Garbhpaat - 11 in Gujarati Horror Stories by VIKRAM SOLANKI JANAAB books and stories PDF | ગર્ભપાત - 11

Featured Books
Categories
Share

ગર્ભપાત - 11

ગર્ભપાત - ૧૧ 

  સાવિત્રીએ જ્યારે સવારે પોતાના કામકાજ પતાવીને ઢીંગલીને શણગાર કરવા માટે એને લેવા ગઈ ત્યારે એણે જોયું કે ઢીંગલીના ડાબા હાથમાં જે ચુડીઓ હતી તે અત્યારે ગાયબ હતી. પહેલાં ઢીંગલીના કાનની બુટ્ટી અને હવે ચુડીઓ પણ ગાયબ થતાં સાવિત્રીને ફાળ પડી. સાવિત્રી ઢીંગલીને લઈને ઉતાવળા ડગલે મમતાબા પાસે જવા લાગી.મમતાબા પોતાના કામકાજમાં હતાં ત્યાં સાવિત્રીએ બૂમ પાડીને એમને બોલાવ્યાં.

    " કેમ શું છે, કેમ આમ હાફળી - ફાંફળી થઈને દોડીને આવી? એવી તે શું વાત છે સાવિત્રી! " મમતાબાએ ચિંતિત થયેલી સાવિત્રીને જોઈને પૂછયું. 

  " બેન બા! આ ઢીંગલી! " સાવિત્રીએ ડરતાં ડરતાં માંડ એટલું જ બોલી શકી. 

  મમતાબાને વાતની ગંભીરતા સમજતાં વાર ન લાગી. એ સાવિત્રી સાથે ઉપર પોતાના ઓરડામાં આવ્યાં. સાવિત્રીને પોતાની પાસે બેસાડીને વાત જાણવાં પૂછ્યું,

   " સાવિત્રી શું વાત છે? ઢીંગલીને લઈને આટલી ચિંતિત કેમ છે? જે હોય તે મને પૂરી હકીકત જણાવ તો કંઈક ખબર પડે."

  " બેન બા! મને લાગે છે કે ઢીંગલી નક્કી રાત્રે ક્યાંક જતી હોય એવું લાગે છે! તમારી વાત સાચી હતી તે દિવસે એની બુટ્ટી ગાયબ હતી અને આજે એના હાથની ચૂડીઓ ગાયબ છે. મને હવે એવું લાગી રહ્યું છે કે કંચનનો આત્મા આ ઢીંગલીમાં વાસ કરે છે. " સાવિત્રીએ ધડકતા હૈયે બધી વાત જણાવતાં કહ્યું. 

  " તારી વાત સાચી છે. મને તો માહિબાના ઓરડામાં જ્યારે તે આ ઢીંગલીને જતી જોઈ અને કંચનનો ચહેરો એમાં જોયો ત્યારથી એવું લાગી રહ્યું હતું કે નક્કી આ ઢીંગલી સાથે કંચનનો લગાવ છે. " મમતાબાએ પોતાના મનની વાત જણાવતાં સાવિત્રીને કહ્યું. 

   અચાનક કંઈક યાદ આવતાં સાવિત્રીએ મમતાબાને સવાલ કર્યો. " એક વાત તો નક્કી છે કે માહિબાની હત્યા થઈ હતી અને તે હત્યા આ ઢીંગલીના રૂપમાં કંચને જ કરી હોવી જોઈએ, પરંતુ કંચનને માહિબાની હત્યા શું કામ કરવી પડી એ નથી સમજાતું. "

   " નક્કી એવું કોઈ ગંભીર કારણ છે જેનાથી હું પણ અજાણ છું. ગમે તે હોય પરંતુ માહિબાએ આમને (પ્રતાપસિંહને) જરૂર જણાવ્યું હોવું જોઈએ. " મમતાબાએ ગંભીર મુખમુદ્રા સાથે કહ્યું. 

