Astitva - 1 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | અસ્તિત્વ - 1

Featured Books
Categories
Share

અસ્તિત્વ - 1

અનુરાધા મુશળધાર વરસાદમાં ખૂબ ઝડપથી ગાડી ચલાવતી વરસાદને ચીરતી સંજીવની હોસ્પિટલ પર પહોંચી. ખુબ ગભરાયેલ અને હાંફતી સીધી ઇમર્જન્સી વોર્ડ તરફ દોડી હતી. 

"અરે અનુરાધા! અત્યારે કેમ ફરી અહીં આવ્યા? શું થયું તબિયત તો ઠીક છે ને? કેમ આટલા બધા ગભરાયેલ દેખાઈ રહ્યા છો?" એક જ શ્વાસે કલ્પ પૂછવા લાગ્યો.

"અરે અત્યારે કોઈ જ પ્રશ્ન ન કર. તું ઝડપથી સ્ટ્રેચર લઈને મારી ગાડી સુધી જા અને તેમાં એક છોકરી ખૂબ જ ગંભીર હાલતમાં છે, એને લઈને ઝડપથી ICU રૂમમાં આવ. હું ડોક્ટરને બોલાવી રાખું છું." અનુરાધા ખૂબ ચિંતિત સ્વરે બોલતા ડોક્ટરને ફોન કરવા લાગ્યા.

અનુરાધાએ ડોક્ટરને કોલ કરીને કીધું, "હું ડ્યુટી પુરી કરીને ઘરે જઈ રહી હતી. રસ્તામાં થોડે દૂર એક વેનમાંથી એ છોકરીને ઘા કરી, એ વેન જતી રહી. ધોધમાર વરસાદના લીધે કઈ સ્પષ્ટ મને દેખાયું નહોતું. હું જેવી આ છોકરી સુધી પહોંચી, તેને જોઈ હું ખુબ ગભરાઈ ગઈ. મેં આસપાસ મદદ માટે ખુબ બૂમો પાડી પણ ત્યાં વરસાદી તોફાનના લીધે કોઈ હતું નહીં. આથી હું એ છોકરીની ગંભીર હાલત જોઈ કોઈની રાહ જોયા વગર તરત આપણી હોસ્પિટલે લઈ આવી છું. તમે તુરંત અહીં આવીને એની સારવાર કરો."

"સારું હું હમણાં જ પહોંચું છું. અને સાથોસાથ બીજા ડોક્ટરને પણ બોલાવી લઉં છું. કારણકે હું ફક્ત નિદાન કરી શકું, જો ઓપરેશનની જરૂર હોય તો બીજા ડોક્ટરની જરૂર પડે." ડોક્ટર સુમને કહ્યું.

કલ્પ તરત જ અનુરાધાની ગાડી પાસે પહોંચી ગયો. એણે ગાડીની પાછલી સીટ ખોલી, છોકરીને જોઈને એની આંખો પહોળી થઈ ગઈ! એની આંખે અંધારા આવી ગયા. આટલા વર્ષોમાં ક્યારેય આટલી ગંભીર હાલતમાં કોઈ પેશન્ટને એણે જોયો ન હતો. પોતાનું સંતુલન જાળવી ધ્રુજતા હાથે એણે છોકરીને સ્ટ્રેચર પર લીધી. અને ઝડપથી ICU રૂમ તરફ દોટ મૂકી. એના મનમાં અનેક પ્રશ્નો તોફાન મચાવી રહ્યા હતા. "આ છોકરીની આટલી ગંભીર હાલત કોણે કરી હશે? આ છોકરી અનુરાધાની કોઈ સંબંધી હશે? ના ના.. અનુરાધાનો પરિવાર ક્યાં અહિં છે? તો આ છોકરી અનુરાધા પાસે આવી ક્યાંથી? અનુરાધા અને છોકરી વચ્ચે શું સંબંધ હશે?" 

બે મહિલા ડોક્ટર સહિત બીજા ત્રણ ડોક્ટર ત્યાં ICU રૂમમાં હાજર હતા. કલ્પ જેવો સ્ટ્રેચર સાથે રૂમમાં પ્રવેશ્યો ત્યારે આખી ડોક્ટરની ટીમ ત્યાં તૈયાર જ હતી. 

