Teacher in Gujarati Short Stories by Mrugzal books and stories PDF | માસ્તર

The Author
Featured Books
Categories
Share

માસ્તર

              !! વિચારોનું વૃંદાવન !!
|| માસ્તર ||   

              આજે બોર્ડની પરીક્ષામાં નિરીક્ષણ અર્થે મારો એક શાળામાં ઓર્ડર થયો હતો. વ્યવસાયિક રીતે હું ફિલ્ડનો માણસ છું એટલે એક જ જગ્યાએ ૩-૪ કલાક ટકી રહેવું એ મારા માટે બહુ જ અઘરું હતું. ત્રણેય બાજુથી હું ક્લાસરૂમને નરી આંખે નિહાળી શકું એ રીતે ખુરશી ગોઠવી ગોઠવાઈ ગયો. તરૂણ અવસ્થામાંથી તરતા તરતા યુવાનીના ઉંબરે ટકોરા મારતા તારલાઓ તેમના જીવનનો અંધકાર દૂર કરવા તૈયાર હતાં. બહુ જ શાંતિમય માહોલમાં બાળકો કરતા પંખાના પાંખડા વધુ કલબલાટ કરતા હતાં. ક્યારેક ક્યારેક એકાદની દોટ બાથરૂમના બારણા તરફ દોડી જતી હતી. આયોજનબંધ બાંધેલા રૂમોમાં કેટલીય જિંદગીઓ સફળતાના શિખરો સર કરવા ઝઝુમી રહી હતી. ભૂતકાળમાં હું પણ આવી જ પરીક્ષાઓના પેપરમાંથી પસાર થયેલો. ત્રણ-ચાર કલાકના નિરીક્ષણ બાદ એટલું તો સમજમાં આવ્યું કે જીવનમાં છૂટતા જતા સંબંધોનું પણ સમયાંતરે નિરીક્ષણ કરી લેવું જોઈએ. શું ખબર ક્યારેક ઉતાવળમાં એકાદ સહેલો સાથ છૂટી ગયો હોય!! જ્યારે શિક્ષણ કે શિક્ષકોનું નામ આવે એટલે હંમેશા મારું શીશ ઝૂકી જ જાય છે. તેમના પ્રત્યે એક અલગ જ પ્રકારનું માન ઉપસી આવે. આખા ઘરને ગાંડુતૂર કરી નાખતા બાળકોને શાળામાં શાંતિના પાઠ ભણતા કરી નાખે એનું નામ શિક્ષક. આ એજ શિક્ષકો છે જે પોતાના બાળકો જેટલો પ્રેમ કરે છે તેટલો જ પ્રેમ બીજાના બાળકોને પણ કરે છે. બાળકની ઉત્તમ કેળવણીમાં માતા પછી કોઈ વ્યક્તિનું સ્થાન હોય તો તે સ્થાન એક શિક્ષકનું જ હોય શકે.!!! અમુક અપવાદરૂપ કિસ્સાઓમાં ક્યારેક કપાળે કલંકનું તિલક ચીતરાય જાય એ અલગ વાત છે. સૌ સરખા હોતા નથી અને સરખા ન હોય એ ક્યાંય સરખા રહેતા પણ નથી એ કડવી વાસ્તવીકતા છે. એવી જ અનુભવેલી એક વાસ્તવિકતા આજે તાજી થઈ ગઈ. તેનું તાજું થવાનું એક જ કારણ હતું કે એ શાળામાં આજે હું ખુરશી ઢાળીને બેઠો હતો. 
