The infinite confluence of time, humans, and nature in Gujarati Philosophy by Jayvirsinh Sarvaiya books and stories PDF | સમય, માનવી અને કુદરતનો અનંત સંગમ

Featured Books
Categories
Share

સમય, માનવી અને કુદરતનો અનંત સંગમ

સમય બનાવનારને થોડો સમય આપીને જુઓ, એ તમારો સમય બદલી દેશે.

આપણા માનવ શરીરની રચના ખરેખર એક અદ્ભુત ઓટો-સિસ્ટમ છે. વિશ્વના મહાન વૈજ્ઞાનિકોએ અઢળક યંત્રો બનાવ્યા, પણ કુદરતે સર્જેલી આ રચના જેવું કશું જ બનાવી શક્યા નહીં. કદાચ યંત્રોને ઓટો-સિસ્ટમ બનાવી દીધા હોય, છતાં કર્મના સિદ્ધાંતની ગૂઢ રચના કોઈ ઉકેલી શક્યું નથી. મનના તરંગોને કોઈ પકડી શક્યું નથી. દરેક મસ્તિષ્કમાં અલગ તરંગો, દરેક પળે બદલાતા તરંગો; દરેકની વિચારધારા અલગ, દરેકની પદ્ધતિ અલગ. છતાં કર્મનો હિસાબ પદ્ધતિસર થાય છે, દરેકને તેના કર્મનું ફળ મળે છે, પાપ-પુણ્યનો હિસાબ થાય છે. આધ્યાત્મિક ભાવ અલગ હોય છે, નીતિ-નિયમો અલગ હોય છે, અને ચતુરની ચતુરાઈ પણ અલગ જ હોય છે.

 

રહસ્યમય માનવ શરીર

શરીરની રચના જ કોઈ સમજી શક્યું નથી. આ શરીરની રચનાને સમજવા આખા વિશ્વનું વિજ્ઞાન પાછળ પડ્યું છે, છતાં કુદરતની રચનાને વિજ્ઞાન એટલે ન સમજી શક્યું કારણ કે શરીરમાં રહેલા આત્માને કોઈ સમજી જ ન શક્યું.

ભગવાન પ્રત્યેની આસ્થા, અલૌકિક ભાવનાત્મક રચનાની ફિલોસોફી અસાધારણ ઋષિઓએ સમજાવી. કેટલાક યુગો સુધી તેનું અનુસરણ પણ થયું, છતાં ચંચળ મન અને તરંગોને રોકી ન શકાયા. ભગવાનની આસ્થા પ્રત્યેની માનસિક વિચારધારાને આધારે અલગ અલગ વૈચારિક કોમ્યુનિટી દ્વારા અલગ અલગ પદ્ધતિઓ અવિરત ચાલુ જ રહી. એમાંથી જ ગુરુવાદનો ઉદય થયો. નિયમાવલિઓ બની, શિક્ષાપત્રીઓ બની, નવા નવા આસ્થાના પ્રતીકો ઊભા થવા લાગ્યા, પણ મનુષ્યને પોતાના શરીરની રચના વિશે કોઈ સમજાવી જ ન શક્યું.

ભગવાનનું રૂપ, રંગ આજ સુધી કોઈ નિરખી શક્યું નથી, તો આત્માને પણ કોણ નિરખી શક્યું? એ જ આત્મા શરીરનો ભગવાન છે. જો કોઈ માનવા તૈયાર ન હોય, તો શરીરમાંથી આત્મા અલગ કરીને જુએ. જો ભગવાનની ઓળખ ન થઈ જાય, તો સમજી લેવું કે મનુષ્ય શરીર કીડા-મકોડા, કૂતરાં-બિલાડાંથી વિશેષ નથી.

એટલે જ તો હું પણ જણાવું છું કે સમય બનાવનારને થોડો સમય આપીને જુઓ, એ તમારો સમય બદલી દેશે.

 

જીવનની ગતિ અને સંબંધોની મર્યાદા

અમુક સમયમાંથી પસાર થવાનું હોય છે...

અમુક સમયને પસાર થવા દેવાનો હોય છે...!

બધાને ન પણ સમજાતું હોય ક્યારેક,

મૌન પણ મુશળધાર વરસતું હોય!

