Recap : બાબુ જશોદા અને કનૈયો ત્રણે જણા જ્યારે કાંકરીયા ફરતા હોય છે ત્યારે બે આંખો એમને જોઈ રહી છે અને એ આંખો હોય છે સિવિલ હોસ્પિટલના કેન્સર વોર્ડના વોર્ડબોય પરમની. પરમ બીજા દિવસે આવી અને બાબુ ને જશોદાને કનૈયા વિશે વાત કરે છે અને ડોક્ટરને મળવા બોલાવે છે. બાબુ કનૈયાને ખબર ના પડે એટલા માટે જશોદા અને કનૈયાને ફરસાણની દુકાન પર બેસાડી ડોક્ટરને મળવા જાય છે અને પછી ડોક્ટરે જે કહ્યું ત્યાંથી આગળ.....
ગતાંક થી ચાલુ :
ડોક્ટરે કનૈયાનો ફોટો બાબુના મોબાઈલમાં જોઈને બાબુને કહ્યું કે કનૈયાને છેલ્લા સ્ટેજનું કેન્સર છે અને એ ગમે ત્યારે ભગવાનના ઘરે જઈ શકે છે, ગમે ત્યારે મરી જશે. બાબુ કનૈયાના સાચા મા-બાપનું એડ્રેસ એમની પાસેથી લે છે અને પછી ભારે હૈયે અને ભારે પગલે હોસ્પિટલ છોડી, એ ફરસાણની દુકાન તરફ આગળ વધે છે, જ્યાં એણે જશોદા અને કનૈયાને બેસાડ્યા હોય છે. જશોદા અને કનૈયા પાસે બાબુ આવે છે. જશોદા બાબુનો ચહેરો જોઈ અને જાણી જાય છે, પામી જાય છે કે કંઈક એવું ડોક્ટરે એને કહ્યું છે જે યોગ્ય નથી, જે દુઃખદ છે, કનૈયો એની મસ્તીમાં જ છે. કનૈયો જીદ કરતો હતો નાસ્તો કરવાની એટલે જશોદાએ એને કહ્યું હતું કે બાબુ આવશે એટલે આપણે નાસ્તો કરીશું એટલે કનૈયો જેવો બાબુ આવે છે કે કચોરી ખાવાની જીદ કરે છે. બાબુ કનૈયાને સાંભળી નથી રહ્યો કારણ કે એને કાનમાં ડોક્ટરના શબ્દો સંભળાઈ રહ્યા છે કે કનૈયો ગમે ત્યારે મરી જશે. કનૈયો બાબુનો હાથ પકડીને ઝંજોડે છે અને બાબુને કચોરી ખાવા માટે કહે છે. બાબુ કહે છે, નથી ખાવાની કચોરી. બાબુ એને ના પાડે છે એટલે કનૈયો વધારે જીદ કરે છે કે " ના મારે કચોરી ખાવી જ છે, કચોરી ખાવી જ છે, મને કચોરી ખવડાવો. બાબુ ડોક્ટરે કહેલી વાતનું ફર્સ્ટ્રેશન - વાતનો બોજ બધો જ કનૈયા ઉપર ઉતારે છે. બાબુ કનૈયાને ધમકાવે છે અને કહે છે "ખબર નથી પડતી જીભના બહુ ચટાકા છે? તારા ચટાકા આજથી બંધ સીધો સીધો ઘેર ચલ અને ખીચડી ખા, જીભના ચટાકા પૂરા કરવા પૈસા નથી મારી પાસે. કનૈયો જીદ કરે છે અને બાબુ ગુસ્સે થાય છે. કનૈયો એ લોકોને કહે છે કે " તમે પણ મારા મા બાપ જેવા જ છો એ લોકો પણ મને રમવા નોતા દેતા, ક્યાંય જવા નોતા દેતા, ખાવા નહોતા દેતા, અને આમ પણ હું તમારો પોતાનો છોકરો તો છું નહીં કે તમે મારી જીદ પુરી કરો. હું જાઉં છું. "ક્યાં જઈશ ?" જશોદા પૂછે છે. કનૈયો કહે છે "ગમે ત્યાં તમારે શું?" જશોદા કહે છે તમારે શું એટલે ? અમે તારા કોઈ નથી ? કનૈયો કહે છે, " ના તમે મારા હોત તો મને જીવવાની આઝાદી આપી હોત, મારે મારા વધેલા દિવસોને પૂરી ખુશીથી, મોજ શોખથી માણવા છે, બંધાઈને નહીં. બાબુ કહે છે, "એટલે? કનૈયો કહે છે, "એટલે મને ખબર છે કે મને કેન્સર છે અને હું થોડા જ દિવસોનો મહેમાન છું, એટલે જ તો હું હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. તમે ડોક્ટરને મળવા ગયા હતા ને એની પણ મને ખબર છે. હું થોડા દિવસોનો જ મહેમાન છું અને એટલે જ હું મારી જિંદગી મારી રીતે જીવવા માંગુ છું. હું અહીં નથી જીવવા માંગતો. હું મરી મરીને નથી જીવવા માંગતો . અહીં આ હોસ્પિટલમાં આ બધા મરવાના વાંકે જીવી રહેલા ચહેરાઓને રોજ ના જોવા પડે અને રોજ મરવું ના પડે એટલા માટે, મારી આંખો કરતાં મારા મા બાપ ને ડોક્ટરની આંખોમાં, મને જોવા આવેલા સગાઓની આંખમાં, મારું મોત વધારે દેખાતું હતું મને, એટલે જ હું અહીંથી ભાગી ગયો હતો. હું જાઉં છું , મારે મરતા પહેલા નથી મરી જવું. કનૈયો ચાલવા લાગે છે. જશોદાની આંખોમાં આંસુ આવી જાય છે. બાબુની આંખમાં પણ આંસુ આવી જાય છે અને બાબુ કહે છે કનૈયા જવું હોય તો જા પણ પહેલા સમોસા અને કચોરી તો ખાઈ લે પછી જજે. કનૈયો ત્યાં જ રોકાઈ જાય છે પાછળ વળીને જુએ છે, બાબુ અને જશોદા બંને પોતાના બે હાથ આગળ કરે છે અને કનૈયો દોડતો એમને આવીને વળગી પડે છે.
રાત્રે બાબુ કનૈયો અને જશોદા સુતા છે, બાબુ અચાનક જ રડવા માંડે છે, જશોદાને રડવાનો અવાજ સંભળાય છે જશોદા કંઈ સમજે બાબુને કંઈ પૂછે કે પહેલા જ બાબુ બેઠો થઈને પોતાની જાતને મારવા લાગે છે. જશોદા પણ બેઠી થઈ જાય છે અને એને બાથમાં ભરી લે છે ને પૂછે છે બાબુ , બાબુ શું થયું? બાબુ જશોદાને કહે છે કે આપણે કાયર છીએ, ભગવાને આપેલા જીવનને મન ભરીને માણવાના બદલે મરી મરીને જીવીએ છીએ, અને આ - (કનૈયા તરફ હાથ કરતા) બાબુ કહે છે કે " આ થોડા દિવસોમાં મરવાનો છે છતાં હસી ખુશીથી જીવે છે, મન ભરીને જીવે છે, મને મારી જાત પર શરમ આવે છે, મને મારી ઉપર ધિક્કાર થાય છે. જશોદા કહે છે સાચી વાત છે, આપણે એઈડ્સના ડરથી આપણી જિંદગી રણ જેવી કરી નાખી, સપનાઓને સળગાવી નાખ્યા, ડરી ડરીને ,મરી મરીને જીવવા લાગ્યા , પણ આ તો સાચો કનૈયો નીકળ્યો , પાર્થની જેમ આપણને આ જિંદગીના યુદ્ધના મેદાનમાં બહાદુરીથી લડતા શીખવ્યું ને જીવતા શીખવ્યું. હવે આપણે જીવીશું ,મન ભરીને જીવીશું, અને બંને જણા એકબીજાને બાથમાં જકડી લે છે.
બીજે દિવસે સવારે બાબુ ગીત ગણગણતો સાયકલ લઈને નીકળે છે. હસતો હસતો બધાને બોલાવતો, જયંતિને અને બધાને " કેમ છો, કેમ નહીં ? કરતો. જશોદા પાણી ભરવા નળ પર જાય છે. બધાની સાથે વાતો કરે છે.
ઓફિસમાં રિસેસના સમયે બધા જમવા બેઠા હોય છે ત્યારે બાબુ પોતાનું ટિફિન લઈને એ લોકોની સાથે જઈને બેસે છે. બધા એકબીજાની સામે નવાઈથી જુએ છે અને બાબુને આવકારે છે. જશોદા બપોરે બૈરાઓની પંચાત ટોળકીમાં જઈને બેસે છે, વાતો કરે છે.
સાંજે બાબુ કનૈયો અને જશોદા સાયકલ પર બેસીને ફરવા નીકળે છે જીંદગી આઈસ્ક્રીમની જેમ પીગળી જાય એ પહેલાં જિંદગી જીવવા નીકળે છે, જિંદગી માણવા નીકળે છે.
સમાપ્ત.