Survival - 12 in Gujarati Thriller by Falguni Dost books and stories PDF | અસ્તિત્વ - 12

Featured Books
Categories
Share

અસ્તિત્વ - 12

આસ્થાનું મન અતિ વ્યાકુળ હતું. એને પાણીનો ગ્લાસ આપતા અનુરાધાએ કહ્યું, "બેટા પાણી પી લે."

આસ્થા એકસાથે આખો પાણીનો ગ્લાસ ગટગટાવી ગઈ. પાણી પીધા બાદ એ થોડી સ્વસ્થ જણાઈ રહી હતી. એનું મન શાંત થયા બાદ એ બોલી, "મમ્મી મારો અકસ્માત કેમ થયો હતો? મારે જાણવું છે."

આસ્થાના આ શબ્દો અનુરાધાને ખૂબ બેચેન કરી ગયા, ઘડીક એને શું કહેવું એ સમજાય રહ્યું ન્હોતું. એ એક નજરે આસ્થાના ચહેરાને જોઈ રહી અને પોતાના શબ્દો ગોઠવતા બોલી, બેટા જે બની ગયું અને તને ખૂબ તકલીફ આપી ગયું એ મારે હવે બિલકુલ યાદ જ નથી કરવું. જે ક્ષણ મારી દીકરીની સંપૂર્ણ યાદશક્તિ છીનવી ગઈ એ મારે માટે ખૂબ જ ખરાબ ક્ષણ હતી. તું બીજું કંઈ પણ યાદ કરવાનો પ્રયાસ કર પણ એ તારી જીવલેણ ક્ષણ તું યાદ કરવાનો પ્રયાસ ન કર બેટા! આસ્થાને પોતાની છાતી સરસી ચાંપતા એના પર ખૂબ વહાલ વરસાવતા અનુરાધા બોલી.

આસ્થા અનુરાધાની હાલત જોઈને ખૂબ દુઃખી થઈ ગઈ. અત્યાર સુધીની એમની મુલાકાતમાં પોતાની મમ્મીને આટલી દુઃખી અને વ્યાકુળ એણે જોઈ નહોતી, એનું મન ખૂબ ગ્લાની અનુભવવા લાગ્યું, પોતાના આ પ્રશ્નથી મમ્મીને આટલી તકલીફ થશે એની એને કલ્પના જ નહોતી. એ પોતાનું દુઃખ ભૂલીને કહેવા લાગી, "મમ્મી તમે આટલા દુઃખી ન થાવ, હું ક્યારેય આપને આ બાબતે પ્રશ્ન નહી કરું. હું વચન આપું છું એ ક્ષણ મને કુદરતી યાદ આવે તો ભલે પણ હવે એ ક્ષણ નો ઉલ્લેખ હું ક્યારેય નહી કરું." મમ્મીની આંખના આંસુ લૂછતાં એ મક્કમ હૃદયે બોલી.

અનુરાધા પણ આસ્થાની આ વાત સાંભળી ખૂબ રાજી થઈ ગઈ. પોતાના ખોળામાં એને ઊંઘાડતા એ બોલ્યા, "ચાલ મારા ખોળામાં શાંતિથી ઊંઘી જા."

આસ્થા પોતાના મમ્મીના સાનિધ્યમાં શાંતિથી ઊંઘી ગઈ અને અનુરાધા એના ભૂતકાળમાં સરી પડ્યા.

**********************************

"જ્યાં સુધી તારા ખોળામાં મારું માથું ન મૂકું ત્યાં સુધી મારા આખા દિવસનો થાક ન ઊતરે!" એમ કહી અનુરાધાના ખોળામાં પોતાનું માથું ટેકવતા ગિરિધર બોલ્યો.

"હા તમને તો રોજ કંઈક બહાનું જ જોઈએ." એમ ગિરિધરના માથા પર હાથ ફેરવતા અનુરાધા બોલ્યાં.

"અનુ મને કેમ એમ થાય છે કે..."

"બસ ચૂપ કોઈ જ અમંગળ વાતો મારે નથી સાંભળવી." અધૂરી વાતે જ અનુરાધાએ ગિરિધરના હોઠ પર પોતાના હાથને મૂકતા કહ્યું.