     " સાવિત્રી આ વિષયમાં આપણે નિરાંતે ચર્ચા કરીશું. અત્યારે બાકીના કામકાજ પતાવી લઈએ. એમના આવવાનો સમય પણ થઈ ગયો છે. રાત્રે તે ફેક્ટરી પર રોકાવાનું કહીને ગયા હતા તો ત્યાંજ રોકાયા હશે. " મમતાબાએ સાવિત્રીને ઉદ્દેશીને કહ્યું. 

    " જે હોય તે પણ હું એ જાણીને જ રહીશ કે આખરે માહિબાની હત્યાનું કારણ શું હતું ! " સાવિત્રીના જતાં જ મમતાબાએ મનોમન મક્કમ નિર્ધાર કર્યો. 

   " ભીમાકાકા! બપોર વિતી ગઈ છે છતાં આ હજુ આવ્યા નથી અને એ જમવા નથી આવવાના એવું કહેણ પણ નથી આવ્યું. તમે જરા તપાસ કરાવોને! ક્યાંક ઓચિંતા બહારગામ તો નથી જતા રહ્યા ને! " પ્રતાપસિંહ હજુ સુધી હવેલી પર ન આવ્યો હોવાથી મમતાબાએ ભીમાને બોલાવીને કહ્યું. 

  " દિકરી હમણાં માણસને બોલાવીને તપાસ કરાવું છું. તમે ચિંતા ન કરો, પ્રતાપસિંહની તમને ખબર તો છે એનું કંઈ ઠેકાણું ન હોય! " ભીમાકાકાએ મમતાબાને જવાબ આપતાં કહ્યું. 

   ભીમાકાકા હજુ તો પોતાની વાત પૂરી કરી રહ્યા ત્યાં દૂરથી બે માણસો દોડતા - દોડતા હવેલી તરફ આવી રહ્યા હતા. બહાર ભીમા અને મમતાબાને જોઈને તે ઊભા રહ્યા. એકધારા દોડવાને લીધે તેની છાતી ધમણની જેમ હાંફી રહી હતી. 

  " આ તો આપણી ફેક્ટરીના માણસો ઉગો અને ભારમલ છે. " ભીમાકાકા તે લોકોને ઓળખતા હોય એમ બોલ્યા. 

" શું વાત છે ઉગા! તમે બંને કેમ આમ દોડતા આવ્યા? વાત શું છે? " ભીમાકાકાએ ઉગા નામના માણસને પૂછ્યું. 

" ભીમાકાકા ગજબ થઈ ગયો! પ્રતાપસિંહનો અકસ્માત થયો છે. એમને તાત્કાલિક જેસલમેરમાં દવાખાને લઈ જવા પડ્યા છે. " ઉગાએ વારાફરતી ભીમા અને મમતાબા તરફ જોઈને કહ્યું. 

   પ્રતાપસિંહના અકસ્માતની વાત સાંભળીને મમતાબા આકુળવ્યાકુળ થઈ જાય છે. તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવે છે. 

  " આ બધું કેવી રીતે બન્યું? તેમને બહુ વાગ્યું તો નથી ને! " મમતાબાએ ઉગા અને ભારમલ સામે જોઈને પૂછયું. 

 " ગઈકાલે રાતે પ્રતાપસિંહ ડો. ધવલ દવેની અંતિમયાત્રામાંથી પાછા ફરી રહ્યા હતા ત્યારે વરસાદ જેવા વાતાવરણ અને ધુમ્મસના લીધે તેમની જીપ અચાનક રસ્તા નીચે ઉતરી ગઈ અને એક ઝાડ સાથે અથડાઈ ગઈ. અમને બહુ વધારે માહિતી તો નથી પરંતુ સવારે જ્યારે ત્યાં ગયા હતા એ લોકોએ જણાવ્યું કે એમને બંને પગમાં બહુ વાગ્યું છે. " ભારમલે સમગ્ર હકીકત જણાવતાં કહ્યું. 

