મારા પગ ભારે થઈ ગયા, હું બાજુના દરવાજામાંથી, મમ્મીના બેડરૂમમાં ગઈ.
અને ઘણા કારણોસર અટકી ગઈ, આશ્ચર્યચકિત થઈ ગઈ. સૌ પ્રથમ અને મુખ્ય વાત કે મમ્મીના ચમકતા, આધુનિક પિત્તળના પલંગની સ્થિતિ: વિખાયેલ હતી. મારા જીવનની દરેક સવારે, મમ્મીએ ખાતરી કરી હતી કે હું નાસ્તા પછી તરત જ મારો પલંગ વ્યવસ્થિત કરું અને મારો રૂમ વ્યવસ્થિત કરું; તો શું તે પોતાના પલંગ પરથી લિનનની રજાઈ પાછળ તરફ જવા દે અને ઓશિકાઓ ત્રાંસા અને ઈડરડાઉન કમ્ફર્ટર પર્સિયન કાર્પેટ પરથી લટકતું મુકી દે?
વધુમાં, તેના કપડાં યોગ્ય રીતે મુકવામાં આવ્યા ન હતા. તેનો બ્રાઉન ટ્વીડ વોકિંગ સૂટ ખૂબ જ બેદરકારીથી સ્ટેન્ડિંગ મિરરની ટોચ પર ફેંકી દેવામાં આવ્યો હતો.
પરંતુ જો તેનો રિવાજ મુજબ ચાલવાનો પોશાક અને તેનો સ્કર્ટ કે જે સાઇડમાં રહેલી દોરીઓથી ઉપર ખેંચી શકાય કે જેથી ફક્ત પેટીકોટ જ ભીનો અથવા ગંદો થાય, પરંતુ જો કોઈ પુરુષ સામે આવતો દેખાય કે ક્ષણોમાં જ નીચે થઇ જાય - જો આ ખૂબ જ વ્યવહારુ, દેશના અદ્યતન વસ્ત્ર નહીં, તો તેણીએ શું પહેર્યું હતું?
બારીઓમાંથી પ્રકાશ આવવા દેવા માટે મખમલના પડદા બે ભાગમાં વહેંચીને , મેં વૉર્ડરોબનો દરવાજો ખોલ્યો, પછી અંદરના કપડાંના ગડબડને સમજવાનો પ્રયાસ કરતી ઊભી રહી: ઊન, વર્સટેડ, મસ્લિન અને સુતરાઉ પણ દમાસ્ક, રેશમ, ટ્યૂલ અને મખમલ. મમ્મી, ખૂબ જ સ્વતંત્ર વિચારક, ચારિત્ર્યવાન સ્ત્રી, સ્ત્રી મતાધિકાર અને પોશાક સુધારાની હિમાયતી હતી, જેમાં રસ્કિન દ્વારા હિમાયત કરાયેલા નરમ, છૂટા, સૌંદર્યલક્ષી ગાઉનનો સમાવેશ થતો હતો - પણ હા, તેણીને તે ગમ્યું હોય કે ન ગમ્યું હોય, તે એક સ્ક્વાયરની વિધવા હતી, જેમાં ચોક્કસ જવાબદારીઓ હતી. તેથી ત્યાં ચાલવાના પોશાકો અને "રેશનલ" પણ હતા, પણ ફોર્મલ વિઝિટિંગ ડ્રેસ, લૉ નેક ડિનર ડ્રેસ, ઓપેરા ક્લોક અને એક બોલ ગાઉન પણ હતો જે મમ્મી વર્ષોથી પહેરતી હતી; તેણીને કોઈ પરવા નહોતી કે તે ફેશનમાં છે કે નહીં. કે તેણીએ કંઈપણ ફેંકી દીધું નહીં. મારા પિતાના અવસાન પછી તેણીએ એક વર્ષ સુધી પહેરેલા કાળા "વિડૉસ વીડ્સ" હતા. શિયાળનો શિકાર કરતા તે દિવસોથી બ્રોન્ઝ-ગ્રિન રંગનો હેબિટ(એક પ્રકારનો ડ્રેસ) પણ હતો. શહેરના વસ્ત્રો માટે તેનો ગ્રે કેપ્ડ પેવમેન્ટ સ્વીપિંગ સૂટ હતો. ફર મેન્ટલ, રજાઇવાળા સાટિન જેકેટ્સ, પેસલી સ્કર્ટ્સ, બ્લાઉઝ પર બ્લાઉઝ હતા. ભૂરા, મરૂન, રાખોડી-વાદળી, લવંડર, ઓલિવ, કાળા, એમ્બર અને ભૂરા રંગના એ મૂંઝવણમાં મને ખબર નહોતી કે કયા કપડાં ખૂટતા હશે.
કપડાના દરવાજા બંધ કરીને, હું મૂંઝાઈને મારી આસપાસ જોઈ રહી હતી.
