Apharan - 16 in Gujarati Adventure Stories by Param Desai books and stories PDF | અપહરણ - 16

Featured Books
Categories
Share

અપહરણ - 16

16. વેરની વસૂલાત ! 

જીપવાળા હુમલા પછી બીજું કાંઈ બન્યું નહીં. અમારા જીપવાળાએ વચ્ચે બીજે ક્યાંય પણ ઊભા રહ્યા વગર અમને ચારેક કલાકે લીમા ઉતારી દીધા. અમે એને જીપ સીધી ફ્રેડી જોસેફના બંગલે જ લઈ લેવાનું કહી એને સરનામું જણાવ્યું. એ મુજબ રાત્રે અમે ફ્રેડી જોસેફના નિવાસે પહોંચી ગયા. જીપવાળાને રવાના કરી દીધો.

ફ્રેડી સાહેબને આ પેટી સોંપી દઈએ એટલે અમને અમારો વોટ્સન મળી જશે એવી ધારણા સાથે હાંફળાફાંફળા થતા એમના બંગલાની ડૉરબેલ દબાવી. એકાદ મિનિટ રહીને દરવાજો ખુલ્યો અને ફ્રેડી જોસેફ દેખાયા. આશરે સીત્તેર વર્ષની ઉંમરના ફ્રેડીને માથે બંને તરફ વાળ અને વચ્ચે ટાલ હતી. એ ફ્રૅન્ચ કટ દાઢી રાખતા. ઠંડી ખાસ્સી હતી એટલે એમણે કોટ પહેરેલો હતો.

‘યસ ?’ કહીને એમણે પ્રશ્નાર્થ નજરે અમારી સામે જોયું.

બધા વતી મેં કહ્યું, ‘હૅલ્લો, સર ! હું એલેક્સ અને આ મારા દોસ્તો છે. અમે તમારી ચેલેન્જ સ્વીકારી લીધી હતી અને એમાં અમને સફળતા પણ મળી છે.’

આમ કહીને મેં થોમસને ઈશારો કર્યો એટલે એણે એના થેલામાંથી સ્ટીલની સપાટ પેટી બહાર કાઢી. એ પેટી જોઈને ફ્રેડી જોસેફના ચહેરા પર ચમક પથરાઈ ગઈ. એ એકદમ રાજી થઈ ગયા. ‘અરે વાહ ! શું વાત છે ! શાબાશ, દોસ્તો. વેલ ડન !’

ખબર નહીં કેમ પણ એમનો આનંદ મને કૃત્રિમ લાગ્યો. એમણે દરવાજેથી એક તરફ હટી જતાં કહ્યું, ‘આવો ! તમારી ટુકડી વિશે તો મેં છાપાંઓમાં વાંચ્યું છે. તમને જોઈને મને મારી યુવાની યાદ આવી ગઈ. હું પણ તમારા જેવો જ સાહસિક હતો.’

‘અરે ! તમે અમને ઓળખો છો ! જાણીને ખુશી થઈ.’ અમારી ટીમ વતી મેં હસીને કહ્યું. અમે એમના ડ્રોઇંગરૂમમાં પ્રવેશ્યા. એમણે ઈશારો કર્યો એટલે સોફાસેટ પર બેઠક જમાવી. ફ્રેડી જોસેફ પોતે અમારી સામે ઊભા જ રહ્યા. મને એમનું વર્તન કંઈક વિચિત્ર લાગતું હતું.

ત્યાં તો અંદરના કમરામાંથી એક શખ્સ બહાર નીકળ્યો અને ફ્રેડી જોસેફની પાછળ આવી એમના બંને ખભ્ભા પકડી લેતાં બોલ્યો, ‘તો તમને તમારા વારસદારો મળી જ ગયા, નહીં ફ્રેડી સર ?’

એનો અવાજ કર્કશ હતો. એ હતો તો યુવાન, પણ માથાના વાળ વધેલા અને વિખરાયેલા હતા. દાઢી વગરનો ચહેરો હતો. આંખોમાં લુચ્ચાઈ હતી. એની સામે અમે લોકો તાકી જ રહ્યા. એટલે એણે ફોડ પાડ્યોઃ

‘ઓ... તમને લોકોને મારો પરિચય આપવો પડશે, નહીં ? ઓકે. તો મારું નામ છે સાયમન. મારા લીધે જ તમે લોકો આજે અહીં છો ! યાદ છે, એલેક્સ ? તને ચિઠ્ઠી મળેલી. એમાં આ ફ્રેડી સાહેબની દોલત શોધી કાઢવાનું ફરમાન થયેલું. એ પત્ર મારો હતો !’ કહીને સાયમન હસ્યો. પણ અમે તો અચંબામાં પડી ગયા અને એની સામે જોતા જ રહી ગયા.

‘ઓહ, તો અમને જાસાચિઠ્ઠી મોકલનાર તું જ હતો !’ મેં હાથની મુઠ્ઠીઓ વાળતાં કહ્યું.

‘વોટ્સન ક્યાં છે ? વોટ્સન... વોટ્સન...’ કરતો થોમસ અંદરના રૂમ તરફ દોડવા ગયો પણ સાયમને એની સામે રિવોલ્વર તાકી દીધી.

‘એય... એય... ક્યાંય જવાનું નથી ! ત્યાં જ ઊભો રહે.’

થોમસના પગ ત્યાં જ ખોડાઈ ગયા. ગુસ્સાથી એનું મોઢું લાલચોળ થઈ ગયું હતું.

‘વોટ્સન ક્યાં છે, સાયમન ?’ હું થોડા કડક અવાજે બોલ્યો, ‘તેં કહ્યું હતું એ પ્રમાણે અમે તારું કામ કરી આપ્યું છે. હવે વોટ્સનને પાછો સોંપી દે.’

‘પહેલાં એ દલ્લો તો મને સોંપો. પછી વોટ્સન પરત કરું ને.’

મેં થોમસની સામે જોયું. પેલી સ્ટીલની પેટી એના હાથમાં જ હતી.

‘એક મિનિટ. પહેલાં તું એ કહે કે આમાં શું છે ?’ થોમસે પેટી ઊંચી કરતાં પૂછ્યું. પછી ઉમેર્યું, ‘અને એ પણ કહે કે આમાં ફ્રેડી સાહેબને કેમ ફસાવ્યા ? આ સંપત્તિ એમની છે.’

સાયમન ખભા ઉલાળતાં બોલ્યો, ‘સારું. તમને રહસ્યના ઘેરાવામાં ન રાખવાનો ઉપકાર કરું છું. મારી પાસે તો ટાઈમ જ ટાઈમ છે. તો સાંભળો ! એક વરસ પહેલાં બૅંક ઓફ લીમામાં અનામતરૂપે લોકોએ રાખેલાં દાગીનાની જેણે લૂંટ મચાવેલી અને એ ખજાનાને ‘સ્પેક્ટર્ન’ ટાપુ પર જેણે છુપાવેલો એ બોન્ઝાનો હું દીકરો છું !’

સાયમને ખુલાસો કર્યો અને અમે બધા હલી ગયા. આશ્ચર્યથી હોઠ પહોળા થઈ ગયા. અમે ‘સ્પેક્ટર્ન’ના સાહસ વખતે જેને જેલમાં ધકેલવામાં મદદ કરેલી એ ખતરનાક ઓસ્ટ્રેલિયન અપરાધી બોન્ઝાનો આ છોકરો હતો. મને એક ને એક બે કરતાં વાર ન લાગી. નક્કી આ સાયમને અમારી સાથે બદલો લેવા આ ષડયંત્ર રચ્યું હોવું જોઈએ.

‘તમે હરામખોરોએ મારા બાપના ધંધામાં ફાચર મારીને એને જેલભેગો કરી દીધો અને એ જેલમાં જ મરી ગયો. ત્યારથી મેં તમારા લોકો સામે બદલો લેવાનું નક્કી કરી લીધું હતું. પણ હું આસાનીથી તમારી સામે વેર વાળવા નહોતો માગતો. તમને મોટી જાળમાં ફસાવવા માગતો હતો. મેં એક કાંકરે બે પક્ષી મારવાનું વિચાર્યું જેથી મારો બદલો પૂરો થાય અને મને આ ફ્રેડી જોસેફની દોલત પણ મળી જાય. મેં સૌથી પહેલાં તમારા મિત્ર વોટ્સનને ઉઠાવી લીધો. એના લીધે જ આખું સ્પેક્ટર્ન પ્રકરણ થયું હતું. એના ઉપર તો મને વિશેષ ખાર હતો. એને ગોંધી રાખીને મેં એલેક્સના ઘરે ધમકીપત્ર મોકલ્યો. એના આધારે તમે લોકોએ ફ્રેડી જોસેફનો ખજાનો શોધવા જવાનું બીડું ઝડપ્યું. હું પરદા પાછળ હતો, પણ મારા માણસો તમારી ઉપર સતત નજર રાખતા હતા. લાઇબ્રેરીઓમાં પણ એ લોકો ફરતા હતા...’

‘...એક મિનિટ !’ હું વચ્ચેથી બોલી પડ્યો, ‘મારા ઘરની બહાર પણ એક શખ્સને મેં આંટા મારતો જોયેલો. એ તારો જ માણસ હશે ને ?’ મને મારા ઘરની નીચે દેખાયેલી એ વ્યક્તિ યાદ આવી. એ સજ્જન જેવી લાગતી હતી એટલે આ પ્રશ્ન મારે કરવો પડ્યો.

‘તારા ઘર પાસે મેં ક્યારેય કોઈનેય નથી મોકલ્યો.’ સાયમને સપાટ સ્વરે જવાબ આપ્યો. મારી મૂંઝવણ હજી દૂર ન થઈ. તો પછી મારા ઘર બહાર જોયેલો એ માણસ કોણ હતો ? એનો ઉત્તર હાલતુરંત તો નહોતો મળવાનો.

‘એ પછી તમે વાસ્કરન જવા ઉપડ્યા ત્યારે પણ મારા સાગરિતોએ તમારો પીછો કરેલો...’ સાયમનનું વાક્ય ફરી મેં કાપ્યુઃ

‘...અને મારા પર બસમાં લાકડાની ફાંસ ફેંકીને મને મારવાની પણ કોશિશ કરેલી !’ મેં કડવા સ્વરે કહ્યું.

‘ફાંસથી હુમલો ? ના ભાઈ, મારા કોઈ જ માણસને કીલ ફૂંકતા આવડતી નથી. અને હું જ તમને મોકલતો હોઉં તો સામે ચાલીને તમારા ઉપર હુમલો શું કામ કરાવું ?’ સાયમન મને વિચિત્ર નજરે જોઈ રહ્યો.

મને મારો સવાલ પાયા વગરનો અને સામાન્ય બુદ્ધિ વગરનો લાગ્યો. હું ચુપ થઈ ગયો. વળી એ બીજો પ્રશ્ન પણ અદ્ધર જ રહ્યો.

‘...મારા માણસો વાસ્કરન પહાડમાં થોડે સુધી તમારી સાથે જ હતા. તમે ફ્રેડી સાહેબે છુપાવેલી એ વસ્તુ શોધી લાવો એટલે ફરી તમારો પીછો પકડવો એવું નક્કી થયું હતું. પણ કોણ જાણે ક્યાંથી બીજી કોઈક ટોળકી આવી ચડી અને તમને ખજાનો શોધતા અટકાવવા લાગી. તમારા બે મિત્રોને વચ્ચેથી ઉઠાવી લેવાયેલા એ પણ હું જાણું છું. પણ ભગવાનનો પાડ કે તમે આ કિંમતી વસ્તુ શોધીને સહીસલામત પાછા આવી ગયા. છેલ્લે છેલ્લે પણ એ ટુકડીએ જીપ લઈને તમારી પાછળ દોડાવેલી અને ગોળીબાર કરેલા, પણ મારા આદમીઓએ જ બીજી જીપમાં આવી પહોંચીને તમને બચાવ્યા.’

વાસ્કરનથી વારાઝ જતી વખતે જે ધમાલ થયેલી એનો ભેદ હવે ઉકેલાયો હતો. તો પછી ક્રિક-વિલિયમ્સને ઉઠાવી જનાર એ ગેંગ કોઈક બીજી જ હતી એ પણ સાબિત થયું હતું. બસમાં મારી ઉપર અને પછી સમગ્ર સફર દરમિયાન એ લોકોએ જ અમને અટકાવવાના પ્રયાસો કરેલા. સ્ટીવ, પિન્ટો બધા એ જ જૂથના હતા.

‘બસ હવે. બહુ બોલી લીધું મેં. મને એ પેટી આપી દે.’ સાયમને થોમસ તરફ હાથ લંબાવી કહ્યું.

થોમસે પેટી આપવા આનાકાની કરી તો સાયમને એના હાથમાંથી પેટી ઝૂંટવી લીધી. એને ધારી-ધારીને જોવા લાગ્યો. ખોલવાની કોશિશ કરી જોઈ, પણ કેમેય કરીને ખૂલી નહીં એટલે એણે પેટી ફ્રેડી જોસેફને આપી.

‘આને ખોલો ફટાફટ !’ એણે આદેશ આપ્યો. બીજા હાથમાં રહેલી રિવોલ્વર એમની સામે તાકી.

‘ચાવી બૅંક ઓફ લીમાના લૉકરમાં છે. સવારે જઈને ત્યાંથી લાવવી પડશે.’ ફ્રેડી જોસેફ બોલ્યા. એમની વાત પર ભરોસો ન હોય એમ સાયમન એમને તાકી રહ્યો.

‘ઠીક છે. તમારી વાત હું માની લઉં છું. સવારે બૅંક જઈશું અને મને તમારે ચાવી આપવાની છે. જો ત્યાં ચાવી નહીં હોય તો હું તમને જીવતા નહીં છોડું. પેટી તો હું પછી ગમે તેમ કરીને ખોલાવી લઈશ.’ સાયમનનો અવાજ પહેલીવાર આકરો થયો. એણે રીતસરની ધમકી જ આપી હતી.

ખરું વેર લીધું તેં બાપનું, સાયમન ! હું મનમાં બોલ્યો. મોટાભાગના પ્રશ્નો ઉકેલાયા હતા, પણ હજી અમુક સવાલ જેમના તેમ હતા. પેલી બીજી ટોળકી કોણ હતી ? આ ફ્રેડી જોસેફની પેટીમાં શું છે ? અને સૌથી મોટો સવાલ – વોટ્સન ક્યાં છે ?

(ક્રમશઃ)