Roy - The Prince Of His Own Fate - 32 in Gujarati Fiction Stories by મૃગતૃષ્ણા mrigtrushna" books and stories PDF | રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 32

Featured Books
Categories
Share

રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 32

૩૨. પડછાયાની પદમણી

બારી પાસેથી પસાર થયેલો એ પડછાયો વ્યોમ રૉયની અનુભવી આંખોમાંથી છટક્યો ન હતો. એ રાત્રે એમને ઊંઘ ન આવી. 'ગાર્ડિયન ઑફ શૅડોઝ'નું પુનરાગમન એમના માટે ચિંતાનો વિષય હતો. 

સવાર પડતાં જ એમણે પહેલું કામ આખા અપાર્ટમેન્ટમાં અત્યાધુનિક સુરક્ષા પ્રણાલી અને ગુપ્ત કેમેરા લગાવવાનું કર્યું. સૅમને આ બધું થોડું વિચિત્ર લાગ્યું, પણ દાદુની ચિંતા જોઈ એણે કોઈ સવાલ ન કર્યો.
જીવન ફરી પાટા પર ચડવા લાગ્યું. સૅમ હવે મૉડેલિન્ગની સાથે-સાથે, દાદુના પેઇન્ટિંગ ઍક્ઝિબિશન અને પુરાતત્વ તેમજ સાંકેતિક લિપિનો અભ્યાસ પણ કરી રહ્યોં હતો. તેના માતાપિતા અને દાદાનો વારસો જાણે એના લોહીમાં વણાયેલો હતો. એનો મોટાભાગનો સમય પુસ્તકો અને ઐતિહાસિક ઇમારતોના સ્કેચ બનાવવામાં જતો.

વ્યોમ રૉય એને જોઈને મનમાં હરખાતા, પણ સાથે સાથે એક અજાણ્યો ભય પણ એમના હૃદયમાં રહેતો.

એક દિવસ બપોરે, સૅમ યુનિવર્સિટીથી નજીક આવેલા એક કાફેમાં બેઠો હતો. એના હાથમાં કૉફીનો કપ અને સામે ટેબલ પર પૅરિસના 'નોત્ર દામ' કેથેડ્રલ પરની એક કિતાબ ખુલ્લી પડી હતી. એનું ધ્યાન બાજુના ટેબલ પર બેઠેલી એક યુવતી પર ગયું. એના લાંબા, કાળા વાળ પવનમાં લહેરાતા હતા અને એની આંખો એકાગ્રતાથી સામે પડેલા સ્કેચબુક પર મંડાયેલી હતી. તે પણ નોત્ર દામનું જ સ્કેચ બનાવી રહી હતી, પણ એની શૈલી અદ્ભુત હતી. એના સ્કેચમાં પશ્ચિમી સ્થાપત્ય સાથે ક્યાંક ભારતીય કળાની ઝલક દેખાતી હતી.
સૅમમાં રહેવો કલાકાર પોતાની જાતને રોકી ન શક્યો. તે ઊભો થઈને એ યુવતીના ટેબલ પાસે ગયો."માફ કરજો," એણે નમ્રતાથી કહ્યું. "હું તમારી કળામાં ખલેલ પહોંચાડવા નથી માંગતો, પણ તમારું સ્કેચ અદભૂત છે."

યુવતીએ નજર ઊંચી કરી. એની કાળી, ઊંડી આંખોમાં એક અજીબ ચમક હતી. એણે સહેજ સ્મિત કર્યું. "આભાર. હું ધારા." ધારાએ હાથ લંબાવી કહ્યું.

"હું સૅમ... સમય રૉય." સૅમે અચકાતા હાથ મિલાવ્યો.

"ધારા મહેતા. હું અહીં આર્ટ હિસ્ટ્રીનો અભ્યાસ કરું છું. ભારતથી છું, વડોદરાથી."

"અરે વાહ! હું પણ મૂળ ભારતીય જ છું," સૅમના ચહેરા પર ખુશી છલકાઈ. વર્ષો પછી પોતાના વતનની કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થતાં એને ખૂબ સારું લાગ્યું.

"તમારા સ્કેચમાં ભારતીય સ્પર્શ સ્પષ્ટ દેખાય છે." સૅમે સ્કેચ તરફ જોતાં કહ્યું.

"તમને કળાની ઊંડી સમજ છે. લાગે છે કે તમે પણ ઉચ્ચ કોટિના કલાકાર છો." ધારાએ ઉત્સુકતાથી કહ્યું.

"ના... ના... હું કોઈ બહું સારો પેઈન્ટર કે કળાનો જાણકાર નથી પણ મારા દાદુ છે." સૅમે કહ્યું.

"તમારા દાદુ એટલે...." ધારા પ્રશ્નાર્થ નજરે બોલતા બોલતા અટકી.

