ઇકબાલ ચાચા અને માજીદની વાત સાંભળ્યા પછી કિશન ખુબજ સાવચેત રહેવા લાગ્યો કારણ કે કિશને વાત ભલે જવાનીમાં પગ મૂક્યા પછી અત્યારે સાંભળી હોય પણ દરેક અમાસની રાત્રે અવારનવાર અજાણ્યા લોકોની લાશો મળી આવતી એ વાત તો કિશન નાનો હતો ત્યારથી સાંભળતો આવતો હતો. દેવગઢ બારિયા એક વનવિભાગ છે અને ત્યાં આવેલું રતનમાળનું જંગલ લગભગ ૪૫ કિમીનો ઘેરાવો ધરાવે છે. એટલે ઘણાં પોલીસ અધિકારી અને રાજકારણ સાથે સંકળાયેલા લોકો આ બનાવોને જાનવરોના શિકાર તરિકે ખપાવી દેતાં હતાં પણ પ્રશ્ન એકજ હતો કે કદાચ આ જાનવર હશે, અંધ શ્રદ્ધા હશે તો માત્ર અમાસની રાત્રે જ કેમ? અન્ય કોઈ દિવસે કેમ નહી? અને ઈકબાલ અને માજીદને થયેલો એ અનુભવ શું કલ્પના હતી? અને સંત્રોડ ગામનાં એ ઢાબા પર આવેલા પીપલોદ ગામનાં સરપંચ અને આદિવાસીઓ……,
કિશનનું દિમાગ વિચારે ચડી ગયું એટલામાં પાછળથી કોઈકે ટપલી મારીને એને વિચારોના વલયમાંથી આઝાદ કર્યો. અરે ઈકબાલ ચાચા તમે? ના ઈકબાલ નહી છલાવાવા વા વા વા……. હા હા હા. ઈકબાલ ચાચા કીશનની મશ્કરી કરી રહ્યાં હતાં. ચાલ હવે ઊભો થા ટ્રેન આવી ગઈ છે અને સવારી બેસાડી રાત પડે એ પહેલાં ઘર ભેગો થાજે. પ્રયત્ન કરજે કે પશ્ચિમ બાજુની કોઈ સવારી મળે. ભૂલથી આજે દેવગઢની સવારી નાં બેસાડતો. કેમ? કિશને પૂછ્યું. અલ્યા ડફોળ અમાસ હતી એટલે તો અમાસની વાત કહી તને તોય પૂછે છે. અ અ અ અમાસ સ સ સ.. કિશનની જીભ અમાસનું નામ સાંભળતા જ ધ્રુજી ઉઠી. ડર નહી તું બસ એટલું ધ્યાન રાખજે કે સવારીની લાલચમાં કોઈ એવા રસ્તે નાં જતો જ્યાં છલાવા મળી જાય. આપણે પોતે અને સાથે હોય એ મુસાફરનો પણ જીવ જોખમમાં નાં મુકાય. લે આ બિડીનું બંડલ, ચાલ ત્યારે ખુદા હાફીઝ એટલું કહીને ઈકબાલ ચાચા પોતાની સવારી લઈને પિપલોદ તરફ નીકળી ગયાં.
બીજી તરફ કિશન ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે હે પ્રભુ આજે ઘરમાં પૈસાની જરૂર છે અને પૈસા આવશે તોજ આજનો ચુલ્હો સળગશે. હે ઈશ્ર્વર એવી સવારી આપ આજે જે દેવગઢની નાં હોય અને સારા પૈસા આપે. ચાંચેલાવ સ્ટેશન ઉપર એ જમાનામાં બગી ક્રમ મુજબ સવારી ભરતી. કમનસીબે કિશનની ગાડી આજે છેલ્લી હતી એટલે તમામ સારી સારી સવારી જતી રહી. અને ટ્રેન પણ વિસલ વગાળતી વગાળતી અને ઇંજનનો ધુમાડો ફેલાવતી ફેલાવતી સ્ટેશન છોડી રહી હતી. ટ્રેન નીકળી ગઇ અને આ છેલ્લી ટ્રેન હોવાથી સ્ટેશન માસ્ટર પણ બધું સમેટી નીકળી ગયાં. અલા એ કિશન તું પણ જા હવે ઘરે કારણ કે લાગે છે કે આજે સવારી નથી તારા નસીબમાં આટલુ કહી સ્ટેશન માસ્તર પણ પોતાની સાયકલ લઈને નીકળી ગયાં. સૂરજ પણ અરસ પરસ આવેલા પહાડોમાં છુપાવા લાગ્યો અને જોતજોતામાં સાંજ પડવા લાગી. અંધારું ધિરે ધીરે પોતાનો કબ્જો જમાવવા લાગ્યું. દૂર પહાડોમાંથી ગિધડો રડવાના અવાજ કિશનને સ્પષ્ટ સંભળાવવા લાગ્યાં.
