Abhinna - 6 in Gujarati Love Stories by Rupesh Sutariya books and stories PDF | અભિન્ન - ભાગ 6

Featured Books
Categories
Share

અભિન્ન - ભાગ 6

ભાગ ૬ 


 સવાર થયું અને હરિનો આખો પરિવાર ગેટ પાસે ઉભેલો. રાહુલની ગાડી દરવાજાની સામે હતી અને મહેશ તેઓનો સમાન ગાડીમાં મૂકી રહ્યો હતો. પ્રિતી વર્ષા પાસે ગઈ અને તેને પગે લાગી. "ખુશ રહેજો!" કહી તેણે આશીર્વાદ આપ્યા. રાહુલે પણ પોતાની મમ્મીના આશીર્વાદ લીધા અને પછી બંને રીતુ પાસે ગયા.

બંને એકસાથે તેને પગે લાગ્યા. તેઓ નીચે જુકે એ પહેલા જ રીતુએ તેઓને પકડી લીધા. "અરે અરે, તમારું જીવન ખુબ સરસ વીતે એવી ભગવાનને પ્રાર્થના છે મારી." કહેતા તેણે પોતાનો વ્હાલ ભરેલો હાથ બંનેના ગાલ પર ફેરવ્યો.

રજા લેવા રાહુલ હરિ પાસે ગયો અને પ્રીતિ તેની બાજુમાં ઉભેલી નિશા પાસે ગઈ. નિશા પોતાના ભાભીને આલિંગન આપીને ઉભી રહી અને રાહુલે પોતાના અંકલ પાસેથી જવા માટે રજા અને આશીર્વાદ માગ્યા. હરિએ એને ભેટી "ચાલ ધ્યાન રાખજે તારું!" કહેતા જવાની રજા આપી.

બાજુમાં ઉભેલો મહેશ આ બધું જોઈ રહ્યો હતો અને તે બોલ્યો; "બ્રો, અહીં બીજા પણ ઘણા બધા છે."

એને સાંભળી રાહુલ એના તરફ ફર્યો અને બંને ભાઈ ભેટી પડ્યા.

રાહુલ બોલ્યો; "ચાલ, આવજે."

મહેશે ડચકારો કરી ના પાડી. રાહુલને આશ્વર્ય થયું. એણે પૂછ્યું, "તો?"

"ચાલો મળીયે." કહેતા તેણે હસી સાથે પોતાના ભાઈને વિદાય આપી. બધાને મળી અને રજા લઈને બંને ગાડીમાં બેસી ગયા. વર્ષા અને હરિનો આખો પરિવાર હાથ હલાવી તેને બાય કહેવા લાગ્યો અને ગાડી ધીમે ધીમે ચાલવા લાગી. તેઓના ગયા બાદ બધા અંદર જતા રહ્યા પણ મહેશ ત્યાંજ ઉભા ઉભા દૂર જતી તેઓની ગાડીને જોતો રહ્યો.

આડા અવળા રસ્તાઓને ચીરી 172 કિલોમીટર નું અંતર કાપી રાહુલની ગાડી પ્રીતિને લઈને ઉમરાળાથી અમદાવાદ આવી પહોંચી. આખે રસ્તે રાહુલ પોતાનામાં જ ખોવાય રહેલો. પણ જિંદગીમાં પહેલીવાર શહેરમાં રહેવા જતી નાનકડા ગામડાની પ્રીતિને ઉમંગ અને ઉત્સાહ હતો. એની આંખોમાં નવા નવા દ્રશ્યો સર્જાતા રહ્યા અને પહેલીવાર પતિ સાથે પોતાના નવા ઘેર જતી એ સ્ત્રી અંતર્મનમાં આવનારા ભવિષ્યની કલ્પના કરવા લાગી.

રાહુલની ગાડી આવીને એના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઉભી રહી.

"ચોથા માળે છે. તું જા, હું આ બેગ લઈને આવું છું." કહી રાહુલે પ્રીતિને જવા માટે કહ્યું તો તે બોલી, "આટલો બધો સામાન છે, હું થોડો લઈ લવ."

