખબર છે કે રાધા એમનાથી ક્યારેય અલગ થઈ જ નથી. રાધા તેમના દરેક શ્વાસમાં, દરેક હૃદય તરંગોમાં જોડાયેલી છે. રાધા તેમની વાંસળીના સુર, તેમના સ્મિત અને હાસ્યમાં જોડાયેલી છે. રાધા તેમની આત્મા સાથે વણાયેલી છે. વળી એમને તો માત્ર શરીર ત્યજવાનું છે. આત્મા તો સ્વધામ જશે, તો આત્મા સાથે વણાયેલી રાધા ક્યાં વિખૂટી પડશે? એ પણ ત્યાં જ જશે જ્યાં શ્યામ જશે.”
આટલું વિનમ્ર ભાવથી કહી, ઉદ્ધવજી સામે જોઈને રાધાજીએ આંચલ અમિત ફેલાવ્યું અને આગળ ઉમેર્યું:
“જ્યારે શ્યામ ગોકુળ છોડી તેમની કર્મભૂમિ તરફ પ્રયાણ કરતા હતા, ત્યારે આવો જ પ્રેમબોધ તેમણે મને કરાવ્યો હતો. આજે હું ખરા હૃદયથી કહું છું કે હું એ વાતનો પ્રતિશોધ નથી લેતી. પણ હું ખરેખર શ્યામની આત્મા સાથે વણાઈ ચૂકી છું અને એ પણ એ વાત જાણે છે. એ મારી પરીક્ષા નથી કરતા, પરંતુ બે પ્રેમીઓ વચ્ચે આવી પ્રણયમસ્તી સહજ છે. ઉદ્ધવજી! આપ નિશ્ચિંત બની પાછા ફરો અને જઈને માત્ર એટલું જ પૂછજો કે — ‘તમે રાધાને ક્યાં વિખૂટી પાડી છે?’ રાધા તો તમારી આત્મામાં વણાયેલી છે. તો નશ્વર રાધાને જોવાનો મોહ કે અંતિમ ઉપહાસ?”
ઉદ્ધવજીએ આવીને રાધાજીનો સંદેશ કૃષ્ણને સંભળાવ્યો. કૃષ્ણ તો ખડખડાટ હસ્યાં. તેમના અટ્ટહાસ્યનો પડઘો બ્રહ્માંડમાં ગુંજી ઉઠ્યો. ક્ષીર સાગર હરિના પુનરાગમનનું સ્વાગત કરવા ઉછળી ઉઠ્યો. અને કૃષ્ણે — “રાધે કૃષ્ણ!” — એવું ઉચ્ચારણ કરી સંતોષપૂર્વક આંખો મીંચી દીધી.
“પ્રેમ એ નથી કે રાધા-કૃષ્ણ સાથે હતા, પ્રેમ એ છે કે તેઓ ક્યારેય અલગ થઈ જ નથી.”