Love at First Sight - 9 in Gujarati Love Stories by Sanjay Sheth books and stories PDF | સ્નેહ ની ઝલક - 9

Featured Books
Categories
Share

સ્નેહ ની ઝલક - 9

શ્વાસ માટેનો સંઘર્ષ

અશોકભાઈ અને મનીષાબેનનું જીવન બહારથી નિરાંતે ભરેલું લાગતું હતું. પોતાના મકાનમાં વર્ષો સુધી તેઓએ પુત્ર–પુત્રી સાથે સુખપૂર્વક વસવાટ કર્યો હતો. પુત્રીનું લગ્ન થઈ ગયું હતું, પુત્ર અભ્યાસ માટે બીજા શહેરમાં રહેવા જતો રહ્યો હતો. હવે ઘરમાં માત્ર દંપતી જ રહેતા હતા.

એક સાંજ મનીષાબેન બોલ્યાં:
“અશોક, હવે આ મકાન રાખીને શું કરવાનું? સીડીઓ ચઢવું–ઉતરવું ભારે પડી જાય છે. એક સુંદર ફ્લેટ હોય, એક જ માળમાં બધું હોય તો કેવું સારું લાગે!”

અશોકભાઈએ થોડી વેળા ચૂપ રહીને કહ્યું:
“આ ઘર સાથે કેટલી યાદો છે મનીષા… પરંતુ તારી વાત સાચી છે. ચાલ ફ્લેટ જોવાનું શરૂ કરીએ.”

સ્વપ્નનું ઘર

શહેરના મધ્યમાં એક જૂનું એપાર્ટમેન્ટ હતું. ત્રીજા માળે આવેલો વિશાળ ફ્લેટ મનીષાબેનને પહેલી નજરે ગમી ગયો. પહોળી ગેલેરી, ખુલ્લા ઓરડા, શહેરનું દૃશ્ય – જાણે સપનાનું ઘર. અશોકભાઈએ પણ પત્નીની ખુશી જોઈને હા પાડી દીધી. દસ મહિનાની મહેનત અને મોટા ખર્ચા બાદ ફ્લેટનું રિનોવેશન પૂરૂં થયું. ભવ્ય વાસ્તુ વિધિ બાદ તેઓ નવા ઘર માં સ્થાયી થયા.

પરંતુ, તે એપાર્ટમેન્ટમાં કબૂતરોના ટોળા હતા. ગેલેરીઓમાં માળાં, દિવાલો પર ચરક, અને ગૂંજી રહેલી ગૂટરગુટ. દંપતી તેના જોખમોથી અજાણ હતા.

અજાણી બીમારી

દોઢ મહિના પછી મનીષાબેનને શ્વાસ ચડવા લાગ્યો. શરૂઆતમાં તેમણે વિચાર્યું – “શાયદ ધૂળ કે થાક હશે.” પરંતુ તકલીફ વધી ગઈ. સતત ઉધરસ, થાક, તાવ–ઠંડી અને છાતીમાં ભાર રહેવા લાગ્યો. તમામ ટેસ્ટ બાદ રિપોર્ટ આવ્યા. ડોક્ટરે ગંભીર અવાજમાં કહ્યું:

“તમારી પત્નીને Hypersensitivity Pneumonitis છે. આ ફેફસાંને અસર કરતી એક ગંભીર બીમારી છે. કબૂતરના પાંખ અને ચરકમાંથી ઉડતા સૂક્ષ્મ તત્વો શ્વાસ દ્વારા ફેફસાંમાં જાય છે અને ઇમ્યૂન સિસ્ટમ અતિ પ્રતિક્રિયા આપે છે. જો સમયસર રોકાય નહીં તો ફેફસાં કઠણ બની જાય છે – જેને fibrosis કહે છે. આ અવસ્થામાં દવા અસર કરતી નથી.”

