ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
સજ્જન સિંહના પગ માંથી લોહી ઝરતું હતું. એનું પેન્ટ ફાટી ગયું હતું. બેતહાશા ભાગવાના કારણે ઠેર ઠેર ઝાડી ઝાંખરામાં ભરાવાથી એના શર્ટ અને પેન્ટ ઠેક ઠેકાણે થી ફાટી ગયાં હતા. પગ માથા પર મૂકીને એ ભાગ્યો હતો. હજી માત્ર દસ મિનિટ પહેલા એ કરોડોનો ખજાનો ઘર ભેગા કરવાના સપના એણે જોયા હતા. પણ પૃથ્વી નામના વાવાઝોડા માં એના 6 સાથીઓ તણખલાની જેમ ઉડી ગયા હતા. પણ એક માઈકલ નામનો સાથી હજી એની સાથે એનાથી માંડ 8-10 પગલાં પાછળ હતો. ભલે એ કાયરની જેમ ભાગ્યો હતો. પણ એ સાથે હોવાનો સધિયારો સજ્જન સિંહ ને હતો. કેટલીક મિનિટ ભાગ્યા પછી એ ઉભો રહ્યો અને હાંફતા આવજે ધીરેથી બોલ્યો."માઈકલ, પ્લાન એનો આવો ફિયાસ્કો થશે એ મેં ધાર્યું ન હતું. પ્લાન બી અમલમાં મુકવો પડશે."
xxx
શંકર રાવ આનંદ અને આશ્ચર્યથી સામે દેખાતા પર્વતની ટોચને જોઈ રહ્યો હતો. એ ભગ્ન આશ્રમમાં થોડો આરામ કરવા બેઠા ત્યારે માંગીના બે સાથીઓ એ પોતાના બકસામાં સાથે લાવેલી દેશી મહુડાની બોટલ બધાના હાથમાં આપી હતી. એ દેશી ઠરરો શંકર રાવ ને બહુ પસંદ પડ્યો હતો એણે એક બોટલ પૂરી કરી અને બીજી બોટલમાંથી ધીરે ધીરે ઘૂંટ ભરી રહ્યો હતો. આશ્રમ હવે પાછળ છૂટ્યો હતો, અને કોશિવારા ગામના સીમાડામાં આવેલ એક ટેકરીની બાજુમાં એ લોકો પહોંચ્યા હતા. એણે માંગી રામની સામે જોયું અને ફાટતા અવાજે પૂછ્યું. "માંગી, આ તું કહે છે એ ખરી વાત છે? આ માંડ 200 ફૂટ ઉપર દેખાતી ટેકરી માં જ ખજાનો દટાયેલો છે? અરે આતો મુખ્ય રસ્તાથી માંડ 4-5 કિમી. અંદર છે. અને આ બધી ટેકરીઓ તોડાવવાનો ઓર્ડર પણ મેં 4-5 મહિના પહેલા પાસ કર્યો છે. અહીં એક વિશાળ સરકારી આરામ ગૃહ બનાવવાનો પ્લાન મેં પાસ કર્યો છે."
"ખબર છે માલિક, મેં ઓલા સાધુ સાથે લગભગ 2 વર્ષ પસાર કર્યા પણ મને આ ઠેકાણું સમજાયું ન હતું. પણ આજે મંગળનો ફોન હાથમાં આવ્યો કે તરત જ સમજાઈ ગયું."
"એ હરામખોર મંગલ તો કુતરાના મોતે મર્યો. અને એનો ભાઈ, લખન પણ આજે મારી ઝપટે ચડી ગયો હતો. પણ આ હરામી ફૂલચંદે એને મારા હાથમાંથી બચાવ્યો. સા .. ફુલચંદ મારો જ કૂતરો થઈને તે મારી પાસેથી રુપીયા પડાવ્યા, અને ઓલા લખનયાને ય અપાવ્યા તેને તો હું કૂતરાના મોતે મારીશ." બેફામ નશામાં શંકર રાવ બકવાસ કરી રહ્યો હતો.." પણ એના આ વાક્યથી ફુલચંદને ઝાળ લાગી હતી, એ ખેલંદો માણસ હતો. એને સમજાયું હતું કે 'ગરજ પતશે એટલે શંકર રાવ એને ખરેખર કુતરાના મોતે માંરશે, જેવી રીતે મંગળ ને માર્યો હતો.' પણ એ આ ગેમમાં માહેર હતો. એણે પણ પોતાના પાના બિછાવી રાખ્યા હતા.
xxx
"નાઝ તને ખાતરી છે કે એ અહીં આવશે." અઝહરે પૂછ્યું.