ડોક્ટર સુમને છોકરીને સ્ટ્રેચર પરથી બેડ પર લેવાનું કલ્પને કહ્યું. છોકરી અંદાજે સત્તર કે અઢાર વર્ષની હોય તેવું લાગી રહ્યું હતું. ગેંગરેપનો ભોગ બનેલ એ છોકરી અનેક ઇજાના લીધે ભાનમાં જ નહોતી. અર્ધ નગ્ન હાલતમાં બેશુદ્ધ છોકરી માંડ શ્વાસ લઈ શકતી હતી. એનું ઓક્સિજન લેવલ ખુબ ઓછું હતું. સૌપ્રથમ એને ઓક્સિજન પર મૂકી ત્યારબાદ બીપી ચેક કર્યું જે ખુબ હાઈ હતું. એને જરૂરી ઈન્જેકશન આપ્યા. એના માથામાં થયેલ ઘા જીવલેણ હતો, પરંતુ હજુ જીવન અને મૃત્યુ વચ્ચેએ ઝૂલી રહી હતી. એ છોકરીના મોઢા પર એસિડ છાંટેલું હોય એ છોકરીનો ચહેરો ખુબ જ ભયાવહ લાગી રહ્યો હતો. 

ડોક્ટર સુમને હવે અનુરાધાને કહ્યું, "આ છોકરીના અમુક રિપોર્ટ્સ લેવા પડશે, એને ખુબ બ્લીડીંગ માથામાં લાગેલ ઘા અને ગુપ્તાંગના ભાગમાંથી થઈ રહ્યું છે. એને કદાચ બ્લડ પણ ચડાવવું પડશે. માથામાં થયેલ ઈજાનું ઓપરેશન તુરંત કરવું પડશે. અને ચહેરા પર એસિડથી થયેલ નુકશાન તો છે જ પણ છોકરી ભાનમાં આવે પછી ખબર પડે કે આંખમાં એસિડથી કોઈ નુકશાન થયું છે કે કેમ! તમે બહાર રાહ જોવ અમે શક્ય એટલો પ્રયાસ કરીએ કે છોકરી બચી જાય. અને હા, અનુરાધા પોલીસને ઇન્ફોર્મ ન કરીશ એવી મારી અંગત સલાહ છે. કેમ કે, આ છોકરી કોણ છે? એનું અસ્તિત્વ શું છે? એ ભાનમાં ન આવે ત્યાં સુધી કહેવું ખુબ મુશ્કેલ છે. જો છોકરીને હેરાન કરનાર સુધી સમાચાર પહોંચી ગયા કે આ છોકરી જીવે છે તો અવશ્ય એ લોકો એને ફરી મારવા આવશે. છોકરી ભાનમાં આવે પછી તારે જે સ્ટેપ લેવા હોય એ લેજે! ચાલ તું વિચારી રાખ અમે એની ટ્રીટમેન્ટ કરીએ છીએ."

ડોક્ટર સુમન તો અનુરાધાને કહીને જતા રહ્યા પણ અનુરાધા હવે ખુબ મુંજાઈ રહી હતી. એનું મન વિચારોના બવંડરમાં ફસાઈ ગયું. "આ છોકરી વિશે પોલીસને જાણ ન કરું તો હકીકત એ છોકરીની કેમ ખબર પડશે? અને પોલીસમાં જાણ કરું પછી આ છોકરીની જવાબદારી માંથી હું મુક્ત થઈ જાવ પણ પોલિસ એને યોગ્ય ન્યાય અપાવવામાં અસફળ રહે તો?" હું આમ પણ કોઈ જ સ્વાર્થ વગર અહીં સેવા માટે જ આવું છું તો આ છોકરીની જવાબદારી લેતા હું કેમ આટલી ડરી રહી છું! હું શું કરું મને કઈ જ સમજાતું નથી. હે પ્રભુ! મને કોઈ યોગ્ય રસ્તો દેખાડ."

