ગુજરાતની ધરતી પર જયારે શરદની ઠંડક છવાય છે, ત્યારે હૃદયમાં એક અલગ જ રંગત છવાઈ જાય છે. એ રંગતનું નામ છે નવરાત્રી – શક્તિની આરાધના, સંગીત, નૃત્ય અને આનંદનો અવસ્મરણીય ઉત્સવ. નવ દિવસ સુધી દીવડાની ઝળહળ, ઢોલના તાલ, ગરબા-રાસની ગંજ અને માતાની ભક્તિ સાથે ગુજરાત પ્રફુલ્લલત થઈ જાય છે. ખરેખર, આવ્યા નોરતા, લાવ્યા હર્ષના વંટોળ.
નવરાત્રીનો અર્થ અને ઇતિહાસ
‘નવરાત્રી’ એટલે નવ રાતો – નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના. આ પવિત્ર ઉત્સવની શરૂઆત હંમેશા શ્રાદ્ધપક્ષ પૂર્ણ થવા પછી થાય છે. વિક્રમ સંવતના છેલ્લાં પંચાવન દિવસમાં સોળ શ્રાદ્ધ પૂર્ણ થાય છે અને પછી નવરાત્રીનો ઉત્સવ શરૂ થાય છે, જે શરદ ઋતુ સાથે હરિયાળીને લાવે છે.
પુરાણોમાં લખાયું છે કે દેવી દુર્ગાએ મહિષાસુર નામના અસુર સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું અને દસમા દિવસે તેનું સંહાર કર્યું. આ રીતે દુર્ગાના દરેક સ્વરૂપમાંથી આપણને જીવન માટે શક્તિ, જ્ઞાન, સમૃદ્ધિ, કરુણા, વિદ્યા અને પવિત્રતાનો સંદેશ મળે છે.
નવ દિવસની ઉપાસના પછી આવતો દસમો દિવસ વિજયાદશમી અથવા દશેરો કહેવાય છે, જે સારા પર ખરાબના વિજયનું પ્રતીક છે. ભગવાન શ્રીરામે આ દિવસે લંકાપતિ રાવણનો સંહાર કર્યો હતો અને સત્યનો વિજય થયો. આ કથાઓ માત્ર ધાર્મિક પ્રસંગો નથી, પરંતુ શાશ્વત સત્ય છે કે – અંધકાર જેટલો પણ ઘેરો હોય, અંતે પ્રકાશનો જ વિજય થાય છે.
ગરબાનો અર્થ અને પરંપરા
“ગરબો” શબ્દ ‘દીપગર્ભ ઘટઃ’માંથી ‘ગર્ભ’માંથી આવ્યો છે. ગર્ભ એટલે ઘડો અથવા ઘડું. જયારે આ ઘડામાં છિદ્રો કરીને અંદર દીવો પ્રગટાવવામાં આવે છે, ત્યારે તેને ગરબો કહે છે. આ પ્રતિક ખૂબ જ ગહન છે – અંદરનો દીવો આત્માનું પ્રતીક છે, જયારે ગરબો સમગ્ર સર્જનનો દીવો બની જાય છે. દીપકમાંથી નીકળતી જ્યોત સત્ય અને આશાનો સંદેશ આપે છે.
ગરબો માત્ર નૃત્ય નથી, તે જીવનચક્રનું પ્રતીબિંબ છે. પ્રાચીન કાળથી આજ સુધી ગુજરાતમાં નોરતાની રાતોમાં ગરબો ગવાય છે. જૂના સમયમાં ભક્તિભાવથી મંદિરોમાં દીવાના પ્રકાશ સાથે ગવાતો ગરબો આજે ઢોલ, તાલ અને રંગીન વસ્ત્રો સાથે સામૂહિક ઉત્સવ બની ગયો છે.
નવ દિવસનો માનવ માટે સંદેશ
નવરાત્રીના દરેક દિવસે એક વિશેષ સંદેશ રહેલો છે –
પ્રથમ દિવસ: મા શૈલપુત્રી – ધૈર્ય અને આધાર
બીજો દિવસ: મા બ્રહ્મચારીણી – તપ અને સંયમ
ત્રીજો દિવસ: મા ચંદ્રઘંટા – સાહસ
ચોથો દિવસ: મા કુશ્માંડા – સર્જનશક્તિ
પાંચમો દિવસ: મા સ્કંદમાતા – માતૃત્વ અને કરુણા
છઠ્ઠો દિવસ: મા કાત્યાયની – ન્યાય
સાતમો દિવસ: મા કાલરાત્રિ – અંધકાર પર વિજય
આઠમો દિવસ: મા મહાગૌરી – પવિત્રતા
નવમો દિવસ: મા મહારાધત્રી – સફળતા અને સમૃદ્ધિ
આ રીતે દરેક દિવસ આપણને જીવન જીવવાની નવી પ્રેરણા આપે છે.
