હુ પ્રથમ ગુજરાતી છું. અને ગુજરાતના ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના નાંદોલ ગામનો વતની છું.અને ગુજરાતી વિષયથી એમ.એ સુધીનો અભ્યાસ કરેલ છે. મારો પોતાનો જ નાના પાયાનો એગ્રીક્લચરનો વ્યવસાય કરી રહ્યો છું. હું પરણીત છું. એક સરસ મઝાની આઠ વર્ષની દિકરી પણ છે. અમે અમારી નાની દુનિયામાં ખુબ ખુશ છીએ. લી....આપનો અનજાન દોસ્ત રીન્કુ પંચાલ.

હસીનાઓ તમારે કાજ હું મરવા નથી આવ્યો,
અહીં મજનું કે રાંઝાને અનુસરવા નથી આવ્યો.

ગુલાબી સ્મિત ઓઢીને બધાના હોઠ પર રહેવું,
નમાલી આંખના આંસુ બની ખરવા નથી આવ્યો.

સફરમાં છું અને કેવળ સફરની મોજ લૂંટુ છું,
મુસાફર છું મુસાફર,હું અહીં ફરવા નથી આવ્યો.

ઘવાયેલા કબૂતર આટલો ફફડાટ રહેવા દે,
દવા લાવ્યો છું તારો ઘાવ ખોતરવા નથી આવ્યો.

અરે બાવળ છું હું બાવળ ઉગુ જ્યા મોજ આવે ત્યાં,
તમારા બાગના કુંડામાં પાંગરવા નથી આવ્યો.

ફકત તું દાદ ત્યાં દેજે તને સંભળાય જ્યાં ટહુકો,
ગઝલમાં રંગબેરંગી મોર ચીતરવા નથી આવ્યો.

ખુદા પળભર ખુદાઈને ભૂલીને બેસ બાજુમાં,
તને મળવા ફકત આવ્યો છું કરગરવા નથી આવ્યો.

મને દરીયો બતાવીને કહે"ગોપાલ, શું કહો છો??"
હું એને કેમનું સમજાવું કે તરવા નથી આવ્યો.

#ગોપાલ

Read More

એક ગીત

ગરમાળાનું પાપ છે આ તો ગરમાળાનું પાપ
ધોમ ધખે છે પંથક એમાં સૂરજનો શું વાંક?
ગરમાળાનું પાપ

કુહાડી લઈ કાપી નાખો હાથ સરીખી ડાળી
નળી લઈને જગ આખા પર તડકો રેડે માળી
લૂ ફુત્કારતો સાપ છે આ તો લૂ ફુત્કારતો સાપ
ગરમાળાનું પાપ

ટપ્પ દઈ ચોથા માળેથી પાન લીલેરું ટપકે
સહેજ લખું ત્યાં અણી બટકતી, જીવ અડધેથી બટકે
ઝાડ નીચે સૂતેલો છાયો નિંદરમાંથી ઝબકે
ઊંચા સાદે મૌન રહું, સહુ આઘે-આઘે ભટકે
વિધવાનો વિલાપ છે આ તો વિધવાનો વિલાપ
ગરમાળાનું પાપ

જોવા દોને સપનાનું શબ એક વખત જોવા દો
જેમ સ્વજનને ખોયા એમ જ સાનભાન ખોવા દો
વચન નથી આ, થાપ છે આ તો વચન નથી, આ થાપ...
- કુલદીપ કારિયા

Read More

બકા...🤣😅😃👇👇👇👇

તમે ખૂબ યાદ આવો છો બકા,
દૂર રહી ખૂબ તડપાવો છો બકા.

કેમ છોડીને ચાલ્યા ગયા મૂજને?
પાંપણોને ખૂબ ભીંજાવો છો બકા.

આંખો મારી રોજ ધરણા ધરે છે,
મુજ હૈયાને ખૂબ સતાવો છો બકા.

કેવી હતી રંગીન પળો યાદ આવે છે?
દૂર રહીને ખૂબ તરસાવો છો બકા.

નથી કપાતી આ કાળોત્રી રાતો હવે,
શમણે આવી ખૂબ રડાવો છો બકા.
-"મોજીલો" માસ્તર...

Read More

જીંદગી સામેથી આવીને મળી ગઈ
આપણી વચ્ચેથી દુનિયા નીકળી ગઈ

દ્રશ્ય સુકાતા ગયા તો એમ લાગ્યું
એક નદી આંખોમાં થોડી ખળભળી ગઈ

મૌનથી પ્હોંચી હૃદય સુધી જ સીધી
દૂરનું અંતર હતું ને સાંભળી ગઈ

ઊગવામાં આભ લગ ઊગી ગયેલા
પ્રેમની માટી જરા બસ ઓગળી ગઈ

દ્વારકા સમજણની લેવામાં જુઓને
હાથમાંથી બાળપણની વાંસળી ગઈ
અંકિત ત્રિવેદી

Read More

આ તે કેવી યાતના, આ તે કેવા હાલ !
જેવી આજે જોઈ છે, ના દેખાડે કાલ.

ધોળા-ભગવા બેઉમાં, ધોળો મોટો પીર,
હોસ્પિટલ હો શામળો, શાને જઉં મંદિર ?

ચીસો એકસો આંઠની, સંભળાતી ચોકોર,
ભીતર તાતાથૈ કરે, શ્વાસોના બે મોર !

