સમય ક્યારેય કોઈની પ્રતીક્ષા નથી કરતો, પણ જ્યારે હૃદયમાં કોઈ ખાસ વ્યક્તિ માટે જગ્યા બની જાય, ત્યારે એ સમયની ગતિ પણ બદલાઈ જતી હોય છે. કાવ્યા અને આર્યન સર વચ્ચેની વાતચીત હવે માત્ર હાય-હેલો પૂરતી મર્યાદિત નહોતી રહી. ઓફિસમાં ન્યૂઝ લખતી વખતે પણ કાવ્યાના મનનો એક હિસ્સો સતત આર્યન સરના વિચારોમાં પરોવાયેલો રહેતો. કાવ્યા માટે આર્યન સર માત્ર એક પ્રોફેસર નહોતા રહ્યા, પણ એક એવો કિનારો બની ગયા હતા જ્યાં તે પોતાનું આખું આકાશ ઠાલવી શકતી.
એક સાંજે, જ્યારે ઓફિસમાં કામનો બોજ થોડો ઓછો હતો, કાવ્યા બારી પાસે બેસીને બહાર પડતા આછલા વરસાદને જોઈ રહી હતી. તેને અચાનક એવું લાગ્યું કે તેનું એકલવાયું જીવન હવે ધીમે ધીમે આશાના કિરણોથી ભરાઈ રહ્યું છે. જે સ્ત્રી ત્રણ વર્ષથી વિખરાયેલી હાલતમાં જીવતી હતી, તેને હવે પોતાનું અસ્તિત્વ ગમવા લાગ્યું હતું. આ પરિવર્તન પાછળ આર્યન સરનો એ આદરભર્યો વ્યવહાર હતો, જેણે તેને એક નવી ઓળખ આપી હતી.
ઓફિસથી ઘરે પાછા ફરતી વખતે કાવ્યાના મનમાં લાગણીઓનું ઘોડાપૂર આવ્યું. તેને થયું કે આટલો આદર, આટલી કાળજી શું માત્ર શિષ્યા માટે હોય? તેણે હિંમત ભેગી કરી અને આર્યન સરને પોતાના દિલની વાત કહી દીધી. સર, તમે મારા જીવનમાં આવ્યા એ પહેલાં હું માત્ર શ્વાસ લેતી હતી, પણ જીવવાનું તો હું ભૂલી જ ગઈ હતી. તેણે સ્વીકાર્યું કે તે તેમને પ્રેમ કરવા લાગી છે—એવો પ્રેમ જે પામવાની અપેક્ષાથી પર છે.
મોબાઈલની સ્ક્રીન પર 'Typing...' જોઈને કાવ્યાના હૃદયના ધબકારા એટલા તેજ હતા કે તેને પોતાનો જ શ્વાસ સંભળાતો હતો. થોડી ક્ષણો પછી આર્યન સરનો જવાબ આવ્યો. તેમનો જવાબ એક આદર્શ પુરુષ અને ગંભીર વ્યક્તિત્વની સાક્ષી પૂરતો હતો.
તેમણે બહુ જ સૌમ્યતાથી લખ્યું, "કાવ્યા, તારી લાગણીઓ પ્રત્યે મને પૂરો આદર છે. પણ તું જાણે છે કે હું એક મર્યાદામાં બંધાયેલો છું. મારું એક કુટુંબ છે, મારી એક જવાબદારી છે. હું તને એ પ્રેમ કે એ સ્થાન ક્યારેય નહીં આપી શકું જેની કદાચ તું અપેક્ષા રાખે છે. આપણો સંબંધ માત્ર એક માર્ગદર્શક અને શિષ્યાનો જ રહે તો તેમાં જ આપણી બંનેની ગરિમા છે. હું નથી ઈચ્છતો કે તું કોઈ એવા સપના જુએ જે ક્યારેય પૂરા ના થઈ શકે."
આર્યન સરના આ શબ્દો કાવ્યાના હૃદયમાં આરપાર ઉતરી ગયા. તેને એક પળ માટે એવું લાગ્યું જાણે તેની આશાઓ પર કોઈએ ઠંડું પાણી રેડી દીધું હોય. પણ બીજી જ પળે તેને એ વાતનો ગૌરવ થયો કે આર્યન સરે તેને કોઈ ખોટા વાયદા ના આપ્યા. તેમણે સત્ય કહીને તેની ગરિમા જાળવી હતી. તેને આર્યન સર પર વધુ માન આવ્યું કે તેમણે તેને કોઈ અંધારામાં ના રાખી.
તેણે વળતો મેસેજ કર્યો, "સર, મારે તમારી પાસેથી કોઈ નામ કે કોઈ વાયદો નથી જોઈતો. મારો આ પ્રેમ તો નિઃસ્વાર્થ છે. મને ખબર છે કે તમે મારા નથી, પણ શું હું તમારી ના રહી શકું? મારે બસ તમને ચાહવા છે, દૂર રહીને પણ. તમારી ખુશી અને તમારો આદર એ જ મારી મંજિલ છે. મારો આ પ્રેમ તમારા પર કોઈ અધિકાર નહીં જમાવે, એ તો બસ તમારી છાયામાં રહીને જ મહેકશે."
આર્યન સરે આ વાતનો કોઈ સીધો જવાબ ના આપ્યો, પણ ત્યારપછી તેમણે કાવ્યાને ક્યારેય અટકાવી પણ નહીં. ઉલટું, તેઓ તેને સતત પ્રેરણા આપતા રહ્યા. તેમણે કાવ્યાને કહ્યું કે તે પોતાની કારકિર્દી પર ધ્યાન આપે, સારી વાર્તાઓ લખે અને ફરીથી પોતાની જિંદગીને સજાવે. કાવ્યાએ હવે પોતાની જાતને બદલવાનું શરૂ કર્યું. તેણે પોતાની ગમતી સાડીઓ પહેરવાનું શરૂ કર્યું, આંખોમાં કાજલ અને ચહેરા પર સ્મિત ફરી પાછું આવ્યું. આ બધું જ આર્યન સરના એ મૌન સ્વીકારનું પરિણામ હતું.
પણ નિયતિને કદાચ હજુ વધુ કસોટી કરવી હતી. એક દિવસ આર્યન સરે મેસેજ કર્યો કે તેઓ ઓફિસના કામ માટે થોડા દિવસો માટે રાજકોટ જઈ રહ્યા છે. રાજકોટ... એ નામ સાંભળતા જ કાવ્યાના મનમાં અજંપો શરૂ થયો. તેને થયું કે આ થોડા દિવસોનું અંતર તેને ક્યાંક ફરીથી એ જ જૂની એકલતામાં ના ધકેલી દે.
"સર, સાચવીને જજો અને પહોંચીને મેસેજ કરજો," કાવ્યાએ આટલું લખ્યું, પણ તેનું હૃદય જાણે આર્યન સરની સાથે જ રાજકોટ જવા રવાના થઈ ગયું હતું.
(ક્રમશઃ...)