નિતુ : ૧૨૨ (મુલાકાત)
નિતુ કરુણા સાથે ઓફિસ પહોંચી. વાતાવરણ વરસાદી સર્જાયેલું હતું. બહાર અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. આકાશી વાદળો વીજ સાથે ગડગડાટ કરી રહ્યા હતા. ઓફિસ પહોંચ્યા છતાં નિતુને મનમાં અશાંતિ પ્રસરેલી હતી.
એ વારંવાર પોતાના કાંડામાં બાંધેલી ઘડિયાળ તરફ જોતી. તો ક્યારેક વળી, ઊભી થઈ આમ- તેમ ચક્કર લગાવતી. એ જેમ તેમ કરીને પોતાની જાતને સંભાળી રહી હતી. વિદ્યા એને મળવા માટે ત્યાં આવી પહોંચી. તંદ્રામાં ડૂબેલી નિતુનું સહસા ધ્યાન ગયું. "મેડમ, તમે?"
તેની મનઃસ્થિતિ જોતા એણે પૂછ્યું, "હા. શાંતિ નથીને મનને?"
"ના. એવું કંઈ નથી."
એ બોલી, "નિતુ, આ રીતે મન મારીને જીવવાનો કોઈ અર્થ નથી. ઓફિસ માટે થઈને તું આટલી ઘુટન સહન કરે એ હવે મારાથી સહન નહીં થાય. હું મયંકને જણાવી દઉં છું, કે આ મિટિંગ કેન્સલ છે. અમે તમારી સાથે કામ કરવા નથી માંગતા." એ જવા લાગી કે એને અટકાવતા નિતુએ કહ્યું, "ના મેમ. એવું કરવાની કોઈ જરૂર નથી. આ તો આપણું કામ છે. ને કામ તો કરવું જ ઘટે!"
વિદ્યા એની નજીક આવી અને એના ખભા પર હાથ રાખી એક ફિક્કી મુસ્કાન આપી, એના જોમને એ શાબાશી આપી રહી, "બી બ્રેવ એન્ડ લેટ્સ ગો."
નિતુએ એની વાત માની. એક ઊંડો શ્વાસ લીધો અને સ્વસ્થ થતા પોતાની જાતને તૈય્યાર કરી. વિદ્યાએ એક હાથ આગળ કર્યો અને નિતુ એનો હાથ પકડી ચાલવા લાગી. વિદ્યા એને આ રીતે માત્ર હિમ્મત આપવા લઈ જઈ રહી હતી. હકીકતમાં એના હાથ પકડી સાથે ચાલવાથી નિતુને મિટિંગ માટે હિમ્મત આવી ગઈ હતી.
બંને મિટિંગ રૂમમાં પ્રવેશી. સામેની મેઈન ખુરશી પર વિદ્યા બેઠી અને બાજુમાં મેનેજરની ખુરશી પર નિતુએ સ્થાન લીધું. એક બાજુ ઓપરેટર તરીકે નવીન અને સામેની બાજુ અશોક બેઠો હતો. બંનેને આ રીતે આવીને બેસતાં જોઈ નવીન અને અશોક બંને ચકિત થઈ ગયેલા. પણ કોઈ કશું બોલ્યું નહિ.
એ જ ક્ષણે એક પિયુને આવીને સમાચાર આપ્યા, કે મયંક સર આવી ગયા છે. તે સમાચાર આપી બહાર ગયો કે નિતુની નજર દરવાજે ચોંટી. દિલની ધડકન વધી ગયેલી અને પસીનો બાજવા લાગ્યો. એ સતત દરવાજા તરફ જોઈ રહેલી. થોડી જ ક્ષણોમાં મયંક પોતાની સેક્રેટરી અને આસિસ્ટન્ટ સાથે પ્રવેશ્યો. બંને ચાલીને પહેલા અંદર આવ્યા અને એની પાછળ ધીમેથી મયંક અંદર પ્રવેશ્યો. એનું સ્વાગત કરવામાં આવ્યું અને બેસાડવામાં આવ્યો. મયંકે એના તરફ જોયું અને એ નીચે માંથુ ઢાળી ગઈ.
