આસ્થા પોતાના નવા જીવનમાં સહર્ષ આરંભ કરી રહી હતી. આસ્થા અને અનુરાધાને હવેલીના મુખ્ય દરવાજા પાસે ઉતારી કલ્પ કાર પાર્ક કરવો ગયો હતો.
આસ્થા એની નજર આસપાસ ફેરવી રહી હતી. ખૂબ સુંદર બગીચો અને પટાંગણને આકર્ષક કરે એવા સ્ટેચ્યુ મૂકેલા હતા. સુશોભન પટાંગણનું જ એટલું આકર્ષક હતું કે આસ્થા હવેલી અંદરથી કેટલી સરસ હશે એ જોવા એ ખૂબ ઉત્સાહી થઈ રહી હતી. અનાયસે એણે અનુરાધાનો હાથ પકડીને પોતાના કદમને થોડા ઝડપી વધાર્યા હતા. આસ્થાનો આમ હાથ પકડ્યો એ ક્ષણ અનુરાધાનાને ખૂબ ખુશ કરી ગઈ હતી. તેઓ પગથિયાં ચડીને મુખ્ય દ્વાર સુધી પહોંચી ગયા હતા. જેવા તેના કદમ એ દ્વાર પર પડ્યા કે તરત હવેલીનો દરવાજો ખૂલ્યો! દરવાજાની અંદર યામિની અને શુભમ આસ્થાનું આરતી અને પુષ્પથી સ્વાગત કરવા ઉપસ્થિત થઈ ચૂક્યા હતા.
આસ્થાએ તરત પૂછ્યું, મમ્મી આ કોણ છે?
બેટા, આ યામિની આન્ટી કે જે કલ્પના ધર્મ પત્ની છે અને આ શુભમ એમનો પુત્ર છે, આસ્થાએ બંને સામે સ્મિત આપ્યું. યામિની અને શુભમ પણ આસ્થા ને હસતા ચહેરે આવકાર આપી રહ્યા હતા.
અનુરાધા એ આસ્થાને ઉંબરા પર જ રોકી અને તેની આરતી ઉતારી ઓવારણા લઈ એને આવકારતા હવેલીની અંદર આવવા કહ્યું.
આસ્થાનું જેવું આ પ્રથમ પગલું હવેલીમાં મુકાયું કે તરત જ હવેલીમાં સુંદર ધીમું મ્યુઝિક શરૂ થયું અને હવેલીના હોલની મધ્યમાં રહેલ નાનો ફુવારો રંગબેરગી લાઈટથી પ્રકાશિત થઈ ખૂબ આકર્ષક લાગવા લાગ્યો હતો. આસ્થાને આ બધું ખૂબ રોમાંચિત કરી રહ્યું હતું. કોઈક પરીઓની કથા જેવી રોમાંચકતા એને અનુભવાઈ રહી હતી. અચાનક આસ્થાની નજર ફુવારા પર કેન્દિત થઈ. ફુવારાના પાણીનો જેમ ઉભરો ઉપર તરફ જઈ ફરી નીચે પડી રહ્યો હતો એમ આસ્થાના મનના વિચારોનો ઉભરો એના મનમાં કુતૂહલ મચાવી રહ્યો હતો, આ આટલી સુંદર હવેલી મારી? આ મારું આટલું મોટું ઘર, પણ મારા પરિવારના કોઈ સદસ્ય કેમ નથી? પપ્પા કેમ મને આવકારવા ન આવ્યા? મમ્મી કહે છે કે, આ તારું નવું જીવન છે તો શું પપ્પાને મારા કરતા પણ બીજા બધા કામ મહત્વના લાગ્યા? આસ્થાના વિચારો હવે એને વ્યાકુળ કરવા લાગ્યા. એકદમ ખુશ ચહેરા પરની રોનક ઝાંખી થવા લાગી.