જ્યાં ભૂલોને ભૂલવાની સમજણ હોય,

એ સંબંધોમાં હંમેશા આનંદ જ હોય.

આ જીવન;

આજીવન નથી.

 

વરસાદ, વાદળો અને આસ્થાનો માર્ગ

આમ જુઓ તો વરસાદના પાણીનો ક્યાં કોઈ રંગ હોય છે. પણ, એના આવ્યા પછી આખી મોસમ રંગીન બની જાય છે...!!

વાંક વાદળોનો નથી કે, એ વરસી રહ્યાં છે.

"હૈયું હળવું" કરવાનો "હક" એને પણ છે.

આસ્થાના પ્રતીક તરફ જેણે ઈશારો કરી વળાંક આપ્યો, તો અબુધ મનુષ્ય ભાવનાત્મક રીતે જોડાતો ગયો.

ટુંકી પણ અણમોલ વાત: એણે એક નાની ભૂલ કરી અને તમે, એ યાદ રાખીને મોટી ભૂલ કરી.

 

મન, હૃદય અને સૃષ્ટિ સંચાલન

માણસને બોલવું હોય, છતાં ન બોલી શકે એવું બે વાર બને. કાં તો એનું હૈયું ગભરાઈ ગયું હોય, કાં તો એનું હૈયું "ભરાઈ" ગયું હોય...

ત્રેતાયુગમાં સૃષ્ટિ સંચાલકોની રચના પણ સમજાવવામાં આવી છે અને દરેક સંચાલકો તરફ ભરપૂર આસ્થા પણ દર્શાવવામાં આવી છે. શિવની પૂજા પથ્થરલિંગ દ્વારા એટલે જ સમજાવવામાં આવી છે કારણ કે પૃથ્વી ઉપર મનુષ્ય પથ્થરના સહારા વગર રહી જ ન શકે. પર્વતો પરથી ઝરણું પથ્થરમાંથી વહે, ઝરણું અમૃત બની જળ બને અને જળ એ જીવન બને. ઘર બનાવવા કે જીવનના વપરાશમાં પથ્થરનો સહયોગ લેવો જ પડે. મતલબ, પથ્થરમાં જીવ ન હોય તો સૃષ્ટિના વાતાવરણમાં હૂંફ મેળવી જ ન શકે. શિવ એ શક્તિ છે અને શક્તિની આસ્થા એટલે કુદરત તમારી નજીક છે.

સનાતન ધર્મમાં સૃષ્ટિના સર્જનમાં દેવ-દેવતા, પશુ-પક્ષીના પ્રતીકો અને જેમાં આસ્થા હતી તેનું સન્માન કરી પૂજા કરવામાં આવે છે. તેનો મતલબ છે કે સૃષ્ટિમાં દરેકનું સન્માન કરવું જ જોઈએ. દરેક જીવજંતુ, પશુ-પક્ષીના પરિવાર હોય છે, જીવવાનો દરેકને અધિકાર છે.

મનુષ્ય અવતારે શ્રી રામનો જન્મ અને કર્મધર્મની પદ્ધતિ, જીવનના કેટલાય અવરોધો હોવા છતાં, મર્યાદાપુરુષોત્તમ શ્રી રામ મનુષ્ય જીવનમાં સામાજિક વ્યવસ્થામાં સાથે રહ્યા. રામરાજ્ય એટલે કુદરતનું સંચાલન એવું પ્રતીત થાય.

 

બુદ્ધિ, ધર્મગ્રંથો અને ક્ષાત્રધર્મ

બુદ્ધિની જરૂર ક્યારે? કોઈ સંકટમાંથી માર્ગ શોધવા જ જરૂર પડે, વગર સંકટે બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર જ ન પડે કારણ કે સતયુગમાં આસ્થા સિવાય કશું જ નહીં હોય, બધું જ રાબેતામુજબ યથાયોગ્ય જ થતું હશે, બધું જ સત્ય, આસ્થા પણ સત્ય. પણ બુદ્ધિની શોધ સતયુગમાં જ થઈ હશે.