આ કેવી સંવેદના ? આ કેવી દરકાર ?
કોરટ ઉધડો લે પછી, નિર્ણય લે સરકાર.

સાંજે પાછા ઘર જતા, પડતી રુદિયે વીજ,
મનમાં-મનમાં બાંધતો, હું ઘરને તાવીજ.

નાના-મોટા જે ગણો, સૌના સરખા હાલ,
સેવા તો મળશે બધે, ક્યાંથી મળશે વ્હાલ ?

'નિનાદ' એક જ પ્રાર્થના, સૌનું સારું થાય,
હું સંધાતો હોઉં તો, પહેલા તું સંધાય !

- નિનાદ અધ્યારુ

Read More

આવીને હું ઉભો છું કેવા પ્રકાશમાં ?
નાચે છે નગ્નતા જ્યાં પુરા લિબાસમાં!!

મારી જ કાંધ ઉપર મારી જ લાશ લઈ-
ભટકું છું હું એ જિંદગી ! તારી તલાશમાં.

સાકી ! શરાબ ખાનું ફૂંકી દે તું હવે ,
ના દમ શરાબમાં છે ના દમ છે પ્યાસમાં.

જીવન વહે છે આજે કાગળની નાવ પર,
તરણાંઓ હાથ આવે કાંઠાના ભાસમાં.

અંતિમ શ્વાસ સુધી બસ ભાગ-દોડ છે ,
મૃગજળ સમી છે મંઝિલ જીવન પ્રવાસમાં.

બરબાદીઓ ! હજુ હું હારી નથી ગયો;
દિલમાં હજુ છે હિંમત, શ્રદ્ધા છે આશમાં.

માનવમાં માનવીનો અણસાર ના રહ્યો,
કેવો વિનાશ છે આ "કાયમ" વિકાસમાં.

કાયમ હઝારી
મોરબી.

Read More

◾ટપ ટપોટપ લાશ ખરે છે

ડાળ ખરે છે,પાન ખરે છે આખ્ખે આખ્ખું ઝાડ ખરે છે.
ટપ ટપોટપ લાશ ખરે છે, આ તે કેવો કાળ ફરે છે.

'વેન્ટિલેશન' જડે નહીં ને 'વેન્ટિલેટર' ખૂટી પડ્યા છે.
હાંફી ગ્યો છે દેશ આખ્ખો,ચાબુક આ તે કેવા અડ્યા છે ?
લેશે ઉગારી શ્રદ્ધા નામે તત્વ અગોચર શ્વાસ ભરે છે.

ડાળ ખરે છે,પાન ખરે છે આખ્ખે આખ્ખું ઝાડ ખરે છે.

દશે દિશામાં ફરી વળ્યા છો,કહો કઈ દિશામાં જાશો ?
ઢગલો થઈ ગઈ છે લાશો, કહો કેટલા મરશિયા ગાશો ?
હિંમત નામે શ્વાસ ભરી દો તો માણસનો ડર મરે છે.

ડાળ ખરે છે,પાન ખરે છે આખ્ખે આખ્ખું ઝાડ ખરે છે.

ટપ ટપોટપ લાશ ખરે છે, આ તે કેવો કાળ ફરે છે.
ડાળ ખરે છે,પાન ખરે છે આખ્ખે આખ્ખું ઝાડ ખરે છે.

~ પ્રવીણસિંહ ખાંટ

Read More

ઉઘાડી છાતી નબળી ને સમયના હાથમાં ખંજર,
ઉપરથી કાઠી નબળી ને સમયના હાથમાં ખંજર.

સમસ્યા ફેણ કાઢીને ઊભી છે નાગની માફક,
મળી છે લાઠી નબળી ને સમયના હાથમાં ખંજર.

લડું તો કોની સામે, ક્યાં સુધી ચારો તરફ એક્કા,
પડી છે બાજી નબળી ને સમયના હાથમાં ખંજર.

હજી છે આપણી પાસે સમજની ઢાલ ફૌલાદી,
બધી આબાદી નબળી ને સમયના હાથમાં ખંજર.

ખબર પડતી નથી આ વાઈરસની એ,બી,સી,ડી કંઈ,
જીવનની પાટી નબળી ને સમયના હાથમાં ખંજર.

જુની પતવાર પણ તોફાન સામે શું કરે 'સાગર',
અમારી આંટી નબળી ને સમયના હાથમાં ખંજર
રાકેશ સગર, સાગર, વડોદરા

Read More

થશે ક્યારે રમત પૂરી, હવે જલ્દી જણાવી દે,
તું કાં તો આવ અહીં, કાં તો મને ઈશ્વર બનાવી દે !

બધાંએ શક્તિ મુજબ દાનપેટીમાં ધર્યા રૂપિયા,
પડ્યાં ઓછા તને કે હોસ્પિટલના બિલ ચડાવી દે ?

દુઆ માટે ઉભા'તાં એ દવા માટે ઉભેલા છે,
લખી દે એમને હૂંડી અને હૂંડી ચલાવી દે.

જો લાશો પણ ઉભી છે રાહ જોઈને કતારોમાં,
ભલે ઘર ના દીધું, તું એક ભઠ્ઠી તો અપાવી દે !

'નિનાદ' એ ધારે તો રોશન નગરને પણ કરે સૂમસામ,
એ ધારે તો અહીં સમશાનને પણ ઝગમગાવી દે !

- નિનાદ અધ્યારુ

Read More