Recap :
કામિની અને નરીયાની પ્રેમ કહાનીમાં કામિનીની મા એ આવીને ભંગ પાડ્યો. બાબુને ઉપાડ ના મળ્યો જેટલા પૈસા હતા એમાંથી એણે શાક ખરીદ્યું અને એની સાયકલ એક નાના છોકરા સાથે અથડાઈ અને એ છોકરાને લઈને એ દવાખાને આવ્યો ડોક્ટરે એને કહ્યું તમારા દીકરાને બરાબર ખવડાવજો અને બાબુ એ કહ્યું કે આ મારો દીકરો નથી અને પછી ....
ગતાંક થી ચાલુ.....
બાબુએ "રોડ પરની આખી એક્સિડન્ટવાળી વાત એ ડોક્ટર ને કહી ડોક્ટરે છોકરાને પૂછ્યું તારા મા-બાપ ક્યાં છે પેલા છોકરાએ બે ફિકરાઈથી જવાબ આપ્યો " નથી " .
ડોક્ટરને અને બાબુ ને નવાઈ લાગી. ડોક્ટરે કહ્યું કે તું ક્યાં જઈશ ? છોકરાએ કહ્યું " ખબર નહીં ". ડોક્ટરે કહ્યું બાબુભાઈ જુઓ આને આ હાલતમાં રોડ ઉપર મૂકવો સારો નહીં. ઘાને લીધે તાવ વધી જશે તો મુશ્કેલી થઈ જશે તમે આને તમારા ઘેર લઈ જાઓ. બાબુ ચિંતાતુર થઈ ગયો અને બોલ્યો "મારા ઘરે......" વિચારમાં પડી ગયો પછી એણે કહ્યું સારું હું લઈ જાઉં છું આને મારા ઘરે . ડૉક્ટરે કહ્યું કે " આ દવા લખી આપું છું એ લઈ લેજો." બાબુએ ડોક્ટરને પૂછ્યું કેટલાની આવશે ? ડોક્ટરે કહ્યું કે સો દોઢસો રૂપિયાની આસપાસ તો આવશે જ. બાબુએ ખિસ્સામાં હાથ નાખ્યો, એને યાદ આવી ગયું કે, ખિસ્સામાં કશું જ નથી, જે હતું એમાંથી શાકભાજી ખરીદયા હતાં. બાબુએ ડોક્ટરને કહ્યું કે સાહેબ દવા ના લઈએ તો? ડૉક્ટરે એની સામે જોયું, બાબુએ સંકોચાતા સ્વરે કહ્યું "પૈસાની ખેંચ છે કાલે અથવા પરમ દિવસે લઈ લવ તો?" ડોક્ટર જાણે દર્દ પારખી ગયા હોય એમ એમનામાં માનવતાના ભાવ જાગ્યા અને ડોક્ટરે એના ખભા ઉપર હાથ મૂક્યો અને બાબુને કહ્યું " એક કામ કરો હું તમને સેમ્પલ આપું છું, મારી પાસે હોય તો, હમણાં હાલ એને એ આપી દેજો. ડોક્ટરે એને સેમ્પલ આપ્યા, બાબુ ડોક્ટરનો આભાર માનતો, એ છોકરાને સાયકલ પર બેસાડીને નીકળ્યો, રસ્તામાં આઈસ્ક્રીમવાળો દેખાયો. છોકરાએ કહ્યું કે મારે આઈસ્ક્રીમ ખાવો છે. બાબુએ ખિસ્સામાં હાથ નાખ્યો અને જે થોડા ઘણા વધેલા પૈસા હતા ,એમાંથી એણે એ છોકરાને આઈસ્ક્રીમ ખવડાવ્યો અને પછી સાયકલ લઈને ઘરે આવ્યો. ઘરે આવી એણે સાયકલ સ્ટેન્ડ પર મૂકી છોકરાને ઉતાર્યો અને ઘરનો દરવાજો ખખડાવ્યો. ઘરનો દરવાજો જશોદાએ ખોલ્યો ને ખોલતાની સાથે જશોદાએ ત્યાં જ દરવાજા ઉપર જ બાબુને પૂછ્યું ઉપાડ મળ્યો? બાબુ કંઈ ન બોલી શક્યો એણે માત્ર શાકભાજીની થેલી ઉપર કરી અને જશોદાને આપી. જશોદાએ થેલી હાથમાં લઈ લીધી અને ફરી એ જ સવાલ કર્યો ઉપાડ મળ્યો? બાબુ કાંઈ બોલતો નહોતો, ચૂપચાપ ઊભો હતો. જશોદા ફરી કંઈક બોલવા જાય ત્યાં જ બાબુની પાછળથી એક નાના છોકરાએ ડોકું બહાર કાઢયું. જશોદાને નવાઈ લાગી કે બાબુની જોડે આ છોકરો કોણ છે? જશોદાએ અસમંજસ અને આશ્ચર્યના ભાવ સાથે બાબુને પૂછ્યું. આ કોણ છે? બાબુએ કહ્યું કનૈયો, કનૈયો નામ છે એનું. જશોદાએ કહ્યું " એનું નામ નથી પૂછ્યું ,પણ એ કોણ છે એમ પૂછ્યું છે ". બાબુએ કહ્યું કે આ છોકરો મારી સાયકલ સાથે અથડાયો, એને વાગ્યું , ડોક્ટર પાસે લઈ ગયો, ડોક્ટરે કહ્યું "રોડ ઉપર નહીં રખાય તાવ છે"... જશોદાએ વાત કાપતા કહ્યું " એટલે ઘરે લઈ આવ્યા ? ઉપાડના બદલે ગામનો ઉતાર લઈ આવ્યા, ખબર નહીં કોનું છોકરું હશે? જશોદાએ પૂછ્યું "કેટલા દિવસ અહીંયાં રહેવાનો છે? બાબુએ કહ્યું " બે ચાર દિવસ ". જશોદાએ કહ્યું અહીં બે જણનું તો માંડ પૂરું થાય છે, આ ત્રીજું લઈ આવ્યા? બાબુએ કહ્યું " તું કહેતી હોય તો અત્યારે મૂકી આવું જ્યાંથી લાવ્યો તો ત્યાં, એને તાવ છે, એણે ખાધું નથી, ત્યાં રોડ ઉપર રહેશે તો મરી જશે. એમ કહી બાબુએ કનૈયાને કહ્યું " ચલ ભાઈ તું જીવે કે મારે શું ? એમ કહીને એ એને લઈને નીકળ્યો ત્યાં જશોદાએ કહ્યું " ઠંડી વધુ છે કાલે મૂકી આવજો, ભલે રહે તો આજ રાત . કનૈયાના ચહેરા પર એક સ્માઈલ આવી અને બાબુના ચહેરા પર પણ નિરાંતની એક સ્માઈલ.
સાંજની રાત થઈ ગઈ હતી.
બાબુ જે શાકભાજી લાવ્યો હતો એમાંથી જશોદાએ શાક બનાવ્યું અને ઘરમાં જે થોડા ઘણા ચોખા અને દાળ વધ્યા હતા એમાંથી ખીચડી. જશોદા ગુસ્સામાં વાસણ પછાડતી પછાડતી જમવાનું કાઢતી હતી. એણે બૂમ પાડી ચલો હવે જમી લો થાળી કાઢી દીધી છે. બાબુ અને કનૈયો બંને જણા થાળી પાસે બેઠા, બાબુ હાથ ધોયા વગર જ બેસી ગયો હતો એટલે કનૈયાએ બાબુને કહ્યું " તમે હાથ નથી ધોતા? મારા દાદા કહેતા હતા જમતા પહેલા હાથ પગને મોઢું ધોવું જોઈએ. બાબુએ પૂછ્યું "તારા દાદા ક્યાં રહે છે ?" કનૈયાએ હાથ ઉપર કરીને બતાવ્યો કે એ ગુજરી ગયા છે. ત્રણે જણાએ ગરમા ગરમ ખીચડી અને શાક ખાધું. કનૈયાએ થોડું વધારે ખાધું. બાબુએ અને જશોદાએ થોડું ઓછું ખાધું કારણકે કનૈયાની થાળીમાં ખીચડી પતી ગઈ સાથે તપેલીમાં પણ ખીચડી પતી ગઈ અને કનૈયાએ જ્યારે બીજી વખત ખીચડી માંગી , ત્યારે બાબુએ પોતાની થાળીમાંથી પોતાની ખીચડી કનૈયા ને આપી હતી, કદાચ બે ત્રણ દિવસનો ભૂખ્યો હતો. કનૈયાએ ફરી ખીચડી માગી એને ખબર નહીં કે તપેલીમાં ખીચડી પતી ગઈ છે. જશોદાએ પોતાની થાળીમાંથી થોડી ખીચડી કનૈયાને આપી એટલે કનૈયો ભરપેટ જમ્યો. જશોદા અને બાબુ બે જણા થોડું ઓછું જમ્યા.
ત્રણેય જણા ખાઈ અને સુઈ ગયા. એક તરફ બાબુ એક તરફ જશોદા અને વચ્ચે કનૈયો. સવાર પડી. રોજની જેમ સૌથી પહેલી આંખ જશોદાની ખુલી, જેવી આંખ ખુલ્લી અને બાજુમાં જોયું તો કનૈયો પથારીમાં નહોતો. જશોદાએ બાબુને જગાડ્યો બાબુ ઊઠીને શોધવા લાગ્યો કે કનૈયો ક્યાં ગયો ? એ લોકો કનૈયા..... કનૈયા...... કરતાં ઘરની બહાર આવ્યા. જોયું તો કનૈયો થોડી દુર છોકરાઓ સાથે રમતો હતો એટલામાં રસીલા ત્યાં આવી અને રસીલાએ કનૈયા વિશે પૂછ્યું કે " આ છોકરો કોણ છે? એ એમ કહે છે કે તમારા ત્યાં આવ્યો છે. જશોદાએ રસીલા ને કહ્યું કે કાલે બાબુની સાયકલ સાથે આ છોકરો અથડાયો અને પછી છોકરાને બાબુ અહીંયા લઈ આવ્યો. રસીલાએ બંનેને પોલીસની બીક બતાવી અને કહ્યું કે ભાઈ આને પોલીસ સ્ટેશન લઈ જાવ નહિતર એના મા બાપ શોધતા શોધતા આવ્યા અને એવું કહ્યું કે છોકરાને આ લોકો ઉઠાવીને લઈ આવ્યા છે તો પોલીસ તમારી ઉપર કિડનેપિંગ નો કેસ કરશે ,એટલામાં બાજુમાં રહેતો પોપટ પણ આવી ગયો. પોપટે પણ રસીલાની વાતમાં ટાપસી પુરાવી અને બાબુને કહ્યું કે " હા ભાઈ રસીલાની વાત સાચી છે.