મનુસ્મૃતિ આ એક જ એવો વિશ્વનો પ્રથમ ધર્મગ્રંથ છે જેમાં માત્ર ચાર જ શબ્દોનો ઉલ્લેખ છે. ફક્ત એ ચાર શબ્દોને સમજાવવાની માત્ર વ્યવસ્થા સિવાય કશું જ નથી:

- બ્રાહ્મણ (બુદ્ધિશક્તિ)

- ક્ષત્રિય (શસ્ત્રશક્તિ)

- વૈશ્ય (વિત્તશક્તિ)

- શુદ્ર (શ્રમશક્તિ)

ઉપરના ચાર શબ્દોમાં કોઈ કોમ્યુનિટી છે જ નહીં, માત્ર શરીરની રચના છે. પણ જેને શરીરની રચના વિશે જ ખબર ન હોય, તેને આખું જીવન પૂર્ણ થઈ જાય તો પણ ઉપરના ચાર શબ્દોની સમજ ન પડે. મનુસ્મૃતિમાં માત્ર શરીરની રચના જ નહીં, પણ કર્મ આધારિત સામાજિક વ્યવસ્થા પણ છે. જેવી રીતે શરીર રચના સમજવી પડે, એ જ રીતે કર્મ આધારિત સામાજિક વ્યવસ્થા પણ સમજવામાં આવે તો સંપૂર્ણ અર્થે સમજી શકાય.

મનુસ્મૃતિની રચના ત્રેતાયુગ પહેલાંની છે, પણ ત્યારબાદ દ્વાપરયુગના મંડાણ થયા. શ્રીમદ્ ભગવદ્ ગીતાની રચના પણ દ્વાપરયુગ અને ત્રેતાયુગ પહેલાં થયેલી છે. શું શ્રીમદ્ ભગવદ્ ગીતાની રચના ભગવાન શ્રી કૃષ્ણએ કરી હતી? ના, ભગવાન શ્રી કૃષ્ણના માત્ર રચનાત્મક પાત્રનું વર્ણન દ્વાપરયુગ અને ત્રેતાયુગ પહેલાં થયેલું હતું, પણ દ્વાપરયુગમાં ધર્મની સમજ સામાજિક વ્યવસ્થામાં સમજાવવામાં આવી. દ્વાપરયુગમાં માત્ર એક જ ધર્મને સમજાવવાની સમજ છે, જે કુદરતી છે, જે સ્વરચિત છે, જે રક્તગુણથી છલોછલ ભરાયેલ છે, એ ધર્મ એટલે માત્ર ક્ષાત્રધર્મ.

આ ક્ષાત્રધર્મ એટલે શું? સૃષ્ટિનું કુદરતી કવચ એટલે ક્ષાત્રધર્મ.

ક્ષાત્ર એટલે કવચ.

ધર્મ એટલે સત્ય.

શ્રીમદ્ ભગવદ્ ગીતાની સચોટ રચના કોણે કરી? બુદ્ધિશક્તિએ. જે તે સમયે બ્રહ્મત્વધારી ભગવાન શ્રી વેદ વ્યાસ હતા. મહર્ષિ વેદવ્યાસ પરજીવી ન હતા, સંસારને સચોટતાનું માર્ગદર્શન આપનાર માર્ગદર્શક હતા. એવા જ જે તે યુગમાં ઘણા મહાન મહર્ષિઓ હતા જે દરેક પરજીવી ન હતા. પરશુરામ પરજીવી પાત્ર હતું. અવતારી પુરુષ તરીકે ચતુર બુદ્ધિશક્તિથી કાલ્પનિક કાર્ટૂનને પુસ્તકોમાં હાઈલાઈટ કરી મનુષ્યના મસ્તિષ્કમાં હિપ્નોટાઈઝ કરવામાં આવ્યું.

