કુપ્પી ભાગ ૪
કુપ્પી અને જયેશભાઈ શાંત પડ્યા .
" જા બેટા તું પહેલા નાહી લે એટલામાં હું તારા માટે કંઈક નાસ્તો બનાવી આપુ. શું ખાઈશ બોલ ? " નીલાબેને પૂછ્યું .
" મમ્મી છ વર્ષમાં મેં જેટલી તને યાદ કરી છે એટલા જ તારા હાથના કાંદા પૌવા પણ યાદ કર્યા છે તો તું કાંદા પૌવા બનાવી દે હું નાહીને આવું છું "
થોડીવારમાં આખી ચાલીને ખબર પડી ગઈ કે કુપ્પી કેનેડાથી આવ્યો છે . આખી ચાલી જાણે એક પરિવાર જેવી જ હતી એટલે બધા જ એને મળવા ઘરમાં આવ્યા . જોકે અડધા ઘર બંધ હતા છતાં જેટલા લોકો આવ્યા એમાં તો ઘર આખું ભરાઈ ગયું અને અમુક લોકોએ તો બહાર જ ઉભા રહેવું પડ્યું .
કુપ્પી આખી ચાલી નો ફેવરેટ હતો . રમત ગમત હોય વાર તહેવાર હોય કે કોઈ પણ રીતની તકલીફ ચાલીમાં પડે તો બધા કુપ્પી પાસે મદદ માંગતા . અને એ પણ હસતા મોઢે બધા ના કામ કરી આપતો .
ચાલીના લોકો આ વખતે એક મોટી મુસીબતમાં મુકાયા હતા . કુપ્પી નું આવવું એમના માટે એક આશાનું એવું કિરણ હતું જે એમને આ મુસીબતમાંથી બહાર કાઢી શકે .
કુપ્પી નાહવા ગયો હતો ત્યારે જ એના મમ્મી પપ્પાએ ચાલીવાળા ઓને એ મુસીબત વિશે કોઈ પણ વાત કરવાની ના પાડી . " જુઓ કે અહીં એના પપ્પા માટે આવ્યો છે . અમે એના ભલા માટે અમારું મન મારીને એને અહીંથી બહાર કાઢ્યો હતો . હવે અમે નથી ઈચ્છતા કે પાછો એ કોઈ તકલીફમાં મુકાય એટલે તમે બધા એને પ્રેમથી મળી લેજો બીજી કોઈ જ વાત કરતા નહીં " નીલાબેન ના મોઢે આ વાક્ય સાંભળી ચાલીવાળા ઓના મન દુઃખી થયા . એ લોકો નીલાબેન ની ચિંતા સમજતા હતા એટલે એમણે પણ ખાતરી આપી કે એ લોકો એને પ્રેમથી મળીને જતા રહેશે અને બીજી કોઈ જ વાત નહીં કરે .
કુપ્પી તૈયાર થઈ બહાર આવ્યો . અને બધાને મળ્યો . એ કોઈને પણ ભૂલ્યો ન હતો . બધાના નામ એને યાદ હતા. બધાને પ્રેમથી મળ્યો જૂની વાતો યાદ કરી . અને જે જે લોકો મળવા ન આવ્યા તેના વિશે પૂછ્યું . પણ કોઈએ સીધો જવાબ ના આપ્યો અને કુપ્પી ને કંઈક ગડબડ હોય એવો અંદાજો આવ્યો . બધા લોકો વારાફરતી મળીને પોતાના ઘરે પાછા જતા રહ્યા .
નીલાબેને કુપ્પી ને કાંદા પૌવા આપ્યા . ખુબ શાંતિથી એક એક ચમચી સ્વાદ લઈને કુપ્પી એ કાંદા પૌવા ખાધા . " મમ્મી આ ચાલી વાળાના બધાના મોઢા કેમ ઉતરેલા હતા? કોઈ પ્રોબ્લેમ છે ? અને આ ચાલીમાં આટલી બધી રૂમો બંધ કેમ છે ? " ચા પીતા કુપ્પી એ પ્રશ્ન કર્યા .
" જો બેટા તુ એ બધી માથાકૂટમાં ના પડ . આ તો હવે ચાલી આટલી જૂની થઈ ગઈ છે એટલે ઘણા લોકો તો બીજે નવા મકાનોમાં રહેવા જતા રહ્યા છે . અને તને તો ખબર જ છે ચાલીમાં તો કઈ ને કંઈ તકલીફ ચાલુ જ હોય . તુ એ બધી વાતમાં ધ્યાન ના આપ . રાત્રે જમવામાં શું બનાવું એ બોલ ? " નીલાબેને વાત બદલવાનો પ્રયત્ન કર્યો .
" સાંજે તો કાંદા બટેટાનું શાક ભાખરી અને ખીચડી મળી જાય તો જલસો પડી જાય " કુપ્પી છ વર્ષથી મન મારીને કેનેડામાં જીવી રહ્યો હતો .
" અરે એ તો આમ બની જશે . મને તો ચિંતા હતી કે આટલા વર્ષથી ત્યાં રહ્યો અને આવીને જો પીઝા પાસ્તા માંગીશ તો ક્યાંથી આપીશ " નીલાબેને કુપ્પી ના હાથમાંથી ચા નો કપ લીધો અને એના માથે હાથ ફેરવી કપાડે પપ્પી કરી .
પહેલા જ્યારે નીલાબેન કુપ્પી ને લાડ કરતા ત્યારે જયેશભાઈ ને ગુસ્સો આવતો . પણ આજે એમને આ બધું જોઈ ખુશી થઈ રહી હતી .
" કુપ્પી ડા . . . . ! " વિનાયક એ દરવાજા પરથી બૂમ મારી અને અંદર આવી કુપ્પી ને ભેટી પડ્યો ને એને ઊંચો કરી લીધો .
વધુ આવતા ભાગમાં
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .