સોદો, પ્રેમ, કે પ્રતિશોધ?
ભાગ ૫: પ્રેમનો એકરાર
લેખિકા
Mansi Desai
Desai Mansi
Shastri
મહેતા એમ્પાયરનો કોન્ફરન્સ હોલ આજે યુદ્ધનું મેદાન બન્યો હતો. વિક્રમ ટેબલના છેડે બેઠો હતો, તેના ચહેરા પર જીતનું કુટિલ સ્મિત હતું. આર્યન સામેની ખુરશી પર શાંત પણ ઉદાસ બેઠો હતો.
"આર્યન, તેં ગોડાઉનમાં લાગેલી આગમાં કંપનીની અડધી મિલકત ગુમાવી દીધી છે," વિક્રમે પેપર્સ ટેબલ પર પછાડતા કહ્યું. "બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને તારા પર હવે વિશ્વાસ નથી. કાં તો તું રાજીનામું આપ, કાં તો જેલ જવા તૈયાર રહે, કારણ કે એ આગ શોર્ટ સર્કિટથી નહીં પણ બેદરકારીથી લાગી હતી એવું રિપોર્ટ કહે છે."
આર્યન કઈ બોલે તે પહેલા જ દરવાજો જોરથી ખુલ્યો. રિયા અંદર આવી. તેની પાછળ તેના પિતા, હરેશભાઈ પણ હતા.
"આર્યન રાજીનામું નહીં આપે, વિક્રમ!" રિયાનો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો.
વિક્રમ હસ્યો, "રિયા, આ બિઝનેસ છે, તારું ઘર નથી. અહીં લાગણીઓની કોઈ કિંમત નથી."
રિયાએ એક પેનડ્રાઈવ ટેબલ પર મૂકી. "લાગણીઓની નહીં, પણ પુરાવાની કિંમત તો છે ને? આમાં તારા અને પેલો ગુંડા વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ છે, જેણે ગોડાઉનમાં આગ લગાડી હતી. અને પપ્પા..." રિયાએ હરેશભાઈ તરફ જોયું.
હરેશભાઈ આગળ આવ્યા અને આર્યનની આંખોમાં જોઈને બોલ્યા, "આર્યન, મેં ૨૦ વર્ષ પહેલા એક પાપ કર્યું હતું, પણ આજે હું એને સુધારવા માંગુ છું. વિક્રમ મને બ્લેકમેલ કરતો હતો કે જો હું આર્યન વિરુદ્ધ નિવેદન નહીં આપું તો તે રિયાને નુકસાન પહોંચાડશે. પણ આજે રિયાએ જ મને હિંમત આપી છે. મેં પોલીસમાં વિક્રમના પિતા અને વિક્રમ વિરુદ્ધ જૂની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી દીધી છે."
વિક્રમનો ચહેરો ફિક્કો પડી ગયો. સિક્યોરિટી અને પોલીસ હોલમાં દાખલ થઈ. વિક્રમ પકડાઈ ગયો, પણ જતાં-જતાં તે આર્યન તરફ જોઈને બોલ્યો, "તું જીતી ગયો આર્યન, પણ આ છોકરી પર ક્યારેય વિશ્વાસ ના કરતો. જે લોહીમાં દગો હોય એ ક્યારેય વફાદાર ના હોઈ શકે."
ઓફિસ ખાલી થઈ ગઈ. આર્યન હજુ પણ સ્તબ્ધ હતો. તેણે જોયું કે રિયાના હાથ ધ્રૂજી રહ્યા હતા. આટલું મોટું જોખમ તેણે આર્યન માટે લીધું હતું.
"રિયા..." આર્યન તેની નજીક ગયો.
રિયાએ તેની સામે જોયું, તેની આંખોમાં આંસુ હતા. "આર્યન, તમે હંમેશા કહ્યું કે આ એક 'સોદો' છે. પણ મારા માટે, આ ડીલ તે દિવસે જ ખતમ થઈ ગઈ હતી જે દિવસે મેં તમારી આંખોમાં તમારા પિતાને ગુમાવવાનું દર્દ જોયું હતું. મેં આ બધું બિઝનેસ બચાવવા માટે નથી કર્યું... મેં તમને બચાવવા માટે કર્યું છે."
આર્યને રિયાના બંને હાથ પકડી લીધા. "મેં તારી સાથે આટલું ખરાબ વર્તન કર્યું, તારા પરિવારને બરબાદ કરવાની કોશિશ કરી, છતાં તેં મને કેમ બચાવ્યો?"
રિયા થોડી ક્ષણો મૌન રહી, અને પછી ધીમેથી બોલી, "કારણ કે હું આ સોદામાં ક્યારે તમારી પત્ની બની ગઈ મને ખબર જ ના પડી. આર્યન, હું તમારી સાથે પ્રેમ કરવા લાગી છું."
આર્યનનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. જે માણસે વર્ષોથી પોતાના દિલની આસપાસ નફરતની દીવાલ બનાવી હતી, તે દીવાલ આજે રિયાના પ્રેમ સામે તૂટી રહી હતી. તેણે રિયાને જોરથી આલિંગનમાં લઈ લીધી.
"મને માફ કરી દે રિયા," આર્યનનો અવાજ ભીનો હતો. "હું પ્રતિશોધની આગમાં એટલો આંધળો હતો કે મારી સામે ઉભેલા સાચા પ્રેમને ઓળખી ના શક્યો. મને લાગે છે કે હું પણ તારા વગર અધૂરો છું. આ હવે સોદો નથી, આ મારું વચન છે—હું તને ક્યારેય આંસુ નહીં આવવા દઉં."
તે રાત્રે, મહેતા હાઉસમાં પહેલીવાર સુખની લહેર હતી. પણ ખુશીઓ લાંબો સમય ટકવાની નહોતી.
બીજા દિવસે સવારે, આર્યનના ફોન પર એક અજાણ્યા નંબર પરથી વીડિયો મેસેજ આવ્યો. આર્યને વીડિયો ચાલુ કર્યો અને તેના હોશ ઉડી ગયા.
વીડિયોમાં રિયા કોઈ રહસ્યમય વ્યક્તિ સાથે વાત કરી રહી હતી. રિયા બોલી રહી હતી: "પ્લાન મુજબ બધું બરાબર ચાલી રહ્યું છે. આર્યનને હવે મારા પર પૂરો વિશ્વાસ છે. હવે જેવો તે બધી પ્રોપર્ટી મારા નામે કરશે, આપણે તેને રસ્તા પર લાવી દઈશું."
આર્યનના હાથમાંથી ફોન નીચે પડી ગયો. શું રિયાએ કાલે જે કર્યું એ પણ એક મોટો 'દગો' હતો? શું રિયા વિક્રમ કરતાં પણ વધુ ખતરનાક ખેલાડી નીકળી?
#MansiDesaiShastriNiVartao
#માનસીદેસાઈશાસ્ત્રીનીવાર્તાઓ
#Aneri
#SuspensethrillerStory
#Booklover
#Storylover
#Viralstory