"વ્યોમ રૉય... મારા દાદુ. ઘણાં સારા કલાકાર છે. એમની પૅઈન્ટિગ્સ આર્ટ ઍક્ઝિબિશન્સમાં અહીં પૅરિસમાં અવારનવાર પ્રદર્શિત થાય છે." સૅમે ગર્વથી કહ્યું.

"યુ મીન પ્રખ્યાત ચિત્રકાર વ્યોમ રૉય તમારા દાદુ છે! આઈ કાન્ટ બિલિવ ધીસ. થેંક્યું ગૉડ... જેમને મળવાની અને જેમની પાસેથી શિખવાનું સપનું લઈને પૅરિસ આવી હતી એ હવે સાકાર થશે. ઑહ... હું શું કરું? થેંક્યું... થેંક્યું..." ધારા ઉત્સાહિત થતાં બોલી રહી હતી.

"તમે જાણો છો દાદુ ને?" સૅમે આશ્ચર્યથી પૂછ્યું.

"માત્ર હું નહીં, આખી દુનિયા જાણે છે. વડોદરાની શું ભારતભરની આર્ટ્સ એકેડમીમાં એમની મોડર્ન પણ પારંપરિક શૈલી શીખવવામાં આવે છે. એમને લૅક્ચર આપવા કેટલી બધી સંસ્થાઓ સંપર્ક કરે છે પરંતુ એમણે આજ દિન સુધી કોઈનું આમંત્રણ સ્વીકાર્યું નથી. મેં માત્ર એમનાં ટ્યુટોરિયલ વિડિયો જોયાં છે પણ મારે એમની પાસેથી ઘણું બધું શિખવું છે એટલે જ હું પૅરિસ આવી. બીજું કે મને પ્રાચીન સંસ્કૃતિઓ અને તેમના સ્થાપત્યોમાં છુપાયેલા રહસ્યોમાં ખૂબ રસ છે અને પૅરિસ તો જાણે જીવંત સંગ્રહાલય છે દરેક પ્રકારની કળાનું." ધારાએ જાણકારી આપી.

"વાહ... દાદુની કિર્તી તો સરહદ પાર છે." સૅમ હળવેથી સ્મિત સાથે બોલ્યો. એને એ પણ સમજાયું કે દાદુ પૅરિસ આવ્યાં પછી ક્યાંય કેમ ગયા નથી. એ કારણ સૅમ હતો.

"કળા ક્યાં સરહદોને માને છે? કળાને ક્યાં કોઈ સરહદ બાંધી શકે છે? કળા તો હવા જેવી હોય છે જે પોતાની રાહ જાતે શોધી લે છે." ધારાએ કહ્યું. 

તેમની વાતોનો દોર ચાલતો રહ્યો. સૅમને ધારાની બુદ્ધિમત્તા અને કળા પ્રત્યેના લગાવે ખૂબ પ્રભાવિત કર્યો. એને લાગ્યું કે જાણે કોઈ સમાન વિચારધારાવાળી વ્યક્તિ મળી ગઈ હોય. વાતો વાતોમાં સૅમે પોતાના પરિવાર અને પિતાના સ્થાપત્યોનાં અધૂરા સંશોધન વિશે પણ થોડું જણાવ્યું.

"તમારા પિતા પણ સ્થાપત્યમાં રસ ધરાવતા હતા?" ધારાએ ખૂબ જ સહજતાથી પૂછ્યું, જાણે એને ખરેખર રસ હોય.

"હા, એમને અને મમ્મીને ઐતિહાસિક કલાકૃતિઓ અને તેના પ્રતીકો ઉકેલવાનો બહુ શોખ હતો,"

"આ થોડું અજુગતું છે પણ એક ફૅવર કરશો! એકવાર તમારા દાદુ ને મળાવી શકશો! ના... એટલે જબરજસ્તી નથી માત્ર રિક્વેસ્ટ છે જો પૉસિબલ હોય તો.... માત્ર એકવાર..." ધારા હાથ જોડતાં બોલી.

સૅમે કહ્યું. "અમમમ્... હું દાદુને પૂછીશ. એમને પણ તમારા જેવી જાણકાર વ્યક્તિ અને પ્રતિભાશાળી કલાકાર સાથે વાત કરીને આનંદ થશે."

ધારા જે ઇચ્છતી હતી તે જ થયું. એના ચહેરા પર વિજયી સ્મિત આવ્યું, પણ એણે તરત જ એને છુપાવી દીધું. "ચોક્કસ, મને પણ ખૂબ ગમશે." એણે પોતાનો નંબર શૅર કર્યો અને ખૂબ ઉમળકો બતાવ્યો ભવિષ્યની એ મૂલાકાત માટે.

થોડા દિવસો પછી, એક દિવસે, એક સાંજે ધારા 'Champ de Mars' અપાર્ટમેન્ટના દરવાજે ઊભી હતી. સૅમે દરવાજો ખોલ્યો અને તેનું સ્વાગત કર્યું. વ્યોમ રૉય સોફા પર બેસીને કોઈ પુસ્તક વાંચી રહ્યા હતા.