"પ્રીતિ હું મેનેજ કરી લઈશ. તું ઉપર જા, લે આ ચાવી છે. જઈને દરવાજો ખોલ, હું વોચમેનને કહું છું. એ કોઈ માણસને મોકલશે એટલે હું આ લઈને આવું છું."

"એક બેગ હું લઈ જાઉં છું." કહી તેણે એક બેગ લીધી. રાહુલે તેનો હાથ પકડી બેગ મુકાવતા બોલ્યો; "શું કરે છે પ્રીતિ? હું તને કહું છું, તું જા હું લેવરાવી લઈશ."

એના હાથ પર પોતાનો હાથ મુકતા પ્રીતિ બોલી; "હું કરી લઈશ, મને કરવા દો. પ્લીઝ!"

એનું આ પ્લીઝ સાંભળી રાહુલ એને વધારે ફોર્સ ના કરી શક્યો.

 

ઉપર આવી પ્રીતિએ દરવાજો ખોલ્યો તો અંધકારમય ઘરમાં એને આછું દ્રશ્ય દેખાયું. દરવાજો ખોલવા સહેજવાર બાજુમાં મુકેલી પોતાની બેગ લઈને પ્રીતિ અંદર આવી. ઘરની ચારેય બાજુ એણે નજર કરી. આખું ઘર ધૂળથી ભરેલું અને ગંદુ બની ગયેલું. ઘરની તમામ વખારીને સફેદ કપડામાં લપેટી લીધેલી અને તે સફેદ કાપડ પર ધૂળના થર બાજેલા. માત્ર દરવાજામાંથી જ પ્રકાશ અંદર આવી રહ્યો હતો અને એના આછા પ્રકાશમાં પ્રીતિ બંધ હાલતના પોતાના નવા ઘરના દર્શન કરતી હતી.

તે આ જોવામાં વિસ્મિત હતી કે અચાનક ઘરની લાઈટ ચાલુ થઈ. એણે પાછળ દરવાજા તરફ જોયું તો રાહુલ અને એક કામદાર ચાકર એનો બાકીનો સમાન લઈને આવી ગયેલા. સમાન મુક્યો એટલે રાહુલે પોતાના પર્સમાંથી થોડા પૈસા કાઢીને પેલા માણસને આપ્યા અને એનો ઉપકાર માની તે માણસ ચાલતો થયો. દરવાજો બંધ કરી રાહુલ અંદર આવ્યો અને પ્રીતિ સામે જોઈને બોલ્યો; "ઘર છેલ્લા પંદર દિવસથી બંધ હતું ને! એટલે થોડું ગંદુ દેખાય છે."

એના આ વાક્યનો ખુબ જ શાંતિથી અને નમ્રતાથી, માત્ર "હમ્મ..." કહીને તેણે જવાબ આપ્યો.

રાહુલ બોલ્યો; "પેલો માણસ જતો રહ્યો, હું પણ ભૂલી ગયો. એને કે'ત, તો એ કોઈ સફાઈવાળાને મોકલી દેતો. પણ તું ચિંતા નૈ કર, હું કોઈ માણસને બોલાવીને ઘરની સાફ સફાઈ કરાવી લઉં છું."

"ના એની કોઈ જરૂર નથી. હું કરી લઈશ."

રાહુલને આશ્વર્ય થયું, "તું! ના તું રે'વા દે. હું મેનેજ કરીને કરાવી લઈશ. તું થાકી ગઈ હોઈશ. આરામ કર."

ઇન્કાર કરતા પ્રીતિ સ્મિત આપીને બોલી; "હું કહું છુંને. હું કરી લઈશ. આમેય પોતાના ઘરની સફાઈ કરવામાં શું વાંધો હોય. હવે તો પહેલા ઘર સાફ કરીશ અને પછી જ આરામ કરીશ."

શહેરમાં રહેતો રાહુલ જે આજ સુધી પોતાના દરેક કામ ભાડાના માણસો રાખીને કરાવતો. એને પ્રીતિનું આ વલણ આશ્વર્યમાં મૂકી રહ્યું હતું. પ્રીતિની વાતને સાંભળી ના પડતું એનું મોઢું ખુલ્લું રહી ગયું પણ એના મોઢામાંથી "ના" શબ્દ ન નીકળ્યો. મુસ્કાન આપીને પ્રીતિ ઘરની બારી પાસે ગઈ અને તેના પડદા ખોલવા લાગી. એક પછી બીજી. એને જોતા રાહુલ એક ઊંડો શ્વાસ લઈને પોતાની રૂમ તરફ જતો રહ્યો.