નવીન ઉભો થયો અને બધાનો પરિચય આપ્યો. "હેલ્લો સર. માય સેલ્ફ નવીન. ઓપરેટર ઈન, એન્ડ આઈ વીલ મુવ ઓન યોર ઓલ પ્રોજેક્ટ ઈન ધીઝ મીડિયા. વિદ્યા મેમ, એઝ યુ ઓલરેડી નો હર. હી ઈઝ અશોક સર. એન્ડ ઓફકોર્સ, અબાઉટ શી, નીતિકા ભટ્ટ. અવર ન્યુ મેનેજર કમ ઓપરેટર, વુમ આઈ આસિસ્ટ." દરેકને ઓળખવા છતાં મયંકે પરિચય મેળવ્યો અને બધાનું અભિવાદન કર્યું.
સમગ્ર પરિચય દરમિયાન નિતુએ પોતાનું માથું નીચે ઢળેલું રાખ્યું હતું. મયંકે એને બોલાવવાના પ્રયત્નથી કહ્યું, "નાઈસ ટુ મીટ યુ ઓલ હિયર. બટ, મને લાગે છે કે તમારા મેનેજરની તબિયત બરાબર નથી. થોડા અપસેટ બેઠા છે."
કોઈ જાતના ભાવને ચેહરા પર લાવ્યા વિના નીતિકા એકીટશે એને જોવા લાગી. મયંકની નજર તો એના પર જ અટકેલી હતી. બંનેને આ રીતે એકબીજા સામે જોઈને બેઠેલા જોતાં નવીને ખોંખારો ખાયો. બંને સભાન થયા અને વિદ્યાએ વાત બદલતા કહ્યું, "સો, મિસ્ટર મયંક. એ બધી વાતો થતી રહેશે. આપણે કામની વાત કરીયે. શું તમે તમારા પ્રપોઝલ વિશે અમને વધારે જણાવશો?"
"હા. કેમ નહિ." એના આસિસ્ટને ઉભા થતાં વાત આગળ હાંકી. "હું મયંક સરનો આસિસ્ટન્ટ છું. માય સેલ્ફ માધવન. અમે તમને લોન્ગ ટર્મ માટે કામ કરવાની ઓફર આપીયે છીએ. મીન્સ કે માત્ર એક નહિ. અમે અમારા બાકીના પાર્ટનરોની જેમ તમારી સાથે હાથ મિલાવીને વારંવાર કામ આપવા માટે આવ્યા છીએ. અમારા દ્વારા બનાવવામાં આવતી ઘણી બધી એડ્સનું પ્રમોશન અને લોન્ચિંગ ટાઈમ્સ સાથે થશે, તો અમને ખુશી થશે."
"એટલે?" નવીને અસમંજસતાથી પૂછ્યું.
બાજુમાં બેઠેલી એની સેક્રેટરી સુપ્રિયા બોલી, "અમે ભવિષ્યમાં થનાર અન્ય એડ્સની વાત કરીયે છીએ મિસ્ટર નવીન."
અશોકે પૂછ્યું, "યુ મીન કે આપ લાંબા સમય સુધી ટાઈમ્સ સાથે પબ્લિશિંગ કરવા માંગો છો! ધેટ્સ ગ્રેટ. એટલે જો અમારી કોઈ એડ્સ તમને પ્રોડક્શન માટે આપવી હોય તો અમે પણ આપી શકીયે?"
"જી."
"આ તો સારી વાત થઈ ગઈ. મીન્સ કે આપણે અત્યાર સુધી અમૂક પ્રોજેક્ટ જે પેન્ડિંગ રાખવા પડતા હતા. એ હવે નહિ રાખવા પડે. આપણી પાસે એક પ્રોડક્શન હાઉસ વધી જશે અને તમને કાયમી ધોરણે એક પાર્ટનર. નહિ મેમ?" ઉત્સાહથી નવીન બોલ્યે જતો હતો.
ઓફર રાખવાનું કારણ વિદ્યા અને નિતુ બંને સમજી શકતી હતી. નવીનનાં પૂછેલા સવાલ સામે વિદ્યાએ એકાંતમાં વાત કરવાના બહાને પોતાની સામે રાખેલ માઈક બંધ કર્યું. બાજુમાં બેઠેલી નિતુના કાન પાસે જઈ ધીમેથી પૂછ્યું, "હવે તું શું માને છે?"
તેણીએ પણ ધીમાં અવાજે વિદ્યા સાથે વાત કરી. "લાંબા સમય માટેની ડીલ છે મેમ. કંપનીને ફાયદો થશે. એક્સેપટ કરી લો."
"નિતુ! તને ખ્યાલ આવે છેને કે મયંક આ ડીલ લઈને શું કામ આવ્યો છે? એ વારંવાર અહીં આવી શકે એટલા માટે એ આ બધું કરે છે!"
