ચાણક્ય નીતિ અમૃત સાર ભાગ એક થી ૫ ને સર્વે વાંચકો એ વધાવી લીધો... જેનો ઘણો આનંદ છે. ઘણા વાંચકો એ પૂર્વે નું અર્થ ઘટન વાસ્તવિક છે કે નહી તે પણ શંકા વ્યક્ત કરી છે. મિત્રો, ચાણક્ય નીતિ એક પ્રાચીન ગ્રંથ છે, અને આ ગ્રંથ નું યથાવત અનુવાદ કરવામાં સ્થળ કાળ અને પરિસ્થિતિ જન્ય દોષો નડે છે. માટે આજ ની આધુનિક પ્રજા માં સર્વ ને ઉપયોગી થાય અને વ્યવહારિક રીતે પણ શક્ય હોય એવી ભાષા માં મેં નવીન રીતે આ વિચારો રજૂ કર્યા છે. પણ મૂળ આધાર ચાણક્ય ના શ્લોક જ છે. છતાં પણ કોઈ દોષ કે ત્રુટી હોય તો ક્ષમા કરશો.
આ અધ્યાય માં વિધ્યા અભ્યાસ સંબંધિત ચાણક્ય નીતિ વર્ણવું છું.
(૧) ગુરુ અથવા અનુભવી વ્યક્તિ ની સંગત માં રહીને મેળવેલ જ્ઞાન,ફક્ત પુસ્તકો વાંચીને મેળવેલ જ્ઞાન કરતા શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ સંગત માંથી સહજ જ્ઞાન મળે છે. (વ્યહવાર માં શ્રેષ્ઠ ગુરુ ના અભાવે ફક્ત પુસ્તકો અને ફ્કત છાપા વાંચી ને પણ જ્ઞાન પ્રાપ્ત કરતા લોકો આપણે જોયા છે. પણ કહેવાનો અર્થ છે કે પુસ્તકો સાથે કોઈ અનુભવી માર્ગદર્શન પણ મળે તો એનાથી શ્રેષ્ઠ કઈ જ નથી.)
(૨) વિધ્યા વ્યહવાર અને વર્તન ની સમજ આપે છે. સજ્જન અને દુષ્ટ નો ભેદ પામવાનો વિવેક આપે છે.
(૩) જે સમજાતું નથી અથવા સમજવામાં સરળ નથી એ પણ નિષ્ઠાપૂર્વક ના નિયમિત અભ્યાસ દ્વારા સમજી અને પામી શકાય છે. આ પ્રકારનો અભ્યાસ તપ ગણાય છે. અને તપ દ્વારા દુર્લભ જ્ઞાન પણ સરળ બને છે.
(૪) વિધાર્થી એ પવિત્ર મન થી ગુણવાન અને વિદ્યાવાન થવા માં સમય અર્પિત કરવો જોઈએ. જો વિધાર્થી જીવન દરમ્યાન ધન અથવા શારીરિક સુખ ના લોભ માં તેમ જ બીજાની નિંદા તેમ જ અપકીર્તિ સાંભળવામાં સમય વ્યર્થ કરશે તો તે પોતે પણ અપકીર્તિ ને પામશે.
( આજના સમય માં સોશિયલ મીડિયા માં બીજા ના જીવન પર કમેન્ટ્સ કરતા વિધાર્થીઓ માટે આ શ્લોક ઉપયુક્ત છે.)
(૫) સાગર માંથી રત્નો પણ મળે છે અને છીપલા પણ એમ એક જ ગુરુ પાસેથી અલગ અલગ વિધાર્થીઓ અલગ અલગ રીતે જ્ઞાન ગ્રહણ કરે છે. જે રત્ન ગ્રહણ કરે છે એ સમાજ ને રત્ન આપે છે અને જે છીપલા ગ્રહણ કરે છે એ છીપલા આપે છે. પણ તમારી પાસે જે કઈ પણ છે એ સમાજ ને પાછું આપ્યા વગર મુક્તિ મળવી દુર્લભ છે. જે દાન નથી કરતો તે દરિદ્ર છે.
(૬) જે વ્યક્તિમાં સામર્થ્ય નથી તે પરાધીન થાય છે. જે અશક્ત હોય છે તે અકાળે વૃદ્ધ થાય છે. જેનું મન સંસાર વ્યવહાર માં નથી લાગતું તે ભક્તિ અને બ્રહ્મચર્ય તરફ વળે છે... અને જે આત્મનિર્ભર નથી એ લાચારી તરફ વળે છે. એટલે જે સામર્થ્ય, બળ, વ્યહવાર ની સ્પષ્ટતા અને આત્મનિર્ભરતા તરફ લઈ જાય એ જ સાચી વિધ્યા.
(૭) જે સાગર જેવા ગુરુ માંથી શ્રેષ્ઠ વિધ્યા રૂપી રત્ન ગ્રહણ કરે છે તે શિષ્ય બુદ્ધિમાન છે.
(૮) જેમ સાપનું ઝેર દાંત માં હોય છે, મધમાખી નું ઝેર મસ્તક માં હોય છે એમ વિધાર્થી જીવન માં સાચું ઝેર દુષ્ટ જનો ની સંગત માં હોય છે. જો જીવન ને વિષાક્ત સંગત થી મુક્ત કરી શકો તો પ્રગતિ ના દ્વાર ખુલી શકે.
(૯) જો તમે ગુરુ પાસે બેસી ને વિધ્યા મેળવો છો.. તો એમની પરવાનગી વગર આગળ આગળ અભ્યાસ કરવાથી કઠિનતા વધશે. જેવી રીતે સમજ્યા કે જાણ્યા વગર ઉપવાસ નો નિયમ લેવાથી દુઃખ પડે છે એમ ગુરુ ની મરજી વગર સ્વછંદે અભ્યાસ કરવાથી અસમંજસ વધે છે.
(૧૦) હાથની શોભા દાન, શરીર ની શોભા સ્નાન , કર્મ ની શોભા સમ્માન, એમ જીવન ની શોભા જ્ઞાન.
(૧૧) વિધાર્થી જીવન દરમ્યાન બુદ્ધિ હરનારા ભોજન પદાર્થ, શારીરિક સુખ ની અતિ કામના અને મન લોલુપ કરનારા મનોરંજન થી બચવું. વિધાર્થી જીવન દરમ્યાન સુખ ની અપેક્ષા રાખવી વિધ્યા,બુદ્ધિ તેમ જ શક્તિ નો વ્યય કરે છે. એટલે કે "વિધાર્થી ને સુખ ક્યાંથી... અને સુખાર્થી ને વિધ્યા ક્યાંથી?"
(૧૨) જે તે સમય માં જે તે ધર્મ અનુસાર કર્મ કરવું. વિધાર્થી જીવનમાં વિધ્યા ધર્મ છે. ગૃહસ્થ જીવન માં દાંપત્ય પ્રેમ ધર્મ છે. આજીવિકા સમયે વ્યવહાર ધર્મ છે. આ ધર્મ જ છે જે પશુઓ અને મનુષ્યોને અલગ કરે છે.
(૧૩) જેમ ફૂલો માં રંગ હોય છે, સુંદરતા હોય છે, મોહકતા પણ હોય છે, પણ બધાય ગુણો માં શ્રેષ્ઠ એ ફૂલ ની સુગંધ છે.
એમ વ્યક્તિ માં રૂપ હોય ,બળ હોય , પૈસાદાર પણ હોય પણ એ શોભે છે એની આવડત,ચાતુર્ય, સંસ્કાર અને વિધ્યા.