"અરે.. પણ તું..."

"બસ.. મેં કહ્યુંને મારે કંઇ નથી સાંભળવું!"

"સારું તું કહે એમ! આમ પણ હું ક્યારે તારી સામે જીતી શક્યો છું?"

"હા હો.." એમ કહી અનુરાધા ખડખડાટ હસી પડ્યા.

એનું આમ હસવું ગિરિધરને ખૂબ ગમતું, એ તરત ખોળામાંથી ઊભો થઈને બોલ્યો, "તારું આ હાસ્ય જ છે જે મને તારી તરફ ખેંચી લાવ્યું, તારી સામાન્ય છતાં આકર્ષિત અદાઓ મારા હૈયે ક્યારે વસી ગઈ એ હું સમજી જ ન શક્યો, તારો સાથ જીવનભર માણવા મેં તારી ખૂબ રાહ જોઈ, એ દિવસ જો તે મને તારા જીવનમાં ન સ્વીકાર્યો હોત તો કદાચ હું.."

ગિરિધરના હોઠ પર પોતાના હોઠ બીડીને અનુરાધાએ ગિરિધરને ચૂપ કર્યો. એક પ્રગાઢ તલતસતા ચુંબન બાદ ગિરિધર બોલ્યો, મને તું મળી ગઈ એટલે જીવનની તમામ ખુશીઓ મળી ગઈ! મને તારો સાથ આજીવન આમ જ આપતી રહેજે!

"પાગલ.." એક માથામાં હળવી ટાપલી મારતા અનુરાધા બોલ્યા હતા.

***********************************

"પાગલ" શબ્દનું ઉચ્ચારણ અનુરાધાને ફરી વર્તમાનમાં લઈ આવ્યુ તથા આંખની કિનારીમાં આંસુની ભીનાશ છવાઈ ગઈ! એમનું મન ખૂબ દુઃખી થઈ ગયું. તેઓ ખુદ સાથે વલોપાત કરી રહ્યાં હતાં, અમુક વર્ષની ખુશી અને વર્ષોની વેદના!!! કુદરત મારું આવું ભાગ્ય કેમ તમે લખ્યું?? કાશ... કે તમે મને ગિરિધરના જીવનમાં મોકલી જ ન હોત તો કદાચ ગિરિધર આજ આટલું દર્દ સહન કરી લાચારી વાળી જિંદગી ન જીવતા હોત!

અનુરાધા વિચારોના મનોમંથન સાથે ક્યારે ઊંઘી ગયા એમને ખબર જ ન પડી, સવારે સૂર્યના કિરણોથી રૂમમાં પ્રવેશતા આછા સોનેરી પ્રકાશથી એમની ઊંઘ ઉડી. આસ્થા હજુ એમ જ એના ખોળામાં ગાઢ નીંદરમાં પોઢી રહી હતી. આસ્થાને આમ પોતાની ઓથની હૂંફમાં શાંતિથી પોઢેલી જોઈ, આ જોઈ રાત્રે જે મનમાં દર્દ અનુરાધાને હતું એ તુરંત શમી ગયું! લાગણી ક્યારે કોને નજીક લઈ આવે એ ખરેખર કહેવું ખૂબ મુશ્કેલ છે. ગણેશજીનો આભાર માની એ આ ક્ષણને પામી ખૂબ રાહત અનુભવી રહ્યા હતા.

આસ્થા થોડી સળવળાટ સાથે ઊંઘમાંથી જાગી! એની આંખ ઊઘડી તો એ એના મમ્મીનાં ખોળામાં જ હતી, એણે નજર ઊંચી કરી અને જોયું તો મમ્મી એને જ નીરખી રહી હતી.

"અરે મમ્મી! તમે આખી રાત આમ જ બેસી રહ્યા? તમે ઊંઘ્યા છો કે નહી?"

અનુરાધાને આસ્થાના પ્રેમાળ શબ્દો એટલા સ્પર્શી ગયા કે, તેઓ એ શબ્દમાં જ કેન્દ્રિત થઈ ગયા. આસ્થા ફરી બોલી, "ક્યાં ધ્યાન છે તમારું? હું તમને પૂછું છું મમ્મી."

