“કોઈનો લાડકવાયો”

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે:

⁠ઘાયલ મરતાં મરતાં રે
⁠માતની આઝાદી ગાવે.

કો'ની વનિતા, કો'ની માતા, ભગિની ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી;

⁠મુખથી ખમ્મા ખમ્મા કરતી
⁠માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોદ્ધા જોવાને,
શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાને;

⁠નિજ ગૌરવ કેરે ગાને
⁠જખ્મી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;

⁠અણપૂછ્યો અણપ્રીછેલો
⁠કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળાં નવ કોઇ બહેની લાવી;

⁠કોઇના લાડકવાયાની
⁠ન કોઇએ ખબરે પુછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યા ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી:

⁠કોઇનો લાડકવાયાની
⁠આંખડી અમૃત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં:

⁠આતમ-દીપક ઓલાયા,
⁠ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઉપર કર-જોડામણ કરજો:

⁠પાસે ધૂપસળી ધરજો,
⁠કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો!
​
વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ઠ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરે:
⁠સહુ માતા ને ભગિની રે!
⁠ગોદ લેજો ધીરે ધીરે
વાંકડિયાં એ જુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
⁠રે! તમ ચુંબન ચોડાતાં
⁠પામશે લાડકડો શાતા.
લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી,
⁠ઉરની એકાન્તે રડતી
⁠વિજોગણ હશે દિનો ગણતી.
કંકાવટીએ આંસુ ઘોળી છેલ્લું તિલક કરતા,
એને કંઠ વીંટાયા હોશે કર બે કંકણવંતાઃ
⁠વસમાં વળામણાં દેતા,
⁠બાથ ભીડી બે પળ લેતા.
એની કૂચકદમ જોતી અભિમાનભરી મલકાતી,
જોતી એની રુધિર-છલકતી ગજ ગજ પહોળી છાતી,
⁠અધબીડવાં બારણિયાંથી
⁠રડી કો હશે આંખ રાતી.
એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢેઃ
⁠કોઈના લાડકવાયાને
⁠ચૂમે પાવકજ્વાલા મોઢે.
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થ૨ ૫૨ કોતરશો નવ કોઈ કવિતા લાંબી;
⁠લખજો: ખાક પડી આંહીં
⁠કોઈના લાડકવાયાની’
🥵
- Umakant

Gujarati Poem by Umakant : 111992498

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now