અશોકભાઈ અને મનીષાબેન નિશબ્દ થઈ ગયા. “સ્વપ્નનું ઘર તો મળી ગયું, પણ શ્વાસ જ છીનવાઈ રહ્યા છે…”

મુંબઈના ડોક્ટરનો આદેશ

સ્થાનિક સારવાર બાદ તેઓ મુંબઈ ગયા. ત્યાંના નિષ્ણાતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું:

"તમે રહો છો તે એપાર્ટમેન્ટમાં કબૂતરોનું પ્રમાણ બહુ છે. ત્યાં તમારી પત્ની કદી સાજા થઈ શકે નહીં. તમારે એ ઘર છોડવું જ પડશે.”

મનીષાબેન રડી પડ્યાં:
“અમે જીવનભરની પુંજી એ ફ્લેટમાં મૂકી છે ડોક્ટર… હવે ક્યાં જઈશું?”

ડોક્ટરે ધીરજથી જવાબ આપ્યો:
“જાન હૈ તો જહાન હૈ. ઘર ફરી મળી જશે, પણ શ્વાસ પાછા નથી મળતા.”

દંપતી મૂંઝાઈ ગયા. પણ અંતે નિર્ણય કર્યો – સ્વાસ્થ્ય પહેલા. તેઓએ પોતાની ઈચ્છા વિરુદ્ધ પોતાના સ્વપ્નનું ઘર વેચવાનો નક્કી કર્યો.

પડોશીઓ નું કાવતરું

પરંતુ દરેક જગ્યાએ સારા લોકો જ હોય એવું નથી. એ એપાર્ટમેન્ટમાં બે–ત્રણ ખરાબ માણસો રહેતા હતા. તેમણે સમજી લીધું કે આ દંપતીને જરૂરિયાત થી ફ્લેટ વેચવો જ પડશે. તેથી તેમણે પ્લાન બનાવ્યો – “આ સુંદર ફ્લેટ અમે સસ્તામાં મેળવીએ.”

જ્યારે કોઈ ખરીદદારો ફ્લેટ જોવા આવે, ત્યારે એ લોકો નાની–મોટી ખામીઓ બતાવીને કાવાદાવા કરતા. “અરે અહીં પાણીની તકલીફ છે, અહીં ફ્લેટ ની જાળવણી બરોબર નથી, એ ફ્લેટ અપશુકનિયાળ છે, અહીં સોસાયટી ખરાબ છે, ઘણા લોકો દારૂડિયા છે, માંસ મટન ખાય છે …” એમ કહીને એક વાર થયેલા સોદા ને પણ કેન્સલ કરાવી દીધો.

અશોકભાઈ નિરાશ થઈ ગયા:
“મનીષા, શું કરવું? લોકો તો આપણ ને લૂંટી લેવા તાકી રહ્યા છે.”

મનીષાબેન ધીરજથી બોલ્યાં:
“અશોક, ઈશ્વર પર ભરોસો રાખ, આપણે કોઈ નું ક્યારેય ખરાબ કર્યું નથી તો આપણો હક્કનો સોદો થઈને રહેશે.”

તેમણે ગુપ્ત રીતે, કોઈને ખબર ન પડે તે રીતે સારા ખરીદદારો સાથે સોદો કર્યો. જ્યારે પડોશીઓને ખબર પડી, તેઓ ફરી અવરોધ બનાવવા આવ્યા. પરંતુ આ વખતે બંને પક્ષ મક્કમ હતા. અંતે ફ્લેટ વેચાઈ ગયો અને દંપતી બીજી જગ્યા રહેવા ચાલ્યા ગયા.

