પ્રકરણ – 7 બાળપણની ગલીઓ...!!
હવે આવ્યો ત્રીજા ધોરણમાં… જે મારી બાળપણની સૌથી ભીની યાદો… જે યાદ કરતા આજે પણ મારી આંખોમાં પાણી આવી જાય છે…. એ શિક્ષિકા એટલે વિમળાબેન પટેલ અને એમનાં પતિ રમેશભાઈ પટેલ…. રમેશભાઈ પટેલથી તો હું ખાસ પરિચિત નથી..પણ જો વિમળાબેન મને આજે પણ મળી જાય તો મારે ખરેખર ખૂબ જ વાતો કરવી છે એમની સાથે..!!
હા...કારણ કે વિમળાબેન દેખાવે બિલકુલ મારી મૈયા જેવાં જ દેખાતા હતાં..એટલે જ શાયદ મને એમનાં પ્રત્યે અનહદ લાગણી હતી... લગભગ 1999 નું જ વર્ષ હતું ને મારું ત્રીજું ધોરણ પૂર્ણ થવા આવ્યું હતું ને તારીખ યાદ છે મને 13 માર્ચ 1999, એ દિવસે બે બહેનોનાં લગ્નનાં આગોતરા પ્રસંગોની સાથે સાથે અમારી બંને ભાઈઓની જનોઈનો વરઘોડો અને 14 માર્ચ 1999 એટલે શાલીની અને કમલેશકુમાર તથા વિદિશા અને સાંકેતકુમાર નાં લગ્નની સાથે સાથે જનોઈ સંસ્કાર ની વિધિ.. શાયદ એ સમયે બહેનોની વિદાયની સમજણ પણ નહોતી..સાંજનાં લગ્ન હતાં એટલે અમે બંને ભાઈઓ તો સુઈ ગયા હતાં. એમાં સંધ્યાબેન આવ્યા..
“ઉઠ...ભઈલા ...ઉઠ.. શાલિનીબેન અને વિદીશાબેન જાય છે..”
“તો જવા દો ને...”
“અરે ..ઉઠ રડવું પડે...”
અને અમે બંને ભાઈઓએ રડવાનું ચાલુ કરી દીધું..બસ એ સમયે બાળક બની ને પ્રસંગોની મસ્તી અને મજા માણી હતી..બાકી શું થઈ રહ્યું હતું એ તો ખબર જ નહોતી...
ને બસ આમ જ હસી મજાક અને ઊછળ કૂદ કરતાં કરતાં જ ચોથા ધોરણમાં પણ કુદકો મારી જ દીધો ...એ પણ ટાંકીમાં.. હા ત્યારે મારા વર્ગખંડમાં પાણીની ટાંકી હતી ને સંતાકુકડી રમતાં રમતાં એમાં ખાબક્યો...પણ પછી નીકળી ના શકાયું..અને આ બાજુ વિમળાબેન એ મારી શોધ ખોળ કરતાં કરતાં ક્લાસમાં આવ્યા ને તરત જ બૂમ પાડી “મેડમ, હું અહિયાં છું, બહાર નથી નીકળાતું મારાથી..”
અને આખો ક્લાસ હસવા લાગ્યો ને વિમળા બેન એ મને ઉંચો કરી ને બહાર કાઢ્યો..આજે પણ આ કિસ્સો યાદ કરું ને તો યાદોભીનું સ્મિત આવી જાય છે...!! આજે પણ યાદ છે કે જયારે વિમળાબેન એ વિદાય લીધી ત્યારે બસ હું એક સ્ટોરી બોલ્યો હતો અને મારી આંખોમાંથી બેહદ આંસુ નીકળતા હતાં.
પાંચમાં ધોરણમાં પણ મારા શિક્ષક બાબુભાઈ પટેલ કે જેમની બદલી થઈ હતી ત્યારે હું અને મારી સાથે ભણતો જીગ્નેશ ટેબલ નીચે બેસી ને ખુબ રડ્યા હતાં ને બસ એમણે અમને ચોકલેટ આપી તો અમે શાંત થઈ ગયાં..પણ એ સમયે શિક્ષકનાં છોડી જવાનું દુઃખ અનુભવી શકાતું હતું...ને ત્યારપછી અમારા નવા શિક્ષક આવ્યા અરવિંદભાઈ પટેલ. એમની સાથે પણ મારું એક ખાસ અટેચમેન્ટ હતું કેમ કે તેઓએ મને ઘડિયાળમાં જોતાં શીખવાડ્યું હતું સાથે સાથે મારું કોન્ફીડન્સ લેવલ વધારવામાં અને મારો ડર દુર કરવામાં એમનો સિંહફાળો તો ખરો જ....
