15 - નકલી ગાઈડનું ષડયંત્ર !
‘ઓ....હ ! ઇશ્વરનો ખૂબ ખૂબ આભાર કે આપણે બધા મળી ગયા.’ ક્રિક લાંબો શ્વાસ છોડતાં સ્વસ્થ થઈને બોલ્યો, ‘નહીં તો... મને તો એમ જ હતું... કે અમે લોકો... ગયા કામથી...’
‘અમારી પાસે ખોરાક-પાણી સાવ ખૂટી ગયાં હતાં, એલેક્સ ! અમે ભૂખ્યા મરી જાત કે પછી પેલા ગુંડાઓ મારી નાખત.’ મારા બંને હાથ પકડીને વિલિયમ્સે રડતા અવાજે કહ્યું.
મેં ઘેરું હાસ્ય ફરકાવતાં કહ્યું, ‘એ ગુંડાઓએ જ આપણો ભેટો કરાવ્યો છે. એ લોકોએ ગોળીબાર ન કર્યા હોત તો અમે એના અવાજે-અવાજે તમારા સુધી પહોંચી ન શકત. તમારી પાસે બંદૂક નહોતી એની અમને ખબર હતી, એટલે ધડાકા તમારા દુશ્મનો સિવાય કોણ કરી શકે ?’
‘ના એલેક્સ ! અમે એ લોકો પાસેથી રિવોલ્વરો પડાવી લીધેલી.’ ક્રિક બોલ્યો, ‘પછી ભાગતા ભાગતા ખાઈમાં ઊતર્યા. ઉપર ચડ્યા અને એક ઝાડ પાછળ સંતાયા હતા. ત્યાં કોણ જાણે ક્યાંથી સામેથી ગોળીબાર થયા. કદાચ એમની પાસે હજી એકાદ પિસ્તોલ રહી ગઈ હશે.’
‘અચ્છા. પણ સ્ટીવ ક્યાં છે ?’ જેમ્સ વિલિયમ્સ-ક્રિકની પીઠ પાછળ જોવા લાગ્યો. એની નજર સ્ટીવને શોધતી હતી.
ત્યારે ક્રિકે અમને સ્ટીવની હકીકત કહી સંભળાવી, જેનો હું અગાઉ ઉલ્લેખ કરી ચૂક્યો. સ્ટીવ દગાબાજ હોવાનું સાંભળી એ વખતે અમને જબરો ધ્રાસ્કો લાગેલો. બાદમાં એ ઘટનાઓ વિલિયમ્સ અને ક્રિકે અમને શાંતિથી જણાવેલી. અમે પણ એ લોકોને પિન્ટોના નકલી ગાઈડ હોવા વિશે અને એના આખરી અંજામ વિશે કહ્યું. પણ ત્યારે તો ઉતાવળ હોવાથી મેં કહેલું, ‘હવે વિગતે વાત પછી કરજો. અત્યારે આપણે અહીંથી છૂટીએ.’
અમે આવ્યા હતા એ જ રસ્તે ફરી પહાડનું પડખું ચડવાનું શરૂ કર્યું ત્યાં રાત પડી ગઈ. હવે આગળ વધી શકાય એમ નહોતું. અમે ત્યાં ઝાડીઓ પાસે તંબૂ ખોડવાનું નક્કી કર્યું. એક જ તંબૂમાં અમે લોકો ખીચોખીચ સમાઈ ગયા. અમે તંબૂ માટે એવી જગ્યા પસંદ કરેલી કે રાતના અંધકારમાં બદમાશો આસાનીથી અમને શોધી ન શકે.
રાત્રે તંબૂમાં મેં બ્લ્યૂ લગૂનમાંથી મળેલી ખજાનાની સપાટ પેટી વિલિયમ્સ-ક્રિકને બતાવી. એ જોઈને બંને આનંદમાં આવી ગયા અને મને ભેટી પડ્યા. હવે વોટ્સનનો છૂટકારો જલદી થઈ જશે એવી આશા પ્રબળ બની. મેં એ લોકોને એ પણ કહ્યું કે, એ પેટી આપણાથી નહીં ખૂલે. ફ્રેડી સાહેબ પાસે જ લઈ જવી પડશે.
એ રાત્રે લગભગ બધાની જેમ મને પણ ઘસઘસાટ ઊંઘ આવી. ખોવાયેલા મિત્રો પાછા મળી ગયા હતા. ખજાનો હાથ લાગી ગયો હતો એટલે વોટ્સન સુધી પહોંચવું આસાન બની ગયું હતું. બસ સવારે ઝડપથી આ વાસ્કરન પર્વત ઊતરી, લીમા પહોંચીને ફ્રેડી જોસેફને જ મળવાનું હતું. છતાં હજી એ સમજ નહોતી પડતી કે અમારા ઉપર હુમલાઓ કરીને અમને આ પેટી સુધી પહોંચતા રોકનારા કોણ હતા ? એ લોકો પેલી જાસાચિઠ્ઠીવાળા બદમાશના સાગરિતો તો ન જ હોય. તો પછી એ અપહરણખોર ક્યાં હશે ? એના માણસો શું આસપાસ જ હશે ? ઈશ્વર જાણે ! પડશે એવા દેવાશે એમ વિચારીને સવારે તંબૂ સમેટી અમે પ્રસ્થાન કર્યું. પેલી ટોળકી અમને શોધી શકી નહોતી.