"તમે મારું ન વિચારો. હું સંભાળી લઈશ. જો ટાઈમ્સને આનાથી ફાયદો થતો હોય તો તમારે હા કહી દેવી જોઈએ."
"નિતુ! વાત ફાયદા કે નુકસાનની નથી."
"મેડમ પ્લીઝ. હું માનું છું કે તમે મારું ભલું જ કરવા માંગો છો. પણ હું મયંકની ડીલ પર માત્ર કામ પૂરતું જ ધ્યાન આપીશ. નવીનને આની સાથે જોડવાનું કારણ એ જ છે. હું પેપર વર્ક કરી દઈશ અને બીજું એ સંભાળી લેશે. બીજી વાત કે મયંક અને હું... આઈ મીન, અમારો સંબંધ એક અલગ વસ્તુ છે અને એ મારી પર્સનલ મેટર છે. એનાથી ટાઈમ્સને કોઈ ફેર ન પડવો જોઈએ."
"આર યુ શ્યોર?"
"હા."
મયંક સાથે કામ કરવું એના માટે વસમું સાબિત થશે એ વિદ્યા માનતી હતી. તેણે નિતુને સમજાવવાના પ્રયત્નો કર્યા. એક બાજુ કંપનીનો ફાયદો હતો તો બીજી બાજુ નીતિકાની ખુશી. એક સાથે બન્ને વસ્તુને ભેગી કરવી કેટલી મુશ્કેલ થશે એ વિદ્યા જાણતી હતી. કારણ કે એ મયંકને સારી રીતે ઓળખતી હતી. છતાં નિતુએ એને આગળ વધવા કહ્યું. વિદ્યાની હા કહેતા જ મિટિંગ આગળ ચાલી. સમગ્ર મિટિંગ દરમિયાન નિતુ માત્ર તેઓની વાત સાંભળતી રહી. ન કંઈ બોલી, કે ન તેઓની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા.
એની ચુપ્પી પાછળ સંતાયેલા શબ્દોને મયંક સારી પેઠે સાંભળી શકતો હતો. એ જાણતો હતો કે નિતુ હજુ એને ભૂલી નથી. પોતાના પ્રેમને ઉજાગર કરવા એ સાચા સમયની રાહ જોતો હતો. મિટિંગ પુરી કરી એ બધા સાથે હાથ મિલાવવા લાગ્યો. એ કારણથી કે એ બહાને નિતુ એની સાથે હાથ મિલાવશે. પણ બધા સાથે હાથ મિલાવતો એ અંતે તેની પાસે પહોંચ્યો. તો બે હાથ જોડી, નમસ્કાર કરીને તે જતી રહી. મયંકે આગળ વધારેલો હાથ શરમથી ખચકાયને પાછળ ખેંચ્યો.
નવીન આ ઘટનાને જોઈને થોડો વહેમાયો. આખરે એની ઈચ્છા પણ તો નિતુને પામવાની જ હતી. પણ નિતુનું આવું બરછટ વર્તન ઘણી આશંકાઓને નોતરી રહ્યું હતું. અજાણ્યા લોકોથી આ રીતનું વર્તન હશે, એવું એ માની બેઠો. બંન્નેના અતીતથી અજાણ નવીને એક સામાન્ય ઘટના તરીકે વિચારી આ વાતને નકારી દીધી.
મયંક અને તેના કામદારો નવીન અને અશોક સાથે બધી જાતનું ડિસ્કશન કરવામાં લાગી ગયા. વિદ્યાએ કહ્યું, "ઓકે સો નવીન. તમે અને અશોકભાઈ બધું સમજી લ્યો. ફાઈલ રેડી થઈ જાય એટલે નીતિકા પાસે સાઈન કરાવી લેજે." એ નિતુની સાથે જતી રહી. નવીન અને અશોકે મયંકનું કામ શરુ કરી દીધું. બહાર જતી નિતુને મયંક એકીટશે અને ગમ્ભીરતાથી જોતો હતો. ત્યાં સુધી, કે એ એની બાજુમાંથી નીકળી અને તીરછી નજરે ફરી બંનેની નજર ભેગી થઈ ગઈ.
બહાર નીકળી બંને કેન્ટીનમાં ગઈ. વિદ્યાએ જસ્સીને કોફી લાવવા કહ્યું. એ નિતુની મનઃસ્થિતિ સમજી શકતી હતી. એટલે જ નિતુને વિશ્વાસ હતો કે વિદ્યા એને સદા સાથ આપશે. એના પડેલા મૂડને સારું કરવા વિદ્યાએ વાત બદલી, "હું તને એક વાત કહેવાની તો ભૂલી જ ગઈ."
