"આજ નવીન હું છું ને નવી મારી કહાણી છે.
કંઈક બદલાયું મુજમાં ને ઘણાં બદલાવ હજું બાકી છે,
આ તો બસ, શરૂઆત છે પરતોને અનાવૃત કરવાની,
ઘણું ઉલેચવાનુ આ સમયની રેતમાંથી બાકી છે."
- મૃગતૃષ્ણા
_____________________
૧૪. નવો અધ્યાય
વેધશાળામાંથી નીકળતાં વ્યોમ રૉય અને સૅમે મોન્સિયર ડુપોન્ટનો ઝૂકીને આભાર માન્યો તથા ભવિષ્યમાં પણ એમની જરૂર પડે તો મદદ કરવા વિનંતી કરી.
ડુપોન્ટૈ પણ સૅમનો હાથ પકડી, માથું હલાવી સહમતી દર્શાવી.
"હવેથી આપણે સૌ એક મહાન મિશનની એક ટીમ છીએ ડુપોન્ટ."
પ્રોફેસર લેક્રોયે ડુપોન્ટ અને સૅમની પીઠ પર હાથ મૂકી કહ્યું.
"ચાલો. મળતાં રહીશું. નવાં શિખરો સર કરતાં રહીશું. આજે છૂટાં પડશું તો કાલે મળીશું." વ્યોમ રૉયે ટિખળ કરી ને બધાં હસતાં હસતાં છૂટાં પડ્યાં.
__________________
"થોડા દિવસોથી પૅરિસમાં પ્રાચીન ઈમારતો પર થયેલા હુમલાઓ અને ચાલતી રહસ્યમય સંદિગ્ધ ગતિવિધિઓ પાછળ કોઈ અજાણ્યું સંગઠન કે કોઈ મોટી યોજના? તપાસનાં આદેશ. પૉલિસનુ જલ્દી જ સત્ય બહાર લાવવાનું વચન"
આ હૅડલાઈન હતી પૅરિસ ટાઈમ્સ નામના અખબારની.
"ગુડ મોર્નિંગ દાદુ." સૅમ આંખો ચોળતો દાદુના રૂમમાં આવ્યો.
"ગુડ મોર્નિંગ બેટા. કેમ છે તું? ઉંઘ તો બરાબર આવીને?" અખબાર જોતાં જોતાં દાદુએ પૂછ્યું.
"હા. તમને કેમ છે? ક્યાંક દુખાવો તો નથી ને!" સૅમે દાદુને માથા પર હાથ મૂકી ચિંતાથી પૂછ્યું.
"ના. હું ઠીક છું. કાલથી તેં આ મને હજારમી વાર પૂછ્યું છે. તું બદલાઈ ગયો છે." વ્યોમ રૉયે અખબાર સાઈડ પર મૂકતાં કહ્યું.
"હા. હું બદલાઈ ગયો છું. પહેલા તમને ખોવાનો ડર નહોતો, હવે છે. આ ટૂંકા સમયગાળામાં સમજાયું કે આપણે બંને એકબીજાને કેટલો પ્રેમ કરીએ છીએ." સૅમ ભાવુક થઈ ગયો.
"હમમ્... ચલ આમ ભાવુક ના કર. હું કંઈ તારી ગર્લફ્રેન્ડ નથી." વ્યોમ રૉયે મજાક કરી.
"દાદુ મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી." સૅમ ચિડાયો.
"નથી તો બનાવ. એક સુંદર મૉડેલને ગર્લફ્રેન્ડ ન હોય એ કેવું લાગે! અને કોણ માને." વ્યોમ રૉય બોલ્યા.
"ઑહ કમ ઑન દાદુ, મારી પાસે ફાલતું ટાઈમ નથી વેડફવા માટે... અને એમ પણ કાલનાં બનાવની શું અસર થશે આપણાં પર. ગૉડ નૉવ્ઝ." સૅમે નિસાસો નાખ્યો.
"કંઈ અસર નહીં થાય. 'સર્પન્ટ હાર્ટ પોતાની રક્ષા ખુદ કરે છે.' તે જોયું ને!"
"એટલે?"
"એટલે એમ કે, રહસ્ય રહસ્ય જ રહેશે. ન તું ઉજાગર કરીશ કે ન 'પડછાયાઓ'. જંગ જારી રહેશે બંધ બારણે પણ દુનિયાને ન સમજાશે ન જણાવાશે." વ્યોમ રૉયે મૂછમાં હસી કહ્યું.
"પણ આપણી અને એ લોકોની એ જગ્યાઓએ ઉપસ્થિતિ. એ કેવી રીતે છૂપાશે! હવે તો ઈન્વેસ્ટીગૅશન પણ થશે ને!" સૅમે હેડલાઇન પર નજર નાંખતા પૂછ્યું.