"હા, અમે ગઈ કાલે વાતો કરી ત્યારે પણ એણે કહ્યું હતું કે આજે સાંજે હું એ ડ્રેસ લેવા આવીશ. અને આજે બપોરે એણે મને આગ્રહ કર્યો પણ મેં એને અહીં આવવા ન દીધી એ ચોક્કસ અહીં આવશે." નાથદ્વારા નું બઝાર જ્યાં પૂરું થાય છે પછી છુટ્ટી છવાઈ ધર્મશાળાઓ પછી. એક આધુનિક ડ્રેસ મટીરીયલ ની ટ્રેડિશનલ એથનિક વેર ની દુકાન નવી જ ખુલી હતી જેમાં રાજસ્થાનના અલગ અલગ રજવાડાના ટ્રેડિશનલ ડ્રેસ મટીરીયલ મળતા હતા. સોનલે એના વિષે સાંભળ્યું હતું, અને એને જોધપુરી ડ્રેસ લેવો હતો એવું પણ વાત વાતમાં કહ્યું હતું.
"પણ નાઝ આ તારો આઈડિયા જોખમી છે." શાહિદે કહ્યું.
"જોખમી તો છે પણ હું બદલો લેવા તડપી રહી છું. અને એ છોકરી હુકમનું પાનું છે. જો આપણે ક્યાંય અટવાશું તો એને આગળ કરીને બચી શકીશું." નાઝે કહ્યું. અને એ ત્રણે જણા એ આધુનિક પણ "પારંપારિક" નામ ધરાવતી દુકાનમાં પ્રવેશ્યા. અને 3-4 મિનિટમાં દુકાન ના શટર બંધ થયા દસ મિનિટ બાદ દુકાન ના શટર ફરી ખોલ્યા ત્યારે દુકાનમાં લગભગ સન્નાટો હતો અને સ્ટાફમાં માત્ર ત્રણ જણા હતા. એક યુવતી એક ડ્રેસની ઘડી કરવા વાળો યુવાન અને દુકાનનો વૃદ્ધ મલિક. જયારે દુકાન ની પાછળ આવેલા નાનકડા રૂમમાં 6 જણા કે જેમાં દુકાન નો સાચો માલિક પણ હતો એ બંધાયેલ અવસ્થામાં બેભાન હાલતમાં હતા. સમય સાર થી રહ્યો હતો અને થોડીવાર પછી એ દુકાનમાં બે યુવતીઓએ પ્રવેશ કર્યો એ સોનલ અને મોહિની હતા.
xxx
પૂજાના માથા પર હાથ ફેરવીને સાંત્વના આપતા પૃથ્વીના કાન સહેજ સરસરાટ થતા ચમક્યા હતા. અનેક યુદ્ધ લાદીને અને અનેક નામાંકિત એજન્સીમાં ટ્રેનિંગ લઈને તૈયાર થયેલા પૃથ્વી આ અવાજનો મતલબ બરાબર સમજ્યો હતો. એ અવાજ પાછળથી આવ્યો હતો. એણે પોતાની આંગળીથી પોતાની છાતીમાં મોં નાખીને રડતી પૂજાનું મોં સહેજ ઉંચુ કર્યું. એની સામે જોયું અને પછી પોતાની આંગળી મોં પર રાખીને એને ચૂપ રહેવા ઈશારો કર્યો અને પૂજાને સહેજ આગળ ધકેલી. એનો ઈશારો સમજીને પૂજા અવાજ ન થાય એવી કોશિશ કરતી આગળ વધી લગભગ 8 ફૂટ દૂર એક વિશાળ વડલો હતો. અને એની વડવાઈઓ આજુ બાજુની વેલીમાં વીંટળાઈ ગઈ હતી એક કામચલાઉ સેડ જેવી જગ્યા હતી. અને મૂળમાં એક બખોલ જેવું બની ગયું હતું. અંદર કંઈક સાપથી લઈને શિયાળ જેવું કંઈ પણ હોવાની પૂરી શક્યતા હતી. પણ એ સાપ કે શિયાળ કરતાંય ખતરનાક લોકો આજુબાજુમાં છુપાયેલ દુશમન છે એ વાત પૃથ્વીને સમજાતી હતી. પૃથ્વી એને ત્યાં સુધી લઇ ગયો અને એના કાનમાં ધીરેથી કહ્યું. "અગર મને કંઈ પણ થાય. તું અહીંથી હલતી નહિ. અને આ ફરસો રાખ, તારી આજુબાજુમાં કોઈ આવે તો તારા શરીરની તમામ શક્તિથી એના પર પ્રહાર કરજે. યાદ રાખજે મને કઈ થયું તો તારો જીવ અને તારી ઈજ્જત આ ફરશો જ બચાવી શકશે."