   " ભીમાકાકા તાત્કાલિક મારી જેસલમેર જવાની વ્યવસ્થા કરો. હું જ્યાં સુધી ન આવું ત્યાં સુધી હવેલીની જવાબદારી તમારા શીરે રહેશે. " મમતાબાએ હવેલીમાં ઉતાવળાં જતાં પોતાનો હુકમ સંભળાવ્યો. 

    ભીમાકાકાને મમતાબા ગર્ભવતી છે એ વાતની જાણ હોવાથી કહ્યું, " તમે ચિંતા ન કરો, હું માણસોને તેમની દેખભાળ માટે મોકલી આપું છું. તમારે આ હાલતમાં ત્યાં જવું એ ઉચિત નથી. " 

    મમતાબાએ ભીમાકાકાની વાતનો જવાબ આપવાને બદલે સાવિત્રીને સમગ્ર હકીકતથી વાકેફ કરી અને જરૂરી વસ્તુઓ તેમજ અમુક ખાવાની વસ્તુઓ તૈયાર કરવા કહ્યું. કદાચ દવાખાને રોકાવું પડે તો પ્રતાપસિંહના કપડાં પણ સાથે રાખવા કહ્યું. 

    મમતાબા પોતાની વાત નહીં માને એ સમજી ગયાં હોય એમ ભીમાકાકાએ તાત્કાલિક એક માણસને મોકલીને વાહનની વ્યવસ્થા કરવા કહ્યું. 

      પ્રતાપસિંહના અકસ્માતના સમાચાર મળ્યા એના અડધા કલાક પછી મમતાબા સાવિત્રીને હવેલીનું કામકાજ સંભાળવાની હિદાયત આપીને જેસલમેર જવા નીકળી પડ્યાં. 

    રસ્તામાં મમતાબાને સતત એક સવાલ મુંઝવતો હતો કે રાત્રે અહીં કોઈ વરસાદ જેવું વાતાવરણ નહોતું છતાં કેમ વરસાદી વાતાવરણમાં અકસ્માત થયો હશે! હવેલી આજુબાજુ એવું કોઈ ધુમ્મસ પણ નહોતું. તો શું ફેક્ટરી આસપાસ જ એવું વાતાવરણ હશે! પણ એવું કઈ રીતે હોઈ શકે? પ્રતાપસિંહ નશાની હાલતમાં પણ ઘણી વખત જીપ ચલાવીને આવતો છતાં ક્યારેય આવું કદી બન્યું નથી. 

    આખા રસ્તે સતત વિચારતાં અને ચિંતા કરતાં મમતાબા આખરે જેસલમેર પ્રતાપસિંહ જ્યાં દાખલ હતા તે દવાખાને પહોંચ્યાં. પોતે જે એમ્બેસેડર કારમાં આવ્યાં હતાં એ કારનો માલિક ભુવનસિંહ પ્રતાપસિંહનો મિત્ર અને પારિવારિક સંબંધો ધરાવતો હોવાથી એણે ત્યાં જ રોકાવાનું નક્કી કર્યું. 

    દવાખાને પ્રતાપસિંહના અન્ય મિત્રો પણ હાજર હતા. મમતાબાને ત્યાં આવેલાં જોઈને એ બધાએ માન સમ્માન સાથે એમનું અભિવાદન કર્યું અને ત્યાંથી થોડીવાર માટે બહાર જતા રહ્યા. 

   મમતાબાના આવવાની જાણ થતાં પ્રતાપસિંહની સારવાર કરનાર ડો. મધુસૂદન પારેખ ત્યાં આવ્યાં અને મમતાબા સાથે નમ્રતા પૂર્વક અભિવાદન કરતા કહ્યું. 