કલ્પ પણ હવે એમની પાસે આવી ગયો હતો. આસ્થાના ચહેરા પરની વેદના એ પારખી ચૂક્યો હતો. આસ્થાનું મન બીજી તરફ વાળવા એ બોલ્યો, હવેલી હજુ આખી તો તે જોઈ જ નથી ત્યાં તારી આવી હાલત!! જા શુભમ આસ્થાને એનું આખું ઘર, એનો રૂમ બધું જ દેખાડવા લઈ જા!
"હા પપ્પા! ચાલ, આસ્થા આપણે પહેલા મંદિરવાળા રૂમમાં જ જઈએ." એમ કહી એ આસ્થાને પોતાની સાથે આવવાનો ઈશારો કરતા બોલ્યો હતો.
આસ્થા શુભમની પાછળ પાછળ પોતાના મનના પ્રશ્નોને મનમાં જ દબાવી ચાલવા લાગી હતી. મંદિરવાળા રૂમમાં પ્રવેશ કરતા જ આસ્થાની નજર ગણપતિજીની એક મોટી પ્રતિમા પર પડી. આસ્થાએ વિધ્નહર્તા ના દર્શન કર્યા અને મનોમન પોતાના મનમાં ઊઠતા પ્રશ્નોના જવાબ તુરંત મળે એવી પ્રાર્થના પણ કરી.
આસ્થા હવેલીનું બારીકાઇથી નિરીક્ષણ કરી રહી હતી. પોતાના રૂમમાં પ્રવેશીને એણે રૂમની દરેક વસ્તુઓ જોઈ છતાં એને કંઈ જ યાદ આવી રહ્યું ન્હોતું. એ પોતાના કબાટને ખોલી કપડાં, જ્વેલેરી અને બીજી અનેક જીણી વસ્તુઓ જોઈ ભૂતકાળ યાદ કરવા પ્રયાસ કરી રહી હતી. આસ્થાનો બધો જ પ્રયાસ વ્યર્થ ગયો, એનું મન વધુ વેદના અનુભવવા લાગ્યું હતું. તેના મનના ભાવ શુભમને પણ અનુભવાઈ રહ્યા હતા. એણે આસ્થાના હાથને પોતાના હાથમાં લઈને કહ્યું, "આસ્થા તું વિચારોમાં ગૂંચવાઈ તારા મગજ પર ભાર ન આપ, સમય દરેક સમસ્યાનું સમાધાન કરી આપશે. તે જેમ અત્યારે હિંમત રાખી રહી છે બસ એજ હિંમત સાથે તું આ નવું જીવન આગળ વધાર."
શુભમના હાથનો સ્પર્શ આસ્થાને લાગણી સંગાથે હિંમત આપી રહ્યો. આસ્થાના આંસુ પાંપણની સીમા પાર કરી દડદડ વહેવા લાગ્યા. શુભમે એના આંસુ લૂછ્યા અને કહ્યું, "તારું મન અત્યારે જેટલું રડવા ઈચ્છે એટલું રડી લે પણ એ પછી તારે રડવાનું નથી. તું એક બહાદુર છોકરી છે, જિંદગીની અને મોત સાથેની મોટી લડત તું જીતીને આવી છે. આ જીવન તારે ખૂબ બધી ખુશીઓ અને તારા સપના પૂરા કરવા જીવવાનું છે."
"આ નવો ચહેરો અને મારી જૂની યાદ.. મારું કોઈ સ્વપ્ન... મને કંઇ જ યાદ નથી. મારા જીવનમાં મેં શું નક્કી કર્યું હશે એ કંઇ જ યાદ નથી. બધું જ કોરી પાટી સમાન છે. મન ખૂબ મૂંઝાઈ રહ્યું છે." કપબોર્ડના અરીસામાં પોતાનો ચહેરો જોઈ મનની વ્યથા ઠાલવતા આસ્થા બોલી હતી.
અરે.. પાટી કોરી છે તો એમાં તને જે પસંદ પડે એ લખ. તને કુદરતે નવી શરૂઆત કરવા આ જીવન ફરી તને ભેટ રૂપે આપ્યું છે અને આ સમયમાં હું એક મિત્ર તરીકે તારી સાથે છું, અને હંમેશા રહીશ. તું કંઈ જ ચિંતા ન કરીશ.
