THIK 6 MARA BHAઈ......
ઠીક છે મારા ભાઈ
આ તો કરવા ખાતર કરીએ બઘું
સ્મિત પહેરીને ફરીએ વઘુ
બાકી તો આ સંબંધોમાં જ્યાં જુઓ ત્યાં
ઠેકઠેકાણે હોય છે મોટી ખાઈ
ઠીક છે મારા ભાઈ…
રોજ ઉડાડી જાતના લીરા લાગીએ સવા લાખના હીરા
ઠાવકા રહી બોલીએ એવું જળમાં જાણે પાડીએ ચીરા
સાવ રે ઠાલાં પગમાં છાલાં તો ય પ્હેરીને ફરતા રહીએ
બૂટની ઉપર સૂટ ને પાછી હોય ગળામાં ટાઈ,
ઠીક છે મારા ભાઈ…
રોજ પળેપળ બદલી લઈએ કેટલા ચ્હેરાં કેટલાં મ્હોરાં
દરિયે છપાક ડૂબકી મારી નીકળી જઈએ સાવ રે કોરાં
મૂકવું પડે, ઝૂકવું પડે, ગમતું બઘું કરવું પડે
તોય ભેજામાં લઈને ફરીએ કેટલી રાઈ ?
ઠીક છે મારા ભાઈ…
હૂંફને જરીક ઝીલીએ ત્યાં તો આપણું આખું તળિયું તૂટે
ટેરવા ઘડીક ટહુકે ત્યાં તો મૂળમાંથી આંગળીયું તૂટે
કેટલું કેટલું હોય ખોવાનું હાથવગું તો હોય રોવાનું
તોય ફરી ફરી કોક મજાનાં ગીતની માફક જિંદગી આખી ગઈ
ઠીક છે મારા ભાઈ…
~ કૃષ્ણ દવે