અંતિમ સત્ય

પરંતુ સંઘર્ષ અહીં પૂર્ણ ન થયો. મનીષાબેનની તબિયત ખરાબ થતી ગઈ. બે વર્ષ સુધી મુંબઈમાં સતત સારવાર છતાં ફેફસાંની સ્થિતિ ખરાબ થતી રહી. એક દિવસ ડોક્ટરે કહ્યું:

“હવે દવાઓનો કોઈ અસરકારક પરિણામ નહીં મળે. માત્ર Lungs Transplant જ અંતિમ વિકલ્પ છે અને તે ખુબજ ખર્ચાળ છે જો તમારી પાસે પૈસા ની વ્યવસ્થા હોય તો તમે તે અવશ્ય કરાવો”

અશોકભાઈએ પત્નીનો હાથ પકડીને કહ્યું:
“મનીષા, તું ચિંતા ન કર. આપણે લડશું, દરેક સંઘર્ષ કરીશું. તારા શ્વાસ માટે હું બધું કરીશ.”


એક સ્વપ્નનું ઘર, એક નાનકડી ભૂલ કે કબૂતર ના જોખમ વિશે કોઈ જાણકારી ના હોવી અને તેના પરિણામ રૂપે એ દંપતીનું સમગ્ર જીવન બદલી નાખ્યું. Hypersensitivity Pneumonitis જેવી બીમારી માત્ર એક વ્યક્તિને નહિ, પરંતુ આખા પરિવારોને ઝઝૂમવા મજબૂર કરે છે. કબૂતરને ચણ નાખવાનું કૃત્ય જીવદયા લાગતું હોય છે, પરંતુ તેની પાછળ છુપાયેલું જોખમ ખુબજ ભયાનક છે.

સાચી જીવદયા એ છે જ્યાં માણસ અને પ્રાણી બંનેનું રક્ષણ થાય. જો આપણી દયા બીજાના જીવનને જોખમમાં મૂકે, તો એ દયા નહિ – નિર્દયતા છે.

એટલે જ કવિ સંજય કહે છે કે :

શ્વાસ અટવાયા, સપના તૂટ્યાં,
જીવનના આંગણે વાદળો ઘેરાયા.
પણ હાથમાં હાથ, આંખોમાં વિશ્વાસ,
બે દિલો વચ્ચે પ્રકાશ ફરી છવાયા.

ઘર તૂટી શકે, સંપત્તિ વેચાઈ શકે,
પણ જોડાણ કદી ન તૂટી શકે.
દુઃખની ઘડીમાં એકબીજાનો સહારો,
એ જ તો સંબંધનું સાચ્ચું સૌંદર્ય બને.

ન દવા હતી, ન આશા રહી,
ડોક્ટરે કહ્યું – અંતિમ રસ્તો ટ્રાન્સપ્લાન્ટ જ રહ્યો.
પણ પતિ બોલ્યો – "તું ચિંતા ન કર,
તું છે તો જ દુનિયા મારી ભરપૂર છે."

સંઘર્ષના સાગરમાં તણાયા બંને,
એકના આંસુએ બીજાનું મન સંભાળ્યું.
શરીર થાક્યું, પણ મન હંમેશા રહ્યું મક્કમ,
 પ્રેમે દરેક દુઃખને હરાવ્યું.

જીવનનો સાચો આધાર એ જ છે,
સંપત્તિ કે વૈભવ નહિ.
પતિ–પત્ની માટે સર્વસ્વ એ જ છે –
એકબીજાનો સાથ, અને બીજું કઈ નહિ.


મુંબઈથી ઘરે આવીને મનીષાબેન ને સતત ચિંતા રહેતી:
“અશોક, ઓપરેશનનો ખર્ચ એટલો મોટો છે કે સમજાતું નથી કઈ રીતે થશે. નવું ઘર લીધુ છે તેમાં બેન્કની લોન પણ છે… મને મારી ચિંતા નથી, પણ તારી ચિંતા થાય છે. હા, મારા જીજાજી એ ત્રીસ ચાલીસ લાખ ની મદદ કરવાની વાત કરી હતી, પણ તે તેમને પણ ના પાડી દીધી અને કહ્યું કે તમે બધું મેનેજ કરી લેશો. હવે શું કરશો?”