આસ્થાના ચહેરા પર આછુ સ્મિત છવાયું અને એ ભારે હૃદયે આટલું માંડ બોલી, "મને સાથ આપવા બદલ હું તારો આભાર માનું છું."
"વાહ સરસ મિત્ર પણ માન્યો અને આભાર માની અંતર પણ રાખ્યું, બહુ ચાલક છે હો તું!" એમ કહી સહેજ એક ટાપલી એના ગાલ પર મારતા શુભમ બોલ્યો.
બંને ખડખડાટ હસી પડ્યા. શુભમ એના મુક્ત હાસ્યને નિહાળતા બોલ્યો, "આમ જ ખુશ રહે તારો આ નવો ચહેરો વધુ સુંદર લાગે છે."
આસ્થા સહેજ શરમાતા બોલી ચાલ હવે આપણે મમ્મી પાસે જઈએ એ રાહ જોતા હશે.
અનુરાધા, યામિની અને કલ્પ એ બંનેને સાથે આવતા જોઈ રહ્યા હતા. ત્રણેય એ સમજી શક્યા કે, આસ્થા શુભમના સાથને પણ સરળતાથી સ્વીકારી રહી છે.
આસ્થાનો આ પહેલો દિવસ સરળતાથી વીતી ગયો એની ખુશી અનુરાધાને થઈ રહી હતી. આસ્થા એની બાજુમાં જ ઊંઘી રહી હતી, પણ અનુરાધાની ઊંઘ હવે એની આંખથી કોસો દૂર હતી! અનુરાધા ગિરિધરને આજ સવારથી ખૂબ યાદ કરી રહી હતી. ગિરિધર ક્યારે ઠીક થશે? આસ્થાને એ સ્વીકારી શકશે કે એ ઠીક થાય એ પહેલાં જ આસ્થાને બધું યાદ આવી જશે? શું ગિરિધર મારી જેમ આ દીકરીના પ્રેમને માણી શકશે? અનેક બિનજરૂરી સંવાદો એ પોતાની સાથે કરી રહી હતી પણ જવાબો ક્યાં એની પાસે હતા!!
"નહીહીંહી..." ની તીવ્ર ચીસ સાથે આસ્થા ઊંઘમાંથી જાગી ગઈ. એના ધબકારા ખૂબ તેજ હતા, આસ્થાનો ચહેરો ખૂબ ડરામણો અને પરસેવે રેબઝેબ થયેલો નાઈટલેમ્પના આછા પ્રકાશમાં પણ અનુરાધાને દેખાય રહ્યો હતો.
"અરે દીકરા શું થયું? ડરીશ નહી બેટા હું અહીં જ છું. તું ચિંતા ના કરીશ." એમ કહી એના હાથને સાંત્વના આપતા અનુરાધા બોલી.
આસ્થા રીતસર ગળામાં ડૂમો ભરાઈ ગયો હોય એમ એ બોલવામાં અસમર્થ હતી, અનુરાધાને ભેટીને એ ફક્ત રડવા જ લાગી.
અનુરાધાને આસ્થાનું દર્દ જોઈ મનમાં ખૂબ વેદના થતી હતી, પણ આસ્થાનું એને સ્વીકારવું એના ભીતરમનમાં ખૂબ ટાઢક આપી રહ્યું હતું. માતૃત્વ સુખની અનુભૂતિ એને પ્રાપ્ત થતી હતી. આસ્થાની પીઠપર હાથ ફેરવતા તેઓ બોલ્યા, "તું ડર નહી બેટા, હું તને કંઇ જ નહી થવા દઉં!"
મારી ધારાવાહીક "અસ્તિત્વ" ની સફરમાં જોડાવા બદલ વાચક મિત્રોનો દિલથી આભાર. આપના પ્રતિભાવો મને લખવા માટે ખૂબ પ્રોત્સાહીત કરે છે, ધારાવાહિકને અનુરૂપ પ્રતિભાવ જણાવશો. ફરી મળીશું નવા પ્રકરણમાં. જય શ્રી રાધેકૃષ્ણ.🙏🏻