પડદો હટાવી દઉં તો નહીં ઓળખી શકો,
નાટક બતાવી દઉં તો નહીં ઓળખી શકો...
પરછાઈને લીધે જ પરિચય છે આપણો,
સૂરજ છૂપાવી દઉં તો નહીં ઓળખી શકો...
રહેવા દો કૈંક ભેદ હવે દરમિયાનમાં,
ધુમ્મસ બૂઝાવી દઉં તો નહીં ઓળખી શકો...
ચહેરા ઉપરના સર્વ ઉદાસીના ભાવને,
ઘરમાં સજાવી દઉં તો નહીં ઓળખી શકો...
ભટક્યા છો ઠેર-ઠેર તમે જેની શોધમાં,
એ ચીજ લાવી દઉં તો નહીં ઓળખી શકો...