"દાદુ, આ ધારા છે. મેં તમને કહેલું ને!" સૅમે પરિચય કરાવ્યો.

ધારાએ આગળ વધીને વ્યોમ રૉયના ચરણ સ્પર્શ કર્યા. "પ્રણામ, દાદાજી. સૉરી... સર."

વ્યોમ રૉયે એના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા, પણ એમની અનુભવી આંખો ધારાનું નિરીક્ષણ કરી રહી હતી. એના સંસ્કાર, એની વાતો કરવાની છટા, બધું જ ખૂબ માપસરનું અને લગભગ સંપૂર્ણ લાગતું હતું. કદાચ... જરૂરત કરતાં વધારે સંપૂર્ણ.

"બેટા, સૅમે તારા વિશે કહ્યું. જાણીને આનંદ થયો કે આજના યુવાનોને પણ આપણી સંસ્કૃતિ અને ઇતિહાસમાં આટલો રસ છે," વ્યોમ રૉયે કહ્યું.

"જી, દાદાજી. મને લાગે છે કે ભૂતકાળમાં જ ભવિષ્યના રહસ્યો છુપાયેલા છે," ધારાએ ગંભીરતાથી કહ્યું અને તેની નજર એક ક્ષણ માટે સ્ટડી રૂમના બંધ દરવાજા પર ગઈ, જેના પર અત્યારે તાળું લાગેલું હતું.

"દાદુ... હું ખરેખર તમારી શૈલીની ફૅન છું. મારે એ શૈલી શિખવી છે તમારી પાસે. હું મારા બનાવેલાં થોડાં સ્કેચ પણ લાવી છું. તમે જોશો તો મને આનંદ થશે." એમ કહી ધારાએ કેટલાક સ્કેચ એમની સામે ધર્યાં.

વ્યોમ રૉયે એક પછી એક લગભગ પાંચેક સ્કેચ જોયાં.

"કેવાં લાગ્યા દાદાજી? આમ ઠીક છે ને? તમારો શો અંભિપ્રાય છે? હજું મારે શિખવાની જરૂર છે ને?" ધારાએ ઉપરાછાપરી પ્રશ્નો પૂછી લીધાં.

"હમમ્... કામ ઘણું સારું છે, ચીવટવાળુ અને બારીકાઇથી છલોછલ. એકરીતે કહીએ તો પરફૅક્ટ..." વ્યોમ રૉયે શાલીનતાથી કહ્યું.

"ઓ... થેંક્યું... થેંક્યું સો સો મચ દાદાજી. ધીસ મીન્સ અ લોટ. થેંક્યું મારો ઉત્સાહ વધારવા માટે. પરંતુ, મારે તમારા જેવું બનવું છે." ધારાએ આભાર વ્યક્ત કરતાં કહ્યું.

"જો બેટા, કોઈનાં જેવું બનવા કરતાં પોતાનાં જેવું બનવું સારું. યુનિક બનવું સારું." દાદુએ સ્કેચ પાછાં આપતા કહ્યું.

"હા. પણ તમે મારા માટે પ્રેરણારૂપ છો. રૉલ મૉડલ છો." 

"પ્રેરણા લેવી સારી વાત છે પણ એનાં જેવું બનવું એ તો કૉપી કહેવાય, એનાં કરતાં પોતાનાં જેવું બનવું સારું જ્યાં તમારે નકલ કરવાની જરૂર ન પડે." દાદુએ અમસ્તાં જ હસતાં હસતાં કહ્યું.

"દાદાજી. હું તમારી વાત સમજું છું પણ મારે માત્ર તમારી પાસે થોડુંક શીખવું છે. હું તમારી કૉપી નહીં કરું, પ્રોમિસ.... પછી તો તમારી ઈચ્છા. તમારે તમારાં અનુભવનું ભાથું સહિયારું કરવું કે નહીં. તમારી સાથેની મુલાકાત પણ મારે માટે ખૂબ વિશેષ છે." નાસીપાસ થતી ધારા બોલી.

"દાદુ. એ તમારી પાસે ખૂબ આશા લઈને આવી છે. એની એ એક ઈચ્છા માટે પૅરિસ સુધી આવી છે. થોડું શીખવી દો ને. પ્લીઝ." સૅમે રિક્વેસ્ટ કરી.

વ્યૉમ રૉય થોડું રોકાયા, વિચાર્યું અને કહ્યું, "ઠીક છે પણ માત્ર પાંચ દિવસ." 

વ્યોમ રૉયે સહમતી તો આપી દીધી પરંતુ ખચકાટ સાથે, એક અજાણ્યા ભય સાથે. એ ભય સૅમ માટે હતો.

(ક્રમશઃ)