શિર્ષક 
દિલ ખાલી તો જીવન ખાલી - હરખનાં આંસુનાં હકદારો 
ભાગ - એક 
પ્રકાર
દરેકે દરેક સંબંધોમાં, 
એકબીજા પ્રત્યે પ્રેમ, અને લાગણીનું સાચુ મૂલ્ય શું હોવું જોઈએ ? 
એને રસપ્રદ રીતે ઉજાગર કરતી, ને એક એક ભાગ વાંચતા મનમાં ને મનમાં જ, 
વાહ વાહ ના શબ્દો બોલવાં પ્રેરતી, ને સાથે સાથે, 
વાર્તાનાં દરેક ભાગનાં અંતથી લઈને, છેક એનાં અંતિમ ભાગ સુઘી, 
હવે શું ? હવે શું ? નો રસ જાળવી રાખે એવી 
આ વાર્તા અસલમાં ફિલ્મની જ વાર્તા છે.
સ્થળ - 
અતિ ધનિક શ્રેણીમાં ગણાતાં વિસ્તારનો એક રોડ.
સમય - 
મધ્ય રાત્રિનો
શહેરનાં એક પોલીસ સ્ટેશનમાં હજી હમણાં જ પોલીસને કોઈ એક્સિડન્ટ થયાનો ફોન આવ્યો હોવાથી, 
તાબડતોડ પોલીસની એક ગાડી અકસ્માતનાં બનાવ સ્થળે જઈ રહી છે. 
મોડી રાત્રિનો સમય હોવાથી, 
રોડ પર વાહનોની અવરજવર બિલકુલ "ના" બરાબર છે.
થોડી જ વારમાં પોલીસની ગાડી 
એ એક્સિડન્ટ થયેલ જગ્યા પાસે પહોંચે છે. 
ને એજ સમયે, 
સામેની બાજુએથી એમ્બ્યુલન્સ પણ આવીને ઊભી રહે છે.
પોલીસ અધિકારી પોતાની ગાડીમાંથી નીચે ઉતરે છે, 
ને ઊતરતા જ, 
ઊડતી નજરે, 
અકસ્માત થયેલ સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરે છે.
તેઓ જુએ છે કે, 
રોડની બિલકુલ વચ્ચોવચ, 
એક લક્ઝુરિયસ કાર ઉભી છે, અને તે કાર પાસે એક યુવક, અને એક યુવતી ઊભા છે.
યુવક આમ તો દેખાવે આકર્ષક ચહેરો, અને શરીરે ખડતલ છે, પરંતુ, 
એણે પહેરેલ પેન્ટ-શર્ટ પરથી, કોઈપણ વ્યકિત અંદાઝ લગાવી શકે કે,  
એ યુવક મધ્યમ વર્ગીય પરીવારનો હશે. 
જ્યારે એની પાસે ઉભેલી યુવતીએ મોંઘો, ને કોઈ પ્રસંગમાં પહેરાય એવો ડ્રેસ પહેર્યો છે.
ને દેખાવે પણ એ યુવતી, કોઈ ધનવાન પરિવારની દિકરી હોય એવી લાગી રહી છે.
વધારેમાં પોલીસ ઈન્સ્પેકટર જુએ છે તો, 
એ યુવક, અને યુવતી જ્યાં ઊભા હતાં, ત્યાંથી થોડેક જ દૂર, 
એક જુની સાઈકલ, ને એ પણ સાવ તૂટેલી હાલતમાં પડેલી છે. 
ને એ તૂટેલી સાયકલની બાજુમાં જ, 
એક ખૂલી ગયેલું ટિફિન, અસ્તવ્યસ્ત રીતે પડ્યું છે.
ને એ સાયકલથી થોડાં જ અંતરે, 
એક અર્ધ-બેભાન અવસ્થામાં કોઈ વોચમેન, ઘાયલ થઈને રોડ પર પડ્યો છે.
ને એનાં માથાનાં, અને હાથનાં ભાગેથી થોડું લોહી હજી પણ વહી રહ્યું છે.
મોડી રાત્રિનો સમય હોવાથી વધારે તો નહીં, 
પરંતુ, 
બે પાંચ લોકો એ ઘાયલ વોચમેન પાસે ઊભા છે.
