Sat samandar Par - 1 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | સાત સમંદર પાર - ભાગ 1

Featured Books
Categories
Share

સાત સમંદર પાર - ભાગ 1

સાત સમંદર પાર ભાગ-૧રાતના દશ વાગ્યા હતા…રાત જાણે દરેકને પોતાના ખોળામાં પોઢાડીને શાંત કરી દેવા મથી રહી હતી…દિવસે થોડી ગરમી પરંતુ રાત્રે તો ઠંડક જ પથરાઈ જતી હતી…ભાગ્યેજ રોડ ઉપર કોઈની અવરજવર વર્તાઈ રહી હતી કારણ કે ટીવી ઉપર ગરમાગરમ ચૂંટણીના સમાચારે જાણે દરેકને પકડી રાખ્યા હતા…અને તેની કશ્મકશ દરેકને દઝાડી પણ રહી હતી…કેટલાક તોફાની ટોળા તો સરઘસ કાઢવા માટે આતુર બની રહ્યા હતા…હસમુખભાઈ પણ ટીવી ઉપર ચૂંટણીના પરિણામો જોવામાં મશગૂલ હતા…પરંતુ માયાબેનના મનમાં કંઈક અલગ જ ગડમથલ ચાલી રહી હતી…તે પોતાના પતિ હસમુખભાઈને પૂછી રહ્યા છે કે, "આપણી પિયુ હવે ત્રણ વર્ષ પૂરા કરીને ચોથામાં પ્રવેશી છે, આપણે હવે તેને સ્કૂલમાં ભણવા મૂકી દેવી જોઈએ કેમ બરાબર ને....?"  "હા"  હસમુખભાઈ ટૂંકમાં જ જવાબ આપે છે.પિયુ એટલે પ્રિયાંશી...અને પ્રિયાંશી એટલે મમ્મી-પપ્પાને પોતાના પ્રાણથી પણ પ્યારી પોતાની દીકરી…(અહીંયા હું વાત કરી રહી છું એ પ્રિયાંશીની જે પોતાના પરિવાર માટે કંઇક કરી બતાવવાની ઇચ્છા ધરાવતી એક બહાદૂર અને સમજદાર દીકરી છે...પ્રિયાંશી એટલે પોતાના માતા પિતાને સમાજમાં એક આગવું સ્ટેટ્સ અપાવનાર એક રૂઆબદાર દીકરી...પ્રિયાંશી એટલે એક સામાન્ય ઘરમાંથી આવતી એવી એક દીકરી જેનું વ્યક્તિત્વ જોઈને કોઈ પણ વ્યક્તિ મોં માં આંગળા નાંખી દે...પ્રિયાંશી એટલે સમાજમાં પોતાનું એક આગવું  વર્ચસ્વ ઉભું કરનારી દીકરી...પ્રિયાંશી એટલે આપણી સૌની દીકરી....)પ્રિયાંશીના પિતા હસમુખભાઈ એટલે ખૂબજ સીધા અને સાદા માણસ…તેમના નામ પ્રમાણે તેમને આડું-અવળું બોલીને બસ બધાની સાથે હસવા અને બોલવા જોઈએ.          "આપણી પિયુ હવે આબેહૂબ મારા જેવી જ દેખાતી જાય છે નહિ..?? વળી તે મારા જેવી રૂપાળી અને સુંદર હોવાની સાથે સાથે મારા જેવી ખૂબજ હોંશિયાર પણ છે..." માયાબેન હરખભેર પોતાના અને પોતાની પિયુના પેટ ભરીને વખાણ કરી રહ્યા હતા અને પોતાની વાતનો પ્રત્યુતર આપવા પોતાના પતિ હસમુખભાઈના હ્રદયને જાણે ઢંઢોળી રહ્યા હતા... જો કે તેમની પિયુ હતી પણ એવી જ...!!"આપણે તેનું એડમિશન કઇ સ્કૂલમાં લઇશું?" માયાબેન ટીવી જોવામાં મશગૂલ હસમુખભાઈને જાણે ટીવીના સમાચાર માંથી બહાર ખેંચી રહ્યા હતા...        "એજ તો  ચિંતાનો વિષય છે..!!" હસમુખભાઇએ પોતાની પત્ની માયાબેન સામે જોઈને ઉમેર્યું..."આપણી પિયુ હોંશિયાર અને ખૂબ જ ચાલાક છે, મારે તેને કોઈ સારી સ્કુલમાં મૂકવી છે જ્યાં તેની દેખરેખ પણ રહે અને સારામાં સારું તેને શિક્ષણ પણ મળે""આપણે તેને ઇંગ્લિશ મીડીયમમાં મૂકીએ તો?" માયાબેને ઉત્સાહપૂર્વક હસમુખભાઈને પૂછ્યું. "ના ઇંગ્લિશ મીડીયમમાં નહિ એને ગુજરાતી મીડીયમની સ્કુલમાં જ ભણવા મૂકીએ" હસમુખભાઇએ ભારપૂર્વક કહ્યું.                 "પ્રિયાંશી મારા જેવી જ હોંશિયાર છે...અને અત્યારે તો ઇંગ્લિશનું જ રાજ બધે ચાલે છે. ગુજરાતી તો ફક્ત આપણા ગુજરાતમાં જ ચાલે છે. અને મારે તેને ખૂબ આગળ સુધી ભણાવવી છે તો પછી ગુજરાતી મિડિયમમાં... કેમ ચાલશે..? મારી દીકરીનો વિકાસ અટકી જશે..?" માયાબેને મોં બગાડીને કહ્યું.                "આપણે આપણા દિકરા રાજનને ઈંગ્લિશ મીડીયમમાં ભણાવીશું. પિયુ તો છોકરી છે એને ગુજરાતી મિડિયમમાં જ ભણાવીશું..." હસમુખભાઈએ પોતાનો નિર્ણય જણાવ્યો.."એ તો પારકા ઘરની વસતી કહેવાય..એની પાછળ કેટલા પૈસા ખર્ચ કરવાના હોય..??" હસમુખભાઇએ મક્કમતાથી  કહ્યું. રાજન એટલે માયાબેન અને હસમુખભાઈનો એક નો એક દિકરો તે હજુ તો છ મહિનાનો જ હતો...         માયાબેનને હસમુખભાઈ ઉપર થોડો ગુસ્સો આવ્યો, ગુસ્સા સાથે મોં ફૂલાવીને માયાબેન બોલ્યા, "કેમ? પ્રિયાંશી દીકરી છે તો શું થઈ ગયું? એ છે તો આપણું જ સંતાન ને..? એ દીકરી છે એટલે એની સાથે આપણે અન્યાય કરવાનો? એને ગુજરાતી મીડીયામાં ભણાવવાની...? મારાથી એ નહિ થઇ શકે. મારે માટે તો પ્રિયાંશી અને રાજન બંને સરખા જ છે ""સારું બસ, તારી જેવી ઇચ્છા હશે તેમ જ આપણે કરીશું " હસમુખભાઇએ કહ્યું.."હવે તો ખુશ ને...?""હા ખુશ"માયાબેન રાજીના રેડ થઈ ગયા... અને પતિના હાથ ઉપર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યા...પ્રિયાંશીને શહેરની સારામાં સારી કોન્વેન્ટ સ્કૂલમાં એડમિશન મળી ગયું. હવે તો સ્કૂલમાં એડમિશન લેવા માટે બાળકની સાથે સાથે માતા-પિતાને પણ પરિક્ષા આપવી પડે છે. કોન્વેન્ટ સ્કૂલની પરિક્ષામાં પ્રિયાંશીની સાથે સાથે માયાબેન અને હસમુખભાઈ પણ પાસ થઈ ગયા હતા...સારી સ્કુલમાં એડમિશન મળી ગયું એટલે માયાબેનનો આનંદ છલકાઈ છલકાઈને સાતમે આસમાને પહોંચ્યો હતો...              પ્રિયાંશી એટલી બધી ચાલાક છોકરી હતી કે તેને કંઇ જ શીખવવું નહોતું પડતું. જાણે એ ઉપરથી ભગવાનના ઘરેથી બધું જ શીખીને આવી હતી...સમય વહેતો જાય છે. સમયની સાથે સાથે પ્રિયાંશી અને રાજન બંને ભાઇ-બહેન મોટા થતા જાય છે.પ્રિયાંશી બોલવામાં એકદમ મીઠી એના નામ પ્રમાણે બધાને પ્રિય, એ જો ઘરમાં ન હોય તો ઘરમાં ગમે પણ નહિ, દીકરી વગર ઘર સૂનું સૂનું લાગે, ડાહી પણ એટલી જ, હવે તો મોટી થઇ ગઇ હતી એટલે મમ્મીને કામમાં પણ મદદ કરાવે, પપ્પા એક જ બૂમ પાડે અને " હા પપ્પા ", "બોલો પપ્પા " કહેતી હાજર થઇ જાય. નાના ભાઈ રાજનનું પણ એટલું જ ધ્યાન રાખે.એને કોઇપણ વાત એક જ વાર કહેવી પડે, તરત જ એને યાદ રહી જાય, ગાતાં પણ સરસ આવડે અને ડાન્સમાં તો એનો પહેલો નંબર આવે, પપ્પા ઘરે આવે અને રાહ જોઈને જ બેઠી હોય, પપ્પાના મોબાઇલમાં યૂ-ટ્યૂબ ચાલુ કરી જાત જાતના ડાન્સ શીખી લે અને પછી બધાને કરીને બતાવે, ભણવામાં પણ એનો ક્લાસમાં હંમેશા પહેલો જ નંબર આવે.~ જસ્મીના શાહ 'સુમન'    દહેગામ    29/11/25