"પણ. પૃથ્વી." પૂજા કઈ કહેવા જતી હતી એના મોં પર હાથ રાખીને પૃથ્વીએ એને રોકી અને એ સરસરાટના અવાજને ધ્યાનપૂર્વક સાંભળવા માંડ્યું. અવાજ નજીકજ આવતો જતો હતો અને અચાનક બે દિશામાં વહેંચાઈ ગયો. પૃથ્વીએ પોતાની ગન ચેક કરી એમાં એક જ ગોળી બચી હતી. અને પૂજાને સજ્જન સિંહની ગોળીથી બચાવવા એણે દોટ મૂકી ત્યારે એનું સોલ્ડર પાઉચ ક્યાંક સરકીને પડી ગયું હતું. અત્યારે એને શોધવાનો સમય ન હતો."હું જીવું છું ત્યાં સુધી તને કઈ થવા નહિ દઉં." એમ પૂજાના કાનમાં કહીને એ સહેજ આગળ વધ્યો એની ડાબી બાજુથી આવતો સરસરાટનો અવાજ હવે નજીક હતો. એણે અંધારામાં નજર જમાવી અને એ સાઈડ દોટ મૂકી. પણ ત્યાંથી આવનારે એને લડતા જોયો હતો અને પૃથ્વી આગળ વધ્યો એ પણ એને જોયું હતું, એણે તીણી ચીસ પાડતા કહ્યું. "મેથ્યુ, એ મારી બાજુ આવ્યો છે. ઓલી છોકરી એકલી છે." કહીને લાકડીનો એક જોરદાર પ્રહાર એણે પૃથ્વી પર કર્યો. 'ખટ્ટાક' કરતી એ ઉપરના ભાગમાં ખિલ્લેદાર કડીઓ ધરાવતી લાકડી પુરા જોશમાં પૃથ્વી સાથે અથડાઈ. એનો ઈરાદો પૃથ્વીની ખોપડીના ભુક્કા બોલાવી દેવાનો હતો. પણ સામાન્ય કરતા 5-7 ઈંચ વધુ ઊંચાઈ વાળા પૃથ્વીના ખભામાં જોરદાર પ્રહાર થયો એ જીવલેણ તો નહતો પણ પૃથ્વીને લાગ્યું કે જાણે એનો ડાબો ખભો તૂટી ગયો છે. એજ વખતે જમણી બાજુથી મેથ્યુએ દોટ મૂકી અને તૂટેલી ખાટલી પાસે પહોંચ્યો લાકડીવાળા એ જોયું તો પૃથ્વીનું માથું હજી સલામત હતું અને એનો ડાબો હાથ સહેજ લબડી પડ્યો હતો. એણે ફરીથી લાકડી ઘુમાવી અને બીજી વાર જોરદાર પ્રહાર કરવા એક ડગલું આગળ વધ્યો, પણ આ વખતે પૃથ્વી તૈયાર હતો એક જોરદાર લાત એને લાકડી વાળાની કમર પર ફટકારી એના હાથમાંથી લાકડી છટકી ગઈ અને એ બેવડો વળી ગયો. પૃથ્વીએ એક જબરદસ્ત મુક્કો એની કમર પર માર્યો અને એ બેવડા વળેલા ગુંડાને લાગ્યું કે જાણે કોઈએ એની કમર પર 10 કિલોનું વજનિયું માર્યું છે. એ પોતાનું બેલેન્સ જાળવી ન શક્યો અને મોં ભેર નીચે પડ્યો.
