દશાવતારના ગૂઢ રહસ્યો અને સનાતન ધર્મનું તત્ત્વજ્ઞાન
વિષ્ણુ જ ગણેશ અને કૃષ્ણ જ કાલી છે!
દશાવતારના ખગોળીય રહસ્યો અને ચૈતન્યના વિસ્તરણનું વિમર્શ
પ્રસિદ્ધ વિદ્વાન વિનાય વારાણસીએ 'ધ રણવીર શો' પોડકાસ્ટમાં ભગવાન વિષ્ણુના ૧૦ અવતારોના માત્ર કથા નહીં, પરંતુ ગહન તત્ત્વજ્ઞાન અને ખગોળીય રહસ્યોનું અદ્ભુત વિશ્લેષણ કર્યું છે. દેવતાઓમાં જેમને સૃષ્ટિના પાલનહાર તરીકે ઓળખવામાં આવે છે, તેવા ભગવાન વિષ્ણુ અને તેમના દશાવતારની કથા દરેક સનાતની જાણે છે. જોકે, આ અવતારોના જન્મ પાછળની માત્ર પૌરાણિક કથાઓ નહીં, પરંતુ હિન્દુ ધર્મના ગહન તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન અને આધ્યાત્મિક સિદ્ધાંતો છુપાયેલા છે.
બિયરબિસેપ્સ પોડકાસ્ટ પર પ્રસિદ્ધ વિદ્વાન અને ભારતીય શાસ્ત્રોના અભ્યાસી વિનાય વારાણસીએ ભગવાન વિષ્ણુના દશાવતાર વિશે એક અદ્ભુત અને વિચારપ્રેરક સંવાદ રજૂ કર્યો હતો. તેમણે સાબિત કર્યું છેકે, વિષ્ણુ ભગવાનનું વિશ્વ માત્ર દસ અવતારો સુધી સીમિત નથી, પરંતુ તે સમગ્ર બ્રહ્માંડનું મૂળ તત્ત્વ છે. આ વિમર્શ દ્વારા સનાતન ધર્મના કેટલાક અજાણ્યા અને ગૂઢ રહસ્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેનું આ લેખમાં વિસ્તૃત વિશ્લેષણ પ્રસ્તુત કરવાનો એક પ્રયાસ કરાયો છે.
વિનાય વારાણસીએ વિષ્ણુના સ્વરૂપને માત્ર દેવતા તરીકે નહીં, પરંતુ બ્રહ્માંડની શક્તિ તરીકે વ્યાખ્યાયિત કર્યું છે. અનુસાર, સંસ્કૃત મૂળ શબ્દ 'વિશ્વમ્' (બ્રહ્માંડ) પરથી વિષ્ણુ શબ્દ આવ્યો છે. ત્યારે વિષ્ણુ એટલે શું તે જાણવું પણ જરૂરી છે. બ્રહ્માંડનું કાર્ય સતત વિસ્તરણ કરવાનું છે. સંસ્કૃતમાં 'વ્યાપકમ્' એટલે ફેલાવવું કે વિસ્તરણ કરવું. આથી, તે જીવન શક્તિ જે સતત વિસ્તરણ પામી રહી છે, જે સતત ફેલાઈ રહી છે, તેને જ વિષ્ણુ કહેવાય છે. વિષ્ણુને હંમેશા વિસ્તરણના વિચાર સાથે જોડવામાં આવે છે, જે ચૈતન્યનું કાર્ય છે.
ત્રિદેવની અવધારણામાં વિષ્ણુને પાલનહાર કહેવામાં આવે છે. બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, શિવ સંહાર (વિસર્જન) કરે છે, અને વિષ્ણુ તેનું પાલન કરે છે. સૃષ્ટિને ટકાવી રાખવા માટે સંસાધનોની જરૂર પડે છે. આ સંસાધનોની દેવી એટલે લક્ષ્મી. આ જ કારણે વિષ્ણુ અને લક્ષ્મીની જોડી હંમેશા એકસાથે હોય છે, જે પાલન અને સમૃદ્ધિનું પ્રતીક છે. આપણી આસપાસની હવા સ્વચ્છ હોય, છોડને પાણી મળે, સૂર્યપ્રકાશ મળે – આ બધાં પરિબળો સૃષ્ટિના પાલન માટે જરૂરી છે. આ તમામ પરિબળોને વિષ્ણુના વિવિધ અવતારોના પાસાં તરીકે જોવામાં આવે છે. એટલે કે, દરેક અવતાર બ્રહ્માંડના કોઈ ચોક્કસ કાર્યને ટકાવી રાખવામાં મદદ કરે છે.