થોડી વારે અમે પહાડના મુખ્ય માર્ગ પર ચડી ગયા અને પછી ઉતરાણ શરૂ કર્યું. એકાદ કલાકે બીજા પર્યટકો દેખાવા શરૂ થઈ ગયા. ફરી થોડો આરામ લઈ બપોર સુધીમાં ટિકિટ કાઉન્ટરોવાળી જગ્યાએ આવી પહોંચ્યા. ત્યાં બેસી પડીને અમે થાક ઊતાર્યો. અહીં રોજિંદો જ માહોલ હતો. કોઈને કાંઈ પડી નહોતી. બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. અમારી સાથે પિન્ટો અને સ્ટીવ નહોતા એની કોઈનેય ખબર પડી નહીં.
મેં ઊભા થઈને અમે જ્યાંથી ટિકિટો લીધેલી એ ‘ફન એન્ડ જૉય’માં તપાસ કરી.
‘આ લાકડી કોની છે ? કદાચ તમારા ગાઈડની છે.’ ટેબલ પાછળ બેઠેલા બે જણાને મેં પિન્ટો પાસે હતી એ લાકડી બતાવી. ‘અમારી નથી’ એવું બેદરકારીપૂર્વક કહીને બંને લોકો ફરી પોતાના કામે લાગી ગયા. એ લોકો જૂઠું બોલે છે એ ચોખ્ખું દેખાઈ જ આવતું હતું. હું એમના સ્ટોલમાં અંદર ઘૂસ્યો. એમણે મને રોકવાનો પ્રયત્ન કર્યો.
‘નહીં ! ત્યાં જ રહેજો. આગળ ન આવશો કોઈ.’ મેં ચેતવણીના સૂરમાં બંનેને ત્યાં રોકી પાડ્યા. એક ખૂણામાં મને સહેજ હલચલ સંભળાઈ હતી. ‘કોઈ છે અહીં ?’ હું જોરથી બોલ્યો. ખૂણામાંથી ફરી સળવળાટ થયો અને ગૂંગળાઈ ગયેલો ઊંહકારો સંભળાયો. બે-ત્રણ પૂંઠાં હટાવતાં જ પાછળ હાથ-પગ બાંધેલી સ્થિતિમાં એક આધેડ વયનો માણસ પડ્યો હતો અને ઊંહકારા કરી રહ્યો હતો. મેં એના દોરડાથી બાંધેલા હાથ-પગ મુક્ત કર્યા અને સહારો આપીને એક ખુરશી પર બેસાડી દીધા. મારું અનુમાન સાચું હોય તો એ સાચા ગાઈડ હતા, જેના સ્થાને પિન્ટો આવેલો.
‘આ તમારી છે, મિસ્ટર ?’ મેં લાકડી એમને બતાવી. એમણે તરત જ હકારમાં માથું હલાવ્યું.
એ દૃશ્ય જોઈને થોમસ એકદમ ગુસ્સે ભરાયો, ‘શું છે આ બધું? સાચેસાચું બોલો નહીં તો પોલીસને ખબર આપીએ છીએ હમણા.’ એણે કર્મચારીઓને ધમકાવ્યા.
પેલા બંને જણા ગભરાઈને પોપટની જેમ બોલવા માંડ્યા. એમની વાતોનો સાર એ હતો કે પિન્ટોએ ગાઈડનો વેશ લઈને એને પાછળ ગોંધી રાખ્યો હતો અને આ બંને કર્મચારીઓને મોઢું ન ખોલવા તગડા પૈસા આપ્યા હતા.
એ લોકોની વાત સાંભળીને હું ફરી આશ્ચર્યમાં મુકાઈ ગયો. અમારા કોણ-કોણ અને કેટલા દુશ્મનો હતા એ જ સમજાતું નહોતું. વળી એક ટોળકીએ અમને સતત ખજાના સુધી પહોંચવા દેવામાં અવરોધો નાખ્યા તો પેલા અજ્ઞાત ધમકીખોરે વોટ્સનનું અપહરણ કરીને ખજાનો શોધવાનો આદેશ આપ્યો હતો. આ બધાથી મારું મગજ ચકરાઈ ગયું હતું. મારા મિત્રોના પણ એ જ હાલ હોવા જોઈએ.
‘આ શું ગોટાળો છે કાંઈ ખબર નથી પડતી, યાર !’ ક્રિક માથું ખંજવાળતાં બોલ્યો. કોઈએ એનો ઉત્તર ન આપ્યો, પણ એ સવાલ બધાના મનમાં પડઘાતો હતો.
‘એ બધાના જવાબો પછી મળશે. પહેલાં આપણે વોટ્સન સુધી પહોંચી જવું જોઈએ.’ થોમસે કહ્યું. પછી ફન એન્ડ જૉયના કર્મચારીઓ તરફ ફર્યો, ‘તમે લોકો આ ગાઈડને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડો.’ પેલા બંને લોકોએ હકારમાં માથાં હલાવ્યાં.
‘આપણે હવે ફટાફટ અહીંથી નીકળીને લીમા, ફ્રેડી જોસેફ પાસે પહોંચવું જોઈએ.’ મેં ઉતાવળ કરતાં કહ્યું, ‘ચલો, વોટ્સન હવે હાથવેંતમાં જ છે. આ બધા બખેડાનો અંત લાવીએ.’
અને અમે ફરી લીમા ભણી નીકળી પડ્યા. આ વખતે એક જીપવાળાને જ પકડ્યો. એને વારાઝને બદલે સીધા જ લીમા ઉતારી દેવાની વિનંતિ કરી. વધારે પૈસા આપવાની વાત કહેતાં જ જીપવાળો માની ગયો.
અમારી જીપ પહાડી રસ્તેથી તળેટીમાં આવી પહોંચી અને વારાઝ તરફ દોડવા લાગી. ફ્રેડી જોસેફની પેલી પેટી થોમસના થેલામાં સુરક્ષિત હતી. છતાં પણ લીમા પહોંચતાં સુધી એને સાચવવી જરૂરી હતી.
હવે સતત દિમાગ વોટ્સન વિશે જ વિચારતું હતું. હવે થોડા જ કલાકોમાં અમે એને મળી શકીશું. અમને જાસાચિઠ્ઠી મોકલનાર શાંત હતો. અમારે ક્યાં પહોંચવાનું છે એ અંગે એણે કશું જ જણાવ્યું નહોતું. એટલે અમે ફ્રેડી જોસેફના ઘરે જ પહોંચી જવાનું નક્કી કર્યું હતું.
‘ધાંય...! ધાંય ધાંય !’ એકાએક છૂટેલી ત્રણ ગોળીઓએ વિચારમાળા અટકાવી દીધી. ત્રણેય ગોળીઓ અમારી જીપના પાછલા ભાગમાં ક્યાંક ટકરાઈ હતી. અમે થડકી જઈને એકદમ પાછળ જોયું. બીજી એક જીપ અમારી જીપની પાછળ પુરપાટ ઝડપે આવી રહી હતી. ગોળીઓ એમાંથી જ છૂટી હતી.
‘ભગાવ, ભાઈ ! જલદી !’ જેમ્સે ડ્રાઇવરને સૂચના આપી, જેનું પાલન કરીને ડ્રાઇવરે જીપની ગતિ ઓર વધારી દીધી. એ પોતે પણ સ્વાભાવિક રીતે ગભરાઈ ગયો હતો.
‘ધાંય !’ વધુ એક ગોળી ક્રિકના કાન પાસેથી પસાર થઈ ગઈ. હવે અમને બરાબરનો ધ્રાસ્કો પડ્યો. હવે વધુ જોખમ લેવાય એમ નહોતું. એકાદી ગોળી પણ જો કોઈને વાગી ગઈ તો ઉપાધિ થઈ જશે.
ઝનૂનમાં આવીને જેમ્સે રિવોલ્વર કાઢી. બીજી રિવોલ્વર મેં પણ કાઢી અને પાછળની જીપ તરફ ગોળીબાર શરૂ કરી દીધા. વળી સામે એ લોકો તરફથી પણ સનસનાટી સાથે ગોળીઓ જીપ સાથે ટકરાઈ. એનો ખણખણાટ અને ગોળીઓના ધમધમાટથી વાતાવરણ ગાજી ઊઠ્યું.
પણ ફાયરિંગ ઝાઝું ન ચાલ્યું. અચાનક ગોળીબાર થતો હતો એ જીપની પાછળથી ત્રીજી જીપ ધસી આવી અને કોઈ કાંઈ સમજે તે પહેલાં આગળની જીપને જોરથી ટક્કર મારી. આગળની જીપના ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો અને જીપ રસ્તાની બાજુ પર ફંગોળાઈને આડી પડી ગઈ. પેલી ત્રીજી જીપ એનો રસ્તો રોકીને બ્રેકની ચિચિયારી સાથે ઊભી રહી ગઈ.
એ બંને જીપને પાછળ મૂકીને અમારી જીપ પૂર ઝડપે આગળ વધતી રહી. એટલી જ ઝડપે અમારા વિચારો પણ દોડતા રહ્યા કે આખરે થઈ શું રહ્યું હતું !
(ક્રમશઃ)