ક્રિસ્પી ડેથ (ભાગ-4)
શહેરના સૌથી મોટા ફાઈવ સ્ટાર હોટલના ટેરેસ પર કોર્પોરેટર ગજરાજ સિંહની વર્ષગાંઠની પાર્ટી ચાલી રહી હતી. સંગીત, લાઈટ્સ અને મોંઘી વાનગીઓની મિજબાની હતી. ઇન્સ્પેક્ટર વિક્રમ હાંફતા હાંફતા ત્યાં પહોંચ્યા. તેમનો શ્વાસ અધ્ધર હતો, કારણ કે 'સંજય' નામના એ કાતિલનો આગલો શિકાર ગજરાજ સિંહ જ હતા.
વિક્રમે જોયું કે ગજરાજ સિંહના ટેબલ પર પણ એ જ 'ગોલ્ડન પોટેટો' કાફેની સ્પેશિયલ ફ્રેન્ચફ્રાઈઝ સર્વ કરવામાં આવી હતી.
"રોકાઈ જાઓ! કોઈ આ ખાશો નહીં!" વિક્રમે બૂમ પાડી. આખી પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો.
ગજરાજ સિંહે હસતા હસતા કહ્યું, "ઇન્સ્પેક્ટર, તમે પણ આ નાસ્તાના દીવાના થઈ ગયા લાગે છે? આ તો શહેરની બેસ્ટ ફ્રાઈઝ છે."
વિક્રમે પ્લેટ ઝંચૂટી લીધી અને તપાસી. પણ આ વખતે કંઈક અલગ હતું. ફ્રાઈઝની નીચે લોહી નહીં, પણ એક નાની ડિજિટલ ચીપ હતી. વિક્રમે તરત જ પોતાના લેપટોપ સાથે એ ચીપ કનેક્ટ કરી.
સ્ક્રીન પર એક વિડિયો પ્લે થયો. આ વિડિયો પાંચ વર્ષ જૂનો હતો. જેમાં આર્યન, સમીર અને ગજરાજ સિંહ એક ટેબલ પર બેસીને દિનુ કાકાની જમીનના કાગળો પર સહી કરી રહ્યા હતા. વિડિયોમાં દિનુ કાકા બહાર રડી રહ્યા હતા અને ગજરાજ સિંહ અંદર બેસીને ફ્રેન્ચફ્રાઈઝ ખાતા ખાતા હસતા હતા.
વિડિયોના અંતે સંજયનો અવાજ સંભળાયો:
"મેં તમને ઝેર નથી આપ્યું. મેં તમને તમારો જ અરીસો બતાવ્યો છે. પણ યાદ રાખજો, જે સ્વાદ તમે આજે માણ્યો છે, એ છેલ્લો હશે. કારણ કે 'ધ ગોલ્ડન પોટેટો' કાફેના દરેક બટાકામાં મેં એક એવું કેમિકલ ભેળવ્યું છે જે 24 કલાક પછી કામ કરવાનું શરૂ કરશે."
પાર્ટીમાં હાજર રહેલા અડધાથી વધુ મહેમાનો, જેમણે હમણાં જ એ ફ્રાઈઝ ખાધી હતી, તેમના ચહેરા પીળા પડી ગયા. ગજરાજ સિંહના હાથમાંથી કાચનો ગ્લાસ છૂટી ગયો.
વિક્રમે ચારેબાજુ નજર દોડાવી. વેઈટરના ડ્રેસમાં એક વ્યક્તિ દૂરથી વિક્રમ સામે જોઈને સ્મિત આપી રહ્યો હતો. એ બીજું કોઈ નહીં પણ સંજય હતો!
વિક્રમ તેની પાછળ ભાગ્યો, પણ સંજય હોટલના ટેરેસ પરથી નીચે કૂદી ગયો. શું સંજયે આત્મહત્યા કરી લીધી? કે પછી આ તેની કોઈ મોટી ગેમનો હિસ્સો હતો?