અનુરાધા મનોમન શું કરવું એ વિચારતી હતી ત્યાં જ એક જોરદાર વીજળીનો કડાકો થયો અને વીજળી ક્યાંક પડી હોય એવો ભયાનક અવાજ અનુરાધાના કાને અથડાયો! એને થયું મારી માથે આભ તો નથી તૂટી પડ્યું, એ છોકરી ભાનમાં આવે પછી જ પોલીસને જાણ કરવી હિતાવહ રહેશે. અનુરાધાએ આ છોકરી જ્યાં સુધી ઠીક ન થાય ત્યાં સુધી મારી જ જવાબદરી એમ મન મક્કમ કરી પ્રભુને એના નીસ્વાર્થ કામમાં મદદરૂપ થવાની મનોમન ફરી પ્રાર્થના કરી.

અનુરાધા ચૌધરી એ ખુબ લાગણીશીલ અને વૈરાગ્ય જીવન જીવતા હતા. પોતાના અંગત જીવનથી થાકીને એમણે બધાથી દૂર રહી ફક્ત સેવાને જ પોતાના જીવનનો ધ્યેય બનાવ્યો હતો.  સંપત્તિ અઢળક હતી, પણ જીવનમાં શાંતિ નહોતી. આથી જીવનને સ્થિર કરવા એ સંજીવની હોસ્પિટલમાં છેલ્લા દસેક વર્ષથી સેવા કરી રહયા હતા. અનુરાધા પચાસ વર્ષની ઉંમરે પણ ખુબ સુંદર અને એક અલગ જ જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા હતા. એની સાદાઈ અને પ્રેમાળ સ્વભાવની છાંટ એના વ્યક્તિત્વને વધુ સુંદર બનાવતી હતી. સંજીવની હોસ્પિટલનો આખો સ્ટાફ અનુરાધાને એક ડોક્ટર જેટલું જ માન આપતા હતા. અનુરાધા એક એનજીઓ પણ ચલાવતા હતા, જેની બધી જ કાર્યવાહી માણસોને સોંપેલી હતી. એ પંદર દિવસે એકવાર એનજીઓની મુલાકાત લેતા હતા.

ઓપરેશન થિયેટરની બહારની રેડ લાઈટ બંધ થયેલી અનુરાધાએ જોઈ. ઓપરેશન ચાર કલાક ચાલ્યું હતું. છોકરીની પરિસ્થિતિ જાણવા એ ખૂબ આતુર હતા. 

ડોક્ટર સુમન થોડીવાર પછી બહાર આવ્યા. એ ખુબ જ ગમગીન અવાજ સાથે બોલ્યા, "આ છોકરીને માથામાં ખુબ જ વાગ્યું હોવાથી એના નાના મગજને ઈજા પહોંચી છે. બની શકે કે, એની યાદશક્તિ જતી રહી હોય અથવા તો એ મંદબુદ્ધિની પણ હોય! અત્યારે ઓપરેશન વખતે એને શ્વાસ લેવામાં ખુબ તકલીફ થતી હતી એને વેન્ટિલેટર પર રાખી છે. અને હા, નરાધમોએ કરેલ દુષ્કર્મના લીધે છોકરીનું ગર્ભાશય ખુબ ઇજાગ્રસ્ત થયું હોવાથી બાળકી ક્યારેય માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકશે નહીં. હું તમને એ વાત કહેતા ખુબ દુઃખ અનુભવું છું કે, ઓપરેશન તો સકસેસ ગયું છે પણ હજુ છોકરી ખુબ જ નાજુક હાલતમાં છે. એના બચવાની શક્યતા નહિવત છે. જો એ અડતાલીશ કલાકમાં ભાનમાં ન આવી તો કોમામાં જતા રહેવાની પુરી શક્યતા છે."

ડોક્ટર સુમનના શબ્દો અનુરાધાના હૈયા પર તીક્ષ્ણ ઘા કરી ગયા. એક અજાણી વ્યક્તિ પ્રત્યેનો લગાવ એની આંખમાં આંસુ સ્વરૂપે છલકાઈ ગયો. 

મારી ધારાવાહીક "અસ્તિત્વ" ની સફરમાં જોડાવા બદલ વાચક મિત્રોનો દિલથી આભાર. આપના પ્રતિભાવો મને લખવા માટે ખૂબ પ્રોત્સાહીત કરે છે, ધારાવાહિકને અનુરૂપ પ્રતિભાવ જણાવશો. ફરી મળીશું નવા પ્રકરણમાં. જય શ્રી રાધેકૃષ્ણ.🙏🏻