એક પળને ના તમે સમજી શક્યા કે ના અમે સમજી શક્યા
આ જીવનને ના તમે સમજી શક્યા કે ના અમે સમજી શક્યા
એક ચીઠ્ઠી આપણે વાંચ્યાં કરી વર્ષોના વર્ષો તે છતાં
ખુશખબરને ના તમે સમજી શક્યા કે ના અમે સમજી શક્યા
કંઈક રાતો આંખને મીંચ્યા વગર બંને જણા બેસી રહ્યાં
જાગરણને ના તમે સમજી શક્યા કે ના અમે સમજી શક્યા
આપણી અંદર રહીને રોજ આપણને જ જે પીતી રહી
એ તરસને ના તમે સમજી શક્યા કે ના અમે સમજી શક્યા
અન્યને રાજીખુશી મંઝિલ સુધી જે લઈ ગયો એ માર્ગનાં
છળકપટને ના તમે સમજી શક્યા કે ના અમે સમજી શક્યા
ભાવિન ગોપાણી