હકીકતમાં મનુસ્મૃતિમાં જે બ્રાહ્મણ શબ્દ પ્રયોગ થયો છે, એ સામાજિક વ્યવસ્થામાં ક્ષત્રિયનું બીજું રૂપ છે. ક્ષત્રિય જ બ્રાહ્મણ છે કારણ કે ધર્મ ક્ષત્રિય હસ્તક છે. જેના હસ્તક ધર્મ હોય, એ જ શુદ્ધ. જો બુદ્ધિશક્તિથી સંસારના માર્ગદર્શક બનવું હોય, તો બ્રહ્મત્વ ધારણ કરવું જ પડે. મનુસ્મૃતિ બાદ જ આ શબ્દને વર્ણ વ્યવસ્થામાં સમજાવવામાં આવ્યો છે, અને મનુસ્મૃતિની રચના કરનાર મનુ ભગવાન પોતે જ ક્ષત્રિય અવતાર હતા, એનો ઉલ્લેખ શાસ્ત્રોમાં ઋષિમુનિઓએ કરેલો છે.

 

બુદ્ધિ અને હૃદયનું સમન્વય

હૃદય પાસે ઘણા એવા કારણો હોય છે,

જેનો બુદ્ધિ પાસે કોઈ જવાબ નથી હોતો!

વિશ્વમાં ધર્મની સમજ આપનાર અનેક હોઈ શકે. કેટલાક મનઘડંત ધર્મની ભાષા સમજાવતા હોય, એ માત્ર કોમ્યુનિટી પ્રસારણો હોઈ શકે. પણ ધર્મની સ્થાપના ક્ષત્રિય સિવાય શક્ય જ નથી. ક્ષત્રિય જ ધર્મનું સ્થાપન કરી શકે, બાકી નિયમાવલિઓ અધર્મ તરફ જ દિશા સૂચન કરે.

દ્વાપરયુગ પછી માત્ર બે જ એવા ઋષિમુનિઓએ જન્મ લીધો જેઓએ ક્ષત્રિયોને બે પ્રકારે દિશા સૂચન કર્યા, બન્નેએ ક્ષત્રિય કુળમાં જન્મ ધારણ કર્યો હતો:

૧. મહાવીર બુદ્ધ (બૌદ્ધધર્મ)

૨. મહાવીર સ્વામી (જૈનધર્મ)

મહાવીર બુદ્ધ દ્વારા આત્માની સમજ અને ધ્યેય સિદ્ધાંત સમજાવવામાં આવ્યો. મહાવીર સ્વામી દ્વારા આત્માને કેન્દ્રિત કરી આસ્થા તરફ પ્રયાણ કરી ખોરાકની સંયમતા સમજાવવામાં આવી. દરેક બીજમાં જીવ છે, એ જીવનું આત્મામાં સ્થળાંતર થાય ત્યારે એ પૂર્ણરૂપે સજીવ થાય છે. એક અવધિ સુધી તેનો ખોરાક તરીકે ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે એ જીવનચક્ર છે, ફરીથી એ ખોરાક તરીકે ઉપયોગમાં આવશે જ એવી પરિભાષા સમજાવી. પણ ક્રિયાશીલ સજીવ જીવોને સ્વતંત્ર રીતે જીવવા દેવા એ અન્ય રીતે સૃષ્ટિને મદદરૂપ થશે.

 

ગોત્ર, પરજીવી વૃત્તિ અને ક્ષત્રિયોનું બલિદાન

વૈદિક શાસ્ત્રો પ્રમાણે સામાજિક યુગોની વૈજ્ઞાનિક અવધિ છે, પણ ભારતમાં ક્ષત્રિય શાસક તરીકેનો એક અલગ યુગ હતો જેને રાજપૂતયુગ તરીકે ઓળખવામાં આવે છે. આ યુગમાં જ વિશ્વને સમજ આવી કે જે શાસ્ત્રોમાં ક્ષાત્રધર્મ સમજાવવામાં આવ્યો છે, એ હકીકતમાં રક્ત આધારિત કુદરતી છે. કેટલાક ચતુર ચતુરાઈથી ભોળપણનો લાભ ઉઠાવી, વિદેશીઓને પ્રવેશ અપાવવામાં સફળતા મેળવી ગયા અને એકવાર ફરીથી ક્ષત્રિયોને જ કલંકિત બનાવી ગયા કે ક્ષત્રિયોએ અન્યને આમંત્રિત કર્યા, પણ હકીકત તર્કશાસ્ત્ર આધારિત લગાવવામાં આવે તો ક્ષાત્રધર્મ સાથે આનો ક્યાંય મેળ જામતો નથી.