હા..પાંચમાં ધોરણનો એક કિસ્સો એવો પણ કે જે યાદ કરતાં આજે પણ ખુદ પર હસવું આવે...મારી જ શાળાનાં શિક્ષક ડાહ્યાભાઈ...એમની દીકરી નિશા મારા ક્લાસમાં જ હતી ને એ છોકરીઓની મોનીટર અને હું છોકરાઓની મોનીટર...પણ મને “ગગુડો” કહી ને બોલાવતી અને ખુબ જ ગુસ્સો આવતો..પણ કરું શું..? કારણ કે મારા કાકીની માસીની છોકરીની છોકરી થાય એટલે ફરિયાદ પણ ન થાય..એટલે હું એને “નિશા બોડી” જ કહેતો...પણ આખરે ફેંસલો તો કરવો જ રહ્યો..એટલે એક દિવસ બ્રેક માં ચીડવતી હતી ને મેં છોકરાઓની ગેંગ ભેગી કરી અને પછી કારંટા રોડ દોડાવી દોડાવી ની મારી...એ ગામડાની ગલીઓ અને ધૂળિયા રસ્તાઓ ભલે સુવિધા વગરનાં હતાં...પણ આનંદની કીક્યારીઓ થી ગુંજતા હતાં....
છટ્ઠા ધોરણમાં પણ કાળુભાઈ પટેલ ...ખુબ જ ભયંકર ... જ્યારે ક્લાસ માં આવે ત્યારે બસ છગન અને વાલો હરીજન... બસ આ બંને ને બરાબર ઝૂડી નાખે અને એ જે ખોફ...!! આખો ક્લાસ શાંત, પછી અમારા પ્રિન્સીપાલ સોમભાઈ પણ ના આવે...હા એક શિક્ષક રામભાઈ માલીવાડ પણ હતાં.. એક વાર એમણે મને 23 નો ઘડીયો પૂછ્યો ..અને મને ના આવડ્યો અને એ સમસમાટ કરતું ડસ્ટર હાથમાં પડ્યું...પછી તો બીજા દિવસે 25 સુધોનાં ઘડિયા પાક્કા કરી ને ગયો ...તો પૂછ્યું જ નહિ....
સાતમાં ધોરણમાં આવ્યો ને પ્રાયમરીમાં છેલ્લું વર્ષ ...એ સમયે ડાહ્યાભાઈ અમારા નવા પ્રિન્સીપાલ બન્યા હતાં.. અને સાતમાં ધોરણ નાં ત્રણ વર્ગ હતાં અ, બ અને ક.. અ વર્ગમાં ડાહ્યાભાઈ ,બ વર્ગમાં રમેશભાઈ વાળંદ અને ક વર્ગમાં એટલે મારા શિક્ષક હતાં હિતેશભાઈ કે જે મારા સોમમામા ના દીકરી પીન્ટુબેનનાં હસબન્ડ હતાં...એટલે સંબંધમાં તો મારા બનેવી થતાં હતાં... મારી સાથે ભણતો વિનોદ પ્રજાપતિ કે જેને સૌ ઉંદર કહી ને બોલાવતા હતાં...એક વખત એનાં પેન્ટ ની ચેન ખુલી હતી..અને મેં તો કહી દીધું કે “ વિનોદ, તારી પોસ્ટ ઓફિસમાં ઉંદરડું” અને બસ પછી એણે હિતેશભાઈ ને કહી દીધું...
******
To be continue..
Hemali Gohil “RUH”
@Rashu
શું કરશે હિતેશભાઈ...? શિક્ષા આપશે કે પછી જતું કરશે?? શું લેખક આ ડાયરીનો લખ્યા ધ્યેય જાણી શકશે ..?? શા માટે લખાય હશે આ ડાયરી..?? કોઈ સામાજિક ધ્યેય કે પછી અંગંત યાદો માટે લખાય છે આ ડાયરી..?? જુઓ આવતાં અંકે...