શોખીન અને રંગીન એવા રાહુલની પસંદગી ખુબ ઊંચી હતી. નાની ઉમ્મરથી શહેરમાં આવી ગયેલા રાહુલના હાથમાં પૈસા પણ એટલા ઝડપથી આવેલા. આજના સમયમાં રાહુલ મિડલ ક્લાસથી ઉપર આવેલો માણસ હતો. પોતાની રૂમમાં એણે જાત જાતની ચીજ વસ્તુઓ રાખેલી. ઓઇલ પેન્ટ થયેલી હેન્ડમેડ અને ઓરિજિનલ પેઇન્ટિંગસથી શોભતી દિવાલ હતી. તો રૂમનો દરવાજો ખોલતા જ સામે અનેક પુસ્તકોની હરમાળાથી ભરેલી અલમારી. કિંગ સાઈઝના ટ્રેડિશનલ કૅનોપી બેડ. બેસવા માટે સોફા અને એક હિંચકા ખુરસી. રૂમની એક બાજુ બારી જ્યાંથી આજુબાજુના અનેક વિસ્તારના દૂર દૂર સુધી દ્રશ્યો દેખાતા. આવતાની સાથે તેણે સામેની અલમારીમાં નજર કરી. જ્યાં પુસ્તકોની વચ્ચે રહેલી જગ્યામાં એના બે ત્રણ ફ્રેમ સેટ કરેલા ફોટા હતા. તેણે જઈને એક ફોટો પોતાના હાથમાં લીધો. એ ફોટાને જોતો જ રહી ગયો કે પછી એની યાદોમાં ખોવાય ગયો.

"આ બેગ ક્યાં મુકવાની છે?" પૂછતો પ્રીતિનો અવાજ અચાનક એના કાને અથડાયો અને તે ડરી ગયો. હાથમાં રહેલી ફ્રેમ નીચે પડી. એની હાલત અચાનક ખરાબ થઈ ગઈ. ડરેલા અવાજમાં એણે બેડની બાજુમાં રહેલા કબાટ તરફ ઈશારો કર્યો. "ત્યાં... ત્યાં મુકવાની છે"

એની તરફ નજર કરતા પ્રીતિ સમજી ગયેલી કે કશુંક છે જે રાહુલના મનમાં ચાલી રહ્યું છે. પણ જાણવાની કોશિશ કરવી કે કશું બીજું પૂછવાનું તેને યોગ્ય ન લાગ્યું. ચુપચાપ જઈને પોતાની બેગ એણે કબાટમાં મૂકી અને દરવાજો બંધ કરતા કરતા પાછળ જોયું તો રાહુલનું ધ્યાન નીચે ઉંધી પડેલી ફ્રેમ પર હતું. એમાં શું છે એ તેને ન દેખાયું પણ કોઈ સ્નેપ ફોટો છે જે રાહુલ છુપાવવા માંગે છે. એમ વિચારી તે બહાર જતી રહી.

તેને બહાર જતા જોઈ રાહુલના જીવમાં જાણે જીવ આવ્યો. તેના ગયા પછી એણે પોતાનો પરસેવો લૂછી જાતને સ્વસ્થ કરી અને પુસ્તકો હટાવી એ સ્નેપને તેની પાછળ મૂકી દીધી.

 

આખરે શું હશે એ સ્નેપમાં? એવું તે શું છે કે જેનો નાનકડો ફોટો પણ રાહુલ પોતાની અર્ધાંગિનીથી છુપાવવા માંગે છે. શું પ્રીતિ આ વાત જાણી શકશે ખરી? નવા રંગો અને નવા સપના લઈને આવેલી પ્રીતિ આગળ વધી શકશે કે પછી ખુલશે ભૂતકાળના પાના. મારી સાથે, માણતા રહો આ વાર્તા