આ જે વિદેશીઓ આવ્યા, એ જ પરજીવીઓ બની બેઠા. વનસ્પતિમાં એક અત્તરવેલ નામની પીળા કલરની પરજીવી વનસ્પતિ હોય છે જે અન્ય સજીવ વનસ્પતિનો રસ ચૂસી તાજીમાજી રહે છે. એ જ રીતે ધીરે ધીરે ક્ષત્રિય શાસકોએ લોકોને ક્ષત્રિય શાસનમાંથી મુક્ત કરવા લોકતંત્રની સ્થાપના કરવા પહેલેથી જ વિચારવિમર્શ કરીને લોકતંત્રની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો અને એવામાં અંગ્રેજ શાસનનો અંત આવ્યો. અંગ્રેજ શાસન હટાવવા કે મુઘલ શાસનનો સામનો કરવામાં વિશ્વમાં સૌથી મોટું બલિદાન આપનાર વર્ગ માત્ર ક્ષત્રિય સિવાય કોઈ નથી.

જો કોઈ વર્ગ એવું કહેતો હોય કે અમે પણ બલિદાન આપ્યું છે, એ વાત તદ્દન ખોટી છે. ક્ષત્રિય સિવાય કોઈએ બલિદાન આપ્યું હોય, એ બલિદાન હતું જ નહીં, માત્ર એમની જરૂરિયાતો હતી એટલે સહયોગમાં સાથે હશે. પણ જે સહયોગમાં ન હતા અને માત્ર સલાહકાર કે કોમેન્ટ્રી સાંભળનાર હતા, એમણે પાછળથી જેટલા ઘા કર્યા હશે, તેનો ક્યાંય ઉલ્લેખ જોવા નહીં મળે.

 

સુખ દુઃખનો ચક્ર અને ઋષિમુનિઓની દૂરંદેશી

દુઃખ જ્યારે તેની ચરમસીમાએ હોય,

તો સમજી લેવું કે હવે સુખ નજીકમાં જ છે.

ઋષિમુનિઓ વૈજ્ઞાનિકો એટલે હતા કારણ કે એ ભવિષ્ય આધારિત શોધખોળ કરતા. એવી જ એક શોધ સામાજિક વ્યવસ્થામાં કરવામાં આવી હતી: ગોત્ર.

રક્તગુણ કર્મ આધારિત સચવાઈ રહે એવો મુખ્ય ઉદ્દેશ હતો. મુખ્યત્વે બ્રાહ્મણ અને ક્ષત્રિય એ આ વ્યવસ્થા સાચવવી જ પડે કારણ કે ધર્મનું સ્થાપન રક્તગુણથી જ થાય છે. એક ગોત્રના સંબંધો દૈત્યગુણમાં પરિવર્તન પામે છે, એ માત્ર પરજીવી તરીકે માત્ર ઓળખ જ સ્થાપી શકે, રક્તગુણથી વૈચારિક કોમ્યુનિટી અલગ ઊભી કરી શકે, જે ક્યારેય ધર્મની સ્થાપના ન કરી શકે. જો એવું હોત તો રાજપૂતયુગ પછી ક્ષત્રિય ઓળખ તરીકે અસંખ્ય જનસંખ્યા હયાત છે, એકેય ઇતિહાસનું પાન નથી જેમાં ક્ષાત્રત્વનું વર્ણન થયેલું હોય.

એક છોડ ઉપર પરજીવી અત્તરવેલ નાખી પરીક્ષણ કરીને સમજ મેળવી હોત તો પણ જાગૃત થઈ ગયા હોત. અત્તરવેલ છોડને એટલી હદ સુધી ચૂસે છે કે છોડના પાન પણ કોકડાઈ જાય છે, પાન પીળા પડી જમીનમાં પડીને વિલીન થઈ જાય છે. માત્ર મૂળની પકડ હોય છે એ પણ સૂર્યપ્રકાશ કે હવાના ઝાપટથી ઉખડી વેરણછેરણ થઈ જશે.