સનાતન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત એછેકે, દેવતાઓ એક જ વાસ્તવિકતાના અલગ-અલગ અભિવ્યક્તિઓ છે. આ વાતને સાબિત કરવા માટે વિનાય વારાણસીએ એક સુંદર પૌરાણિક કથા રજૂ કરી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કૈલાસ પર્વત પર ગણપતિનો જન્મદિવસ હતો. માતા અન્નપૂર્ણાએ એક વિશાળ ભોજન સમારોહનું આયોજન કર્યું હતું અને વિષ્ણુ તથા તેમના પરિવારને પણ આમંત્રણ આપ્યું હતું. જોકે, વિષ્ણુએ તેમના એક સેવકને મોકલ્યો, જેનો નિયમ હતો કે તે ભગવાનના દર્શન કર્યા વિના ભોજન કરી શકતો નથી.
તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે ગણપતિના જન્મદિવસની ઉજવણી પૂર્ણ થઈ અને સેવક ભોજન માટે તૈયાર ન થયો, ત્યારે માતા અન્નપૂર્ણાએ તેને કહ્યું હતું કે, તે જન્મદિવસના બાળક (ગણેશ) ને કહીને જાય. સેવક જ્યારે અંદરના ઓરડામાં ગયો, ત્યારે તેને ઊંઘતા બાળક ગણપતિને બદલે શેષનાગ પર સૂતેલા વિષ્ણુ ભગવાનના દર્શન થયા. આ કથા દ્વારા એ સિદ્ધ થાય છેકે, વિષ્ણુ અન્ય કોઈ પણ દેવતા સાથે બદલી શકાય તેવા છે. સનાતન ધર્મનો સાર એ જ છે કે, દેવતાઓ એક જ વાસ્તવિકતાની અભિવ્યક્તિઓ છે, જે તેમની ઇચ્છા અને સંકલ્પ મુજબ રૂપ બદલતા રહે છે. વિષ્ણુ હોય કે ગણેશ, શિવ હોય કે દેવી, બધા એક જ પરમ તત્ત્વ છે.
દશાવતારની યાદીમાં વિષ્ણુના ૧૦ અવતારોને ચોક્કસ ક્રમમાં શા માટે મૂકવામાં આવ્યા છે, તે પાછળનું એક ગહન રહસ્ય વિનાય વારાણસીએ ઉજાગર કર્યું છે. જે અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, જ્યોતિષશાસ્ત્રમાં વિષ્ણુના દસ અવતારોમાંથી નવ અવતાર ચોક્કસ ગ્રહો (નવગ્રહ) સાથે સંબંધિત છે. તે સ્વરૂપની પૂજા કરવાથી તે ગ્રહના દોષોમાંથી મુક્તિ મળે છે. જેમ કે, મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, બલરામ/બુદ્ધ અને કલ્કિ આ નવ અવતારોનું જોડાણ નવ ગ્રહો સાથે છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દસ અવતારોમાં કૃષ્ણ એકમાત્ર એવા અવતાર છે, જે બધા નવગ્રહ દોષોને દૂર કરવાની શક્તિ ધરાવે છે. કૃષ્ણની પૂજા બધા જ નવ ગ્રહોની પૂજાની સમકક્ષ છે અને તે બધા જ દોષોને દૂર કરી શકે છે. આ જ કારણ છે કે કૃષ્ણ અવતારને દશાવતારમાં એક વિશિષ્ટ અને સર્વવ્યાપી સ્થાન આપવામાં આવ્યું છે, જે તમામ ગ્રહોને આવરી લે છે.