"કેવી વાત?"
"આજે સવારે જ નિકુંજના મમ્મી પપ્પાનો ફોન હતો. અંકલે કહ્યું કે બે દિવસમાં તે બંને અહીં આવશે. અમારા લગ્નની તારીખ ફિક્સ કરવા માટે."
ખુશ થતા એ બોલી, "વાવ, ધેટ્સ ગ્રેટ."
એની સ્માઈલ જોતા વિદ્યાએ કહ્યું, "તને ખુશી થઈને આ વાત સાંભળી?"
"બહુ જ. તમારા લગ્નની વાત છે તો ખુશી તો થાય જ ને. તમારા જીવનની સૌથી બેસ્ટ ક્ષણ હશે."
"હમ્મ... તો પછી તારા ચેહરા પર હંમેશા આવી જ સ્માઈલ રાખજે. મયંકના લીધે તું થોડી અપસેટ છે. પણ પ્લીઝ, એના માટે થઈને તું તારી આ સ્માઈલને ન છોડતી! તું આવી રીતે સ્માઈલ કરતી રહે, મારા માટે એ જ સૌથી બેસ્ટ છે."
"જરૂર. આઈ વીલ ટ્રાય."
"યુ નો. મેં અંકલ આંટીને કોઈ દિવસ જોયા નથી. મને તો એ પણ ખબર નથી કે એ સંબંધ કેવો હશે! અત્યાર સુધી એકલી રહી છુને!"
"મેમ!"
"તેમણે અમારા લગ્ન માટે હા પાડી, માત્ર ને માત્ર નિકુંજની ખુશી માટે. એ મને પ્રેમ કરે છે એ જાણીને જ તેઓએ હા કહી. એ પણ તારા અને હરેશના મનાવ્યા પછી. બાકી તેઓએ તો મને કોઈ દિવસ જોઈ પણ નથી. આઈ હોપ, કે હું બંનેને પસંદ પડું."
અનાથ વિદ્યાને મમ્મી પપ્પા મળવાની ખુશી કેટલી હશે! એનો શુમાર એની આંખોમાં ચળકતો હતો. નિતુ એ અંદાજો લગાવી શકતી હતી. લગ્ન કરતાં પણ વધારે ખુશી નિતુને એ વાતની જ હતી, કે વિદ્યાને પોતાનો કહી શકાય એવો પરિવાર મળવાનો હતો.
"યુ નો, મેં અને નિકુંજે નક્કી કર્યું છે, કે એકવાર મમ્મી પપ્પા અહીં આવેને. એટલે એને ક્યાંય નથી જવા દેવા. અહીં જ રાખવા છે. અમારી સાથે. બસ હું એને પસંદ આવી જાઉં!"
"એ પણ થઈ જશે. હું તો કહું છું કે તમે એને પહેલી નજરમાં જ પસંદ આવી જશો." એનામાં આત્મવિશ્વાસ ભરતા નિતુએ કહ્યું. કોફી પીયને બંને છૂટી પડી. વિદ્યા પોતાની કેબિનમાં જઈને કામમાં લાગી ગઈ.
નીતિકા પોતાની કેબિનમાં પરત ફરી. ફાઈલોને ટેબલ પર રાખી એ બારી તરફ ગઈ. આકાશથી છંટકાતી વૃષ્ટિનું પાણી ઓફિસની મોટી મસ્સ બારીને સારી પેઠે લપેટી બેઠેલું. નિતુની નજર બહાર કમ્પાઉન્ડ તરફ હતી. મયંકનો ડ્રાઈવર એના પર છત્રી રાખી એને ગાડી સુધી લઈ જઈને, અંદર બેસાડી રહ્યો હતો. તેઓની ગાડીઓ ગેટની બહાર નીકળી ગઈ.
નિતુએ આંખો બંધ કરી અને એ બારીની પાળી પર જ બેસી ગઈ. રડવાનું મન તો હતું, પણ રડી શકાય એમ નહિ. આંખો ખોલી બારીના કાચને ખભો ટેકવી બેસતા એણે આકાશ તરફ એક નજર કરી અને ફરીથી આંખો બંધ કરી દીધી. ગરજી રહેલા વાદળો અને ઝબકી રહેલી વીજનાં આશ્રય નીચે, બારીના કાચ પર પડતા ઠંડા ટીપાંઓ વચ્ચે, શિથિલ અવસ્થામાં એ ક્યાંય સુધી આંખો બંધ કરીને બેસી રહી.