મા આવ્યા એટલે નારી શક્તિનો પ્રતીક
નવરાત્રી એ માત્ર મા દુર્ગાની પૂજા નથી, એ તો નારી શક્તિનો મહોત્સવ છે. મા આવતા ઘરમાં આનંદ, આશીર્વાદ અને ઉજાસ આવે છે, પરંતુ સાથે સાથે એ સંદેશ પણ આપે છે – સમાજમાં સ્ત્રી માત્ર માતા કે પુત્રી નથી, પરંતુ શક્તિનું જીવંત સ્વરૂપ છે.
સ્ત્રી એટલે સર્જનશક્તિ, મમતાનો દરિયો , પ્રેરણાનું અખંડ ઝરણું. મા દુર્ગાનું દરેક સ્વરૂપ આપણને બતાવે છે કે સ્ત્રીની અંદર અસીમ શક્તિ છુપાયેલી છે. જરૂર છે તો માત્ર એને ઓળખવાની. જયારે સ્ત્રી પોતાનો આત્મવિશ્વાસ જગાવે છે, ત્યારે તે કોઈપણ અંધકાર, કોઈપણ અન્યાય અને કોઈપણ પડકાર સામે અડીખમ ઊભી રહી શકે છે.
આજની દરેક યુવતીમાં મા દુર્ગાની જ્યોત છે. જો તું પોતાનું સ્વરૂપ ઓળખે, તો પછી કોઈ તેને અટકાવી શકે તેમ નથી.
હું જો આવું મારા સ્વરૂપમાં,
તો હે મનુષ્ય – તારા દંભના રૂપમાં,
તારી નજરની શું તાકાત મને રોકવાની?
આગ બની ઝપટું તને ક્ષણમાં,
હિંમત બની ઊભી રહીશ યુદ્ધના મંચમાં.
આ માત્ર પંક્તિઓ નથી, આ તો દરેક યુવતીના હૃદયમાં રહેલી પ્રતિજ્ઞા છે – કે હવે એ મૌન નહીં રહે, પોતાના સ્વાભિમાન, સપના અને જીવન માટે હંમેશા લડવા તૈયાર રહેવું.
નવરાત્રીનો સાચો સંદેશ એ જ છે –
સ્ત્રી નબળી નથી, એ તો સર્જન અને સંહાર બન્ને કરવાની શક્તિ ધરાવે છે. એ દીવો છે, જે અજવાળે છે, પણ સાથેજ અગ્નિ પણ છે, જે અંધકારને ભસ્મ કરી શકે છે. એ માત્ર ઘરની શોભા નથી, એ તો સમગ્ર સમાજનો આધારસ્તંભ છે.
નવી પેઢીની ઉજવણી – પરંપરા અને આધુનિકતા
આજની નવી પેઢી નવરાત્રીને પોતાના અંદાજે ઉજવે છે. રમઝટમાં જોડાવું, રંગીન અને આકર્ષક વસ્ત્રો પહેરવા, ગરબાના નવા સ્ટેપ્સ શીખવા – એ બધું તેમના માટે આનંદનો ભાગ છે. સોશિયલ મીડિયામાં ગરબાના વિડિઓઝ, તસવીરો અને રીલ્સ શેર કરીને તેઓ માત્ર પોતાની મજા નથી માણતા, પણ ગુજરાતી સંસ્કૃતિને વિશ્વભરમાં પહોંચાડે છે.
આ રીતે, પરંપરા આધુનિકતા સાથે જોડીને નવી પેઢી નવરાત્રીને વૈશ્વિક સ્તરેજીવંત બનાવી રહી છે.
નવરાત્રી એ સંસ્કૃતિ સાથે જોડાવાનો, પરંપરા જાળવવાનો અને એ શક્તિને જીવનમાં ઉતારવાનો સમય છે – જેથી આપણી સંસ્કૃતિ આગળ વધે અને દરેકના જીવનમાં ધૈર્ય, આશા અને ઉત્સાહનો પ્રકાશ ફેલાય.
✨ “હું સ્ત્રી છું – મારી અંદરની શક્તિ એટલી વિશાળ છે કે,
પ્રેમથી ભરાવ ત્યારે હું સ્વર્ગને ધરતી પર ઉતારી શકું,
ક્રોધથી ભરાવ ત્યારે હું ધરતીને નરકમાં ફેરવી શકું.” ✨
- Nensi vithalani