"હા. પણ ત્યાં માત્ર આપણે ક્યાં હતાં? આપણું હોવું સંયોગ છે. તે બરાબર વાંચ્યું નથી બેટા. પૅરિસની પ્રાચીન ઈમારતો પર હુમલો પરંતુ, કોઈ સાક્ષી નથી. ન કોઈ સીસીટીવીમાં કેદ થયું છે. ક્યાંક તો ફૂટેજ જ રેકોર્ડ નથી થઈ. એ પોતાની રક્ષા સ્વયં કરે છે." વ્યોમ રૉય સૅમની છાતી પર હાથ રાખી આંખોમાં આંખો પરોવીને બોલ્યાં.
"હમમ્... યુ આર રાઈટ દાદુ." સૅમ નિશ્ચિત થતાં બોલ્યો.
"પણ મારે તમને ઘણા પ્રશ્નો પૂછવા છે. ઘણાં જવાબો જાણવા છે. એ બધું જાણવું છે જે તમે તમારા મનમાં ધરબીને રાખ્યું છે. જણાવશો ને!"
"બિલકુલ. હવે સમય આવી ગયો છે તને બધું જણાવવાનો કારણકે તારો ચુનાવ થયો છે. તું હવે સામાન્ય નથી. પૂછ." વ્યોમ રૉયે સૅમના ગાલે હાથ મૂકી કહ્યું.
"તમને પપ્પાનાં કામ વિશે ખબર હતીને, તમે બધું જાણતાં હતાં ને!" સૅમે પૂછ્યું.
"ઑબ્વિયસલી. એની ડાયરી મારી પાસે હતી તો જાણતો તો હોઉં જ ને. હા પણ એનાં જેટલું નહીં. એ એક પુરાતત્વવિદ હતો, હી વોઝ ઑલ્સો ચોઝન વન." વ્યોમ રૉયે ગર્વથી કહ્યું.
"મૉમ પણ જાણતાં હતા આ બધું!" સૅમ ભાવુક થતાં બોલ્યો.
"હા. એ પોતે પ્રચીન સાંકેતિક લિપિની જાણકાર એટલે કે સ્ક્રિપ્ટોઍનાલિસ્ટ હતી. સંધ્યા અને આદિત્ય આમ સાથે કામ નહોતાં કરતાં પણ મને ખાતરી છે કે એણે આદિત્યની મદદ જરૂર કરી હશે. આ ડાયરીની સાંકેતિક ભાષા એ જ તરફ ઈશારો કરે છે કે સંધ્યા પણ આ મિશનનો ભાગ હતી." વ્યોમ રૉયે વિચારતાં કહ્યું.
"એમણે તમને નહોતું જણાવ્યું?!" સૅમે આશ્ચર્યથી પૂછ્યું.
"સૅમ. મેં કોઈ દિવસ કોઈને પૂછ્યું નહીં ને એમણે જણાવ્યું નહીં. હું બધાની પ્રાયવસીનો આદર કરું છું. તારી પણ." વ્યોમ રૉયે પોતાની આદત જણાવતા કહ્યું.
"જાણું છું દાદુ. એટલે જ તમારા માટે પ્રેમની સાથે સાથે ખૂબ આદર પણ છે. તમે મોડર્ન દાદુ છો." સૅમ ગર્વથી બોલ્યો.
"ના. હું પ્રાચીન છું અને મારી પ્રાચીનતામાં જ મારી આધુનિકતા છૂપાયેલી છે. હું જ્યાંથી આવું છું એ મૂળ "વસુધૈવ કુટુમ્બકમ' માં માને છે, બદલાવ અને વાણી, વિચાર, વર્તનની આઝાદી આપે છે. પણ સ્વચ્છંદતા, પરતંત્રતા, અવિચારકતા, અમાનવીય વ્યવહાર કે અધર્મતાની પરવાનગી નથી આપતું, 'આત્મા જ માર્ગદર્શક છે.' જે આપણને ખોટું કરતાં રોકે જરૂર છે પણ નિર્ણય તો તમારે જ લેવાનો હોય છે ને." વ્યોમ રૉયે સમજાવ્યું.
"મતલબ તમે એન્શિયન્ટ મોડર્ન છો. ના... એન્શિયન્ટલી મોડર્ન જે આજના સો કૉલ્ડ મોડર્નિઝમ કરતાં અનેકગણુ આધુનિક અને સેલ્ફ ગ્રોથ તથા સૉસાયટલ ગ્રોથ બંન્નેનો બેલેન્સ્ડ સમન્વય હતો!" સૅમે વિચારી કહ્યું.