                 એકાદ વર્ષ પહેલા આ નામચીન શાળાએ મારા એક સંબંધીના બાળકને પ્રવેશ ન આપ્યો. શાળાના તમામ નીતિ નિયમોનું પાલન કરી રહેવા સહમત હોવા છતાં પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યો. બાળક ભણવામાં બહુ જ હોંશિયાર હતો તેની સાબિતી તેનું પરિણામ હતું. પ્રવેશ ન આપ્યો એનું દુઃખ જરૂર થયું પરંતુ તેઓએ કહેલી વાત અને તર્કથી ઘણું બધુ દુઃખ થયું. ઘરેથી અભ્યાસ કરેલ બાળક હોસ્ટેલમાં જલ્દી સેટ થાય નહીં, જુની શાળા અને અમારી શાળાનું શિક્ષણ અને પધ્ધતિ અલગ પડી જાય, ગમે તેમ કરી સ્કૂલમાં એડમિશન આપી દઈએ તો પણ હોસ્ટેલમાં જગ્યા નથી, છોકરાને હોસ્ટલમાં નીચે સૂવું પડે વગેરે વગેરે અઢળક કારણો આગળ ધરી દીધા. પ્રવેશ ન આપવા માટેના તમામ કારણો જથ્થાબંધ જણાવી દીધા. આ બધાંય કારણો આપવા પાછળનું એક મુખ્ય કારણ તેમના આત્મામાં ઘર કરીને બેઠું હતું, એ હતું જાતિવાદ. તેઓએ એટલા બહાના બતાવ્યા કે છોકરાએ સામેથી જ કહી દીધું કે મારે અહીં નથી ભણવું. તેના પિતાની આજીજી અને સ્વમાન સાથે સમાધાનની લાચારી જોઈ બાળક સમજી ગયું પણ સામેના સાહેબ ન સમજ્યાં. જેના મગજમાં જાતિવાદનું ઝેર ભરેલું હોય એની પાસે વ્હાલના વહેવાર અપેક્ષા થોડી હોય!!! આવા લોકો માટે તો દુનિયામાં કયું શસ્ત્ર છે જે નિર્વસ્ત્ર કરી શકે??? અમે ખુરશી છોડી રવાના થવાની તૈયારીમાં જ હતા ત્યાં તેઓએ અમને ચાયની ઓફર કરી એટલે મારાથી રહેવાયું નહીં. તેઓનું જાતિવાદનું ઝેર જોઈ મને પણ ફાસીવાદના ફણગા ફૂટ્યાને સામેના સાહેબને હળવા શબ્દોમાં પ્રહાર કર્યા- "સાહેબ, આ દુનિયા બહુ જ સુંદર છે પણ તેને જોવા અને જાણવા માટે તમારે જાતિવાદના ચશ્માં દૂર કરવા પડે. શિક્ષકમાં એટલી શક્તિ છે કે ધારે તો બુધ્ધિ વગરના બાળકને પણ બાહોશ બનાવી શકે પણ આ જાતિવાદનું ઝેર તો ન જ આપે. શિક્ષણની સળગતી જ્યોતમાં એક શિક્ષક જાતિવાદનું દિવેલ કેમ પૂરી શકે?? જ્યાં શિક્ષણની સાથે આવું ઝેર પીરસવામાં આવતું હોય ત્યાં બાળકને મૂકીને તે ઝેરનો સ્વાદ ચાખતા તો અમારે નથી જ કરવા. આપના અસલી રૂપના સાક્ષાત દર્શન કરવાનો લાભ આપ્યો એ બદલ ખુબ ખૂબ આભાર." કહીને અમે નીકળી ગયા. કહેવાય એવું તો ઘણું બધું કહ્યું પણ મને માન્યામાં જ નહોતું આવતું કે તે શિક્ષક હોય શકે!!!! તેઓએ આંખેથી ચશ્માં ઉતારી સાફ કરતા કરતા મારા ઝેર જેવાં લાગેલા શબ્દો તેમના ઝેરમાં ભેળવી દીધાં. 
               
           મનમાં વિચારોના વંટોળ વચ્ચે અઢળક સવાલો ખડકાયેલા છે પણ તે ઝેરને તો દૂરથી પ્રણામ કરી લીધા છે. રોજની ઢળતી સંધ્યાએ જામતો અમારો જમાવડો તેનું ઉત્તમ ઉદાહરણ છે.

હૃદયે હોય જેમના સદાય પ્લાસ્ટર,
કોઈ દીવસ ન હોય શકે એ માસ્તર.
                 -@મરુભુમીના_માનવી ~ મૃગજળ ™