આખો ઓરડો અવ્યવસ્થિત હતો. કોરસેટના બે ભાગ, અથવા "સ્ટે", અન્ય બિનઉલ્લેખિત વસ્તુઓ સાથે, માર્બલ-ટોપવાળા વોશસ્ટેન્ડ પર સ્પષ્ટ દૃશ્યમાન હતા, અને ડ્રેસર પર ગાદી જેવી એક વિચિત્ર વસ્તુ હતી, પરંતુ આખો પાઉફ, કોઇલ અને સફેદ ઘોડાના વાળના વાદળોથી બનેલો હતો. મેં આ વિચિત્ર વસ્તુ ઉપાડી, સ્પર્શ પરથી એકદમ સ્પ્રિંગ જેવી લાગતી વસ્તુ, અને તેનો કોઈ અર્થ સમજાયો નહીં, મારી માતાના રૂમમાંથી બહાર નીકળતી વખતે તેને મારી સાથે લઈ ગઈ.
નીચેના હોલવેમાં મને લેન લાકડાનું કામ પોલિશ કરતો જોવા મળ્યો. તે વસ્તુ બતાવતા, મેં તેને પૂછ્યું, "લેન, આ શું છે?"
બટલર તરીકે, તેણે એક્સપ્રેશનલેસ રહેવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ તે જવાબ આપતાં સહેજ અચકાયો, "એટલે કે, અમ, આહ, ડ્રેસ ઇમપ્રુવર, મિસ ઈનોલા."
ડ્રેસ ઇમપ્રુવર?
પણ આગળ માટે નહીં, ચોક્કસ. તેથી, તે પાછળ માટે જ હોવો જોઈએ.
ઓહ.
મેં હોલના એક જાહેર રૂમમાં, એક પુરુષની હાજરીમાં, એક સજ્જન સ્ત્રીના બસ્ટલ(એક પ્રકારનો ડ્રેસ કે જેની અંદર નિતંબને મોટા અને આકર્ષક બનાવવા માટે ફ્રેમવર્ક મુકાયેલ હોય છે જેની અંદર ડ્રેસ ઇમપ્રુવર મુકવાનું હોય છે) માં છુપાવવામાં આવે તે ફોલ્ડ અને ડ્રેપરીઝને ટેકો આપતી વસ્તુ, મારા હાથમાં પકડી હતી.
"માફ કરશો!" મેં બૂમ પાડી, મારા ચહેરા પર લાલી ઉભરાતી ગરમીનો અનુભવ કર્યો. "મને કોઈ ખ્યાલ નહોતો." ક્યારેય બસ્ટલ ન પહેર્યો હોવાથી, મેં પહેલાં આવી વસ્તુ જોઈ નહોતી. "હજાર વાર માફ કરશો." પરંતુ એક તાત્કાલિક વિચારે મારી શરમ દૂર કરી. "લેન," મેં પૂછ્યું, "ગઈકાલે સવારે જ્યારે મારી માતા ઘરની બહાર નીકળી ત્યારે તેણે કેવો પોશાક પહેર્યો હતો?"
"યાદ કરવું મુશ્કેલ છે, મિસ."
"શું તે કોઈ પ્રકારનો સામાન કે પાર્સલ લઈને જતી હતી?"
"ના, ખરેખર, મિસ."
"પર્સ કે હેન્ડબેગ પણ નહોતી?"
"ના, મિસ." માતા ભાગ્યે જ આવું કંઈ લઈને જતી. "મને લાગે છે કે જો તે લઈને ગયા હોત તો મેં ધ્યાન આપ્યું હોત."
"શું કોઈ ચાન્સ છે કે તેણીએ "અમ...", કોઈ પુરુષ સાથે વાત કરતી વખતે "બસ્ટલ" શબ્દ અસ્પષ્ટ લાગતો. "ટ્રેઈન(એક પ્રકારનો ખૂબ લાંબો ડ્રેસ) સાથે? ટુર્નર(એક પ્રકારનો બસ્ટલ જેવો ડ્રેસ) સાથે?"
જો એમ હોય તો, તેણીના સ્વભાવથી તદ્દન વિપરીત.
પણ તેને કંઇક યાદ આવતાં, લેને માથું હલાવ્યું. "મિસ ઈનોલા, મને તેના ચોક્કસ પોશાક યાદ નથી આવી રહ્યા, પણ મને યાદ છે કે તેણીએ તેનું ટર્કી-બેક જેકેટ પહેર્યું હતું."
જે પ્રકારનું જેકેટ બસ્ટલ સાથે પહેરાય છે.
"અને તેણીની હાઈ ક્રાઉન્ડ ગ્રે હેટ."
હું તે ટોપી જાણતી હતી. દેખાવમાં લશ્કરી બનવટવાળી, ઊંધા ફ્લાવરપોટ જેવી લાગે છે, તે કેટલીકવાર, થ્રિ સ્ટોરીઝ વિથ બેઝમેન્ટ કહેવામાં આવે છે.
"અને તેણીએ તેની વોકિંગ અમ્બ્રેલા પણ સાથે લીધી હતી."
એક લાંબી કાળી છત્રી, ટેકો દેવાની લાકડીની જેમ ઉપયોગમાં લેવાની હતી, જેન્ટલમેનની લાકડીની જેમ ખડતલ.
કેટલું વિચિત્ર કે મારી માતા પુરુષની જેવી છત્રી, પુરુષની જેવી ટોપી સાથે બહાર ગઈ, તેમ છતાં તેની સાથે સૌથી વધુ નખરાંવાળી સ્ત્રીને હોય તેવી, એક બસ્ટલ.