"હા. બિલકુલ. તું પણ એન્શિયન્ટલી મોડર્ન જ છે." દાદુએ એની માથે હાથ ફેરવતા કહ્યું.
"હા. લિટલ બીટ. બનવાનો પ્રયત્ન કરું છું. પણ હું તમારી જેમ આસ્તિક નથી. નાસ્તિક છું." સૅમે નાનાં બાળકની જેમ દાદુને જોતાં બોલ્યો.
"ચાલ તારો પ્રયાસ સફળ થાય એ જ પ્રાર્થના. બીજું કે, નાસ્તિક હોવું એ કોઈ શરમની વાત નથી. ઉલ્ટાનું નાસ્તિક ઈશ્વરને વધુ પ્રિય છે કારણકે એ વાતો પર અંધ બની વિશ્વાસ નથી કરતા, પૂરાવાઓ પર કરે છે. પોતે સંશોધન કરે છે, અનુભવે છે અને પામે છે. તું વિચારીશ તો ખબર પડશે કે દરેકેદરેક મહાન વ્યક્તિ એ રાજા, સંશોધનકાર, ભક્ત કે સંન્યાસી બધાં પહેલા નાસ્તિક જ ગણાયા કારણકે એમણે આંધળું અનુકરણ કે અનુસરણ ન કર્યું. એમની જિજ્ઞાસા અને અનુભવે મેળવેલ જ્ઞાને જ એમને મહાન બનાવ્યા. આપણાં દેશ ભારતનો અર્થ ખબર છે! જે ભા એટલે કે પ્રકાશ (જ્ઞાન) ની શોધમાં રત છે તે ભારત (સ્વયંની શોધ) છે." વ્યોમ રૉયે સમજાવતાં કહ્યું.
"હમમ્... પણ હું ઈશ્વરમાં નથી માનતો. ધર્મમાં નથી માનતો." સૅમ બોલ્યો.
"ન માન. પણ ઉર્જામાં તો માને છે ને. માનવું ન માનવું એ તારી ઈચ્છા છે અને એ સ્પષ્ટ વિચારો માટે મને તારા પ્રત્યે માન છે. હું ઈશ્વરને એક સ્વરૂપે જોઉં છું અને તું એક ઉર્જા રૂપે. માત્ર એ જ ફરક છે. હું ધાર્મિકતાની નજરે જોઉ છું અને તું ઉર્જાના ત્રણ નિયમો રૂપે. વાત તો મુળત: એક જ છે. અને રહી વાત ધર્મની તો જ્યાં માનવતાનો સવાલ આવે ત્યાં બધાં ધર્મ (રહેણીકરણી) ગૌણ બની જાય છે. માનવતાથી મોટો કોઇ ધર્મ નથી એવું હું માનું છું.' વ્યોમ રૉયે કહ્યું.
"મમ્મી પપ્પા પણ આવાં જ હતાં દાદુ?" સૅમ ભાવુક થતાં બોલ્યો.
"હા. આ આપણાં લોહીમાં (ડીએનએ માં) છે. તારાં દાદા અને મારા દાદા પણ આવાં જ હતાં. તારી મમ્મી પણ. એટલે જ કદાચ આપણે એક વારસા માટે પસંદગી પાત્ર છીએ." વ્યોમ રૉયે કહ્યું.
"દાદુ મને મમ્મી પપ્પા વિશે અને એમનાં મિશન વિશે બધુ જણાવો ને." સૅમ આશાભરી નજરે બોલ્યો.
એક લાંબો શ્વાસ લઈ વ્યોમ રૉય બોલ્યા, "હા બધું જણાવીશ પણ પહેલા નાસ્તો કરી લઇએ બહું ભૂખ લાગી છે." વ્યોમ રૉય પેટ પસવારતા બોલ્યા.
"હા. હું ફટાફટ ફ્રેશ થઈને નાસ્તો બનાવું છું. કુક અને બીજા સ્ટાફને તો આપણે રજા પર મોકલી દીધાં હતાં." સૅમ જતાં જતાં બોલ્યો.
"કિચનમાં મળ. ત્યાં સુધી હું નાસ્તાની તૈયારી કરું છું. આજે બંને સાથે મળીને નાસ્તો બનાવશું." વ્યોમ રૉયે હસતાં હસતાં કહ્યું ને કિચન તરફ જવા ઉભાં થયાં પણ કોઈકનો બારી બહાર હોવાનો ભાસ એમને થયો. એમણે કલાત્મક અર્ધ પારદર્શક બારી તરફ નજર કરી પણ કોઈ નહોતું એટલે ભ્રમ સમજી રૂમની બહાર જતા રહ્યા.
(ક્રમશઃ)