"અરે બેટા! હું જે ખુશી પામી રહી છું એ શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. તું ઠીક થઈ જાય એ માટે મેં ખૂબ પ્રાર્થના કરી છે. તું શાંતિથી ઊંઘતી હતી તો હું તને કેમ ખોળામાંથી દૂર કરું?"

"મમ્મી તમે મને ખૂબ પ્રેમ કરો છો ને?"

"હા બેટા! દરેક માતાપિતા એમના સંતાનને આટલો જ પ્રેમ કરે."

"મમ્મી એક વાત પૂછું?"

"હા પૂછ ને બેટા!"

"શું પપ્પા પણ મને આટલો જ પ્રેમ કરે છે?"

"હા, બેટા. એ પણ તને આટલો જ પ્રેમ કરે છે."

"તો... મમ્મી એ કેમ હજુ આવ્યા નહી? મારી સાથે વાત કરવાનું પણ એમને મન નહી થયું? મને મળવાની એમને ઇચ્છા નથી થતી? હું ઘરે આવી એને એક દિવસ થઈ ગયો છતાં મને પપ્પા વિશે કંઇ જ ખબર નથી. મારા મનમાં આ બધા પ્રશ્નો ખૂબ પીડા આપી રહ્યા છે. મમ્મી તમે પપ્પા વિશે કંઇ છુપાવો છો? હકીકત શું છે એ મને જણાવો ને!!" એકદમ શાંત અને વિનમ્ર અવાજે આસ્થાએ પોતાના મનની રજૂઆત કરી.

અનુરાધા સામે ફરી એક ચુનોતી આવી ચડી. જો એ સત્ય છુપાવે તો, જ્યારે આસ્થા હકીકત જાણે તો એની સાથે વિશ્વાસઘાત થયાની લાગણી જન્મે અને જો સત્ય કહે તો એ સત્ય શું આસ્થા પચાવી શકશે? બસ આજ વિચારોમાં અનુરાધા મૂંઝાઈ રહી હતી છતાં એણે હિંમત કરતા કહ્યું, બેટા શું તારે ખરેખર પપ્પાની હકીકત જાણવી છે?

"હા, મમ્મી. કંઇ દીકરીને એના પપ્પા વિશે જાણવાની કુતુહલતા ન હોય?"

સારું બેટા. તો ચાલ આજ તને તારા પપ્પા પાસે લઈ જાઉં, તને રૂબરૂ જ એને મળાવી દઉં. ચાલ તું ફટાફટ રેડી થઈ જા, હું તારા માટે નાસ્તો તૈયાર રાખું એ પછી તારા પપ્પાને મળવા જઈએ.

આસ્થા ખુશ થઈ ગઈ અને બોલી, "હા મમ્મી હું હમણાં જ તૈયાર થઈ જાઉં."

અનુરાધા અને આસ્થા એમની ગાડી લઈને ગિરિધરને મળવા નીકળ્યા હતા. આસ્થા એના પપ્પાને મળવા ખૂબ ઉત્સાહિત હતી. "આપણે ક્યારે પહોંચશું? કેટલી વાર છે હજુ?" એમ થોડી થોડી વારે આસ્થા પૂછી રહી હતી.

"અરે બેટા! તું શાંતિ રાખ બસ હવે થોડા જ કિલોમીટર દૂર છે તું તારા પપ્પાથી!"

"મમ્મી! પપ્પા કેવા દેખાય છે? તમે વધુ સુંદર છો કે પપ્પા? તમારા બંનેમાંથી વધુ પ્રેમાળ કોણ છે મમ્મી?" આસ્થા જાણવાની આતુરતા સાથે પૂછી રહી હતી.

મારી ધારાવાહીક "અસ્તિત્વ" ની સફરમાં જોડાવા બદલ વાચક મિત્રોનો દિલથી આભાર. આપના પ્રતિભાવો મને લખવા માટે ખૂબ પ્રોત્સાહીત કરે છે, ધારાવાહિકને અનુરૂપ પ્રતિભાવ જણાવશો. ફરી મળીશું નવા પ્રકરણમાં. જય શ્રી રાધેકૃષ્ણ.🙏🏻