Mara Anubhavo - 54 in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા અનુભવો - ભાગ 54

Featured Books
Categories
Share

મારા અનુભવો - ભાગ 54

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 54

શિર્ષક:- નિષ્ઠા

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રી સચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ 54.."નિષ્ઠા"



અમારી સંસ્કૃત યુનિવર્સિટીમાં કોઈ કોઈ વાર ઉત્તમ વિદ્વાનોનાં પ્રવચનો થતાં. હું પ્રથમથી જિજ્ઞાસાવૃત્તિવાળો એટલે મોટા ભાગે એવાં પ્રવચનો સાંભળવા રોકાઈ જતો. એક વાર ચાર-પાંચ જૈન મુનિઓ પ્રવચન કરવા આવ્યા. બે મુનિઓએ સુંદર પ્રવચનો કર્યાં. સભા પૂરી થઈ અને અમે સૌ વિદ્યાર્થીઓ વિદાય થયા. સાધુ વિદ્યાર્થી તરીકે અમે ત્રણ-ચાર સાધુઓ જ હતા. બાકીના બીજા વિદ્યાર્થીઓ હતા. રસ્તામાં પગપાળા જતું પેલું મુનિઓનું ટોળું સાથે થઈ ગયું. તેમનામાંના જે મુખ્ય મુનિ હતા તેમની દૃષ્ટિ મારા પર પડી, અને મને પાસે બોલાવ્યો. કહ્યું, 'કલ આપ હમારે ઉપાશ્રયમેં આઇવે. મૈં આપસે મિલના ચાહતા હૂં.' મને નવાઈ લાગી. કશી ઓળખાણ-પિછાણ વિના આ મુનિ મને જ કેમ મળવા ઇચ્છતા હશે ? બીજા સાધુઓ તથા વિદ્યાર્થીઓને નહિ અને માત્ર મને જ મળવા આવવાનું કેમ કહ્યું હશે ? મેં મળવા જવાનો સ્વીકાર કર્યો.



બીજા દિવસે કાશીથી ત્રણેક કિલોમીટર દૂર એક ઉપાશ્રયમાં હું તેમને મળવા ગયો. સંતને મળવા જઈએ તો ખાલી હાથે ન જવું, કાંઈ ને કાંઈ સાથે લઈ જવું એવા સંસ્કારના કારણે મારા પૂજ્ય ગુરુદેવે મને એક અત્યંત કીમતી વસ્તુ આપી હતી, જે મારા કામમાં આવતી ન હતી તે મુનિશ્રીને ભેટ આપવા લઈ ગયો. અમે ત્રણચાર કલાક ખૂબ ચર્ચા કરી. ચર્ચાનો ઝોક એ હતો કે મુનિશ્રી ઇચ્છતા હતા કે હું તેમની સાથે થોડું ભ્રમણ કરું. કદાચ  તે મને જૈન મુનિ કરવાની ભૂમિકા તૈયાર કરી રહ્યા હતા. મારા માટે એ શક્ય જ ન હતું. મારા વિચારોથી જ તે ખૂબ પ્રભાવિત થયા. મેં પેલી વસ્તુ તેમને ભેટ આપી. તેથી તો વધુ પ્રભાવિત થયા. પછી તેમણે કહ્યું કે હું પણ તમને એક વસ્તુ ભેટ આપવા ઇચ્છું છું. તેમણે મને એક મંત્ર આપ્યો. તેની વિધિ  બતાવી અને કહ્યું કે આ મંત્ર લેવા માટે મારી પાછળ કેટલાય લોકો આજીજી કરતા ફરતા હોય છે. પણ તમને પ્રસન્ન થઈને હું વગર માગ્યે આ મંત્ર આપું  છું. તમે થોડા જ દિવસમાં તેનો ચમત્કાર અનુભવી શકશો. આ મંત્રથી તમારી પાસે પૈસાના ઢગલા થશે તથા માણસો પાગલ થઈને તમારી પાછળ પાછળ ફરશે.



હું ટેકરા મઠ પાછો ફર્યો. બતાવ્યા પ્રમાણે પેલા મંત્રનો જાપ કર્યો. મારું મન ગ્લાનિથી ભરાઈ ગયું. મને મારી જાત પર ધિક્કાર થવા લાગ્યો. હું શ્રીકૃષ્ણને ઇષ્ટદેવ માનીને તેમની અનન્ય ભાવનાથી ઉપાસના કરતો. પેલા મંત્રને જપ્યા પછી થયું કે હું કેટલો અસ્થિર તથા અલ્પનિષ્ઠાવાળો છું ! ભગવાન શ્રીકૃષ્ણે મને શું નથી આપ્યું ? મારાથી ઊંચકી ન શકાય તેટલી વિદ્યા તથા જરૂર પૂરતું ધન પણ આપ્યું છે. તેને ઠીક લાગશે તો હજી પણ તે વધુ આપશે. મારો ઇષ્ટદેવ શું ઓછો પડ્યો છે કે મારે બીજો મંત્ર જપવો પડે ? આ એકભક્તિ ન કહેવાય. પૈસાનો ઢગલો અને માણસોનું આકર્ષણ તો તે પણ કરાવી શકે છે. તેમાં શું કમી છે કે હું બીજો મંત્ર જપું ? ખરેખર તો એ મારી શ્રદ્ધાની જ કમી કહેવાય કે હું સાંસારિક વસ્તુઓ માટે જુદા જુદા મંત્રો જપીને ફાંફાં માર્યા કરું.



બીજા દિવસે હું પાછો પેલા મુનિશ્રી પાસે ગયો અને તેમનો મંત્ર પાછો આપ્યો. મેં કહ્યું કે, મારો કૃષ્ણ પૂર્ણ સમર્થ છે. તેમણે મારા ગજા કરતાં મને વધુ આપ્યું છે. જરૂર હશે તો તેથી પણ વધુ આપશે. મારે બીજા કોઈ મંત્રને જપવો એ મારા ઇષ્ટદેવનું અપમાન કરવા બરાબર છે, કારણ કે તેના અધૂરાપણાની પ્રતીતિથી જ આવું થઈ શકે. મુનિશ્રી, મને પૂર્ણ ખાતરી છે કે હું જેના જાપ કરું છું તે કોઈ રીતે અધૂરો નથી. પૂર્ણ છે.'



મારા વિચારોથી મુનિ ખૂબ જ પ્રભાવિત થયા. મારી એકનિષ્ઠાની પ્રશંસા કરી, અને હું હાશ..... કરીને પાછો ફર્યો. વચ્ચેના એક દિવસ માટે જાણે મારા પર કોઈ મોટી શિલા આવી ગઈ હોય તેમ લાગ્યું અને હવે તે ખસી ગઈ  હોવાથી શાન્તિ થઈ. ટેકરા મઠ આવીને શ્રીકૃષ્ણની છબી આગળ માથું મૂકીને ખૂબ રડ્યો. પ્રભો મારી નિષ્ઠાને વિચલિત થવા ના દેતો.




આભાર

સ્નેહલ જાની