વિનાય વારાણસીએ કેટલાક ઓછા જાણીતા અવતારોનું વ્યવહારિક અને તાત્કાલિક જીવનમાં શું મહત્ત્વ છે તે સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નૃસિંહ અવતાર પ્રહલાદને બચાવવા માટે આવ્યો હતો. જ્યારે કોઈ વ્યક્તિ અકાળ મૃત્યુ કે અકસ્માત વિશે ચિંતિત હોય, ત્યારે તત્કાલ નૃસિંહ ભગવાનની ઉપાસના કરવાથી સદ્યોપચાર મળી શકે છે. નૃસિંહ સાધના ત્વરિત કલ્યાણ માટે જાણીતી છે. વરાહ અવતાર પૃથ્વીને સંકટમાંથી બચાવવા માટે આવ્યા હતા. જે લોકોને જમીન-સંપત્તિ સંબંધિત સમસ્યાઓ હોય, તેઓએ વરાહ સ્વામીની ઉપાસના કરવી જોઈએ. દક્ષિણ ભારતમાં શેઠ્ઠી સમુદાય અને અન્ય જગ્યાએ વરાહની પૂજા વિશેષરૂપે પ્રચલિત છે. કોઈ પણ સાધનાની શરૂઆત કરવા માટે ઉત્તમ માર્ગ છે કે ઊર્જાવાન સ્થળની મુલાકાત લો. હનુમાનજીની ઊર્જાનો અનુભવ કરવો હોય તો કેળના બગીચામાં જાઓ, કારણ કે, તે તેમના બ્રહ્મચર્ય અને શક્તિ સાથે જોડાયેલ છે. આ સ્થળોએ જવાથી આપણને તે શક્તિ સુધી સીધી પહોંચ મળે છે.
વિનાય વારાણસીએ રામ અને કૃષ્ણને માત્ર બે અલગ અવતાર નહીં, પરંતુ એક જ શક્તિના અભિન્ન સ્વરૂપો તરીકે રજૂ કર્યા છે. તેમણે કોલકાતામાં 'કૃષ્ણ કાલી' અને વૃંદાવનમાં 'કાલી કૃષ્ણ'ની સંકલ્પના સમજાવી, જ્યાં કાલી અને કૃષ્ણ સમાન ઊર્જા તરીકે પૂજાય છે. શામાકૃષ્ણ (કૃષ્ણ) અને શ્યામલા (માતાજી) - બંનેના નામમાં રહેલી 'શ્યામ'ની સમાનતા તેમની એકરૂપતા દર્શાવે છે.
તેમણે કહ્યું હતું કે, કૃષ્ણનો જન્મ જન્માષ્ટમીની રાત્રે થયો, જેને મોહરાત્રિ કહેવાય છે. જ્યારે મા કાલીની આઠમની તિથિ અષ્ટમી હોય છે. કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિની રાત્રે થાય છે, કારણ કે તેઓ દેવીના ભાઈ છે અને બંને ઊર્જા એક જ તિથિ પર પ્રભુત્વ ધરાવે છે, જે તેમની અભિન્નતા સાબિત કરે છે. મહારાષ્ટ્રની પ્રખ્યાત વારકરી પરંપરા અને વિઠ્ઠલ (વિઠોબા) ભગવાનની પૂજા વિષ્ણુ ભક્તિનું સૌથી સરળ અને નિષ્કામ સ્વરૂપ રજૂ કરે છે. વિઠ્ઠલ ભક્તિમાં કોઈ જટિલ કર્મકાંડ કે સખત નિયમો જરૂરી નથી. ભક્તો પગપાળા ચાલીને, મહિનાઓ સુધી ગીતો ગાતા, પંઢરપુર સુધીની યાત્રા કરે છે. આ યાત્રામાં કોઈ મૂળભૂત સુવિધાઓની અપેક્ષા રખાતી નથી. આ પ્રવાસમાં ભક્તિનું સૌથી શુદ્ધ સ્વરૂપ જોવા મળે છે, જ્યાં માત્ર પ્રેમ અને શ્રદ્ધા જ જરૂરી છે.
તેમણે કહ્યું હતું કે, રસપ્રદ વાત એછેકે ભાગવત પુરાણમાં વિષ્ણુના ૨૪થી વધુ અવતારોની યાદીમાં વિઠ્ઠલનું નામ નથી. તેમ છતાં, વિઠ્ઠલની આ ભક્તિમય પરંપરા સાબિત કરે છેકે ઈશ્વરનું સ્વરૂપ શાસ્ત્રોની યાદીઓ કરતાં પણ વધુ વ્યાપક છે અને ભક્તોની નિષ્કામ શ્રદ્ધા જ્યાં કેન્દ્રિત થાય છે, ત્યાં તે સ્વરૂપ જ સર્વોચ્ચ બની જાય છે.
આ વિમર્શ દ્વારા વિનાય વારાણસીએ દર્શાવ્યું હતું કે, સનાતન ધર્મ માત્ર માન્યતાઓનો સમૂહ નથી, પરંતુ જીવનના દરેક પાસાં, ખગોળશાસ્ત્ર અને વ્યક્તિગત ચૈતન્ય સુધી વિસ્તરેલો એક ગહન અને તાર્કિક સિદ્ધાંત છે.