એ જ વખતે મેથ્યૂને પૂજા ક્યાં છુપાઈ હતી એ સમજાયું અને હળવે પહલે રાક્ષસી અટ્ટહાસ્ય કરતો એ બાજુ જવા લાગ્યો. એ બબડતો હતો. "ઓ રૂપની રાની, ત્યાં અંધારામાં શું છુપાઈને બેઠી છે? તારો મામો ભાગી ગયો અને તને બચાવનારને મારા સાથીએ પતાવી દીધો હવે પ્રેમથી બહાર આવી જા, આ ચાંદની રાતમાં જંગલમાં ખુલ્લામાં મન ભરીને પ્રેમ કરીશું. જલ્દી કર તારે હજી મારા સાથીદારને પણ ખુશ કરવાનો છે." પૂજા આ સાંભળીને સહેમી ઉઠી, આવું વલગર વાક્ય પોતાના માટે એણે કદી સાંભળ્યું ન હતું. પૃથ્વીની સૂચના એને યાદ આવી અને શરીરના પુરા જોમ સાથે એણે ફરસાને બન્ને હાથમાં મજબૂત પકડ્યો એનાથી માંડ 6-7 ફૂટ દૂર એક મહાકાય ગુંડો ઉભો હતો. એના માથામાં વાળનું જંગલ ઊગ્યું હતું જે એની આંખો પર છવાયેલું હતું. અને દેશી વિદેશી આખા દિવસમાં જે મળ્યું એ પીને એ પૂરો મદહોશ હતો. એ લથડતો હતો દારૂની વાસ આટલા 6-7 ફૂટ દૂરથી પણ એના શરીરમાંથી પૂજાને અકળાવી રહી હતી. એ અંધારામાં ડાફરિયા મારતા પૂજાને શોધી રહ્યો હતો લગભગ 40-50 ફૂટ દૂરથી પૃથ્વીએ એ જોયું અને પૂજાને બચાવવા એણે ડોટ મૂકી અચાનક ઝાડીમાંથી એક માનવ આકૃતિ પ્રગટ થઇ અને પૃથ્વીના પગમાં અટવાઈ ગઈ. પૃથ્વીનું બેલેન્સ ગયું અને એ મોં ભેર પડ્યો. માનવ આકૃતિ એ રાડ નાખી. "મેથ્યુ. એ રૂપની રાણી આપણા બધાનું મનોરંજન કરશે, અને એનો આશિક છે હું એને ઓળખું છું આ બ્યુટીફૂલ સાથે થોડા દિવસ મનોરંજન કરીને એને પાછી સોપી દઈશું એ ઓછામાં ઓછા 10 કરોડ રૂપિયા આપશે."
મેથ્યુ નજીક આવી રહ્યો હતો એનું ધ્યાન હજી પૂજા પર ન હતું. પૃથ્વીના પગમાં કોઈ જળોની જેમ વળગ્યું હતું, પ્રુથ્વીની લાત ખાઈને પણ એ છોડવા તૈયાર ન હતો લાકડી વાળો રેમાન હવે હિંમત કરીને ઉભો થયો હતો. એણે જોયું કે પૃથ્વી જમીન પર પડ્યો એટલે એ દોડ્યો, એના અવાજથી પૃથ્વી ચોંક્યો અને શરીરની પુરી તાકાત લગાવી એણે પડખું ફેરવ્યું અને એક ચીસ એના ડાબો ખભો જમીનને અડતા નીકળી ગઈ. એના જમણા પગમાં કોઈ ભૂતની જેમ ચોટ્યું હતું અને લાકડી વાળો રેમાન હાથમાં ચાકુ લઈને 2-3 ફૂટ દૂર ઊભો હતો. એ સહેજ જુક્યો અને 'ખચ્ચાક' કરતું ચાકુ પૃથ્વીની છાતીમાં ખોસ્યું. એજ વખતે પૃથ્વીએ ડાબા પગે એને લાત મારી અને જમણો હાથ લંબાવીને પોતાના પગમાં વળગેલાના વાળ જોરથી ખેંચ્યા એના વાળનો ગુચ્છો પૃથ્વીના હાથમાં આવ્યો અને એક તીવ્ર ચીસ એના મોંમાંથી નીકળી એની પકડ ઢીલી પડી, રેમાનનો