શહેરના મુખ્ય હાઈવે પર ગાડીઓની રફ્તાર જાણે સમય સાથે સ્પર્ધા કરી રહી હતી. ઓફિસ છૂટવાનો સમય હતો એટલે દરેક વાહનચાલકને ઘરે પહોંચવાની ઉતાવળ હતી. એ જ ભીડમાં એક સફેદ રંગની લક્ઝરી કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. ડ્રાઈવર એક હાથથી સ્ટીયરિંગ પકડી બીજા હાથે મોબાઈલમાં મેસેજ ટાઈપ કરી રહ્યો હતો.
અચાનક એક જોરદાર અવાજ આવ્યો—'ધબ્બ!'
ગાડીને હલકો ઝટકો લાગ્યો. ડ્રાઈવરે બ્રેક મારી અને સાઈડ મિરરમાં જોયું. રસ્તા પર એક કૂતરી લોહીલુહાણ હાલતમાં પડી હતી. ડ્રાઈવરે મનોમન વિચાર્યું, "હાશ! કોઈ માણસ નથી, ખાલી કૂતરું જ છે." એણે ગિયર બદલ્યો અને એસીની ઠંડકમાં ફરી એ જ ઝડપે ગાડી દોડાવી મૂકી. એના માટે એ માત્ર એક 'અકસ્માત' હતો, પણ કોઈ માટે એ આખી દુનિયાનો અંત હતો.
એ કૂતરીના મોઢામાં હજુ પણ એક સૂકી રોટલીનો ટુકડો દબાયેલો હતો. કદાચ એ આખો દિવસ ભૂખી રહીને પોતાના બચ્ચાં માટે આ ભોજન ભેગું કરીને લઈ જતી હતી. રસ્તાની બાજુમાં બેઠેલું એનું એક નાનું ગલુડિયું આ બધું જોઈ રહ્યું હતું. એને ખબર નહોતી કે 'મોત' શું હોય, એ તો બસ લોહીથી લથબથ મા પાસે જઈને એને ચાટવા લાગ્યું, જાણે કહેતું હોય— "મા, ચાલને ઘરે, ભાઈઓ રાહ જોવે છે."
જો ત્યાં કોઈ માણસ પડ્યો હોત, તો અત્યારે મીડિયાના કેમેરા હોત, ટ્રાફિક જામ હોત, પોલીસની જીપ હોત અને રાત્રે ન્યૂઝમાં એના પરિવારને મળનારા વળતરની ચર્ચાઓ થતી હોત. પણ આ તો એક અબોલ જીવ હતો. એના મરવાથી સમાજને કે સરકારને કોઈ ફેર પડવાનો નહોતો.
બીજી બાજુ...
ગલીના છેવાડે એક જૂના સિમેન્ટના પાઈપમાં ત્રણ નાના બચ્ચાં ટૂંટિયું વાળીને બેઠા હતા. હર ક્ષણે રસ્તા પરથી પસાર થતી ગાડીના અવાજે એમના કાન ઊંચા થતા. એમને લાગતું કે મા આવી ગઈ! હવે દૂધ મળશે, હવે હૂંફ મળશે. પણ એ માસૂમ જીવોને ક્યાં ખબર હતી કે એમની મા હવે કોઈ દિવસ પાછી નહીં આવે. જે મા દુનિયાના રસ્તાઓ પરથી એમના માટે ખાવાનું શોધવા નીકળી હતી, એ જ રસ્તાની બેદરકારીનો ભોગ બની ગઈ.
રાત પડી ગઈ. આખું શહેર રોશનીમાં ઝળહળી રહ્યું હતું, પણ પેલા પાઈપમાં અંધારું અને ભૂખ વધી રહ્યા હતા. પેલું નાનું ગલુડિયું હજુ પણ હાઈવે પર માના ઠંડા પડી ગયેલા શરીર પાસે બેસીને આસમાન સામે જોઈ રહ્યું હતું.
આપણી આધુનિક દુનિયામાં વીમો માણસનો ઉતરે છે, સંવેદનાઓનો નહીં. માણસ મરે તો કાયદો જાગે છે, પણ જ્યારે કોઈ પક્ષી કે પ્રાણી રસ્તા પર દમ તોડે, ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે એની પાછળ પણ એક પરિવાર ભૂખ્યો વલખાં મારતો હશે.
ક્યારેક કોઈ પક્ષી એના નાના બચા માટે ખાવા નું લેવા બહાર નીકળે છે અને રસ્તા માં કોઈ ની મજાક નો ભોગ બની જાય અને કોઈ ને ખબર પણ નથી હોતી કે એના નાના નવજાત બચા એની રાહ જોતા બેઠા હસે, અમુક તો એવા હસે ક એની આંખ પણ ના ખુલી હોય માળા માં પવન ની લેરકી આવે તો એના બચા ને લાગે કે માં આવી હસે એ કલરવ કરવા લાગે પણ એની ચાંચ માં ખાવા નું ના આવે ત્યારે એ કલરવ કરવા નું બંધ કરી ને રાહ જોવા લાગે એને તો ખબર નથી હોતી કે માં હવે કોઈ દિવસ આવા ની પણ નથી અને અફસોસ પણ એ કે એ નાના નવજાત બચા ને સાચવવા વારુ પણ કોઈ નથી હોતું એ આમ જ ભૂખ્યા રાહ જોતા આ કઠોર દુનિયા માં થી વિદાય લઈ લેશે અને કોઈ ને ખબર પણ નઈ હોય....