અશોકભાઈ શાંતિથી બોલ્યા:
“તું ચિંતા ન કર. હું મારું પ્રોવિડન્ટ ફંડ ઉપાડી લઈશ. પંદર વર્ષ પહેલા જે સગાના પ્રોજેક્ટમાં પ્લોટ લીધો હતો તે વેચી નાખીશું. અને બીજે એક મિત્રના પ્રોજેક્ટમાં પણ જે નાનું રોકાણ કર્યું હતું તે પણ કાઢી લઈશું. અને જરૂર પડશે તો થોડું સોનું પડ્યું છે તે કાઢી નાખીશું”

મનીષાબેન બોલ્યા:
“પણ એ બધું તો આપણા સંતાન ભવિષ્ય માટે જ રાખ્યું હતું અને સોનુ તો ફક્ત આવનારી વહુ ને ચડાવી શકાય એટલુંજ છે… પહેલા તું તે જે બે રોકાણ કર્યા છે તે આપણા નજીક ના સગા અને મિત્ર ને ફોન કર અને આપણી પરિસ્થિતિ વિશે વાત કર અને જેટલું બને તેટલું જલ્દી તે વેચવું છે તે કહે.”

અશોકભાઈએ બંનેને વરવફરતી ફોન કર્યા.
થોડી વારમાં પાછા આવીને કહ્યું:
“મિત્રે તો તરત કહ્યું કે ‘ચિંતા ન કર, કાલે જ દસ લાખ આપી જઈશ, અને તારો પ્લોટ હું જ લઈ લઈશ. હાલ માં તેનો હાથ તંગ છે, પણ ઓપરેશન પહેલાં બધું પહોંચી જશે અને કહ્યું છે કે વધારે જોઈએ તો પણ કરી આપશે’”

મનીષાબેનના ચહેરા પર ખુશી આવી ગઈ:
“વાહ, આને જ સાચી મિત્રતા કહે છે! પણ નજીકના સગાએ શું કહ્યું?”

અશોકભાઈનો અવાજ ભારોભાર થયો:
“એણે કહ્યું કે પ્રોજેક્ટમાં તેમના બધા પાર્ટનરો વચ્ચે મુશ્કેલી આવી ગઈ છે, હવે ત્યાં બધું ખંડેર થઈ ગયું છે અને ચોખ્ખું કહ્યું કે ત્યાં તારો પ્લોટ ફક્ત નામનો જ રહ્યો, એની કોઈ કિંમત નથી. અને પંદર વર્ષ પહેલા તે જેટલા રોક્યા હતા તે પણ નહીં મળે કેમ કે કોઈ લેવાલ નથી કેમ કે તેમણે બનાવેલી રેસીડેન્સી ખંડેર જેવી બની ગઈ છે”

મનીષાબેનને જૂની વાતો યાદ આવી ગઈ:
“જ્યારે તેમને મુશ્કેલી આવી ત્યારે તે તારી ઓળખાણથી તેમને બચાવ્યા હતા, અને ત્યારે એમણે કહ્યું હતું કે ‘હું ભવિષ્ય માં ક્યાંય પણ મદદરૂપ થઈશ તો મને આનંદ થશે ’. આજે એક પ્રયાસ પણ કર્યા વગર એમણે હાથ ઊંચા કરી દીધા! ખરેખર બધા માણસો સરખા નથી હોતાં.”

અશોકભાઈએ ધીરજથી કહ્યું:
“હા મનીષા, બધા સરખા નથી હોતા”

પણ મનીષાબેનનું મન હજી વ્યથિત હતું:
“આપણે સંતાનો ને કશું આપી શકશું નહીં. તારી નિવૃત્તિ નજીક છે, ફરીથી જીરો પરથી શરૂ કરવું પડે… કાશ ભગવાન મને જ લઈ લે.”

ત્યારે બંને સંતાનો, જે પોતાના ઘરે આવી ગયા હતા, બોલી ઊઠ્યા:

“મા, આવું ક્યારેય ન બોલશો. અમારો સૌથી મોટો વારસો તમે અને પપ્પા છો. અમને કશું જ ન જોઈએ, ફક્ત અમારા માતા–પિતા જોઈએ.”