  " આમનું હવે છ - સાત મહિના પૂરતું ધ્યાન રાખવાનું છે એક હાથ અને એક પગમાં ફેક્ચર છે. બીજું થોડું ઘણું વાગ્યું છે પણ ચિંતા કરવા જેવું નથી. એ તો પાડ માનો ઉપરવાળાનો કે આટલો ગંભીર અકસ્માત હોવા છતાં પ્રતાપસિંહ બચી ગયા છે. આજે થોડીઘણી સારવાર બાદ આવતીકાલે સવારે રજા આપી દઈશ પછી ઘરે જ સારવાર કરવાની છે. જ્યારે જરૂર પડશે ત્યારે હું રૂબરૂ આવીને હું ચેકઅપ કરી જઈશ. " 

   " ડોક્ટર સાહેબ! આપનો ખૂબ ખૂબ આભાર.. એ બહાને હવે તેઓ ઘરે રહેશે બાકી મોટાભાગે તેઓ ઘરે રહતા નથી. " મમતાબાએ પ્રતાપસિંહ સામે જોઈને ડોક્ટરને કહ્યું. 

    " મમતા! તમે ખોટી ચિંતા કરો છો! મને કંઈ નથી થયું." દવાખાનાના રૂમમાં એકલતા મળતાં પ્રતાપસિંહે મમતાબાને કહ્યું. 

   " ગઈરાતે હવેલી આસપાસ તો વરસાદ જેવું કે ધુમ્મસ જેવું કંઈ હતું નહીં છતાં આ અકસ્માત કેવી રીતે બન્યો? તમને કંઈ થયું હોત તો પછી મારું અને આ આવનારા સંતાનનું શું થાત? " મમતાબાએ રડમસ સ્વરે કહ્યું. 

    પ્રતાપસિંહને લાગ્યું કે હવે સત્ય હકીકત મમતાને મારે જણાવી દેવી જોઈએ. પોતે જીવિત કેવી રીતે રહ્યો એ પોતે પણ નહોતો જાણતો. કદાચ તે ભૂતિયા ઢીંગલી કે પછી જે હતું એ પોતાને માત્ર સબક શીખવવા માગતું હતું એ વાત પોતે જાણી ગયો હતો. 

   " મમતા હું તને એક વાત જણાવવા માંગુ છું. મેં જાણી જોઈને એક મોટો ગુનો કર્યો છે. તારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. " પ્રતાપસિંહે આટલું કહેતાં મમતાબાના ચહેરાના હાવભાવ જાણવાં તેની સામે જોયું. 

     અચાનક મમતાબાનું ધ્યાન પ્રતાપસિંહના ઓશિકા પાસે પડેલી નાની લાલ રંગની ચૂડીઓ તરફ જાય છે. એ ચૂડીઓ જોઈને એના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું એને લાગ્યું. તે પગથી માથા સુધી ધ્રુજી ગયાં. 

   " અરે આ ચૂડીઓ તો મારી ઢીંગલીની છે. એ અહીં તમારી પાસે કેવી રીતે આવી? " ચૂડીઓને જોઈને ડઘાઈ ગયાં હોય એમ મમતાબા બોલ્યાં. 

     " તો શું રાત્રે મને મારવાની કોશિશ કરી હતી એ ઢીંગલી મમતાની હતી? " મનમાં આટલું બોલતાં પ્રતાપસિંહની આંખો આડે અંધારાં આવી ગયાં.
( વધુ આવતા અંકે ) 

   સ્ટોરીના ભાગો અનિયમિત લખવા બદલ સૌ વાચક મિત્રોની માફી ચાહું છું. અત્યાર સુધીની સ્ટોરી આપને કેવી લાગી તે અંગેના આપના પ્રતિભાવો જરૂરથી આપશો એવી નમ્ર વિનંતી છે. 

     મારી અગાઉની પ્રકાશિત નોવેલ ' ગેબી ગિરનાર એક રહસ્ય ' આપ પ્રતિલિપિ જરૂરથી વાંચજો. તમે મારા વોટ્સએપ નંબર 8980322353 પર પણ પ્રતિભાવો મોકલી શકો છો...