Spacecraft Saw Ice Water On Planet Mercury
સૂર્યના અત્યંત નજીકના આ ગરમ ગ્રહ પર પાણી.........................!
નાસાના સ્પેસક્રાફ્ટને બુધ ગ્રહ પર બરફનું પાણી દેખાયું
- સૂર્યના અત્યંત નજીકનો આ ગ્રહ અત્યંત ગરમ છે, અને તેના પર હંમેશા જ્વાળામુખીના વધારે દર્શન થાય છે,ત્યારે પાણી મળતાં વૈજ્ઞાનિકોને આશ્ચર્ય
નાસા દ્વારા અવકાશી સંશોધનો કરવામાં જે રીતે પહેલ કરવામાં આવે છે અને તે રીતે માનવ જાતને અવકાશી શોધો અને ગ્રહોની હિલચાલ તેમજ વિવિધ ગ્રહોની તાસીર અંગે જાણકારી આપવામાં આવે છે તેનાથી ધરતી પર વસતા લોકો પણ અવકાશ અંગે થોડી ઘણી જાણકારી રાખતા અને રસ ધરાવતા થઇ ગયા છે. મંગળ ગ્રહ પર ધૂળનું તોફાન શરૂ થયાની જાહેરાત કર્યાના બે દિવસમાં નાસાના સૂત્રોએ એવી જાહેરાત કરી હતી કે તેમના સ્પેસ ક્રાફ્ટએ મરક્યુરી એટલે કે બુધ ગ્રહ પર બરફનું પાણી જોયું છે.
માત્ર બરફનું પાણી જ નહીં, બુધ પર અન્ય ફ્રોઝન મટિરિયલ્સ પણ જોવા મળ્યા છે,જે બાબત અવકાશી વૈજ્ઞાનિકો માટે ચોંકાવનારી છે કેમકે બુધ એ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે અને એટલે જ એટલો ધગધગતો છે કે તેમાં કાયમ જ્વાળામુખી કે પોલાર ક્રેટર્સ જ જોવા મળતા હોય તેમાં જો પાણીના દર્શન થાય એટલે આ શોધનું મહત્વ ઔર વધી જવા પામે.
નાસાના મરક્યુરી સરફેસ, સ્પેસ એન્વાયરમેન્ટ, જીઓકેમેસ્ટ્રી, રેન્ગિંગ વગેરે સ્પેસ ક્રાફ્ટ બુધ ગ્રહની હિલચાલથી માંડી તેનો વિશદ અભ્યાસ કરી રહ્યા છે.
નાસાએ માર્ચ ૨૦૧૧થી બુધને જાણવાની દિશામાં આગેકૂચ કરી છે. નાસાના સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે પાણીનો પ્રવાહ એટલો બધો દેખાયો છે કે જો તેને વોશિંગ્ટન ડીસીના એરિયામાં ફેલાવામાં આવે તો તે બે માઇલ જેટલો પથરાય.
- જીવનના અણસાર નથી
વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો હતો કે બુધ પર જીવનની જો કે કોઇ જ સંભાવના નથી. સૂર્યથી અત્યંત નજીક હોવાને લીધે ત્યાં તાપમાન ખૂબ જ વધારે હોય છે. પરંતુ ઓર્ગેનિક પદાર્થ મળવાને લીધે પૃથ્વી પર જીવનની શરૂઆત અંગે કોઇ મહત્ત્વની કડી મળી શકે છે.