યુગોયુગાંતરથી ક્ષત્રિયોનો પ્રયોગ થઈ રહ્યો છે, હિપ્નોટાઈઝ કરવામાં આવી રહ્યા છે અને આકર્ષણમાં આકર્ષિત થઈને કર્મધર્મ ભૂલી પણ ચૂક્યા છે. ક્ષત્રિય રક્તગુણમાં જ ધર્મનું સુકાન સંભાળવા કુદરતે પણ મહાન અલૌકિક અવતારો લીધા છે. કોઈ પુસ્તકના પાનમાં ચિત્રણથી કોઈ ઊભા થયેલા નથી.

મહાવીર બુદ્ધ પણ વૈદિક પુસ્તકો પછીનો અવતાર છે. ભગવાન બુદ્ધ પોતે સમજાવવા માંગતા હતા કે અન્ય દ્વારા બનાવેલ નિયમાવલિઓ આધારિત જીવન ન જીવવું જોઈએ. તમને તમારા અનુકૂળ સમજ હોવી જોઈએ અને સ્વયં સમજ આધારિત કર્મને પ્રાધાન્ય આપવું જોઈએ. આત્માને ઢંઢોળી તેની ઓળખ થવી જોઈએ. પછી સંસારના તાલમેલ સાધીને જીવન જીવવું જોઈએ. પણ ભગવાન બુદ્ધના આચરણમાં આધ્યાત્મિકતા વધુ હતી. એટલે ઘણા શાસકો શાસન છોડીને અધ્યાત્મ તરફ વળી ગયા. દાન શબ્દ હિપ્નોટિસ્ટ હતો એટલે શાસકોએ જે તે શાસન બ્રાહ્મણોને દાન કર્યાં, તો શું બીજા કોઈ વર્ગને આપવાની બુદ્ધિ નષ્ટ કે ભ્રષ્ટ કરાવી હતી? હા... આ જ હિપ્નોટાઈઝ હતું જે યુગોથી મસ્તિષ્કમાં ભરવામાં આવ્યું હતું. એ મુખ્ય કર્મ સ્થાને આરુઢ થયું અને ધર્મકર્મ ભૂલાઈ ગયું. એમાંથી જ ચાણક્ય જેવો કોમ્યુનિસ્ટ પેદા થયો અને ક્ષત્રિય શાસકોના પરિવારને નાશ કરવા અર્થતંત્રની નવી વ્યવસ્થા રચી દીધી.

 

ધ્યેય: ક્ષત્રિય શાસનનું પુનઃસ્થાપન

જો હજુ પણ આ ધરતી ઉપર કોઈ ક્ષત્રિય જીવિત હોય, તો ધ્યેય નક્કી કરીને ધ્યેયની દિશા તરફ અન્ય ક્ષત્રિયને જોડવા પ્રયાસ કરવો પડે. ધ્યેય માત્ર એટલું જ કે આવતા 100 વર્ષમાં ફરીથી ધર્મનું સ્થાપન કરવું, અને ધર્મનું સ્થાપન એટલે ક્ષત્રિય શાસન.

Nothing is impossible.

બધું જ શક્ય છે. સ્વામી વિવેકાનંદ પણ કહેતા ગયા કે, "ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો."

સફળતા તમારા કદમોમાં હશે.

કુદરત પણ સહકાર આપશે.

 

જય માતાજી

આ પુસ્તકના રૂપે આપના હાથમાં રહેલું આ ઐતિહાસિક તત્વજ્ઞાન લેખક કિરીટસિંહ જાડેજાના હૃદયસ્પર્શી સર્જનોનો સુભગ સમન્વય છે, જેને જયવિરસિંહ સરવૈયાએ ભાષાશુદ્ધિ અને કાવ્યત્વની મહેક સાથે પુસ્તક રૂપે રજૂ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. કિરીટસિંહના શબ્દોમાં રહેલા ભાવો અને વિચારોને જયવિરસિંહની કલમે એક નવું પરિમાણ મળ્યું છે, જેથી આ રચનાઓ વાચકોના હૃદયમાં કાયમ માટે અંકિત થઈ જશે. આશા છે કે આ પુસ્તક તમને ઐતિહાસિક તત્વજ્ઞાનની અનોખી યાત્રા કરાવશે અને કવિતાના સૂક્ષ્મ ભાવોને સમજવામાં મદદરૂપ થશે.