ઘા લાત વાગવાને કારણે છાતીની જગ્યાએ પડખામાં ઘસારો કરતો ગયો. અને જોરના કારણે ચાકુ જમીનમાં એકાદ ઇંચ ખપી ગયું. પૃથ્વી પોતાના જમણા પગ પર જોર દઈને ઉભો થયો. ખિસ્સામાંથી ગન કાઢીને એણે રેમાન તરફ ફેરવી, એના હાથમાં ગન જોઈને આખા જગતનું આશ્ચર્ય રેમાનની આંખોમાં આવી ગયું અને એ કઈ સમજે એ પહેલાં પૃથ્વી ની ગનમાંથી છૂટેલી ગોળીએ એનો જીવ લઇ લીધો હતો. ગોળી છૂટવાને કારણે થયેલા ધડાકાથી પૃથ્વીના પગમાં ચોટેલ ગુલામ ખાન ચોંક્યો. એનો જમણો હાથ કાંડાથી ભાંગી ગયો હતો અને ડાબા હાથે એણે મડાગાંઠ પૃથ્વીના પગમાં મારી હતી. પણ હવે પૃથ્વીની સ્થિતિ મજબૂત હતી એણે ગુલામ ખાનની નજરમાં નજર મિલાવી અને સહેજ હસ્યો અને પોતાના ડાબા પગમાં પહેરેલા બુટથી ગુલામ ખાનનો તૂટેલું કાંડુ જોશભેર કચડ્યું એના મોં માંથી મરણ ચીસ નીકળી ગઈ એના ડાબા હાથની પકડ પૃથ્વીના પગ પરથી છુટી ગઈ, એણે દયામણી નજરે પૃથ્વી તરફ જોયું. પણ પૂજા વિશે બોલાયેલા ગન્દા વાક્યોથી પૃથ્વીનું રાજપૂત લોહી ઉકળી ઉઠ્યું હતું. એણે નિર્દયી બનીને પોતાનો જમણો પગ ઉંચો કર્યો અને ગુલામ ખાનની ગરદન પર મુક્યો અને કહ્યું. "આ દેશમાં અસલ રાજપૂત સામે કોઈ સ્ત્રીનું અપમાન થાય તો એ સહન નથી કરી શકતો. સ્ત્રીનુ અપમાન ના કારણે મહાભારતનું યુદ્ધ થયું હતું. હરામખોર " કહીને આખા શરીરનો ભાર પોતાના જમણા પગ પર મુક્યો એક કડાકો થયો ગુલામ ખાન ની આંખો બહાર આવી ગઈ.
પડખું ફરતી વખતે નીકળી ગયેલી પૃથ્વીની ચીસથી પૂજા સહેમી ઉઠી હતી. એ પૃથ્વીની ચીસને ઓળખી શકી હતી. એને સમજાયું હતું કે હવે પોતાનો બચાવ પોતે જ કરવાનો છે. એ વડલાના શૅડમાંથી સહેજ બહાર સરકી. મેથ્યુ એનાથી 3-4 ફૂટ દૂર ડાબી બાજુ ઝાડીમાં એને શોધી રહ્યો હતો, એના શરીરની વાસ પૂજાને અકળાવી રહી હતી પોતાના માટે અવિરત બોલતા ભદ્દા વાક્યોએ એક ઝનૂન પૂજાના શરીરમાં ઉભું કર્યું એણે બંને હાથમાં કુહાડો ઉંચકીને એક જોરદાર પ્રહાર મેથ્યુ પર કર્યો. મેથ્યુને થયું કે એના ડાબા હાથમાં ઇલેક્ટ્રિક કરંટ પસાર થયો છે. એને નજર ઠેરવીને જોયું તો 3ણેક ફૂટ દૂર પૂજા ઉભી હતી અને હાથમાં લોહીથી રંગાયેલા કુહાડો હતો એનો ડાબો હાથ જાણે બે ટુકડામાં વહેંચાઈ જવાનો હોય એમ લબડયો હતો. પણ એ હટ્ટોકટ્ટો માણસ હતો. એણે પૂજા પર તરાપ મારી વિચાર્યું કે ‘એક વાર આ કુહાડો એના હાથમાંથી છીનવી લઉં પછી એ હરણી જેવી છોકરી મારા જેવા વાઘ સાથે શું બાથ ભીડી શકશે?’ પણ દાવ પર લાગેલી ઈજ્જતને કારણે સચેત થયેલ પૂજાએ ફરી જોરદાર પ્રહાર કર્યો જે મેથ્યુ ના પગમાં વાગ્યો એ સહેજ લથડ્યો પૂજા એક ડગલું પાછળ ગઈ, મેથ્યુએ પોતાનું બળ એકઠું કર્યું અને પૂજા પર છલાંગ લગાવી. એજ વખતે પૂજાના બન્ને હાથ જોશભેર ઘૂમ્યા અને ખચ્ચાક આવજ થયો. લગભગ સાડા છ ફૂટનો 115-20 કિલો વજનનો મેથ્યુ પાંચ ફૂટ 7 ઇચની 60 કિલો વજન વળી પૂજા પર પડ્યો હતો અને એની નીચે પૂજા દબાઈ ગઈ એના મોંમાંથી એક રાડ નીકળી અને એ બેહોશ થઇ ગઈ. એનો ડ્રેસ જાણે પાણીના નળ નીચે મુક્યો હોય એમ ભીંજાતો હતો. એ મેથ્યુનું લોહી હતું. પૂજાનો છેલ્લો ઘા બરાબર એની છાતીમાં વાગ્યો હતો. જે વખતે પૂજા બેહોશ થઇ એ જ વખતે ગુલામ ખાનની ગરદન તૂટી હતી.
xxx
"જીતુભા, તમે નીકળી જાવ. મારુ બચવું મુશ્કેલ છે."
“ગિરધારી એમ તને મૂકી ને હું નહિ નીકળું એ વાત તું પણ જાણે છે." જીતુભા એ કહ્યું.
"પણ અહીં ઉભી ને તમે શું કરશો. તમે ખજાનો બચાવવા નીકળો." ગિરધારી એ કહ્યું એનો શ્વાસ તૂટતો હતો.
"ખજાનો રક્ષવા શેરા પોતાના સાથીદારોને લઇ ને ગયો છે. હું તને આ હાલતમાં મૂકીને ક્યાંય નહીં જાઉં. " જીતુભા એ કહ્યું. ગિરધારી અને જીતુભા સાંજના અંધકારમાં પગપાળા આગળ વધી રહ્યાં હતાં. પહાડીની આસપાસનું વાતાવરણ અજબ શાંતિથી ભરેલું. પવન કાનમાં ચીસ પાડતો, ઝાડોના છાયામાંથી અજાણ્યા અવાજ નીકળતા. જીતુભા થોડી દૂર આગળ નીકળી ગયો હતો, એ જ વખતે ગિરધારી નો પગ કૈંક ચીકણી જમીન પર સરકી ગયો. પ્રથમ ક્ષણે તેને લાગ્યું કે કદાચ સામાન્ય કાદવ હશે, પણ એકાએક એ તળિયે ખેંચાતો ગયો. તેના પગ નીચેની માટી અદૃશ્ય દલદલની જેમ ડૂબવા લાગી. આંખોમાં ભય છવાયો. આ કોઈ કુદરતી દલદલ નહોતું, પણ કોઈએ ઈરાદાપૂર્વક ખોદીને, છુપાવીને બનાવેલું રક્ષણનું જાળ હતું.ગિરધારી એ હાથ ફેલાવીને સંતુલન પકડવાનો પ્રયત્ન કર્યો, પણ ચીકણી જમીન એને ધીમે ધીમે ગળી રહી હતી. આસપાસના ઝાડમાંથી કૈંક જુના લાકડાના ટુકડા, અડધા ડૂબેલા ખોપરાં અને લોખંડના જંગ લાગેલા હથિયારો દેખાઈ રહ્યાં હતાં. જાણે પહેલા કેટલાય અજાણ્યા મુસાફરો આ જાળમાં ફસાઈ ને જીવ ગુમાવી ગયા હોય. એ એક લગભગ 150 ફૂટના ખાબોચિયા પાસે હતો હકીકત માં એ એક દલદલ હતું અને ગિરધારી એમાં લપસી પડ્યો હતો અને જેમ જેમ બહાર નીકળવા મહેનત કરતો હતો એમ એમ વધારે અંદર ઉતરતો જતો હતો.
ક્રમશઃ
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.