અને તમે દિકરાને લીધા વગર ભાણીને એના ઘરે મૂકવા ગયા હતા. એ દિવસે દિકરો ખૂબ રડ્યો હતો. મેં એને જેમ તેમ સમજાવીને રાખ્યો હતો. હજી મારી શાળા ચાલુ હતી કારણ કે રિઝલ્ટ આપવાનું બાકી હતું. એટલે મારાથી મારા ઘરે પણ રહેવા જવાય એવું ન હતું. મેં દિકરાને સમજાવ્યું કે મારું વેકેશન પડશે એટલે આપણે મામાના ઘરે રહેવા જઈશું અને દિકરો માની પણ ગયો હતો. થોડા દિવસમાં દિકરાનું અને ભાણીનું રિઝલ્ટ આવી ગયું. દિકરાનું રિઝલ્ટ તો દર વખતની જેમ સારું જ હતું અને આ વખતે ભાણીનું રિઝલ્ટ પણ સારું હતું. એટલે મમ્મી ખૂબ જ ખુશ હતા. હવે મારી શાળામાં પણ મને વેકેશન પડી ગયું હતું. પણ હું દસમા ધોરણ વાળાને ભણાવું એટલે મને એક જ અઠવાડિયાની રજા આપી હતી. એટલે મેં ઘરે કહ્યું કે હું પિયર રહી આવું પછી મને રજા નહીં મળે. ત્યારે તો મમ્મીએ હા પાડી દીધી. અને હું મારા ઘરે રહેવા ગઈ. પણ બે જ દિવસમાં તમે ફોન કર્યો કે બેન રહેવા આવે છે તું પાછી આવી જા. મેં તમને કહ્યું હતું કે હું ઘરે કહીને જ આવી હતી કે મારે એક અઠવાડિયાની જ રજા છે એટલે અઠવાડિયા પછી હું પાછી આવી જ જઈશ. પણ તમે કહ્યું કે મમ્મીએ કહ્યું છે કે બેન આવે છે એટલે તારે અત્યારે જ આવી જવું પડશે. અને હું બે જ દિવસ મારા ઘરે રહીને પાછી આવી ગઈ. પણ દિકરો આવવા માટે તૈયાર ન થયો. તમે અમને લેવા આવ્યા હતા અને તમે પણ દિકરાને ખૂબ સમજાવ્યું કે ઘરે ભાઈ ને દીદી આવે છે તું ચાલ પણ એ ન જ આવ્યો. ત્યારે પપ્પાએે કહ્યું હતું કે એને અહીં રહેવા દો બે ત્રણ દિવસમાં હું મૂકી જઈશ. અને આપણે દિકરા વગર જ ઘરે પાછા આવ્યા એટલે મમ્મી ખૂબ ખિજવાયા કે અહીં ભાણો રહેવા આવ્યો છે એની સાથે રમવા વાળું કોઈ ન મળે ને તમે દિકરાને લીધા વગર જ પાછા આવ્યા. તમે એમને કહ્યું કે દિકરાને ખૂબ સમજાવ્યો પણ એ તૈયાર જ ન થયો પણ મમ્મી ન જ માન્યા. હું તો કંઈ બોલી જ નહીં. ઘરે બેન આવ્યા એટલે મમ્મી રોજ કંઈ ને કંઈ નવું બનાવતા. મને જે કામ કહેતા તે હું કરતી. કંઈ લાવવાનું હોય તો એ લાવી આપતી. ને એક દિવસ મમ્મીથી બોલાય ગયું કે તને એક અઠવાડિયાની જ રજા હતી એટલે મેં જ બેન ને ફોન કર્યો હતો કે તું અત્યારે રહેવા આવી જા પછી તો ભાભીની શાળા ચાલુ થઈ જશે એટલે બેન આવી ગયા. મને ત્યારે વિચાર આવ્યો કે મારી રજા હોય કે ન હોય એમને શું ફરક પડતે ? મારે એમના માટે ખાવાનું તો બનાવવાનું ન હતું કે ન મને કોઈ કામ ઘરમાં કરવા દેતા હતા. તો મને મારા ઘરે જ શાંતિથી અઠવાડિયું રહેવા દેતે તો શું વાંધો આવતે ? બેન તો શાળા શરૂ થાય ત્યાં સુધી અહીં જ રહેવાના હતા. આવું તમે પણ ન વિચાર્યું. બસ મમ્મીએ કહ્યું અને મને બોલાવી લીધી. મારો વિચાર ન કર્યો. આ બધું જ મારા મનમાં ચાલ્યા કરતું. પાંચ છ દિવસ પછી પપ્પા દિકરાને સમજાવીને ઘરે મૂકી ગયા. અને એટલામાં તો મારી શાળા શરૂ થઈ ગઇ. મારે અડધો દિવસ જ જવાનું હતું પણ જવું જ પડે. એટલે હું શાળાએ જતી ત્યારે આપણા બંને દિકરા દિકરી અને બેન તેમજ ભાણી ભાણો ઘરે મમ્મી સાથે રહેતા. તમે પણ નોકરીએ નીકળી જતા. પણ હું ઘરે આવું એટલે મમ્મી એમ જ કહેતા કે બેનનો દિવસ તો આ છોકરાઓને સાચવવામાં જ નીકળી જાય એને આરામ જેવું તો મળતું જ નથી. પણ એ મને આમ રોજ કહ્યા કરે એનું મારે શું કરવું ? હું ફક્ત બપોરે ૧૨ થી ૪ જ શાળાએ જતી હતી અને યે સમયે તો દિકરી સૂઈ જાય એટલે એની કાળજી લેવાનો કોઈ પ્રશ્ન જ ન હતો અને દિકરો તો રમ્યા જ કરે એને સાચવવાનો પણ પ્રશ્ન ન હતો તો પછી મારે શું કરવું ? તમે કહેતા તેમ કે મારે નોકરી તો કરવી જ પડશે તો હું ઘરે કેવી રીતે રહી શકું ?