થોડી જ ક્ષણોનાં આ નિરિક્ષણ બાદ તુરંત, 
પોલીસ ઈન્સ્પેકટર, અને બે હવાલદાર એમનું કામ ચાલુ કરી દે છે.
એક તરફ સ્થળ પરનાં ફોટોગ્રાફ, 
બીજી બાજુ પંચનામું લખાઈ રહ્યું છે.
ગણતરીની મિનિટોમાં જ, 
ઘાયલ વોચમેનને એમ્બ્યુલન્સમાં બેસાડી એમબ્યુલન્સ હોસ્પિટલ રવાના થાય છે. 
પોલીસ પણ પંચનામાનાં લખાણ બાદ ગાડી ચલાવી રહેલ પેલો યુવક, 
કે જેનું નામ વિરાટ છે, 
વિરાટને પોલીસ સ્ટેશન લઈ જવા માટે,  
બે હવાલદાર વિરાટના હાથ પકડીને, પોલીસ જીપ તરફ લઈ જઈ રહ્યો છે. 
આ બાજુ પેલી યુવતી પણ ગાડી લઈને પોતાનાં ઘર તરફ નીકળી રહી છે.
હવાલદાર વિરાટને લઈને પોલીસની ગાડીની નજીક પહોચેતા, 
હવાલદાર વિરાટને ખભેથી હળવો ઈશારો કરતા, વિરાટને ગાડીમાં બેસવા માટે કહે છે. 
ગાડીમાં બેસવા વિરાટ પોતાનો એક પગ જીપનાં પગથિયાં પર રાખે છે, ને ત્યાંજ, 
એને કંઈ યાદ આવતાં... 
વિરાટ જીપમાં બેસતા પહેલા એક નજર ઉપર આકાશ તરફ, 
પ્રભુ તરફ રાખીને બિલકુલ ધીમા અવાજે બોલે છે કે.....
વિરાટ :- હે પ્રભુ
આજથી ચાર મહિના પહેલા, 
મેં બે હાથ જોડીને કરેલ પ્રાથનામાં, 
તારી પાસે કંઈ માગ્યું હતું, 
ને આજે 
થૅન્ક ગોડ, કે આજે તે મારી એ માંગણી સ્વીકારી લીધી.
હે પ્રભુ, 
હું તારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે.
મારે મારાં પુરા જીવનમાં, હવે તારી પાસે બીજું કંઈ વધારે  માંગવાની જરૂર નથી, 
મારી એક પ્રાથનામાં, તે બધું જ આપી દીધું છે. 
ને તારી આ કૃપાથી જ, 
આજે મારામાં એ વિશ્વાસ આવી ગયો છે કે, 
હવે હું મારાં એ મકસદ સુધી જરૂરથી પહોંચી જઈશ, કે જે મેં તારી પાસે માંગ્યું હતું. 
આમ દિલથી ભગવાનનો આભાર માની,
વિરાટ પોલીસ જીપમાં બેસે છે.
લેખક નોંધ - 
વાચક મિત્રો, આ પહેલો ભાગ વાંચીને તમને મનમાં કુતૂહલ થતું હશે કે, 
આ વિરાટ એક્સિડન્ટનાં કેસમાં પોલીસનાં હાથે પકડાયો છે, ને કદાચ એને જેલ પણ થઈ શકે છે, છતાં એણે ઈશ્વરનો આભાર કેમ માન્યો ?
શું કોઈ વ્યકિત પ્રભુ પાસે, ગુનો કરીને જેલમાં જવાનાં આશિર્વાદ માંગી શકે ?
ના મિત્રો એવું કશું નથી, પરંતુ જે છે, 
એ એટલું હ્રદયસ્પર્શી છે કે, 
માત્ર વિરાટ જ નહીં, 
વાર્તાનાં મોટા ભાગના પાત્રો, ને પ્રસંગો વાંચતા-વાંચતા... 
તમારાં મોંઢેથી "શાબાશ" શબ્દ તો નિકળવાનો જ છે, 
એની ગેરંટી હું તમને આપું છું.
વધારે ભાગ બે માં 
આભાર
શૈલેષ જોષી