મનીષાબેનની આંખો ભરાઈ ગઈ:
“હા, સાચું છે. આપણી સાચી મિલકત તો આપણા સંતાનો જ છે. છતાં અશોક, તારી મહેનતનો બધો ખજાનો આ રીતે ખાલી થઈ જશે એ વિચાર સહન થતો નથી.”

અશોકભાઈએ હળવી સ્મિત સાથે કહ્યું:
“યાદ છે, પુત્રીના જન્મ પછી મારી બદલી બીજા શહેરમાં થઈ હતી? અને ચાર મહિના પછી ત્યાં આપણે રહેવા ગયા ત્યારે મારા ખિસ્સામાં ફક્ત છસો સિત્તેર રૂપિયા હતા અને એક મહિના માટેનું રાશન હતું. છતાં આપણે એ દિવસો પાર કર્યા. એટલે એમ સમજ કે આપણે આપણું જીવન શરૂ કર્યું ત્યારે જે આપણી પાસે હતું તે આપણી મૂડી હતી અને આજે જે કઈ છે તે બધો નફો છે અને આપણે જ્યાં સુધી આપણી મૂડી સુધી ના આવી જાય ત્યાં સુધી તો નફામાં જ છીએ.”

મનીષાબેન બોલી:
“હા, પણ તારી મહેનત હું કદી ભૂલી નથી શકતી. નાનો પગાર હોવા છતાં તું રોજ ઓફિસ પછી દસ કિલોમીટર દૂર જઈ ટ્રાન્સપોર્ટ વાળની ઓફિસો તથા કારખાના માં નામાં લખવા જતો અને શનિવારે અને રવિવારે બહારગામ નામા લખવા જતો. રિક્ષા ભાડું બચાવવા ઘર થી બસ સ્ટેન્ડ સુધી ચાર કિલોમીટર ચાલતો. તારા ત્યાગથી જ આ ઘર ઊભું થયું. છતાં હવે હું બધું તારા કહેવા પ્રમાણે જ કરીશ.”

અશોકભાઈ : મેં મહેનત કરી પણ તે પણ ક્યાં ઓછો ભોગ આપ્યો છે, ઘર માં કઈ નહોતું છતાં તે ક્યારેય કોઈ ફરિયાદ નોતી કરી. મને હજી પણ યાદ છે આપણે જ્યારે હેન્ડ મિક્સી લીધી હતી ત્યારે બેય કેટલા ખુશ થયા હતા કે હવે થોડી સારી છાશ પીવા મળશે. તો હવે ઈશ્વર કૃપા થી આપણી પાસે બધું જ છે અને મારા માં ત્યારે જે હિંમત હતી તે આજે પણ છે. તો તું ચિંતા ના કર.

આ રીતે દસ જ દિવસમાં અશોકભાઈએ તમામ વ્યવસ્થા કરી. પરિવારે અલગ–અલગ હોસ્પિટલ તપાસી, એક સારી હોસ્પિટલ પસંદ કરી. ત્યાંની ટીમે કહ્યું:
“અમારી પાસે ડોનર ખુબ છે. તમારું લોહી ગ્રુપ પણ કોમન છે. બે અઠવાડિયા થી બે મહિના માં ટ્રાન્સપ્લાન્ટ થઈ જશે. પાંચ–છ મહિના માં તમે ઘરે હશો. સફળતાનો રેશિયો ખુબ સારો છે.”

આ સાંભળીને દંપતી આશાવાદી થયા અને તે શહેરમાં રહેવા લાગ્યા.

પણ નવ મહિના વીતી ગયા છતાં ડોનર મળ્યો નહિ. હોસ્પિટલ તો પહેલેથી એડવાન્સ માં પુરા પૈસા સાથે નિશ્ચિંત થઈ બેદરકાર રીતે કહેતી રહી:

“જ્યારે ડોનર મળશે ત્યારે ટ્રાન્સપ્લાન્ટ થશે.”

