Mara Anubhavo - 45 in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા અનુભવો - ભાગ 45

Featured Books
Categories
Share

મારા અનુભવો - ભાગ 45

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 45

શિર્ષક:- ભેદ - અભેદ

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ 45. ."ભેદ-અભેદ ."




ધર્મને જો વ્યવહારમાં ઉતારી ન શકાય, ફિલસૂફીને પણ વ્યવહારથી પરની વાત સમજાવાય તો તેવો ધર્મ તથા તેવી ફિલસૂફી માત્ર શોભાના ગાંઠિયા બની જતા હોય છે, તેનાથી પ્રજાનું કલ્યાણ નથી થતું હોતું.




હું જે સંન્યાસી સમાજમાં રહેતો ત્યાંની કેટલીક વાતો મને બહુ ખટકતી. તેમાંની એક તે જમવા બાબતની વ્યવસ્થા. સંન્યાસીઓ જ્યારે જમવા બેસતા ત્યારે તેમાં બે, ત્રણ કે ચાર વર્ગ પડાતા. પ્રથમ ભવ્ય આસન ઉપર ભવ્ય પાટ સાથે મંડળેશ્વર બેસે પછી ગાલીચાવાળાં આસનો ઉપર મહન્તો જેવો વર્ગ બેસે અને પછી દર્ભાસન ઉપર તેમનાથી ઊતરતો વર્ગ બેસે અને પછી સાદા પટ્ટા જેવા આસન ઉપર સામાન્ય સાધુ બેસે. બેસવા માટેનો આ ભેદ તો સમજી શકાય છે. પણ પછી જમવાની વાનગીઓમાં પણ ભેદ થાય. સામાન્ય સાધુઓને સામાન્ય રસોઈ પીરસાય, દર્ભાસનવાળાઓને પણ સામાન્ય રસોઈ પીરસાય, ગાલીચાવાળા આસનધારીઓ માટે એકાદ શાક વધારે પીરસાય અને મંડળેશ્વરને બે-ત્રણ શાક, ઉત્તમ પ્રકારના ભાત, ચોખ્ખા ઘીની બીજી રસોઈ વગેરે ચાંદીનો થાળ ભરીને વાનગીઓ પીરસાય. એક જ પંગતમાં આ રીતે જમવાની પ્રક્રિયા મને બહુ ખટકતી. આ અસભ્યતા  જ કહેવાય. કોઈને કાંઈ વિશેષ જમવું હોય તો અલગ રૂમમાં બેસીને જમી  શકે છે. પણ એક જ પંગતમાં આ રીતે બેસવું અને લજ્જા કે સંકોચ અનુભવવાની જગ્યાએ ગૌરવ અનુભવવું એ ધૃષ્ટતાની હદ કહેવાય.




મંડળેશ્વરના ભક્તો ખાસ કરીને સ્રીઓ, પોતાના ગુરુની આ પ્રકારની શ્રેષ્ઠતાને અહોભાવથી હાથ જોડીને નિહાળી રહ્યા હોય. તેમના ઉપર કૃપા કરવા ગુરુ ભાણામાં ઢગલા જેટલો એંઠવાડ મુકે. એ એંઠવાડ ખાવા પેલી ભગતાણીઓ અને કોઈ કોઈ વાર ભક્તો પણ તૂટી પડે. આ વરવું દૃશ્ય, ગુરુઓ પ્રત્યે અણગમો કરવા પર્યાપ્ત સામગ્રી પૂરી પાડે. સૌથી દુ:ખદ આશ્ચર્ય તો ત્યારે થાય જ્યારે આવા ગુરુઓ અભેદવાદ ઉપર અત્યંત વિદ્વત્તાપૂર્ણ પ્રવચન આપે. ભેદને ધિક્કારે. પણ તેમના અભેદવાદ આત્મા-પરમાત્માનો અભેદવાદ; માણસ-માણસનો નહિ. આ દેશમાં આત્મા અને પરમાત્માને અભિન્ન સિદ્ધ કરવા જેટલા બૂમબરાડા પડાય છે, તેટલા જો માણસ માણસની એકતા કરવા પડાયા હોત તો હિન્દુ પ્રજાને આંસુ પાડવાના દિવસો ન આવ્યા હોત.




અવ્યવસ્થા, વ્યવસ્થાની કદર કરાવતી હોય છે. ઉપર કહી તેવી અવ્યવસ્થા ઘણી જગ્યાએ જોઈને એ બધું કોઠે પડી જતું હોય છે. પહેલાં જે વાત ખટકે તે લાંબા ગાળા પછી ખટકતી બંધ થઈ જઈને વ્યવહાર બની જતી હોય છે. મારા માટે પણ આવું જ થયું. જમવા બાબત જ નહિ, પ્રત્યેક વ્યવહારમાં ભેદ રાખવાની પદ્ધતિ જામી ગઈ. પણ રણમાં જેમ એકાદ લીમડીપણ બહુ મોટું આશ્વાસન થઈ જાય તેમ મંડળેશ્વરોના આ જાગીરદારી અથવા નવાબી ઠાઠમાઠ અને વ્યવહારમાં સિન્ધી પાઠશાળાના મહન્ત સ્વામી શ્રી શ્યામસુંદર ભારતીજી મારા માટે બહુ મોટું આશ્વાસન બની ગયા.




તેમની પાઠશાળામાં તે વખતે પાંત્રીસ-ચાળીસ વિદ્યાર્થીઓ રહેતા. મહન્તજી સૌની સાથે જમવા બેસતા. સૌને એક સરખી જ રસોઈ પીરસાતી. જરા પણ ભેદભાવ ન થતો. મહન્તજીના સિન્ધી ભક્તો, ઘણી વાર જુદી જુદી વાનગીઓ બનાવીને સ્વામીજીને જમાડવા લઈ આવતા. પણ સ્વામીજી સૌની વચ્ચે સૌને વહેંચીને જ જમતા. કદી કોઈ વસ્તુ એકલા ન જમતા. કોઈ ચટણી માત્ર લાવ્યું હોય તો પણ સૌને વહેંચીને પછી જમતા. જમતી વખતે આવી તકેદારીથી સૌ કોઈને તેમના પ્રત્યે માન રહેતું. જીવન જીવવાની પ્રેરણા મળતી. આત્મીયતા વધતી. ભગવાન બુદ્ધે સાધુઓને એ જ ઉપદેશ આપ્યો હતો કેએક તલનો દાણો ભિક્ષામાં મળ્યો હોય તો વહેંચીને ખાજો. એકલા ન ખાજો. પેલા પંક્તિભેદ કરનારા મંડળેશ્વરો પ્રત્યે પોતાના જ સાધુઓને આત્મીયતા ન રાખતાં પાછળથી તેઓ નિંદા કરતા. અને શિષ્યોને ખોટી પ્રથાની પ્રેરણા મળતી. સિન્ધી પાઠશાળામાં મારે થોડો જ સમય રહેવાનું થયું, પણ તેના મહન્તશ્ની શ્યામસુંદર ભારતીજીની મારા ઉપર સારી અસર થઇ.



આભાર

સ્નેહલ જાની