સ્ટેશન ઉપર માત્ર કિશન એની બગી અને ઘેરા અંધારા સાથેની નીરવ એકલતા અને સૂમસામ પણ ભયાનક લાગતું સ્ટેશન હતું. “ચાલો કિશન ઘરે ચાલો લાગે છે આજે ભૂખ્યાજ ઊંઘવું પડશે”. કિશને પોતાની જાત સાથે વાત કરીને પોતાને દિલાસો આપ્યો. એટલામાં પાછળથી અવાજ આવ્યો ભાઈ દેવગઢ જશો?
ના ભાઈ દેવગઢ નહીં જવાય . કેમ? મુસાફરે પૂછ્યું. અરે દરેક વાતના જવાબ નાં હોય અને ટ્રેન નિકળી ગયાં પછી તમે અચાનક કેવી રીતે પ્રગટ થયાં? કિશને થોડું મોઢું બગાડ્યું કારણ કે સવારી મળી એ પણ એવી જ્યાં આજે જવું કિશન માટે ખતરાથી ખાલી ન હતું.
અરે ભાઈ હું મુસાફર નથી પણ સરકારી અમલદાર છૂં અને અહિયાં થતી ખૌફનાક વારદાત અંગે તપાસ કરવા આવ્યો છું. દેવગઢ જતો હતો ને આ ગાડી બગડી. આસપાસ નજર કરી પણ અન્ય કોઈ સાધન ન મળ્યું જે દેવગઢ પહોંચાડી શકે એવામાં તમારી બગી દેખાઈ ગઈ. જુઓ માંગશો એ કરતાં બમણું ભાડું આપી દઈશ પણ દેવગઢ લઈ ચાલો મને.
કિશનને થયું કે હજી હમણાજ રાત પડી છે ને થોડો ઝડપથી જઇશ તો પહોચી પણ જઇશ અને આમને દેવગઢ મૂકીને પરત પણ ફરી જઇશ. ઠીક છે વાંધો નહિ પણ જો રસ્તામાં અન્ય મુસાફર મળશે તો હું એમને પણ બેસાડી લઈશ આમ પણ આજે ધંધો નથી થયો. કિશને નિઃસાસો નાખતા કહ્યું . મુસાફરે શરત સ્વીકારી લીધી .
કેમ જાણે પણ કીશનનું મન આજે જવા ન્હોતું માંગતું પણ મજબૂરી અને ગરીબી બંને ભેગાં મળીને કિશનનાં મનને મનાવી લીધું હતું કે એણે જવુજ પડશે. હજી તો કિશને બગીનાં માંડ બે ચાર ડગલાં ભર્યા હશે એટલામાં પાછળથી કોઈ જોરથી બૂમો પાડી ઊભું રહેવાનું કહેતો હોય એવું લાગ્યું. અને કિશને પાછળ જોયું એ બીજું કોઈ નહિ પણ માજીદ હતો. અરે માજીદ ભાઈ તમે અહીંયા ક્યાંથી. મને અબ્બાએ તારી સાથે જવાનું કહ્યું છે કારણ કે છેલ્લો તું વધ્યો હતો બાકી સવારીમાં. સારું થયું તમે આવી ગયા આ ભાઈ સરકારી અમલદાર છે અને અહીંયા થતાં અવાર નવાર બનાવો વિષે તપાસ કરવા ખાસ આવેલા છે એમને દેવગઢ મૂકવા જઈ રહ્યો છું.
ચાલો ત્યારે “એક સે ભલે દો ઔર દો સે ભલે તીન “
મુસાફરની આ વાત સાંભળીને કિશન પણ ખુશ થયો અને ત્રણે જણે દેવગઢ તરફ પ્રયાણ કર્યુ.
TO BE CONTINUE….
( મિત્રો ભાગ 3 થોડો વધારે લાંબો છે અને અહીં કોઈ પણ વાચક કંટાળે નહી એટલે લાંબા લખાણથી હું બચું છું અને ધ્યાન રાખું છું કે આપ સહુનો રસ જળવાઈ રહે. ભાગ 3 નો અંત આપ સહુને ચોક્ક્સ હેરાન કરી મૂકશે માટે મારી સાથે અને માતૃભારતી એપ સાથે જોડાયેલા રહેજો)