આ દરમિયાન મનીષાબેનની તબિયત બગડતી ગઈ. ઓક્સિજન વિના એક ક્ષણ રહી શકાતું ન હતું. તેમને દરેક દિવસ ભારરૂપ લાગતો હતો. પરંતુ હંમેશા એક જ ગીત ગાતા કે तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरे में भी मिल रही रोशनी है।

પણ આવા અંધકારમાં પણ એક આશા હતી – તેમના બંને સંતાન.

પુત્રી પોતાના કેરિયરનો ત્યાગ કરીને આવી પહોંચી. માતાની સેવા કરવા માટે તે રોજ હોસ્પિટલમાં રહેતી તેના પતિ તથા સાસરિયાઓએ પણ પૂરો સહકાર આપ્યો. પરંતુ અશોકભાઈને મનીષાબેન ને દીકરીના ભવિષ્યની ચિંતા થતાં, સમજાવીને તેને પાછી મોકલી દીધી.

થોડા જ દિવસોમાં પુત્રની પરીક્ષા પૂર્ણ થઈ. તેને કેમ્પસ માં જ પ્રતિષ્ઠિત કંપની માં નોકરી મળી હતી અને સાથે સાથે આગળ અભ્યાસ માટે પ્રતિષ્ઠિત કોલેજ માં એડમિશન પણ મળતું હતું. છતાં એણે માતા–પિતાને કહ્યું:

“મારે નોકરી નથી જોઈતી અને મને તે ફરી મળી જશે અને એક વર્ષ પછી નક્કી કરીશ કે આગળ નોકરી કરવી કે અભ્યાસ કરવો. હાલ માં મારા જીવન માં મારી મા સારી રીતે જીવશે એ જ મારું ભવિષ્ય છે. મા વગર મને કંઈ સુખ નહિ મળે અને હું તેને છોડી ને ક્યાંય પણ રહી શકીશ નહીં, અહીંયા રહી તેનું ધ્યાન રાખવાની સાથે બીજી પરીક્ષા ઓ ની તૈયારી કરીશ અને ઑનલાઇન ડિપ્લોમાં કોર્સ થાય છે તે કરીશ. 

આ સાંભળી મનીષાબેન રડી પડી અને પુત્રને હૈયે લગાવી બોલી:

“ભગવાને મને સાચો શ્રવણ આપ્યો છે. આ જ મારી સૌથી મોટી સંપત્તિ છે.”

દંપતી પોતાના બંને જોઈને ગૌરવ અનુભવી રહ્યા હતા. પૈસા, સંપત્તિ, તે બધું ગૌણ છે જીવન માં સાચી મિલકત તો સંતાનો જ છે. હવે તેઓ પ્રાર્થના કરતાં હતા કે ડોનર જલ્દી મળે અને મનીષાબેન ફરીથી સ્વસ્થ થાય.

એટલે જ કવિ સંજય કહે છે કે

સુખમાં તું સાથ, દુઃખમાં તું સાથ,
તું જ છે જીવનનો સાચો વિશ્વાસ.

પૈસા–ધન તો આવે જાય,
પ્રેમનો ખજાનો કદી ન ખૂટે.

ઘર ઊભું થાય મહેનતથી,
જીવન વીતે પ્રેમ થી.

સંતાન છે આપણી સાચી મિલકત,
એમાં જ વસે જીવનની સમૃદ્ધિ સચોટ.

શ્રવણ સમાન જ્યારે સંતાન બને,
મા–બાપના આશીર્વાદથી ઘર ધને.

સાચી સમૃદ્ધિ ધન–સંપત્તિ નથી,
સાચી સમૃદ્ધિ સંબંધોની જ છે ભાતિ.

તા.ક. આ સત્યકથા લખવાનો મૂળ હેતુ કબૂતર થી થતા નુકશાન અને તેના કારણે કઈ રીતે પરિવાર હેરાન થઈ જાય છે તે અંગે જાગૃતિ લાવવાનો છે.