દશા દેખી મલકનીને વારિ વરસાવો મેઘરાજા.
શીદને હજુએ તમે આટલા તરસાવો મેઘરાજા.
તપી રહી છે ધરા સૂરના તાપે રખરખતી જાણે,
એને અમીશાં શીળાં વારિ તો અપાવો મેઘરાજા.
ઉનાળાની પરાકાષ્ઠા સહુ કોઈને અકળાવી દેતી,
રીમઝીમ ધારે વરસી ઉરઅગનને ઠારો મેઘરાજા.
મૂક પશુપંખી પણ નજર આભે માંડીને બેઠાં કેવાં,
એની તૃષાવેદના છે અપાર એ છીપાવો મેઘરાજા.
જગનો તાત ઝંખે છેને વલખી રહ્યો છે વૃષ્ટિ કાજે,
અનરાધારે વરસી જળરાશિ છલકાવો મેઘરાજા.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.