કારણ કે
રસીલાની વાત કોઈ નકારતું જ નહોતું . રસીલા તમામ રીતે રસ ભરેલી હતી એટલે પોપટે પણ રસીલાની વાતમાં હામી પુરાવતા કહ્યું કે ભાઈ આને પોલીસ સ્ટેશને મૂકી આવ નહિતર તારી ઉપર કિડનેપિંગ નો કેસ થશે. બાબુ અને જશોદા ગભરાઈ ગયા અને એમણે નક્કી કર્યું કે એ લોકો કનૈયાને પોલીસ સ્ટેશન લઈ જશે.
થોડી જ વારમાં બાબુ જશોદા અને કનૈયો ત્રણે જણા પોલીસ સ્ટેશનમાં હતા. પોલીસ ઇન્સ્પેક્ટર બાબુની પૂછપરછ કરી રહ્યો હતો, " તને ક્યાંથી મળ્યો? ઉઠાવી તો નથી લાવ્યોને? બાબુ એ કહ્યું " ના સાહેબ , હું ટ્રાફિકમાં જતો હતો અને ત્યાં જ......ઇન્સ્પેક્ટર સાહેબના ફોનની રીંગ વાગે
ઇન્સ્પેક્ટર સાહેબે ફોન ઉપાડ્યો અને કહ્યું શું ટ્રાફિક વિભાગે પકડ્યો છે ? આપ હવાલદારને આપ.... સામે હવાલદાર હતો ને સાહેબે હવાલદારને કહ્યું "આપણો ટેણીયો છે એટલે કે મારો સ્ટાફનો જ છે જવા દો" સામેથી કદાચ હવાલદારે કહ્યું હશે " લાઇસન્સ નથી". સાહેબ બોલ્યા " શું લાયસન્સ નથી? અને પછી ઇન્સ્પેક્ટર સાહેબ બોલ્યા આપણે ક્યાં લાયસન્સની જરૂર હોય પોલીસ લાઈન કહી દો એટલે લાઇસન્સ જ છે ને, હા હા આ જવા દો, થેન્ક્યુ.
ફોન મૂકી અને સાહેબે કહ્યું " બોલ ભાઈ તો તું ટ્રાફિકમાંથી જતો હતો અને ત્યાં છોકરો-અથડાયો. બાબુએ કહ્યું "હા સાહેબ પછી હું એને ડોક્ટર પાસે લઈ ગયો ને.......એટલામાં એક જણ ઇન્સ્પેક્ટર સાહેબ પાસે આવ્યો અને બોલ્યો
" સાહેબ એક ડોક્ટર મારી બૈરીને ભગાડીને લઈ ગયો છે સાહેબ કંઈક કરો" ઇન્સ્પેક્ટરે કહ્યું " બોલો ભાઈ આમાં હું શું કરું? તમે બેસો હું બોલાવું છું. પેલો માણસ જેની બૈરી ભાગી ગઈ હતી એ ગુસ્સો થતો થતો બબડાટ કરતો નીકળ્યો , " એ ડોક્ટરને તો હું છોડીશ નહીં એને સીધો દૂર ના કરી નાખો તો મર્દનો બચ્ચો નહીં" ત્યાં ઇન્સ્પેક્ટર એ કહ્યું તું મર્દ હોત તો એ ભાગત જ નહીં ને ભાઈ , પેલો માણસ ગુસ્સે થઈને બેસી ગયો. ઇન્સ્પેક્ટરે બાબુને કહ્યું "જો ભાઈ શહેરમાં સત્તર બાળકો રખડતા હોય છે , બધાની ખબર થોડી અમે રાખીએ છીએ. હમણાં એક કામ કર તું તારે ત્યાં લઈ જા. બે ચાર દિવસમાં કોઈ પૂછવા આવશે તો તારા ત્યાં મોકલી દઈશું. નહિતર પછી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી દઈશું જા લઈ જા.
ક્રમશઃ
બાબુ અને જશોદા શું કરશે ? કનૈયાને ઘરે લઈ જશે? કે પછી નહીં લઈ જાય? ઠંડીમાં ઠુઠવાવા દેશે ? પોલીસ ઇન્સ્પેક્ટરની વાત માન છે ? કે નહીં માને? વાંચતા રહો જિંદગી એક આઈસ્ક્રીમ ભાગ 4